આજે પણ ન બદલાય તારી કહાની

 

આજે પણ ન બદલાય તારી કહાની



            ભારત દેશમાં પ્રાચીન સમયમાં નારી સન્માનની ભાવના જોવા મળતી હતી.આપણા પ્રાચીન વેદો અને ઉપનીષદો તેમજ રામાયણ અને મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શકિત અને નારી સન્માનનો અપાર મહિમા ગાયો છે.તે સમયમાં પણ સ્ત્રીઓને શિક્ષણનો પુરેપુરો અધિકાર હતો.લોપામુદ્રા,ગાર્ગી,મૈત્રેયી જેવી વિદુષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રી શકિતઓનુ પ્રમાણ છે. “યત્ર નાર્ય્સ્તુ પુજયન્તે રમન્તે તત્ર દેવતા:” આ ભાવનાથી સદીઓ પુર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મુર્તિમંત બન્યો હતો.

            બૌધ્ધકાળમા અને વિશેષ કરીને પ્રભુ મહાવીરના જૈનકાળમાં તો પુરૂષોની બરોબરીના નાતે સ્ત્રી ઘણા આધ્યાત્મિક અને સામાજિક અધિકારોની હકદાર બની હતી તેનો ઇતિહાસ ગવાહ છે.પરંતુ ઇતિહાસના પાના ફરે છે ત્યારે જોવા મળે છે કે મોગલકાળમા બાદશાહો દ્વારા શાહજાદીઓની ઉપેક્ષા અને શોષણ ઓછા ન હતા.તેમ રજપુત યુગમાં પણ અંતઃપુરમા ઓઝલ અને પડદામાં રડતી રાણીઓ યાદ આવે છે.મધ્યકાલીન હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ કફોડી અને એટલી દયાજનક બની કે માથેથી સાપનો ભારો ઉતારવા બાપે લાકડે માંકડુ પણ વળગાડી દીધુ.એક કહેવત છે ને કે “દીકરી ને ગાય દોરે ત્યાં જાય.”તે  અનુસાર દીકરીને પોતાના વિચારો કે મંતવ્યો રજુ કરવાનો કોઇ હક આપવામાં આવતો નહી.

            ૧૪મી અને ૧૫મી સદીમા દીકરીને દુધ પીતી કરવાની પ્રથા,દહેજપ્રથા,સતિપ્રથા જેવા દુષણો ખુબ વ્યાપી ગયા હતા અને આ બધી ખોટી પ્રથા અને માન્યતાઓને કારણે જ દીકરીને જન્મતાવેંત જ મારી નાખવામાં આવતી.આજે સમય બદલાયો છે પણ આજના આધુનિક યુગમાં પણ દીકરી પ્રત્યે રાખવામાં આવતો દ્વેષ બદલાયો નથી.આજે આપણા સમાજે સુસંસ્કૃતી અને આધુનિકતાની ચાદર ઓઢી છે પરંતુ એ ચાદરની અંદર જરા બારીકાઇથી ડોકિયુ કરીએ તો આજે પણ ક્યાંક આપણે દીકરી પ્રત્યેનો પુર્વગ્રહ નરી આંખે દેખાઇ જ આવશે.એવું નથી કે માત્ર અભણ અને ગરીબ લોકો જ દીકરી પ્રત્યે રાગદ્વેશ રાખે છે.આજના જમાનાના કહેવાતા શિક્ષિત લોકો પણ ભૃણ હત્યા કરતા અચકાતા નથી.દીકરીને જન્મ લેવાનો અધિકાર પણ છિનવી લઇને ગર્ભમાં જ સ્ત્રી ભૃણ હત્યા કરી નાખવામાં આવે છે.કોઇ દીકરી બિચારી જન્મ લે તો પણ તેની મુશ્કેલીઓ ઓછી નથી.આજે મારે સ્ત્રી જીવનની સમસ્યાઓની વાત કરવી છે.તેના અનુસંધાને મારે એક વાર્તા કહેવી છે

            સાતમાં ધોરણ માં ભણતી કામિની શાળાએ ખુબ જ અનિયમિત રહેવા લાગી.ધોરણ 6 સુધી ખુબ જ હોશિયાર, ચપળ અને બધી વાતોમાં  તૈયાર એવી કામિની બધા શિક્ષકોની પ્રિય વિદ્યાર્થીની હતી.કામિની શાળામા અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસીક પ્રવૃતિમા પણ આગળ જ રહેતી હતી.કોઇ સ્પર્ધા એવી નહી હોય કે જેમા કામિની ભાગ ન લે.”કામિની એટલે મારી કામિની,તેના જેવુ બીજુ કોઇ ન થાય”આ રીતે તેના પિતા જસરાજભાઇ વખાણ કરતા થાકતા નહી.

            આવી હોશિયાર અને ચપળ છોકરી ધોરણ સાતમાં આવી અને ઓચિંતા અનિયમિત રહેવા લાગી એટલે તેના વર્ગશિક્ષક શ્રી રેખા બહેને તેને પુછ્યુ, તો તેણે  એવો જવાબ આપ્યો કે, “કાંઇ નહિ બહેન પપ્પાના મૃત્યુ પછી મમ્મીની તબિયત ખરાબ રહે છે આથી રેગ્યુલર શાળાએ આવી શકાતુ નથી.” તેના પિતાજીનુ ગયા વર્ષે જ અવસાન થયુ હતુ.રેખાબહેનને લાગ્યુ કે તેની વાત સાચી હશે.આમને આમ વર્ષ પુરુ થઇ ગયુ.બીજા વર્ષે એક દિવસ ઓચિંતા તેના મમ્મી તેનુ સર્ટિ કઢાવી ગયા.રેખાબહેન ત્યારે રજા પર હતા અને હવે તે તેના વર્ગ શિક્ષક પણ ન હતા.થોડા દિવસ બાદ રેખાબહેન તેના ખાસ સખી અને કામિનીના પાડોશી સ્નેહાબહેનને મળવા ગયા ત્યારે વાતમાંથી વાત નીકળતા કામિનીની વાત થઇ તો સ્નેહાબહેનને જે વાત કરી તેનાથી રેખાબહેનના હોશ ઉડી ગયા અને ક્યાંય સુધી તેના શબ્દો તેના કાનમાં ગુજતા રહ્યા.

            “જસરાજભાઇના અવસાન બાદ કામિની અને તેના માતા જિજ્ઞાબહેન એકલા બની ગયા એટલે તેના સાસુ ગીતાબહેને તેઓને સાથે રહેવા આવી જવા કહ્યુ.જીજ્ઞાબહેન કામિનીને લઇ સાસુ સસરા અને દિયર સાથે રહેવા આવી ગયા.થોડા જ દિવસમાં સાસુમાં એ પોત પ્રકાશવાનુ શરૂ કરી દીધુ તે વાતે વાતે જીજ્ઞાબહેનને હેરાન કરવા લાગ્યા.જીજ્ઞાબહેનના પિયરમાં પણ કોઇ હતુ નહી આથી તે પોતાના પુત્ર સમાન દિયર મુંકુદભાઇ પાસે પોતાનુ હૈયુ ઠાલવવા લાગ્યા.  

            એક દિવસ વધુ પડતો વિશ્વાસ રાખનાર મુકુંદે તેની એકલતાનો ફાયદો ઉઠાવીને જીજ્ઞા પર બળાત્કાર ગુજાર્યો.એક નિઃસહાય વિધવા પર ખુબ જ કૃર રીતે મુકુંદે બળાત્કાર કર્યો અને કામિનીના નામે ધમકાવી મુકુંદ વારંવાર તેની મા સમાન ભાભી સાથે તેની મરજી વિરૂધ્ધ આ દુષ્કૃત્ય કરવા લાગ્યો.

            એક દિવસ અચાનક જીજ્ઞાને ઉલટી ઉબકા થવા લાગ્યા તો તેના સાસુ તેને બાજુમા જ એક નર્સ બહેન રહેતા હતા તેને ત્યાં ઇલાજ માટે લઇ ગયા.નર્સે કામિનીનું ચેક અપ કરી તેને ઘરે જવા કહ્યુ.કામિની ચુપચાપ ઘરે જતી રહી ત્યાર બાદ નર્સે કામિનીના સાસુને સમાચાર આપ્યા કે તમારી વહુ તો ગર્ભવતી છે.આ સાંભળી તેના સાસુ સ્તબ્ધ બની ગયા.ત્યારે તો તે કાંઇ બોલ્યા નહી અને ઘરે આવી બધી વાત તેના પતિ સાથે કરી અને બન્ને જણાએ કામિનીને ઢોર માર મારી ઘરની બહાર કાઢી મુકી.

            બિચારી જીજ્ઞાને ઘરની બહાર કાઢી તો મુકી પણ હવે તે એ ચિંતામા મુકાઇ ગઇ કે તેને જવુ ક્યાં? કેમકે તેના પિયરમા તો કોઇ હતુ નહી.તેના માતા-પિતા તો બે વર્ષ પહેલા જ અવસાન પામ્યા હતા અને એક ભાઇ પણ નાની ઉંમરે અવસાન પામ્યો હતો.સાસુ સસરાએ કાઢી મુકતા જીજ્ઞા કામિનીને લઇને કયાં ગઇ એ કોઇને ખબર જ ન રહી.રેખાબહેન કેટલાય દિવસ સુધી રડતા રહ્યા કે બીચારી ક્યાં ગઇ હશે.

            શું આપણા સમાજમા સ્ત્રીઓનુ આ જ સ્થાન છે?એક તરફ સ્ત્રીને દેવી સમાન માનીને તેની પુજા કરવામા આવે છે અને બીજી બાજુ આ જીજ્ઞા જેવી કેટલીય સ્ત્રીઓ આ રીતે કીચડમા દબાતી અને સડતી રહે છે.શું સ્ત્રીઓને જન્મથી શરૂ કરી મૃત્યુ સુધી આ રીતે અગ્નિપરીક્ષા જ આપવાની રહે છે???

            શું સ્ત્રી એક રમકડુ છે કે જ્યારે મન થાય ત્યારે રમી લીધુ અને જ્યારે રમવાથી દિલ ભરાઇ ગયુ એટલે ક્યાંય દૂર ફેકી દીધી.પુરાતનકાળથી સ્ત્રીઓને ભોગ વિલાસનુ સાધન ગણવામા આવે છે.ભગવાને સંસારની રચનાને આગળ વધારવા માટે સ્ત્રી અને પુરૂષના શરીરની રચના કરી છે.પ્રજાઉત્પતિ માટે સ્ત્રીને સાધનરૂપ બનાવી અને સ્ત્રી-પુરૂષ બન્નેમાં કામેચ્છા મુકી.

            પરંતુ મનુષ્યએ તેને ભોગવિલાસનું સાધન બનાવી દીધુ અને દેવી સ્વરૂપ સ્ત્રીઓના શરીરને વાસનાની નજર લાગવા લાગી.તેની મજબુરીનો ફાયદો ઉઠાવી અને તેની મરજી વિરૂધ્ધ તેની સાથે શરીર સબંધ બાંધવા લાગ્યા.સબંધોની મર્યાદા ભુલી સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચારો ગુજારવા લાગ્યા. અરે...! સ્ત્રી તો શું આજે તો એવી પરિસ્થિતિ છે કે અમુક તો નાની બાળકીઓને પણ વાસનાની નજરથી જોવા લાગ્યા છે.આપણે ઘણી વખત સમાચાર અને ન્યુઝ ચેનલમા આવા સમાચાર જોઇએ જ છીએ.

            તો શું આજના જમાનામાં સ્ત્રીઓએ આજીવન ઘરમા પુરાઇને જ રહેવાનુ?શું તેની કોઇ ઇચ્છા કે આકાંક્ષા નથી?આપણે આપણા ઘરમા પણ અનુભવતા જોઇએ છીએ કે ઘરનો પુત્ર કદાચ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ઘરે ન આવે તો તેના પિતાજીના પેટનું પાણી પણ મચક આપતુ નથી પણ ઘરની દીકરી જો શાળા કે કોલેજથી ૧૦ કે ૧૫ મિનિટ પણ જો મોડી પહોંચે  તો ઘરના તમામ સભ્યો આખુ ઘર માથે લઇ લે અને તે ઘરે આવતા તેને તરાહ તરાહના સવાલોથી ઘેરી લે છે.

            એક બાજુ આપણે સ્ત્રીઓ સાથે થતા આવા અત્યાચારોના સમાચાર સાંભળી બોલતા હોઇએ છીએ કે સમાજને બદલવાની જરૂર છે.તો શું દીકરીને ઘરમા પુરી રાખવાથી કે તેના પર પાબંદી લગાડવાથી આ સમાજ સુધરી જશે? નહી.....ક્યારેય નહી સુધરે આ સમાજ.ઉલ્ટાનુ આપણે આપણી દીકરીની સ્વતંત્રતા છીનવી લેવા તરફ વળી જશુ.

            સમાજ ને સુધારવો હોય તો પહેલા આપણા ઘરના કુળદિપક થી શરૂઆત કરવી જરૂરી છે.તે શાળા કે કોલેજથી છુટી ક્યાં જાય છે,કોની સાથે ટાઇમ વિતાવે છે એ જોવુ જરૂરી છે.તેના મિત્રવર્તુળ અને તેની દરેક પ્રવૃતિ પર નજર રાખવાની જરૂર છે.જો દરેક પિતા કે વડિલ આ રીતે તેના સંતાનો (ચાહે તે પુત્ર હોય કે પુત્રી) પર ચાંપતી નજર રાખશે તો લખી લેજો મિત્રો ક્યારેય કોઇ અબળા વાસનાનો ભોગ નહી બને..  

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2