હાથ નહિ કંપે?

 

વાર્તાનુ નામ: હાથ નહિ કંપે?



           દરરોજ સવારે પાંચ વાગ્યે ઉઠતા નેભાને આજે દસ મિનિટ મોડુ થઇ ગયુ. ગઇ રાત્રે મિત્ર શામજીને ત્યાં ભજન સંધ્યામાં એવો રંગ ચડ્યો કે અડધી રાત થઇ ગઇ તો પણ ખબર ન પડી. આવીને થાકી ને લોટ પોટ થઇને સુઇ ગયો.

           જીરુમાં જીવાત બહુ થઇ ગઇ હતી આથી તેને ગઇકાલે જ તેના મોહનકાકા શહેર જતા હતા ત્યારે તેની સાથે દવા મંગાવી હતી. આજે સવારે વહેલા ઉઠીને પહેલા જીરુના પાકમાં દવા છાંટવાનુ કામ કરવાનુ હતુ.


           તેના એકના એક પુત્રને બાજુના ગામમાં ભણવા હોસ્ટેલમાં બેસાડયો હતો. તેની સ્કુલમાં આજે પેરેન્ટસ મિટિંગ હતી. સવારે આઠ વાગ્યે તો પહોંચી જવાનુ હતુ. પ્રાઇવેટ શાળા વાળાના પણ નિત નવીન ગતકડા. દવામાં થોડા પાણીનુ મિશ્રણ કરતા બબડયો. ફરી પુત્રનો ચહેરો નજર સમક્ષ આવી ગયો. તેનો પુત્ર અજય અદલ તેની માતા જાનકી જેવો જ લાગતો હતો.

           વીસ વર્ષ પહેલા જાનકી સાથે તેના લગ્ન થયા હતા. જાનકી તેની બાળપણની મિત્ર. બાળપણમાં તેઓ શેરીમાં સાથે રમતા ત્યારે જ તેમની સગાઇ થઇ ચુકી હતી. તે અણસમજની ઉંમર સંબંધના તાણાવાણા સમજવા માટે જરાય યોગ્ય ન હતી ત્યારે કેટલીયવાર જાનકીના લાંબા વાળનો ચોટલો તાણયો હતો અને કેટલીય વાર તેના હાથના ધબ્બા ખાધા હતા. ઉંમર વધવા લાગી તેમ શરમના શેરડા વધવા લાગ્યા. સોળ વર્ષની નાની વયે તો લગ્ન થઇ ગયા હતા.

           હજુ માંડ જીવન વિશે ગતાગમ પડતી હતી ત્યાં એક મહત્તવનો સંબંધ જોડાય ગયો હતો. લગ્નના એકાદ વર્ષમાં જ જાનકીને સારા દિવસો રહ્યા હતા. મનમાં ખુશી સમાતી ન હતી. એક નાનકડી પરી રોજ સપનામાં આવી આંગળી પકડી જતી હતી. બંન્ને કેવા ખુશ હતા! આ ખુશીની વય માત્ર પાંચ જ મહિનાની હતી. પાંચમો મહિનો બેસતા જ જાનકીને દુ:ખાવો થવા લાગ્યો. ગામની સુયાણી રેખા એ પેટ પર હાથ ફેરવીને પણ જોયુ હતુ. પરંતુ છતાંય એક દિવસ પીડા વધવા લાગી અને લોહીની ધાર વહેવા લાગી અને એક નાનકડુ ફુલ હાથ છોડીને જતુ રહ્યુ. દાકતરે થોડી દવા સાથે ઘણી બધી શિખામણો આપી. ખેડુત વર્ગ અને ગામડાનુ જીવન. જાનકી માત્ર પાંચ ચોપડી ભણી હતી અને પોતે સાત. દાકતરની શિખામણો સમય જતા ભુલાય ગઇ અને એક વર્ષમાં ફરી જાનકીને સારા દિવસો રહી ગયા.

           ફરી ખુશીની લહેરખી દોડવા લાગી અને ગામના બધા બાળકોને આ ખુશીમાં જમાડયા હતા. આ વખતે જાનકીનુ ખુબ જ ધ્યાન રાખ્યુ હતુ. કોઇ એમ કહે આ હાલતમાં વજન ના ઉપાડાય તો તે ક્યારેય જાનકીને ગ્લાસ પણ ઉપાડવા દેતો નહિ. વળી કોઇ કહે વાંકુ ન વળાય તો તે જાનકી જરાય નમવા દેતો નહિ. દિવસભર ખેતી કરતા કરતા પણ તે જાનકીનુ ખુબ જ ધ્યાન રાખતો. તેની લાડકી પરી સાથે વાતો કરતો રહેતો. ઇશ્વરને આ વખતે પણ એ સુખ મંજુર ન હતુ અને તેના અજયનો જન્મ થયો ત્યારે થોડો અણગમો થઇ આવ્યો હતો. પરંતુ તેની માસુમ મુસ્કાન અને નાના નાના હાથ પગ જોઇને વહાલ ઉમટી આવ્યુ.

           ફરીથી લાડકી પરી માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે પુરા થાય તે પહેલા જ વરસાદી પુર જોવા જતા પગ લપસતા જાનકી જ સાથ છોડીને જતી રહી. તેની જીંદગી જાણે પુર સાથે તણાઇ ગઇ. અજયના મુખ સામે જોઇ શ્વાસ ટકાવી રાખ્યા. માતા પિતા અને સંબંધીઓએ બીજા લગ્ન માટે ખુબ જ સમજાવ્યો પરંતુ જેના પ્રાણ જ શરીરમાં ન હોય તે માટીના શરીરને લાગણી વિના કોઇ સાથે જોડવાથી શુ ફાયદો? સમય જતા બધાએ જીદ છોડી દીધી.  અજય તેના દાદા દાદી પાસે મોટો થવા લાગ્યો.

           માતા વિનાનો પુત્ર દિવસે દિવસે તોફાની થવા લાગ્યો. દાદા દાદી હતા ત્યાં સુધી કોઇ વાંધો ન હતો. તેના જવા પછી તો ખેતી અને પુત્રનો ઉછેર કપરો બનવા લાગ્યો. તેને બાજુના ગામમા હોસ્ટેલમાં ભણવા મુકી દીધો. અડધા કલાકમાં તૈયાર થતા થતા આખુ જીવન યાદ આવી ગયુ.

           શિયાળાની ઠંડી સવારમાં ઝાકળનુ પ્રમાણ ખુબ જ વધુ હતુ. સામેનુ જોવુ જ ખુબ જ અઘરુ હતુ. ભગવાનનુ નામ લેતા લેતા તે ખેતર તરફ જવા લાગ્યો. બાજુની ગલીમાં થોડો કોલાહલ થતો હતો. ઝાકળમાં શું હતુ તે દેખાતુ ન હતુ. તેને ઉભા રહી જોવાનો સમય ન હતો. એક તો ખુબ જ મોડુ થઇ ચુક્યુ હતુ. તે ફટાફટ ખેતર તરફ જવા લાગ્યો.


            તેનુ ખેતર ખુબ જ મોટુ હતુ. એકલતા ટાળવા માટે તે બધુ કાર્ય એકલો જ કરતો હતો. ખેતરનુ કામ કરીને થાકીને તે રાત્રે આરામથી સુઇ શકતો અને પરિવારની ખામી યાદ જ ન આવતી. અત્યારે તેને આખા ખેતરમાં જીરુ વાવ્યુ હતુ. તેમાં બધે દવા છાંટવાની હતી. તે વધારે વિચારો કર્યા વિના તે દવા છાંટવા લાગ્યો. દવા છાંટતા છાંટતા તે ખેતરમાં વચ્ચે પહોંચ્યો ત્યાં તેના પગ સાથે કાંઇક અથડાયુ. શિયાળાની સવારના અંધારા અને ઝાકળની તીવ્રતા વચ્ચે કાંઇ સુઝતુ ન હતુ. તેને બેટરીના પ્રકાશ વચ્ચે જે જોયુ તેનાથી તેની આંખો ફાટી ગઇને તે દવા અને બધુ ફેંકીને ગામ તરફ ભાગ્યો.

           થોડી વારમાં જ પોલીસ અને ગામના બધા નેભાના ખેતરે બધા એકઠા થઇ ગયા. તેની બાજુની ગલીમાં રહેતા જાગૃતિ અને રામ તેની દીકરીની લાશ પાસે ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. તેની પુત્રી દિયા માત્ર બાર વર્ષની જ હતી. નેભાથી પણ આ દ્રશ્ય જોઇ શકાતુ ન હતુ. તેની આંખો પણ વરસવાનુ રોકી શકતી ન હતી.

           “આ કળિયુગ આવી ગયો છે. માણસો આટલી ક્રુરતા કરતા અચકાતા નથી. આટલી નાની છોકરીને રહેંસી નાખી.” પાછળ ટોળામાં થયેલી વાતો સાંભળી નેભાથી પોક મુકાય ગઇ. તેનાથી કોઇ પણ દીકરી સાથે થતા અત્યાચાર જોઇ શકાતા ન હતા. પોલીસ અને ગામના ધીરે ધીરે જતા રહ્યા. જાગૃતિ અને રામ પણ લૌકિક વિધિ ખાતર જતા રહ્યા. નેભો તેના ખેતરમાં એકલો રહી ગયો. આવુ દ્રશ્ય જોઇ તેને ખુબ જ આઘાત લાગ્યો. તેનો મિત્ર શામજી તેને સાંજે બોલાવવા આવ્યો ત્યારે તે ઉઠ્યો અને અચાનક તેની નજર એક વસ્તુ પર પડી. તે હાથમાં લઇને શામજી સાથે ગામમાં આવ્યો.

           આખા ગામનુ વાતાવરણ શોકમગ્ન હતુ. સૌની આંખો ભરાયેલી હતી. પોસ્ટ મોર્ટમ થઇ લાશ આવી ચુકી હતી. મિડીયાના બધા રિપોર્ટર બ્રેકિગ ન્યુઝ બનાવી રહ્યા. ખોબલા જેવા નાનકડા તેના ગામમાં દેકારો મચી ગયો હતો. ગામમાં બધાને એકબીજા સાથે ઘરોબો હતો એટલે બધા એકબીજાના દુ:ખ સુખમાં સદાય સાથે રહેતા. આજે પણ આખુ ગામ પોતાના કામ ધંધા છોડીને રામના ઘરે એકઠા થઇ ગયા હતા. શામજીએ નેભાને જોયો નહિ એટલે તેને લેવા ખેતરે આવ્યો હતો. તેઓ બંન્ને લોકો સાથે બેસી ગયા. વાતાવરણ ખુબ જ ગમગીન હતુ. સૌ કોઇની આંખોમાં રોષ અને આંસુ રોકાતા ન હતા.

           મોડી રાત્રે સ્મશાનેથી બધા આવ્યા બાદ જમ્યા. પરંતુ નેભાના ગળેથી કોળિયો ઉતર્યો નહિ. તે ઘરે જઇ થોડી સફાઇ કરી ખુણામાં લાંબો થયો. આંખમાં ઉંઘ ન હતી. સવારનુ દ્રશ્ય આંખ આગળથી ખસતુ ન હતુ. થાકના કારણે તેને થોડી ઉંઘ આવી ગઇ. સવાર પડતાની સાથે તે ઉઠીને નીકળી ગયો. મનમાં એટલો ઉચાટ હતો કે કોઇ વાહનની રાહ પણ જોવા રોકાયો નહિ. બસ ચાલતો ચાલતો નીકળી પડયો.

           ચાલતા ચાલતા હાંફ ચડવા લાગી. શિયાળાની કાતિલ ઠંડીમાં પણ પરસેવો વળી ગયો. છતાંય તે રોકાયા વગર ચાલવા લાગ્યો. એકાદ કલાક ચાલ્યા બાદ તે બાજુના ગામ પહોંચી ગયો જયાં તેનો પુત્ર અજયની હોસ્ટેલ હતી. તે અજયની હોસ્ટેલે ગયો. ત્યાં હોસ્ટેલના કીપરે તેને જોતા જ કહ્યુ,

           “તમે અજયના પપ્પા છો ને? કાલે પેરેન્ટ્સ મિટિંગમાં તમે એકલા જ આવ્યા ન હતા. તમને કેટલા બધા ફોન કર્યા. ફોન બંધ જ આવતો હતો.”

           તેની વાત સાંભળતા જ યાદ આવ્યુ કે તે સવારે ખેતરેથી ગભરાહટમાં દોડ્યો ત્યારે તેનો ફોન પડીને તુટી ગયો હતો.

           “મારે પ્રિન્સિપલ સાહેબને મળવુ છે.” નેભાએ પુછ્યુ.

           “પ્રિન્સિપલ સાહેબ પણ તમને મળવા માંગે છે. અત્યારે તે હોસ્ટેલ આવ્યા જ છે. ઓફિસમાં બેઠા છે. જલ્દી મળી આવો.” તે તરત હોસ્ટેલમાં આવેલી ઓફિસ તરફ ગયો.

           તે અંદર ગયો એટલે તરત જ પ્રિન્સિપલ જાદવ સાહેબે કહ્યુ,

           “નેભા ભાઇ, તમે કાલે પેરેન્ટ્સ મિટિંગમાં ન આવ્યા?”

           “સાહેબ, થોડુક લૌકિક કાર્ય આવી ગયુ હતુ.”

           “ઓ.કે. સારું તમે આવી ગયા. મારે તમને અત્યારે ફોન જ કરવાનો હતો. તમારા અજયના તોફાન વધી રહ્યા છે અને તે ભણવા સિવાય બીજી બધી આડ પ્રવૃતિમાં વધારે રસ છે. નિયમ મુજબ અમે તેને બહુ કડક શિક્ષા કરી શકતા નથી. પરંતુ શક્ય એટલા પ્રયાસો કરીએ છીએ છતાંય તેનામાં કોઇ ફરક પડતો નથી. તમે તેને સમજાવી જુઓ નહિતર ફરજિયાત અમારે તેનુ નામ કમી કરવુ પડશે. બીજા વિદ્યાર્થીઓને પણ તેના તોફાનો નડી રહ્યા છે.”

           “સાહેબ, અત્યારે હું તેને લઇ જઇ શકુ?”

           “હા, હા શ્યોર. કાલે ઘણાં પેરેન્ટસ તેના બાળકોને લઇ ગયા. આજે શનિવાર છે અને સોમવારથી તો રક્ષાબંધન અને સાતમની રજા પડે છે. તમે તેને લઇ જાઓ અને સરખુ સમજાવીને મોકલજો.”

           “એકવાર હું તેને લઇ જાવ પછી તમને કોઇ ફરિયાદનો મોકો નહિ આવે.”

           “સારું, તમે બહાર બેસો. હું અજયને મોકલુ છું.”

           નેભા માટે એક એક મિનિટ વર્ષ જેવી લાગતી હતી. અડધો કલાક પછી તેનો પુત્ર અજય તેના મિત્રો સાથે સામાન લઇને આવ્યો. તેના બધા મિત્રો તેને બાય કહેવા આવ્યા હતા. બધા તેના જેવા તોફાની જ લાગતા હતા. નેભાભાઇએ તેની પાસેથી એક બેગ લઇ લીધી અને કાંઇ બોલ્યા વિના બહાર ચાલવા લાગ્યો.

           “પપ્પા, કાલે કેમ તમે ન આવ્યા?”

           “ઘરે આવ પછી તને બધુ કહીશ.” આટલુ બોલી બહાર જ તેને તેમના ગામનો રિક્ષા મળી ગયો તેમાં બેસી ગયા. રસ્તામાં અજયે ખુબ જ વાતો કરી પરંતુ, નેભાભાઇ કોઇ વાત કરવાના મુડમાં જ ન હતા. આથી અજય પણ કંટાળીને રિક્ષામાં ઉભો થઇને હાથ ફેલાવીને મસ્તી કરતો આનંદ લેવા લાગ્યો.

           થોડી વારમાં તેમનુ ગામ આવી ગયુ એટલે નેભાભાઇએ પૈસા ચુકવી દીધા અને અજયએ રિક્ષામાંથી નીચે ઉતરીને કહ્યુ,

           “પપ્પા, હું જરાક ચક્કર મારી આવું અને બધા મિત્રોને મળી આવુ.”

           “ના, તુ પહેલા ઘરે આવ મારે તારુ થોડુક કામ છે.” બંન્ને થોડી જ વારમાં ઘરે પહોચી ગયા. ઘરે જઇને નેભાભાઇએ રૂમમાં અજયને બોલાવ્યો. અજય રૂમમાં આવ્યો એટલે તેમને દરવાજો બંધ કરી દીધો.

           “પપ્પા, એવુ શું કામ છે? અને તમે દરવાજો શા માટે બંધ કરી દીધો?”

           “તું કાલે રાત્રે કયાં હતો?” નેભાભાઇએ થોડા ગુસ્સેથી પુછ્યુ.

           “હું મારી હોસ્ટેલમાં હતો. ક્યાં જાવ ત્યાંથી?”

           “મારા સામે ખોટુ બોલવાની જરૂર નથી. મને બધી ખબર છે. ક્યાં હતો તુ?”

           “શું ખબર છે તમને? હું હોસ્ટેલ જ હતો. તમે ફોન કરી લો.”

           “મારે કોઇને ફોન કરવો નથી. તુ બોલે છે કે હું મારી રીતે બોલાવુ.” નેભાભાઇએ ગુસ્સાપુર્વક અજયને ધક્કો મારીને નીચે પાડતા કહ્યુ.

           “પપ્પા, તમને આ શું થઇ ગયુ છે? કેમ કારણ વિના મને મારી રહ્યા છો?”

           “તારા દાદા દાદીએ તને મારવા ન દીધો અને મે સમયસર તને સજા ન કરી એનુ પરિણામ છે આ બધુ. તારા જેવા પુત્રને કારણે મને મારી જાત પર શરમ આવી રહી છે. હું તારામાં સંસ્કાર આપવામાં કાચો પડયો. વધુ પડતા લાડ પ્રેમને કારણે આજે મારે આ દિવસ જોવાનો વખત આવી રહ્યો છે.”

           “પપ્પા”

           “આ તારુ કડુ વાડીમાંથી મને મળ્યુ.”

           “પપ્પા, મે કાંઇ કર્યુ નથી. આપણા ગામનો મહેશ મને છાનોમાનો રાત્રે હોસ્ટેલમાંથી લઇ ગયો હતો. અને મેં તો ખાલી છોકરીને પકડી હતી. તેને બધુ કર્યુ અને છોકરીનુ ખુન કરી નાખ્યુ.”

           “કાંઇ નથી કર્યુ. કાંઇ નથી કર્યુ.” બેલ્ટ વડે મારતા મારતા નેભાભાઇએ ગુસ્સાપુર્વક કહ્યુ.

           “તે મહેશ તો વંઠેલ છે. ગુનેગારનો સાથ આપવો તે પણ ગુનો કર્યા બરાબર જ છે. કોઇની દીકરીને.” આટલુ બોલતા બોલતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

           “પપ્પા મને માફ કરી દો.”

           “માફી, તુ માફીની વાત કરે છે. આવા કાળા કામ કરતા હાથ ન કંપ્યા. હવે માફી વાત કરે છે. તુ જરાય માફીને લાયક નથી. તને તો સજા ને પાત્ર છે.”

           “પપ્પા, પ્લીઝ તમારે મને જે સજા આપવી હોય તે આપો પરંતુ કોઇને કહેતા નહિ. હું બીજી વાર કયારેય આવુ નહિ કરુ.” નેભાભાઇના પગે પડીને રડતા રડતા અજયે કહ્યુ.

           “હા, તુ મહેશને અહીં બોલાવી લાવ પછી જ હું તને માફી આપી શકીશ.”

           “હમણા બોલાવી લાવુ. તમે આ વાત કોઇને કહેજો નહિ પ્લીઝ.”

           “હા, બસ એકવાર તુ બોલાવી લાવ. પછી કાંઇક રસ્તો શોધીએ.”

           અજય રાજી થતો થતો મહેશને બોલાવવા જતો રહ્યો. થોડીવાર ગામનો ઉતાર જેવો મહેશને લઇ અજય ઘરે આવ્યો.

           “પપ્પા અમારી ભુલ થઇ ગઇ. તમે અમને થોડી મદદ કરો તો અમે બચી શકીએ અને હવે અમે કયારેય આવુ નહિ કરીએ.” અજયે કહ્યુ.

           “હા, તમે મારી સાથે આવો હું તમને યોગ્ય જગ્યાએ પહોંચાડી દઇશ.”

           “કાકા તમારો આભાર.” મહેશે પણ કહ્યુ.

           નેભાભાઇ સાથે બંન્ને બહાર આવ્યા. થોડે દુર ચોકમાં આવીને નેભાભાઇએ તેઓને ઉભા રહેવા કહ્યુ અને તેઓ કયાંય જતા રહ્યા. ઘણી વાર બાદ નેભાભાઇ સાથે આખુ ગામ પણ આવ્યુ.

           “જુઓ ગામવાસીઓ આ તમારા ગુનેગાર છે. તેઓ સમાજના ગુનેગાર છે. એક સ્ત્રી, બાળકી પર અત્યાચાર કરનારા રાક્ષસો છે. આજે આવા લોકોને કારણે આપણો સમાજ બગડી રહ્યો છે. તેમની માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. એવી સખત સજા તેમને મળવી જોઇએ કે આવા લોકોના મનમાં ડર પેસી જાય અને બીજા કોઇ આવુ કરતા પહેલા દસવાર વિચારે.”

           “નેભા, પોલીસને ખબર આપી દઇએ. કાયદો તેનુ કામ કરશે.” શામજીએ નેભાભાઇને કહ્યુ.

           “કાયદાથી તો કોઇ ડરતા નથી અને બિલાડીના ટોપની જેમ આવા ગુનેગારો વધી રહ્યા છે. આવાને તો કાંપી જ નાખવા જોઇએ.” નેભાભાઇ હજુ વાત કરી રહ્યા હતા ત્યાં મહેશ અને અજય ભાગવા લાગ્યા એટલે ગામના ત્રણ ચાર જણાએ તેમને પકડી લીધા.

           “પરંતુ તારા પુત્રને સજા આપતા તારા હાથ નહિ કંપે?” શામજીએ ફરીથી કહ્યુ.


           “તે મારો પુત્ર નથી. તે સમાજનો ગુનેગાર છે. આજે જો મારા હાથ કંપી જાય તો સમાજની હજારો દીકરીઓનો હું ગુનેગાર બની જઇશ. હવે ગામની દીકરીને તર્પણ આપવાનો સમય આવી ચુક્યો છે. વધારે વાતો છોડીને આ રાક્ષકોને કાપી નાખો.” નેભાભાઇની વાત સાંભળી બધા નતમસ્તક બની ગયા. તો પણ નેભાભાઇએ પોતાની બધી શક્તિ લગાડીને કુહાડીના ઘા થી પોતાના પુત્ર અજય અને મહેશના ટુકડા કરી દીધા. અને તેના હાથ જરાય ન કંપ્યા.

Comments

  1. Let's creat such atmosphere in which woman can fram design of her life.

    ReplyDelete
  2. At least one chance should be given to become civilized

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2