ભેદી વૃક્ષ
ભેદી વૃક્ષ
લેખકના બે બોલ:
“ભેદી વૃક્ષ” એ રહસ્યમય હોરર ટુંકી
વાર્તા છે. આ વાર્તા સંપુર્ણ કાલ્પનિક છે. સત્ય અને કોઇ ઘટના સાથે તેને લેવા દેવા
નથી. રોમાંચ ભરી આ વાર્તા અવનવી ઉત્કંઠના જગાવે છે. તો માણો આ સુંદર વાર્તાને અને
આપના કિંમતી પ્રતિભાવ આપવાનુ ન ચુકતા.
“અને છેલ્લે, કુવામાં રહેલા ભેદી વૃક્ષ
પાસે કોઇએ જવુ નહિ. નહિ તો જનારના મૃત્યુ માટે ગામ જવાબદાર રહેશે નહિ.” મિટિંગ
પુરી કરીને નવા બનેલા સરપંચ મેઘજીભાઇએ કહ્યુ.
**********************
“મમ્મી,
મમ્મી.” દસ વર્ષની પિનલ અને તેના ભાઇ મયંકે સ્કુલેથી આવતાવેંત મોટેથી બુમો પાડવાની
શરૂ કરી દીધી.
ઉપરના રૂમમાં સફાઇ અધુરી છોડીને નીચે
આવતા જ ફાલ્ગુનીબહેને પોતાના બંન્ને સંતાનોને વહાલથી ગળે લગાડી લીધા.
“મમ્મી, મમ્મી અમારી સ્કુલમાંથી રવિવારે
પિકનિકમાં જવાનુ છે. 300 રૂપિયા ફી છે. અમે નામ લખાવી દઇએ?” મયંકે ઉત્સાહપુર્વક
કહ્યુ.
“હા, મમ્મી પ્લીઝ.” પિનલે પણ આજીજી કરી.
“અરે, પહેલા હાથ મોં ધોઇ લો અને જમી લો ત્યારબાદ
આપણે શાંતિથી વાતો કરીએ.”
“ઓ.કે. મમ્મી.”
બંન્ને બાળકોએ ઉત્સાહથી હાથ પગ ધોઇ લીધા
અને ફટાફટ જમવા બેસી ગયા. જમી લીધા થોડી વાર ફાલ્ગુની બહેન પોતાના સંતાનો સાથે સમય
વ્યતિત કરતા. રોજની જેમ સોફા પર બંન્ને બાળકોની વચ્ચે બેસતા ફાલ્ગુનીબહેને પુછ્યુ,
“કેવો રહ્યો આજનો દિવસ?”
“મમ્મી, હવે તો બોલ અમે નામ લખાવી દઇએ
ને?” મયંકે ફરીથી પુછ્યુ.
“હા, ભાઇ, હા, પરંતુ જવાનુ કયાં છે?”
“સનયપુરા ગામ. બસ એક જ દિવસની પિકનિક
છે. વહેલી સવારે જવાનુ છે. ત્યાં પાર્ક અને ફાઉન્ટન છે. અને ત્યાં અમે રમતો રમીશુ
અને રાત થતા આવી જઇશુ.”
“ઓ.કે. નામ લખાવી દેજો અને કાલ સવારે
યાદ કરીને પૈસા લઇ જજો.”
“મારી વહાલી મમ્મી.” પિનલે લાડ કરતા
કહ્યુ.
“હા, પણ ધ્યાન રાખજો અને ક્યાંય આડા
અવળા ન જજો. તમને મોકલતા મારો જીવ ઉચ્ચક રહે છે.”
“મમ્મી, તમે જરાય ચિંતા ન કરો. અમે કોણ
છીએ? સ્માર્ટ ચાઇલ્ડસ વિનર.” મયંકે કોલર ઉંચો કરતા કહ્યુ.
***************************
“બધા બાળકો ધ્યાનથી સાંભળો.” પિકનિક
સ્પોટ પર બસ ઉભી રહી ત્યારે નીચે ઉતરતા પહેલા પ્રિંસિપાલ મહેતા સાહેબે ઉભા થઇને
કહ્યુ,
“આ પાર્કમાં આપણે બે ત્રણ કલાક રહીશુ.
બધાએ પોતાના ગ્રુપમાં સાથે રહેવુ અને પોતાની ટીમ લિડર ટીચરની પરમિશન વિના કયાંય
જવુ નહિ અને ખાસ, પાર્કની ડાબી બાજુ કોઇએ જવુ નહિ. ડાબી બાજુના ટોયલેટ બાથરૂમમાં
પણ નહિ. ખાસ ધ્યાન રાખજો.”
બધા બાળકો બસમાંથી ટીમ પ્રમાણે નીચે
ઉતર્યા અને મોટા બગીચાને જોઇને ખુશ થઇ ઉઠ્યા. વહેલી સવારનો સમય હતો અને શિયાળાની
ઋતુ. બસમાંથી ઉતરતા જ મોટા ભાગના બાળકો બાથરૂમ તરફ ભાગ્યા. પિનલ પણ દોડીને ગઇ
પરંતુ લાંબી લાઇનમાં ઉભુ રહેવુ પડે એમ હતુ.
“પિનુ, ચલ પહેલી બાજુ ઓછી ભીડ હશે ત્યાં
જઇએ.” મયંકે પાછળથી આવીને કહ્યુ.
“વ્હોટ? સરે ના પાડી છે. તેઓને ખબર પડશે
તો.” પિનલે ધીરેથી કહ્યુ.
“ડર લાગે છે?” મયંકે પણ ધીરેથી કહ્યુ.
“સરની બીક લાગે છે. બીજો કોઇની નહિ.”
“સરને કાંઇ ખબર નહિ પડે બધા આવશે ત્યાં તો
જલ્દીથી આવી જઇશુ.” મયંકે પિનલનો હાથ પકડી લીધો. બંન્ને છાનામુના સરને ખબર ન પડે
તે રીતે ડાબી બાજુ સરે ના પાડી તે તરફના ટોયલેટ બાથરૂમ તરફ ગયા.
ડાબી બાજુના ટોયલેટ બાથરૂમ જર્જરિત
હાલતમાં હતા અને તે બાજુ ખાસ કોઇ ન હતુ. બાથરૂમની બાજુમાં જ પાર્કનો બીજો દરવાજો
હતો. પરંતુ તેને તાળુ મારવામાં આવ્યુ હતુ અને દરવાજો સાંકળથી બંધ પણ કરવામાં આવ્યો
હતો. દરવાજો કાટ ખાયેલો હતો. જાણે વર્ષોથી બંધ હોય તે રીતે. તે બાજુ કોઇ પણ માણસ ન
હતુ અને દરવાજાની બહાર રસ્તો હતો. પરંતુ સાવ સુમસાન.
મયંક બાથરૂમમાં ગયો. બાથરૂમની બારી
તુટેલી હતી. તેને બારીમાંથી અજબનુ દ્ર્શ્ય જોયુ અને તે ચક્કર ખાઇ ગયો. બારીની બહાર
દુર એક વગડો હતો. જેમાં વચ્ચે એક કુવો હતો. જેમાં એક મોટુ વૃક્ષ હતુ. વિશાળ
બિહામણુ, જેની શાખાઓ દુર દુર ફેલાયેલી હતી. મયંકે જોયુ કે એક વાંદરો કુદતો કુદતો
આવ્યો અને શાખાએ અડકતા જ તે ખેચાયને અંદર ઉતરી ગયો. મયંકની આંખો જ સ્થિર બની ગઇ.
“પિનલ, ચાલ પાછળ વગડામાં એક જાદુઇ વૃક્ષ
છે.” બાથરૂમમાંથી બહાર નીકળીને મયંકે પિનલને કહ્યુ.
“ભાઇ, સરને ખબર પડશે તો આપણુ આવી બનશે.”
“અરે, બધા બાળકો થોડીવાર રમશે ત્યાં
સુધી સર કોઇને શોધશે નહિ. ત્યાં તો આવી જઇશુ.”
“વગડામાં અવાવરી જગ્યાએ જવામાં જોખમ છે.
સરે ના પાડી છે તો જરૂર ત્યાં ખતરો છે.” પિનલે દલીલ કરતા કહ્યુ.
“પિનલ, આપણે મહાન જાદુગર વી. જે. રોશનના સંતાનો
છીએ. એમ થોડા ડરીએ. ચાલ યાર.”
“પણ કેમ જઇશુ?”
“આ દરવાજો કુદીને પાછળ વગડામાં જઇશુ.”
સામેના બંધ દરવાજા તરફ આંગળી ચીંધતા મયંકે કહ્યુ. દરવાજો નીચો અને કુદી શકાય તેમ
હતો. આથી બંન્ને ભાઇ-બહેન વારાફરતી દરવાજો કુદી ગયા. તેઓ સંતાતા સંતાતા બાજુના
વગડા પાસે ગયા.
વગડાનો દરવાજો બંધ હતો અને બહાર એક
ચોકીદાર તુટેલી ફુટેલી ખુરશી પર માથુ ઢાળીને નસકોરા બોલાવી રહ્યો હતો. મયંક અને
પિનલે તેની સામે જોયા વિના દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજાને અડકતા જ
કીચુડાટનો અવાજ થયો એટલે ચોકીદાર સફાળો જાગી ગયો અને ખુરશી પરથી ઉભો થઇને બંન્ને
બાળકો પાસે આવ્યો અને બોલ્યો,
“અરે ઓ બાળકો, કોણ છો? ભાગો અહીંથી.
અહીં જવાની મનાઇ છે.”
“કેમ મનાઇ છે? શુ છે અહીં?” મયંકે
ચોકીદારને પુછ્યુ.
“કંઇ નથી? એકવાર કહ્યુ ને ભાગો અહીંથી.”
ચોકીદાર કરડાકીથી કહ્યુ એટલે બંન્ને નિરાશ થઇને બગીચા દરવાજા પાસે આવી ગયા.
“ચલ ભાઇ, ચોકીદાર પણ મનાઇ કરે છે. અહીં
જરૂર કોઇ મોટો ખતરો છે. ફસાય જઇશુ.” પિનલે ચિંતાથી કહ્યુ.
“તુ સાવ બીકણ છો પિનુ, આટલી વાતથી થોડુ
ડરી જવાય. ચાલ બીજો રસ્તો શોધીએ.”
“બધા ચેતવે છે ત્યારે ખોટુ જોખમ શા માટે
ખેડવુ જોઇએ?”
“આ દુનિયામાં બધા ડર બાબતે ઘેટા જેવા
છે.”
“મતલબ?” પિનલે આશ્ચર્યથી પુછ્યુ.
“મતલબ કે આપણી પાછળના મકાનમાં બધા ભુત
ભુતની વાતો કરતા હતા અને કેવી જાત જાતની ચર્ચા કરતા હતા. પપ્પાએ તે બધાને ચેલેન્જ
કર્યા અને ત્યાં રાતવાસો કર્યો હતો. હું પણ તેની સાથે ગયો હતો. ખરેખર ત્યાં કંઇ ન
હતુ. અવાવરુ મકાનમાં જીવ જંતુ અને પશુ પંખીના વસવાટે બિહામણુ વાતાવરણ બનાવી દીધુ
હતુ. એક પછી એક અલગ વાતોના ફેલાવાથી કાગનો વાઘ બની ગયો હતો. અફવાનુ આવુ હોય છે.”
“પરંતુ કારણ વિના આપણે શા માટે મુસીબત
લેવી જોઇએ.”
“વિના કારણે? લોકોની ભ્રમણા તોડવાની સરળ
તક છે. ચલ યાર. બીજો રસ્તો જરૂર હશે.” મયંકે પિનલનો હાથ પકડીને આગળ વધતા કહ્યુ.
બંન્ને ભાઇ- બહેન ફરીથી દરવાજો કુદીને
અંદર આવ્યા. કિસ્મત જોગ તેના સર અને બધા બગીચાની બીજી બાજુ હતા અને કોઇની નજર તેના
પર ન પડી. મયંક સીધો બગીચામાં બીજો રસ્તો શોધવા લાગ્યો. બગીચો ખુબ જ વિશાળ હતો.
પરંતુ તેની બીજી સાઇડ સાંકડો રસ્તો એક ગલીમાં જતો હતો. પિનલને ખુબ જ ડર લાગી રહ્યો
હતો. છતાંય તે ભાઇની પાછળ પાછળ જવા લાગી.
ગલીના છેડે આવ્યા તો તે વગડાની અંદર
પહોંચી ગયા હતા. વગડો ઉજ્જ્ડ અને સુમસાન હતો. આમ તો તેઓ આવ્યા ત્યાં એક ગેઇટ હતો.
પરંતુ તે અત્યારે તુટેલી હાલતમાં નીચે પડેલો હતો. આથી તેઓ બંન્ને સરળતાથી અંદર આવી
ગયા હતા.
પાનખર ઋતુમાં વૃક્ષોના પીળા પાંદડા ચારે
બાજુ વેરાયેલા હતા.
“ભાઇ, મને ખુબ જ ડર લાગી રહ્યો છે. ચાલ
નીકળી જઇએ.”
“કમ ઓન યાર. ચલ આગળ”
થોડે આગળ ગયા ત્યારે દુરથી વૃક્ષ
દેખાયુ. તેની મોટી મોટી શાખાઓ જમીનમાં નીચે સુધી પથરાયેલી હતી. પિનલના પગ થંભી ગયા
અને મયંક આગળ જવા લાગ્યો. તે ધીરે ધીરે સાવચેતીપુર્વક આગળ વધી રહ્યો હતો. વૃક્ષની
શાખાઓને પગ અડી ન જાય તેની તે પુરતી કાળજી રાખી રહ્યો હતો.
પિનલના પગ ખોડાય ગયા હતા. તે આગળ વધી જ ન રહી હતી. અચાનક જ.....................................
પિનલના પગ ઝાડની શાખાઓમાં ફસાય ગયા અને તે પણ કુવા તરફ ખેંચાવા લાગી. તે ધીરે ધીરે કુવાની અંદર ઉતરવા લાગી. મયંક તેને બચાવવા પાછળ દોડવા લાગ્યો. તે કુવા સુધી પહોંચ્યો ત્યાં તો પિનલ અંદર જતી.
“દીદી, દીદી શુ થયુ? ક્યાં છો?”
“ભાઇ” આટલો જ અવાજ સંભળાયો અને મયંક પણ
અંદર ખેંચાવા લાગ્યો. બે મજબુત શાખાએ તેના પગ પકડી લીધા હતા. તે પોતાનુ શરીર અક્કડ
રાખીને બચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ખેંચાણ અને પક્ક્ડ એટલુ મજબુત હતુ
કે તે અંદર ખેંચાવા લાગ્યો. કુવાની અંદર તેના પગ જતા હતા. તે શાખાઓ તેના બે હાથ
અને પગ મજબુતાઇથી જકડી લીધા હતા. તેને પોતાનુ બધુ જોર લગાવીને બે પગના કુવાના
કાંઠા પર ટેકવી દીધા. અચાનક ખેંચાણ રોકાઇ ગયુ તેને ફરીથી બુમ પાડી,
“પિનલ, તું ક્યાં છો?” અંદરથી અવાજ
આવ્યો. ભાઇ હું અહીં વચ્ચે શાખાઓમાં ફસાયેલી છુ. બંન્ને બાળકો ખરાબ રીતે ફસાય ગયા
હતા.
બીજી બાજુ સરે બાળકોની ગણતરી કરી એટલે
તેમને ખબર પડી ગઇ કે પિનલ અને મયંક ગુમ છે. પ્રિંસિપાલ સરને ચિંતા પેઠી. તેઓએ
ફટાફટ બાળકોને બસમાં બેસાડી દીધા અને બધા શિક્ષકોને અલગ અલગ દિશામાં પિનલ અને
મયંકને શોધવા મોકલી લીધા અને પોતે વાડામાં કુવા તરફ ચાલવા લાગ્યા.
“પિનલ તુ ચિંતા ન કરજે. ગમે તેમ કરીને
શરીરને જકડી રાખજે અને અંદર ન ઉતરજે. હું કાંઇક કરુ છુ.” પોતાના પગ મજબુતાઇથી
ટેકવીને બુમ પાડીને મયંકે કહ્યુ.
“ભાઇ, હું ઘણા પ્રયત્નો કરુ છુ પરંતુ
મારુ શરીર ધીરે ધીરે અંદર જઇ રહ્યુ છે.”
“પિનલ, થોડો જ સમય, હું કાંઇક વિચારુ
છુ.” મયંક આંખો બંધ કરીને ઇશ્વરનુ નામ લેવા લાગ્યો.
અચાનક જ તેને આઇડિયા આવી ગયો.
“પિનલ બસ હવે થોડી જ સેકન્ડ આપણે બચી
ગયા સમજો.” મયંકે ખુશ થતા કહ્યુ.
“પણ ભાઇ.....................” પિનલની
ચીસનો અવાજ ધીમો પડવા લાગ્યો. મયંક ઘભરાય ગયો. તેને ફટાફટ પપ્પાની વાત યાદ આવી
કુદરતી તત્ત્વો પર જયારે શેતાની કે રાક્ષસી શક્તિનો વધારો જોવા મળે ત્યારે તેને
આપણા ડાબા હાથની ત્રણ આંગળીમાં પકડીને બોલવાનો શ્લોક શીખવાડ્યો હતો. તે પપ્પાની
શીખ મુજબ તે શ્લોક બોલવા લાગ્યો અને થોડી જ વારમાં તે પકડમુક્ત બની ગયો. અને તે
બહાર નીકળી ગયો. પિનલ ખુબ જ અંદર હતી. તેને હવે કેમ બહાર લેવી?
“પિનલ, હુ બહાર આવી ગયો છુ. તુ ચિંતા ન
કરજે. હુ હમણા કાંઇક કરુ છુ.”
“ભાઇ, જલ્દી. હુ અહીં ફસાય ચુકી છુ.”
“હા” બોલીને તે આસપાસ કંઇક શોધવા
લાગ્યો. અચાનક જ તેના ખભા પર કંઇક પડ્યુ તે ડરથી છળી ઉઠ્યો. તેને જોયુ તો સર હતા.
“મયંક, પિનલ ક્યાં છે? તમે અહીં કેવી
રીતે આવ્યા?”
“સર, તે કુવામાં ફસાય ગઇ છે તેને
બચાવો.” સર સાથે ચોકીદાર પણ હતો તે બોલ્યો,
“હું આ શાખાઓ કાપવાનો પ્રયાસ કરુ છુ તમે
જલ્દી દોરડુ લાવો.” તેના શબ્દો પુરા થયા તે પહેલા પ્રિન્સિપાલ નીકળી ગયા.
મયંકના બોલેલા શ્લોકથી વૃક્ષની શક્તિ
ઓછી બની ગઇ હતી તેથી ચોકીદારે કુહાડીના ઘા મારવા લાગ્યો અને તે સામાન્ય વૃક્ષની
જેમ તુટવા લાગ્યુ.
પિનલ અંદર દિવાલને અઢેલીને શરીર ટેકવી
પુરી તાકાતથી ઉભી હતી. ઉપરના ભાગમાં વૃક્ષ તુટી જતા ચોકીદાર સરે લાવેલુ દોરડુ લઇને
અંદર ગયો. ઉપરનો છેડો મજબુતાઇથી નજીકના વૃક્ષને બાંધ્યો અને મયંક તથા સર ત્યાં
પકડીને પણ ઉભા રહ્યા.
થોડી વાર બાદ ચોકીદાર લલ્લુ પિનલને લઇને
બહાર આવ્યો. ગભરાયેલી પિનલ ભાઇને જોઇ ખુશ થઇ ગઇ.
“આ વૃક્ષ વર્ષો પહેલા અદકાસુર નામના
રાક્ષસે વાવ્યુ હતુ અને આ વૃક્ષ આસપાસ આવતા બધા સજીવોને ગળી જાય છે. એવી વાયકા
અમારા આખા પ્રદેશમાં ફેલાયેલી છે પરંતુ આજે તમે બે બહાદુર બાળકોએ આ વૃક્ષની તાકાત
ખત્મ કરી દીધી. હવે નિર્ભય થઇ આ જગ્યાનો ઉપયોગ કરી શકીશુ.” ચોકીદાર લલ્લુએ કહ્યુ.
“કાકા, ચોવીસ કલાકમાં આ વૃક્ષને મુળ
સહિત તોડી કાઢજો નહિ તો તેની તાકાત ફરીથી જાગૃત થઇ જશે.” મયંકે કહ્યુ.
“હા, દીકરા હું હમણા જ સરપંચને કહી આ
વૃક્ષનો નાશ કરાવુ છુ. તમારા બંન્નેનો ફરીથી ખુબ ખુબ આભાર.” ચોકીદાર આટલુ બોલીને
જતો રહ્યો.
સર થોડી વાર મયંક અને પિનલ પર ગુસ્સે
થયા. પરંતુ તેને આ બંન્ને ભાઇ બહેનની
નીડરતા પર ગર્વ પણ હતો આથી શાળાએ જઇને બંન્ને પુરસ્કાર પણ આપ્યો.
અસ્તુ
આ વાર્તા તમને પસંદ પડી હોય તો તમારા પ્રતિભાવ
જરૂરથી આપજો. બીજી નવી વાર્તા સાથે ફરીથી મળીએ...............
Comments
Post a Comment