એક ગંભીર અકસ્માત

 

એક ગંભીર અકસ્માત

વિષય : વાર્તા

 



 

         વૈભવી હોસ્પિટલના પંખા સામે તાકીને જોઇ રહી હતી.આજે હોસ્પિટલમાં બાવીસમો દિવસ હતો.હવે બસ બે-ત્રણ દિવસમાં જ હોસ્પિટલના બિછાનેથી રજા મળી જવાની હતી.તેની મમ્મી થોડીવાર માટે ઘરે ગયા હતા.અત્યારે તેની નાની બહેન દિવ્યા તેની પાસે રોકાઇ હતી.

         વૈભવીને હવે જરાય અહીં ગમતુ ન હતુ.પરંતુ હવે માત્ર બે ત્રણ દિવસનો જ સવાલ હતો.એક ને એક પથારીમાં પડ્યા પડ્યા ઉંઘ જ આવતી ન હતી.રાત્રે આરામ થઇ શકે માટે નર્સ ઘેનનું ઇંજેકશન આપી જતી હતી.તેથી થોડીવાર માટે રાહત થતી હતી.વહેલી સવારે ઉંઘ ઉડી જતી હતી.અને આખો દિવસ બેચેની જ રહેતી હતી.પછી બસ રોજ આવતા દર્દીઓના દુ:ખની અને પોતાના ઘરની બધી વાત તેની મમ્મી તેને કરતી.તેમાં જ તે પોતાનો સમય પસાર કરતી હતી.

         દિવસ દરમિયાન તેની માતા અને બહેન વારાફરતી આવતી અને રાત્રે તેના પિતા રોકાવા આવતા આમ ને આમ સમય વીતી ગયો.હવે બસ રજા મળે કાયમ માટે આ હોસ્પિટલના ખાટલામાંથી મુક્તિ મળી જશે.ઘડિયાળમાં સાડા નવ વાગ્યા એટલે તેની નાની બહેન દિવ્યાના ફોનમાં અંકલ જૈવલનો ફોન આવ્યો જે છેલ્લા બાવીસ દિવસથી એક મિનિટની ચુક વગર રોજ સવારે સાડા નવ વાગ્યે આવી જતો.વૈભવીએ અંકલ જૈવલ સાથે રોજના ક્રમ પ્રમાણે અડધો કલાક વાતો કરીને ફ્રેશ થઇ ગઇ.

         અંકલ જૈવલ વૈભવીના પિતા ધીરજલાલના ખાસ મિત્ર હતા અને તેઓ વડોદરા રહેતા હતા.અને મનોચિકિત્સક હતા.વૈભવીના પિતા ધીરજલાલ તો ઇજનેર હતા.તેઓ એક દિવસ વરસાદી તોફાન દરમિયાન બરોડામા ફસાઇ ગયા હતા ત્યારે જૈવલ ત્રિવેદીની મુલાકાત તેની સાથે થઇ.જૈવલ ત્રિવેદી પણ બહારગામથી પાછા ફરતા હતા ત્યારે ધીરજલાલને એકલા જોઇને તેના ઘરે લઇ ગયા.ત્યારથી બન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ શરૂ થયો હતો.

             ઓચિંતી મુલાકાત અને અચાનક વિકસેલો મૈત્રીય સંબંધ આજે વૈભવીની જીંદગી બચાવવા માટે કામ આવ્યો હતો.વૈભવી ધીરજલાલની લાડલી મોટી દીકરી હતી.જેને નાનપણથી જ ન્રુત્યનો ખુબ જ શોખ હતો.

             શાળા-કોલેજ દરમિયાન કોઇ પણ ન્રુત્યના કાર્યક્રમો હોય તે અચૂક ભાગ લેતી.તેના આ શોખની જાણ તેની માતા સ્વાતીબહેનને તે સાત વર્ષની હતી ત્યારથી થઇ હતી.આથી ધીરજલાલે તેના માટે પોતાના શહેર રાજકોટમાં ખાસ ડાન્સક્લાસ ની તપાસ કરી અને તેને ટ્રેનિંગ આપી હતી.

         તેની આ ટ્રેનિંગના કારણે કોલેજમા છેલ્લા વર્ષમા તેને આંતરરાષ્ટ્રીય કક્ષાના ન્રુત્ય હરિફાઇમા ચાન્સ મળ્યો હતો.જેમાં તેને સફળતા મળે તો વૈભવીના બધા સપના સાકાર થઇ જાય તેમ હતા.

         આ સ્પર્ધા માટે તે દિવસ રાત જોયા વગર તૈયારી કરવા લાગી હતી.તેમાં તેની માતા પિતા અને તેની નાની બહેન દિવ્યા બધા તેને ખુબ જ મદદ કરતા હતા.કોલેજમાં બધાને ખબર હતી કે વૈભવી આ સ્પર્ધા જીતી શકે એમ છે.

         પુરા એક મહિનાની મહેનત બાદ સ્પર્ધાનો દિવસ આવી ચુક્યો.મુબઇમાં સ્પર્ધા રાખેલી હતી અને આગલા દિવસે સવારે જ બધાએ સ્પર્ધા હોલમાં આવી પહોંચવાનુ હતું.તેના પિતા ધીરજલાલે વૈભવી માટે ખાસ પાંચ દિવસની રજા લીધી હતી.22મી સપ્ટેમ્બરે સ્પર્ધા હતી.આથી વૈભવી અને પિતા 20મી સ્પટેમ્બરે રાત્રે બસમાં બેસી ગયા જેથી સવારે મુંબઇ પહોંચી શકાય.

         સ્પર્ધકોના ઉતારા માટે ખાસ હોટેલ બુક કરવામાં આવી હતી અને 21મી સપ્ટેમ્બરે સવારે દસ વાગ્યે સ્પર્ધા હોલમાં હાજરી આપીને ફાઇનલ તૈયારી કરવાની હતી.રાત્રે 9:30 વાગ્યાની બસ હતી.વૈભવી ખુબ હરખમાં હતી.હરખમાંને હરખમાં માંડ આઠ વાગ્યે થોડુક ખાધુ.આજે તેના સપના સાકાર કરવા માટેનુ પહેલુ પગથિયુ ચડવાનુ હતુ.

         જો તે  આ સ્પર્ધા જીતી જાય તો ગમે તે વિશ્વ લેવલની ડાન્સ એકેડમીમાં તેને એડમિશન મળી શકે તેમ હતુ અને તેમાંથી ડિગ્રી મેળવીને પોતાના શોખ અનુરૂપ કારર્કિદી બનાવી શકે તેમ હતુ.બાપ-દિકરી 8:45 વાગ્યે ઘરેથી નીકળી ગયા કેમ કે રાજકોટના ટ્રાફિકનુ કાંઇ નક્કી ન હોય તેઓ કોઇ પણ ભોગે બસ ચુકી જવા માંગતા ન હતા.

         9:10 કલાકે તેઓ ટ્રાવેલ્સની ઓફિસે પહોચી ગયા.ધીરજલાલ પણ આજે ખુબ જ ખુશ હતા.વૈભવી તેની લાડલી દિકરી હતી અને તેના સપના સાકાર કરવાનો દિવસ આખરે આવી ચુકયો હતો.બસ સમયસર આવી ગઇ.વૈભવી અને તેના પિતા પોતાની સીટ શોધી તેમાં ગયા.ઉપરની બર્થ હતી.પાચેક મિનિટમાં બસ ઉપડી ગઇ.એકાદ કલાક સુધી બાપ-દીકરીએ વાતો કરી પછી તેના પિતાને આખા દિવસના કામના હિસાબે થાક લાગ્યો હતો.તેથી તેઓને ઉંઘ આવવા લાગી તેથી તેઓ સુઇ ગયા.વૈભવીને પણ તેમને સુવાનુ કહ્યુ પરંતુ તેને આજે ઉત્સાહમાં ઉંઘ આવતી જ ન હતી.

         વૈભવી પોતાનો ફોન લઇને ફેસબુક ખોલીને બેઠી.થોડીવાર સુધી બધાની પોસ્ટ જોઇ ત્યાં અંકલ જૈવલનો અભિનંદન માટે ફોન આવ્યો.પપ્પાને પણ ઉઠાડયા બંન્નેએ તેમની સાથે વાતો કરી.અંકલ જૈવલની પ્રોત્સાહન ભરેલી વાતો સાંભળીને વૈભવીમાં અનેરો ઉત્સાહ આવી ગયો.તેના પિતાજીની પણ હવે ઉંઘ ઉડી ગઇ હતી.આથી તેઓ ફરીથી વાતો કરવા લાગ્યા.તેઓ વાતો કરતા જ હતા ત્યાં ઓચિંતો એક આંચકો આવ્યો અને બસ એક બાજુ નમી હોય એમ વૈભવી લપસીને ધડામ કરતી નીચે પડી.તેના પિતા પણ પડયા.શુ થયુ? કેમ થયુ? કાંઇ ખબર ન પડી.વૈભવીને હોશ આવ્યો ત્યારે તે દવાખાનામાં હતી. “શુ થયુ?, ચાલો સ્પર્ધાનો સમય વિતી જશે.” તેમ કહી પથારીમાંથી બેઠી થવા ગઇ ત્યારે તેનાથી ઉભુ થવાયુ  જ નહી.

        તેના માતા-પિતા તથા નાની બહેન દિવ્યાની આઁખમાં આંસુ આવી ગયા.નર્સ આવીને કહી ગઇ કે, “બહેન આરામ કરો.હમણા જ તમારા બંન્ને પગનુ ઓપરેશન થયુ છે.વધારે હલન ચલન કરશો તો લોહી વહેવા લાગશે.”

         “શુ થયુ છે મારા પગને?”

         “અકસ્માતમાં તમારા બંન્ને પગ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા એટલે કાપી નાખવામાં આવ્યા છે.” આટલુ બોલીને નર્સ બાટલો બદલાવીને જતી રહી.

         વૈભવી તો ખુબ જ મોટેથી રડવા લાગી.કોઇ પણ કાંઇ બોલવાની સ્થિતિમાં ન હતુ.તેના પિતાને પણ અકસ્માતમાં હાથમાં પ્લાસ્ટર આવ્યુ હતુ.

         આજે બાવીસ દિવસ બાદ પણ તે દિવસ હજી તેને ભુલાયો ન હતો.તેના બધા સપના ચકનાચુર થઇ ગયા હતા.વોલ્વો બસની ઓંચિતા બ્રેક ફેઇલ થઇ જતા બસ પલટી ખાઇ જતા.તેની જીંદગીના બધા સપના ખોવાય ગયા હતા.વૈભવી હતાશામાં ગરકાવ થવા લાગી હતી.જો અંકલ જૈવલે સાંજે આવીને તેને સમજાવી ન હોત તો તેને કયારનો આપઘાત કરી લીધો હોત.

         ધીરજલાલ જાણતા હતા કે અકસ્માતને કારણે વૈભવીના શરીર કરતા મન પર વધારે અસર થઇ છે.આથી તેને પોતાના મિત્રને તાત્કાલિક ફોન કરીને બોલાવી લીધા.અંકલ જૈવલ અનુભવી મનોચિકિત્સક હતા.તેથી તેઓ સારી રીતે જાણતા હતા કે આવી વખતે દર્દીઓની હાલત કેવી હોય.

         આથી તેમણે વૈભવીને એક કલાક કાઉન્સેલિગ કરીને તેને સમજાવી હતી કે “જીવનમાં બનતી ઘટનાઓ પાણી ઉઠતા વમળ જેવી હોય છે.પાણીમાં સહેજ પણ કંપન થતા જેમ વમળ ઉત્પન્ન થાય છે તેમ જીવનમાં રોજબરોજ અનેક ઘટનાઓ ઘટે છે.કેટલીક ઘટનાઓ આપણા જીવનના પ્રવાહને બદલી નાખે છે.પરંતુ તેનાથી આપણા જીવનને કોઇ ફરક પડતો નથી.આપણી ઇચ્છાઓ તરંગ જેવી હોઇ છે.જયા સુધી આપણો લગાવ કોઇ ઇચ્છા સાથે જોડાયેલો રહે છે ત્યાં સુધી તેને પુરુ ન થવાનુ દુ:ખ રહે છે.માટે જીવનમાં અનેક તકો પડેલી છે તો એક નાનકડા તરંગ પાછળ આ મહામુલી જીદગી શા માટે વેડફી નાખવી જોઇએ? જે બની ગયુ છે તેને કોઇ બદલી શકવાનુ નથી.પરંતુ આપણુ ભવિષ્ય આપણા હાથમાં જ છે.જીંદગી ના અંત વિશે વિચારવા ને બદલે એક નવી શરૂઆત વિશે વિચારમાં જ સમજદારી રહેલી છે.” અને રોજ સવારે 9:30 વાગ્યે અચુક સમય કાઢીને વૈભવીને ફોન કરતા.વૈભવી સાથે હકારાત્મક વાતો કરતા.જેના કારણે વૈભવીને પોતાના જીવનને જોવાનો અભિગમ બદલાય ગયો હતો.

         આજે પણ વૈભવીને અંકલ જૈવલના શબ્દો યાદ આવતા ત્યારે તેનુ મન શાંત બની જતુ હતુ.

         આ બદલાયેલા અભિગમ સાથે તેને પોતાના જીવનને અલગ દિશામાં વાળી દીધુ અને પથારીમાંથી છુટકારો મળતા તેને નાના નાના બાળકોને જીવનમાં હકારાત્મક અભિગમ રાખવાનુ શિખવાડવાનુ શરૂ કરી દીધુ.

         પોતે પણ ખુશ રહેવા લાગી અને સમાજમાં પણ ખુશ્બુ ફેલાવા લાગી..............

 

 

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2