અધુરુ સ્વપ્ન

 

અધુરુ સ્વપ્ન

            






“બહુ જ ખરાબ થયુ, સોનુ” રિતેશે છાપુ નીચે મુકતા કહ્યુ.

            “છાપામાં તો રોજ એવા જ સમાચાર આવે છે. અત્યારે ગુનાઓ એટલા વધી ગયા છે કે હવે ચર્ચા કરીને પણ ફાયદો નથી.” સોનાક્ષી બહેને રિતેશભાઇને ચા નો કપ આપતા કહ્યુ.

            “અરે ના સોનુ હુ એવી વાત નથી કરતો.”

            “તો?”

            “આપણુ સામેવાળુ મકાન જેને લીધુ હતુ તે તપનભાઇનો આખો પરિવાર ગઇકાલે અહીં શિફટ થવા આવવાનો હતો. તેને રસ્તામાં ગંભીર અકસ્માત થઇ ગયો અને બધાનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થઇ ગયુ. તપનભાઇ તેનો 14 વર્ષનો દીકરો અને આઠ વર્ષની દીકરી અને એક કામવાળી બધાનુ તુરંત જ મૃત્યુ થઇ ગયુ. ખાલી તપનભાઇની પત્ની કામિની બહેનની તબિયત ખુબ જ ખરાબ હતી આથી એ ઘરે રહ્યા તેથી તે બચી ગયા.”

            “ઓહ્હ, માય ગોડ. સાચે જ બહુ ખરાબ બની ગયુ.” શોક પામીને રિતેશભાઇની પાસે સોફા પર સોનાક્ષી બહેન ફસડાય પડ્યા.

            “હા, પરમદિવસે તેઓનો ફોન આવ્યો હતો. પરંતુ ગઇકાલે આપણે પિકનિક પર જવાનુ હતુ અને સાંજે થાક્યા સુઇ ગયા. અત્યારે છાપામાં વાંચ્યુ ત્યારે ખબર પડી.”

            “હા, એ તો ઠીક પરંતુ આપણુ મકાન?”

            “આપણે તો તેને વેચી નાખ્યુ અને પુરા પૈસા પણ મળી ગયા હવે આપણે કાંઇ વિચારવાનુ ન હોય. તેના કોઇ સગા સંબંધી કબજો મેળવી લેશે. જેવા તેઓના નસીબ.”

            “પરંતુ અહીં આવતા જ અકસ્માત થયો. એક કહેણ લાગી જશે મકાન ને” સોનાક્ષી બહેને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ.

            “એવુ ન વિચારવાનુ હોય આ માત્ર એક ઘટના જ છે અને કોઇને આવી વાત ફેલાવતી પણ નહિ.”

                  ************************

            અચાનક જ ઘરઘરાટીનો અવાજ સંભળાતા બપોરે ઉંઘમાંથી સોનાક્ષી જાગી ગઇ. તે પથારીમાંથી ઉઠીને બાલ્કાનીમાં જોવા માટે નીકળી. પોતાના સામેવાળા મકાનમાં સામાન ઉતરી રહ્યો હતો. હજુ ગઇકાલે જ તેના મકાનમાલિકના અકસ્માતની વાત તેઓ કરતા હતા. આજે કોઇ કબજો લેવા માટે આવી પણ ગયુ હતુ. દુનિયા કેવી સ્વાર્થી છે. હજુ ચિતાની આગ માંડ ઠરી છે ત્યાં તો પ્રોપર્ટીનો કબજો લેવાય ગયો હતો.

            “આપણે શુ?” થોડા ગુસ્સાપુર્વક તે અંદર જતી રહી.

            ***********************

            “સોનુ, ઓ સોનુ.” સાંજે ઓફિસેથી પરત આવીને પોતાના જુતા બહાર કાઢતા રિતેશભાઇએ બુમ પાડી.

            “એ આવી.” કિચનમાંથી સોનાક્ષી બહેને બુમ પાડી. રિતેશભાઇ અંદર આવીને સોફા પર આરામથી બેઠા એટલે સોનાક્ષી બહેને પાણીનો ગ્લાસ આપતા પુછ્યુ,

            “શુ થયુ?”

            “આપણા સામેવાળા મકાનમાં કોઇ આવી ગયુ લાગે છે.”

            “હા, બપોરે જ કોઇ સામાન લઇને આવ્યુ છે.” ત્યાં ટીંગ ટોગ અવાજ સંભળાયો.

            “અત્યારે કોણ હશે?” એમ બોલતા બોલતા સોનાક્ષી બહેન દરવાજો ખોલવા માટે ગયા.

            સફેદ સાડી ફિક્કો અજાણ્યો ચહેરો જોઇ સોનાક્ષી બહેનને અંદાજો આવી ગયો કે તે કામિનીબહેન જ હોય શકે.

            “હુ કામિની તમારા મકાનમાં આજે આવી છુ. મારા પતિએ મને બે દિવસ પહેલા આ કાગળ આપવાનુ યાદ કરાવવાનુ કહ્યુ હતુ. હવે તે તો નથી કોને યાદ કરાવુ.” આટલુ બોલતા તેની આંખો ભરાય આવી અને કાગળ આપીને તે જતી રહી. તેની હાલત જોઇને સોનાક્ષી બહેનની આંખો પણ ભરાય ગઇ.

               ***********************

            “આખો પરિવાર પતિ, સંતાનો બધા આમ અચાનક છોડીને જતા રહે કેવી હાલત થાય?” બીજા દિવસે બપોરે વિચારતા વિચારતા સોનાક્ષીને ઉંઘ જ આવતી ન હતી. આખરે તે પણ માણસ હતી. હૈયુ ભરાય આવ્યુ. વારંવાર ફિક્કો ચહેરો અને પાણીથી છલકાતી આંખો નજર સામે તરવરવા લાગી.

            “કોઇ સગા વહાલા હશે કે નહિ? નજીકનુ કોઇ સગુ લાગતુ નથી? કાલનુ કોઇ દેખાતુ નથી? આ દુનિયા સ્વાર્થથી ભરેલી છે. બિચારી એકલી પોતાનુ દુ:ખ સમાવીને બેઠી હશે. લોકોનુ દુ:ખ દુર કરવા માટે તેની સાથે વાતચીત કરવી જોઇએ અને તેનુ ધ્યાન ડાર્યવટ કરવુ જોઇએ.” વિચારતા વિચારતા કામિનીનુ દુ:ખ હળવુ કરવા તેના ઘર તરફ સોનાક્ષી ચાલવા લાગી.

            *************************

            “આવો આવો” એ જ ફિક્કા ચહેરે દરવાજો ખોલ્યો. અંદર જતા જ સોનાક્ષીના મનમાં દુ:ખ ભરાય આવ્યુ.

            “બેસો બેસો.” હજુ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. બે ખુરશી રાખેલી હતી તે આગળ લાવીને કામિનીએ કહ્યુ.

            “તમારે એકલા હાથે બધો સામાન ગોઠવવાનો છે તો મને લાગ્યુ ફ્રી છુ તો કાંઇ મદદની જરૂર હોય તો પુછતી આવુ.” ખુરશી પર બેસતા સોનાક્ષીએ કહ્યુ.

            “ખુબ ખુબ આભાર તમારો. મદદની તો ખુબ જ જરૂર છે. સારુ તમે આવી ગયા. પહેલા ચા નાસ્તો લાવુ પછી મદદ કરજો.” કામિની બહેને કહ્યુ.

            “અરે ચા નાસ્તો પછી લઇશ. હમણાં જ જમ્યુ છે. પહેલા આપણે બંન્ને થઇને સામાન ગોઠવી લઇએ. તમે બોલો શુ કરવુ છે?”

            “ઓ.કે. ચા ના સમયે સાથે ચા નાસ્તો લઇશુ. તમે અત્યારે બેડરૂમમાં રહેલા ખોખામાંથી કોક્રરી કાઢીને ત્યાંના ખાનામાં ગોઠવી દેજો તે બધુ વધારાનુ છે. હું સવારની કામ કરુ છુ તો જરાક નાહીને આવુ છુ.”

            “બરોબર હું ત્યાં બધુ ગોઠવુ છુ.” બોલીને સોનાક્ષી પાછળ રહેલા બેડરૂમમાં જતી રહી. ઘરમાં ચારે બાજુ પડેલા સામાન પરથી તો લાગતુ ન હતુ કે તેણી સવારની કામ કરતી હશે. સાફ સફાઇ કરી હશે. વિચારતા વિચારતા સોનાક્ષી ખોખામાંથી ક્રોકરી કાઢવા લાગી. સામાન ઘણો કિમતીં લાગતો હતો. તે સાચવી સાચવીને સામાન ગોઠવવા લાગી. એવી એકાગ્રતાથી કાર્ય કરતી હતી કે અચાનક કાંઇક તેની સાથે અથડાયુ તે પણ ખબર ન પડી તેને ઉંચે જોયુ તો ઘભરાય ગઇ. હાથમાં રહેલી મેલામાઇન ડીશો નીચે પડી ગઇ.

            ખુલ્લા વાળ અને સફેદ સાડી પહેરીને વાંકા ચુકુ મો કરતી કામિની તેની સામે ઉભી હતી.

            “આખરી દિવસ અને આખરી રાત છે આજે.” વિચિત્ર ગીત ગણગણતી છુટ્ટા વાળ અને સફેદ સાડીનો ખુલ્લો છેડો રાખીને કામિની રૂમમાં ચક્કર મારવા લાગી.

            સોનાક્ષી એકદમ ઘભરાય ગઇ તેના હ્રદયના ધબકારા વધી ગયા. તે દોડીને સીધી પોતાના ઘર તરફ ભાગી. ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ફુલ સ્પીડમાં પંખો કરીને સોફા પર ફસડાય પડી. તેનુ હ્રદય હજુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ અને તેના શ્વાસ તેજ ગતિથી ચાલી રહ્યા હતા. પરસેવાના રેલા ગાલ પર ઉતરવા લાગ્યા. તેની આંખ સામેથી કામિનીનો ચહેરો ખસતો જ ન હતો.

            ****************************

            “સોનુ, આજે સાંજે જમવાનુ ન બનાવજે.” સાંજે પાંચ વાગ્યે રિતેશભાઇ આવ્યા ત્યાં સુધી હજુ સોનાક્ષી બહેન સોફા પર સુનમુન બેઠા હતા. પોતાની વાતનો કોઇ જવાબ ન આવતા રિતેશભાઇએ સોનાક્ષી બહેન પાસે આવીને તેને હલબલાવતા પુછ્યુ,

            “એવરીથિંગ ઓ.કે? કાંઇ તકલીફ તો નથી ને?”

            “હમ્મ.”

            “શુ થયુ સોનુ યાર? કાંઇ પ્રોબ્લેમ છે? કેમ સરખો જવાબ નથી આપતી?” બાજુમાં સોફા પર બેસતા રિતેશભાઇએ પુછ્યુ.

            “ભુત, ચુડેલ.” ડરતા ડરતા સોનાક્ષી બહેન માંડ બોલી શક્યા.

            “ભુત? ચુડેલ? ક્યાં છે? શુ થયુ સોનુ?” લાગણીસભર સ્વરે રિતેશભાઇએ પુછ્યુ.

            “પહેલી કામિની ભુત છે.”

            “કોણ કામિની? શેની વાત કરે છે?”

            “આપણા મકાનમાં...............

            “ઓહ્હ, શુ થયુ? વિસ્તારથી બોલ?” સોનાક્ષી બહેને બધી વાત વિસ્તારપુર્વક જણાવી.

            “અરે આવુ બધુ ન વિચાર. કેટલાક માણસો વિચિત્ર હોય છે અને આમ અચાનક પરિવારને ગુમાવી દેતા સ્ત્રીના મગજ પર અસર થઇ જાય છે. અત્યારે બિચારીની હાલત ખરાબ છે. અને તુ બધુ આવુ ન વિચાર પ્લીઝ કામ ડાઉન.”

            “ના, તેની આંખો અને વિચિત્ર ગીત મને બહુ જ ડર લાગી રહ્યો છે.”

            “અરે તારા વિચાર બદલ. આપણે આજે સાંજે તેમના ઘરે ડિનર માટે જવાનુ છે. ચલ તૈયાર થઇ જા. આઠ વાગ્યે જવાનુ છે.”

            “શુ? કામિની ના ઘરે? હું નહિ આવુ એ ચુડેલના ઘરે.”

            “સોનુ કેવી વાત કરે છે? બિચારી એક તો દુ:ખિયારી છે. આપણે તેના ઘરે જઇએ તો તેનુ દુ:ખ હળવુ થઇ શકે. હું આવતો હતો ત્યારે મને આમંત્રણ આપ્યુ. આપણે જવુ પડશે.”

            “ના, હું નહિ આવુ.” એક કલાક સુધી સમજાવી ત્યારે સોનાક્ષી માંડ માની.

                   **************************

            સોનાક્ષી બહેનને ખુબ જ ડર લાગી રહ્યો હતો. તેને પોતાની શરત મુજબ કોઇ મદદ નહિ કરાવે અને જલ્દી જમીને નીકળી જશે. એટલે તે ડાઇનિંગ ટેબલ પર બેસીને ફટાફટ જમવા લાગ્યા. તેને ત્રાંસી નજરે કામિની સામે જોયુ તો ફરી તેનો ડરાવનો ચહેરો દેખાયો. બે ત્રણ બટકા લઇને તે ફટાફટ નીકળી ગયા.

                   ****************************

            એક મોટુ સુંદર નવા ઢબનુ મકાન લેવાનુ છેલ્લા દસ વર્ષથી કામિની બહેનનુ સપનુ હતુ. તેના પતિ તપનભાઇનો બિઝનેશ ખુબ જ સારો હતો પૈસાની કોઇ કમી ન હતી. પરંતુ મનભાવક મકાન ક્યાંય મળતુ ન હતુ. કોઇ મકાનની આસપાસનુ લોકેશન સારુ ન હોય, કોઇનો પાડોશ સારો ન હોય તો વળી મોટાભાગના મકાન જ ગમતા ન હતા. બિઝનેશમાંથી તપનભાઇને મકાન બનાવવાનો ટાઇમ ન હતો. આથી તૈયાર મકાન જ લેવુ જરૂરી હતુ.

            ઘણા સમય બાદ માંડ આ મકાન ગમ્યુ હતુ અને એ પણ ખુબ જ વાજબી કિમતે મકાન મળતા જ કામિની બહેન સાતવા આસમાન પર ઉડવા લાગ્યા. માંડ માંડ તપનભાઇને સમય મળતા સામાન ફેરવાનુ નક્કી કર્યુ. બધો જ સામાન ભરી ગોઠવી લેતા કામિનીનુ બી.પી લો થઇ ગયુ. તબિયત ખુબ જ ખરાબ બની ગઇ. પથારીમાંથી ઉઠવુ પણ મુશ્કેલ બની ગયુ.

            “તપન, તમે બાળકોને લઇને નવા મકાન પર સામાન ગોઠવી આવો મે કામવાળી શીલાને વાત કરી દીધી છે. તે સાથે આવશે. પછી સાંજે આવીને મને તેડી જજો. ત્યાં જઇને સીધા સુઇ જ જઇશ. મારા શરીરમાં જરાય તાકાત નથી.”

            “અરે કામિની એમ થોડુ ચાલે તારુ વર્ષોનુ સ્વપ્ન હતુ. તુ ગાડીમાં બેસી જા. પહેલો પગ તારો જ માંડવો છે. આખરે આ તારુ સ્વપ્ન છે.” કામિનીનો હાથ પોતાના હાથમાં લઇને તપને પ્રેમથી કહ્યુ.

            “પણ મારી હાલત બહુ જ ખરાબ છે. તમે લોકો સામાન ઉતારી આવો પછી હું ત્યાં આવી જઇશ. મને ગાડી લઇને તેડી જજો.”

            “કામિની, તુ ચાલ ગાડીમાં સુઇ જજે અને ત્યાં જઇને આરામ કરજે તારે અત્યારે કાંઇ કામ કરવાની જરૂર નથી.”

            થોડી વાર આનાકાની કરીને કામિની બહેન માની ગયા અને કામવાળીના બદલે તે જ પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસી ગયા અને રસ્તામાં જોરદાર ધડાકો થયો અને સ્વપ્ન અધુરૂ રહી ગયુ જેને પુરુ કરવા....................................................

           

           


Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2