લોચો – ભાગ-૪
લોચો – ભાગ-૪
“થઇ ગઇ વાત?” નેહાને આવતાવેંત જ
સ્નેહાએ પુછ્યુ.
“હાસ્તો દીદી.”
“દરવાજો બંધ કર અને આવી જા અહી અને
શાંત થઇ મને બધી વાત કહી દે, ડરવાની જરૂર નથી, કદાચ એ તને ગમતો હશે તો હું મમ્મી
પપ્પાને બધી વાત કરીશ.”
“દીદી, વાત જાણે એમ છે કે..........”
નેહા આગળના શબ્દોને બહાર લાવી ન શકી.
“અરે નેહા, જન્મથી આપણે સાથે રહ્યા
અને તુ મને વાત કરવામાં ડરે છે? તારા જેવી છોકરી વાત કહેવામાં સંકોચ કરે એ બહુ
કહેવાય, તારી જગ્યાએ હું હોઉ તો ઠીક છે કે હું તને વાત ન કરી શકુ પણ તુ આમ અચકાય
છે એ બહુ કહેવાય.”
“જો હું પણ તને જ સૌથી પહેલા સરપ્રાઇઝ
આપવાની વાત કહી દઉ છું.” સ્નેહાએ ફરીથી વાતને પકડતા કહ્યુ.
“હા દીદી, બોલ ને? શું સરપ્રાઇઝ છે?”
“આઇ લાઇક સુકેતુ, અમે બન્ને
લગ્નગ્રંથીથી જોડાવાના છીએ. સુકેતુના મમ્મી પપ્પા રાજી છે, હવે મારે મમ્મી પપ્પાને
મનાવવાના છે એટલે જ ખાસ સુકેતુને મારી સાથે લાવી છું અને કહી દઉ છું તારે મને
હેલ્પ કરવાની જ છે મમ્મી પપ્પાને મનાવવામાં. તુ તો જાણે છે કે મને તારી જેમ વાતને
બહુ ફેરવી તોળીને કહેતા આવડે જ નહી, એટલે તારી જરૂર તો પડવાની જ મને. બોલ મદદ કરીશ
ને?”
સ્નેહાએ પોતાના મનની વાત કહી અને આ બાજુ નેહાને
કાપો તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઇ ગઇ. મનમાં વિચારોના વમળો ચકરાવા
લાગ્યા.
“એ ક્યાં ખોવાઇ છે તુ? શું તુ પણ એ જ
વિચારે છે જે હું વિચારું છું?”
“તુ શું વિચારે છે દીદી?”
“એ જ કે આપણે બન્ને એક જ માંડવે
મનગમતા સાથે પરણીએ તો? જન્મ સાથે થયો હતો અને આજે એક નવો જન્મ “લગ્ન” પણ સાથે જ
કરીએ અને એ પણ આપણે જે ગમે છે તેની સાથે જ. બોલ કેવો આઇડિયા છે?” સ્નેહા નેહા સાથે
વાત કરતી વખતે ખુબ ઉત્સાહી હતી જ્યારે સામે પક્ષે નેહાના મનની પરિસ્થિતિ તેનાથી
ઉલ્ટી હતી.
અચાનક નેહાના ફોનની રીંગ વાગી અને
તેને બહાર નીકળવાનો મોકો મળી ગયો.
“દીદી તુ આરામ કર, સાધનાનો કોલ આવે
છે. આપણે નિરાંતે રાત્રે વાત કરીએ.”
“ઓ.કે. નેહા, જલ્દી આવજે, સાંજે
સુકેતુ સાથે બહાર જશુ આપણે.”
**********
“શું છેલ્લી અડધી કલાકથી આમ રડે જાય
છે?” સાધનાએ નેહાને ધમકાવતા કહ્યુ.
“એક તો હું પ્રોબ્લેમમાં છું અને તુ
મને ધમકાવે છે સાધના? મારી હાલત અત્યારે કેવી છે એ તને ખબર છે?” નેહાએ રડતા રડતા
કહ્યુ.
“હા નેહા, હું જાણું છું તારી હાલત,
યાદ્ કર તે દિવસે મે તને કન્ટિનમાં કહ્યુ હતુ કે આ બધુ રહેવા દે પણ તુ માની નહી
અને જોયુને કેવુ ઉલ્ટુ પડ્યુ બધુ.”
“સોરી યાર, હવે મને આમ તાના માર નહી
અને કાંઇક રસ્તો બતાવ જેમાંથી હું બહાર નીકળી શકું.”
“આ પ્રોબ્લેમનો બસ એક જ રસ્તો છે કે
તુ સ્નેહાને બધુ સાચુ કહી દે અને........” સાધનાએ નેહાને હિમ્મત આપી અને તેનાથી
નેહા સ્નેહાને બધી હકિકત કહેવા તૈયાર થઇ ગઇ.
**********
“નેહા, તે મને અહી એકલીને કેમ
બોલાવી? અને આ આવો દુઃખી ચહેરો કરીને કેમ બેઠી છે?” સાધનાના ઘરે આવતાવેંત જ
સ્નેહાએ તેને પુછ્યુ.
“દીદી, એક વાત કે જેનાથી તુ અજાણ છે
તે વાત મારે તને કહેવાની છે પણ સમજાતુ નથી કે ક્યાંથી સરૂઆત કરું?”
“અરે યાર, બોલને પ્લીઝ, આમ ઉખાણાની
જેમ બોલે જાય છે?”
“દીદી, તમે જે મેસેજ વાંચ્યો હતો
મારા ફોનમાં એ રિતેશે તમારા માટે જ મોકલ્યો હતો. આપણે બન્ને ટ્વિન્સ છીએ તેનો મે
ફાયદો ઉઠાવ્યો હતો. મને એમ હતુ કે તમે ખુબ શાંત અને શરમાળ છો અને પપ્પા કહેશે
ત્યાં અને તેની સાથે તમે લગ્ન કરી જ લેવાના છો એ જાણી મે સ્નેહા બની રિતેશ સાથે
પહેલા મિત્રતા કરી અને આજે એ દિવસ છે જ્યારે રિતેશ સ્નેહાને પ્ર્રેમ કરવા લાગ્યો
છે.”
“નેહા, આર યુ મેડ? આ કાંઇ રમત છે તે
મારા વતિ રમી લીધી? તુ મને એની સાથે લગ્નથી જોડવા ઇચ્છે છે જેને મે જોયો પણ નથી
અને બીજી બાજુ એ રિતેશને અંધારામા રાખી તુ આવો ખેલ રમી લીધો? તુ કાંઇ સમજે છે કે
નહી?” સ્નેહાએ નેહાને ગુસ્સાથી ધમકાવતા કહ્યુ.
“દીદી, મને બસ તારી ચિંતા હતી કે
અરેન્જ્ડ મેરેજ તારા જેવી શરમાળ અને શાંત છોકરી માટે મને યોગ્ય ન લાગ્યુ, દીદી
રિતેશ ખુબ જ સમજુ અને સરળ સ્વભાવનો છે, એ તને ખુબ ખુશ રાખશે, પ્લીઝ એક વખત તુ
રિતેશને મળહે ત્યારે તને તેના બધા ગુણો જોવા મળશે.”
“નેહા આ કાંઇ ઢીંગલા ઢીંગલીનો ખેલ
નથી કે તુ મારા માટે પસન્દ કરે અને હું તેની સાથે રમવા લાગી. યાર તુ મારી બહેન છે
પણ તેનો મતલબ એ નથી કે તુ આવી રીતે મારા માટે કોઇ છોકરાની પસન્દગી કરે. તે આ રીતે
ખોટુ બોલ્યા વિના મારા માટે રિતેશને મારા માટે જીવનસાથી પસન્દ કર્યો હોત તો એકવાર
હું સુકેતુને ના કહીને રિતેશ સાથે લગ્ન કરવાની હા કહી દેત પણ જુઠના પાયા પર
બનાવેલી આ પ્રેમની ઇમારતમાં હું ક્યારેય પગ ના માંડુ નેહા.”
“જરાક
વિચાર તો કર, જ્યારે આ વાતની ખબર રિતેશને પડશે તો શું એ તને માફ કરી દેશે? ચલ એક
વાર માટે હું તેને અપનાવવા તૈયાર પણ થઇ જાઉ તો શું એ સત્ય જાણ્યા બાદ્ મને અપનાવવા
તૈયાર થશે? શું રિતેશ એવી સ્નેહાને પસન્દ્ કરશે જે તેની માન્યતાથી બધુ પરે છે?
તેણે મારી સાથે ક્યારેય વાત કરી જ નથી, હંમેશા તારી સાથે જ તને સ્નેહા સમજીને એ
કોઇ ના કોઇ રીતે ટચમાં રહ્યો છે. તો સત્ય જાણ્યા બાદ એ મને પ્રેમ કરશે? મને તેની
અર્ધાંગીની બનાવવા તૈયાર થશે?” સ્નેહાના એક એક શબ્દથી નેહાના રૂવાંડા ઊભા થઇ
ગયા.
“નેહા મે પણ તને કહ્યુ હતુ ને કે આ
બધુ રહેવા દે, પણ ત્યારે તુ અભિમાનમાં હતી કે તારા ધાર્યા પ્રમાણે જ થશે અને મે
ત્યારે એ પણ કહ્યુ હતુ કે જો ધાર્યા કરતા ઉલ્ટુ થશે તો તારા પર બહુ મોટી આફત આવી
પડશે પણ તુ માની નહી અને જો, આજે સાચે જ તારા ધાર્યા કરતા વિપરીત પરિસ્થિતિ આવીને
ઊભી છે. તે ક્યારેય એવુ વિચાર્યુ હતુ કે સ્નેહા દીદી બહુ સીધી સાદી અને શરમાળ છે
એટલે તે પોતાનો મનધાર્યો જીવનસાથી નહી મેળવી શકે પણ જોઇ લે આજે સ્નેહાએ ખુદ પોતાનો
મનપસન્દ જીવનસાથી પસન્દ કરી લીધો છે.” સાધનાએ નેહાને સમજાવતા કહ્યુ.
“યા નેહા, સાધના સાચુ કહે છે, અમારા
બન્નેમાંથી કોઇનો ઇરાદો તને ખીજાવાનો નથી પણ મારી બેન તુ મારા માટે સારૂ કરવા જતા
રિતેશ સાથે નાઇન્સાફી કરી રહી છે.” સ્નેહાએ નેહાની હથેળીને પોતાના હાથમાં દબાવી
આશ્વાસન આપતા કહ્યુ.
“પણ દીદી, એ તને બહુ જ પ્રેમ કરે છે,
તારા પ્રત્યે તેના દિલમાં બહુ માન છે. એ તારા માટે કાંઇપણ કરી છુટે તેમ છે.” નેહાએ
બધી વાતનો રદ્દીયો આપતા કહ્યુ.
“ઓ.કે. એક વાત પુછવા માંગુ છું, તુ
સાચો જવાબ આપજે મને.”
“શું રિતેશે ક્યારેય મારી સાથે વાત
કરી છે? શું તેને મારી વાત કરવાની છટા ગમે છે? શું તે મારા માટે કાંઇ કરી છુટે એમ
છે? શું પેલો મેસેજ મારા માટે લખીને મોકલ્યો છે રિતેશે?”
“નેહા, હું જાણું છું કે અત્યાર
સુધીના બધા પ્રશ્નનો જવાબ ના જ છે. તો તુ સમજતી કેમ નથી યાર?”
“શું સમજવાનુ દીદી એમા?”
“અરે બુધ્ધુ એ મને નહી તને પ્રેમ કરે
છે, તારા માટે કાંઇ પણ કરી છુટવા સમર્થ છે, મારા માટે નહી. નામમાં શું રાખ્યુ છે?
ચાહે એ નામ સ્નેહા હોય કે નેહા કે બીજુકાંઇ પણ, માણસ સામેવાળાની પ્રકૃતિને પ્રેમ
કરે છે તે જ રીતે રિતેશને તારી પર્શનાલીટી આકર્ષે છે, મારી નહી.”
“ના દીદી, એવુ નથી. મને તેની સાથે
પ્રેમ નથી.” નેહા ઊભી થઇ જતા બોલી.
“ઠીક છે, તો લાવ મને રિતેશના નંબર,
હું બધુ સાચુ કહી દઉ છું, ચાહે ભલે એ આત્મહત્યા કરી લે.”
“નહી દીદી, પ્લીઝ એમ ન કરતી. ભગવાન ન
કરે પણ રિતેશને માઠુ લાગી જશે તો કદાચ એ આત્મહત્યા કરી લે તો હું મારી જાતને
ક્યારેય માંફ નહી કરી શકુ.” નેહા એકશ્વાસે બોલી ગઇ.
“જોયું નેહા, રિતેશ પ્રત્યે તારા
દિલમાં પણ કુણી લાગણી છે એટલે જ તારો જીવ ઉંચક થઇ ગયો અને મને તે આત્મહત્યા કરી લે
તો પણ એ વાતનો કોઇ રંજ થશે નહી કારણ કે તને રિતેશના સહવાસની આદત થઇ ચૂકી છે અને
રિતેશને તારા સહવાસની, માટે મારુ તો કહેવાનુ બસ એ જ છે કે તુ રિતેશને બધુ સત્ય કહી
દે.” સ્નેહાએ નેહાના માથે વ્હાલસભર હાથ ફેરવતા તેને સલાહ આપી અને પોતે ત્યાંથી
નીકળી ગઇ. અ બાજુ નેહા સાધનાને વળગી ચોધાર આંસુએ રડી પડી.
**********
“રિતેશ હું તને મળવા ઇચ્છું છું. તુ
સાંજે પાંચ વાગ્યે મને હોટેલ બ્લુ મુનમાં મળવા આવી શકે ખરો?”
“હા સ્નેહુ, આવીશ જ હું. મને આ વાતનો
ઘણા સમયથી ઇંતઝાર હતો કે ક્યારે તુ મને મળવા આવીશ અને આજે એ દિવસ આવી જ ગયો જ્યારે
તે મને સામેથી મળવા બોલાવ્યો છે.”
“ઓ.કે. તો મળીએ સાંજે પાંચ વાગ્યે.”
ટૂંકા પ્રત્યુત્તર સાથે ફોન કટ થઇ ગયો.
વધુ આવતા અંકે.................
WRITTEN BY – RUPESH GOKANI
Comments
Post a Comment