રવજી શાકવાળો

 

રવજી શાકવાળો



           રોજ બધાના ઘરે કામ કરીને નીકળે ત્યારે સોસાયટીમાં શાકવાળો દેખાય જ જાય. એક મીઠી સ્માઇલની આપ લે થાય બીજો કોઇ સંબંધ નહિ. કયારેક કયારેક થોડી શાકભાજી થેલીમાં ભરીને આપતો.

           “બાળકો માટે રાખજે. મારે એમ પણ બગડી જશે.” હસતા હસતા શાકની થેલી આપતા કહેતો.

           તેના બાળકો હતા? હા, એક દીકરો હતો. નણંદ વધારે ભણાવવાનુ કહીને પોતાના ઘરે તેડી ગયા અને એક દીકરી પણ હતી. ગયા વર્ષે જ બિચારી તાવમા ગુજરી ગઇ. યાદ કરતા લક્ષ્મીની આંખ ભીંજાઇ ગઇ.

           નામની લક્ષ્મી હતી પરંતુ જીંદગીમાં ક્યારેય લક્ષ્મીના દર્શન કર્યા ન હતા. બાળપણથી માંડ જમવા મળતુ અને સાસરે આવીને તેનો પતિ રઘુ આખો દિવસ રીક્ષા ચલાવતો અને સાંજે આવીને દારૂ, જુગારની મહેફિલમાં બધુ ઉડાવી નાખતો કયારેક તેનો કરજો પણ તેને ભરવો પડતો. દિવસભર બધાના એંઠા વાસણો અને કપડાં ધોઇને બે પૈસા મળતા તે કેમ વપરાય જતા ખબર જ ન પડતી.

           શેઠાણીઓના દયાભાવનાથી કયારેક સારો નાસ્તો અને જુના પણ સારા કપડાં પહેરવા મળતા.

           પૈસા સાથે પ્રેમ પણ ક્યા નસીબમાં હતો? બાપની સાતમી દીકરી હતી. ઘરમાં બે કોળિયા જમવા મળતુ. બાકી પ્રેમ શુ કહેવાય કાંઇ ખબર જ ન હતી.

           સાસરીમાં આવ્યા બાદ પતિનો માર અને સાસુની ગાળો સિવાય કાંઇ ન મળ્યુ હતુ. દીકરાને ભણવાને બહાને કામ માટે નણંદ લઇ ગઇ અને દીકરી તો બિચારી છ મહિનામાં જ ગુજરી ગઇ. લક્ષ્મીને પ્રેમની તો કાંઇ જ ખબર ન હતી. શેઠાણીઓ મીઠી મીઠી વાતો કરતી બાકી સ્નેહ કોઇ ને ન હતો. એવામાં રવજી શાકવાળાની સ્માઇલ ખુબ જ મીઠી લાગતી. તેની આંખમાં છલકતા સ્નેહથી દિવસનો થાક ભુલાય જતો.

           **************************

           બે દિવસ થઇ ગયા. હજુ આજે પણ રવજી ન આવ્યો. નિરાશ વદને સાંજ સુધી આમતેમ નજર ફેરવ્યા કરી અને ઘરે જતી રહી.


           રાત્રે પડઘા ઘસ્યા પરંતુ આંખ મળતી જ ન હતી. એક મીઠી સ્માઇલનુ સુખ પણ છીનવાય ગયુ હતુ. કેવી કિસ્મત હતી તેની? કંઇક વિચારીને તે ઉભી થઇ. ઓઢણી સરખી કરીને રાત્રિના અંધકારમાં ચાલી નીકળી.

           પાછળની પોળમાં જ રવજી રહેતો હતો. આવી અડધી રાત્રે નીકળવુ યોગ્ય હતુ. અત્યારે યોગ્ય અયોગ્ય કોઇ વિચાર તેના મનમાં આવતા ન હતા. બસ તે ચાલી નીકળી અચાનક જ..........

           તેની ઓઢણી કોઇએ પાછળથી ખેંચી. તે પાછળ ફરી,

           “અરે ઓ બુલબુલ કયાં ચાલી?” બે દારૂડિયા લથડિયા ખાતા તેની ઓઢણી ખેંચીને પાછળ બબડી રહ્યા હતા.

           “છોડ મારી ઓઢણી.” પોતાની ઓઢણી જોરથી ખેંચતા ગુસ્સાપુર્વક લક્ષ્મી બોલી.

           “અરે ઓ છમીયા નખરા કરે છે.” તેનો હાથ બંન્ને એ મજબુતીથી પકડી લીધો. તે હાથથી મુક્કા મારીને છુટવાનો પ્રયાસ કરવા લાગી પરંતુ બંન્ને મજબુતીથી પકડીને તેને ઢસડી જવા લાગ્યા. આંખમાંથી આંસુ સરવા લાગ્યા. જીંદગીમાં ઓછા દુ:ખ હતા. હવે એક વધારે કાળી ટીલ્લી લાગવા જઇ રહી હતી. તે બુમો પાડવા લાગી. સુમસાન અંધારી રાતમાં તેનુ સાંભળવા વાળુ કોણ હતુ? તેની બુમોને રોકવા એક દારૂડિયાએ તેના મોં પર જોરથી હાથ દબાવી દીધો. તેને જોરથી બટકુ ભરવા પ્રયાસ કર્યો પરંતુ કાંઇ કરી શકતી ન હતી. તેને પોતાની લાચારી પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. આખા શરીરમાં જવાળા બળી રહી હતી.

           ઢસડતા ઢસડતા સુમસાન મેદાન પર તેનો ઘા કર્યો. દર્દથી ચીસ પાડી ઉઠી. તેની કોને પડી હતી? તે ભાગવા જતી હતી ત્યાં જ તેના હાથ પગ મજબુતીથી પકડી લેવામાં આવ્યા. તે ચીસો પાડવા લાગી અને અચાનક જ.............

           ઓછાયો આવ્યો અને બંન્ને દારૂડિયાને મારી મારીને અધમુઆ કરી નાખ્યા. બંન્ને ડરીને ભાગી ગયા. લક્ષ્મીના હૈયે ટાઢક વળી. તેનો હાથ ઓછાયાએ પકડયો. તેને ઉભી કરી અને ઓઢણી સરખી કરવામાં મદદ કરી. અંધારામાં ચહેરો ઓળખી શકાતો ન હતો. પરંતુ સ્પર્શ જાણીતો લાગ્યો. ઓછાયો આગળ જવા લાગ્યો. લક્ષ્મી તેની પાછળ ચાલવા લાગી. તેના ઘર સુધી તે મુકી ગયો. હાથ જોડીને તે પરત જવા લાગ્યો ત્યારે ઓળખાણ પડી. આ તો રવજી. તેને બુમ પાડી પરંતુ ત્યાં સુધી તે આગળ નીકળી ગયો. ખતરનાક અનુભવ બાદ હવે તેને ઘરથી દુર જવાની હિમ્મત જ ન થઇ.

           **********************

           “બિચારો રવજી શાકવાળો વર્ષોથી લગ્ન માટે ક્ન્યા શોધતો હતો અને બે દિવસ પહેલા હુમલો આવતા અધુરૂ સપનુ છોડીને જતો રહ્યો.” શેઠાણી અમલા બહેનની વાત સાંભળી હાથમાં રહેલો કાચનો કપ પડીને તુટી ગયો.

           કેવો સ્નેહ! મૃત્યુ બાદ પણ સાથ ન છોડયો.

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2