ટાઈમ મેનેજમેન્ટ
સમયનુ વ્યવસ્થિત આયોજન કરી જીવનની દરેક પળને માણો.
આજના
યુગની મોટામાં મોટી સમસ્યા હોય તો સમયની છે. બાળકથી માંડીને વુધ્ધો સુધી કોઇ પાસે
સમય નથી. જીંદગીની દોડ એટલી બધી વધી ગઇ છે કે પોતાની જાત માટે પણ સમય નથી. સમયની
મુશ્કેલીની ભીંસ દિવસે દિવસે વધવા લાગી છે. આપણા કાર્યો સરળ બનાવવા માટે જેટલા સાધનો
બનવા લાગ્યા છે એટલો જ સમય ઘટવા લાગ્યો છે.
આવડત
ઘણી છે, શોખ ઘણા છે, ફરવા જવુ છે, જીંદગી માણવી છે, ઘણાં લોકો સાથે સંબંધો જાળવી
રાખવા છે પરંતુ સમય જ નથી. સમયના અભાવથી ઘણુ સહન કરવુ પડે છે.
અગત્યના કાર્યો રહી જાય છે. કયારેક
સંબંધો બગડી જાય છે. અને સૌથી મોટુ નુકસાન આપણા આરોગ્યનુ છે. દોડધામ ભરી જીંદગીમાં
આપણુ આરોગ્ય સાવ બગડી રહ્યુ છે. જીવનના મહાત્ત્વ પુર્ણ કાર્યો બાકી રહી જાય છે અને
બિનજરૂરી કાર્યો પાછળ કિમતીં સમય વિતી જાય છે.
એવો કોઇ રસ્તો નથી કે આપણે ભરપુર સમય મેળવી
શકીએ અને આપણે ઇચ્છીએ તેવા કાર્યો કરી શકીએ. જીવનના બધા સપનાઓ સરળતાથી પુરા કરી
શકીએ.
હા, જરૂર છે. આપણે આપણને મળતા
સમયનુ યોગ્ય આયોજન કરીને જીવનમાં ભરપુર આનંદ લઇ શકીએ છીએ. આપણે સૌને દિવસમાં ભરપુર
સમય મળે છે. પરંતુ તેનુ આયોજન આપણે જાણતા નથી. બીજી રીતે કહીએ તો આયોજન માટે પણ
સમય નથી. રોજ રોજ કે દરેક પરિસ્થિતિ માટે લાંબુ આયોજન કરવા માટે સમય કાઢીએ તો બીજા
બધા કાર્યો તો રહી જ જાય. સાચી વાત ને?
તો પછી કેમ શુ કરવુ? હજારો પ્રશ્નો
મનમાં આવે છે ને, હસતા રમતા બીજા કાર્યો કરતા વ્યવસ્થિત આયોજન પણ થઇ જાય અને બધા
કાર્યો સમયસર થઇ જાય તો કેવુ સારુ. જીવન સરળ બની જાય.
સમયનુ વ્યવસ્થિત આયોજન કેવી રીતે કરવુ?
જીંદગી એક જ વાર મળે છે. બીજા અનેક
જન્મો થતા હશે કે નહિં કોઇ જાણતુ નથી. તો, ઇશ્વરની બહુમૂલ્ય દેન આ જીવનને વેસ્ટ ન
કરીએ. કોઇ એવા કાર્યો કરીએ કે જે આપણા તથા અન્ય લોકો માટે ખુશીનુ કારણ બની રહે.
જીંદગી એવી જીવી જઇએ કે અંતિમ સમયે સંતોષ રહે અને યાદગાર બની રહે.
દરેક વ્યક્તિના આંખમાં અનેક સપનાઓ
હોય છે. સફળ થવુ, આગળ વધવુ, માન મતરબો મેળવવો, ખુબ જ પૈસા કમાવવા, દેશ વિદેશ ફરવા
જવુ, પરિવારના સભ્યોને ખુશી આપવી, સંતાનોને ઉચ્ચ ભવિષ્ય આપવુ, વડીલોની સેવા, સૌના
પ્રિય બની રહેવુ, આપણા પોતાના શોખ પુરા કરવા, સમાજ માટે ઉપયોગી બનવુ જેવા અનેક સપનાઓ
આપણે આંખમાં લઇને જીવતા હોઇએ છીએ. તેમાંથી 10%જેવા સપના માંડ પુરા થાય છે અને
જીવનમાં માત્ર ફરિયાદ જ રહી જાય છે. તેમાંથી પણ અમુક 100% પુરા થતા નથી. અંતિમ
સમયે અધુરપ લાગે છે અને જીંદગી પુરી થઇ જાય છે.
તમારે આ ફરિયાદ અને અધુરપને દુર
કરવી છે તો તમારે માત્ર એક નાનકડુ કાર્ય કરવાનુ છે. માત્ર એક નાનકડુ કાર્ય કરવાથી
જીવન આખુ બદલી જાય છે એટલે બધા સપનાઓ 100% પુરા થઇ શકે છે. તે કાર્ય છે સમયનુ
આયોજન. તેના માટે બસ થોડી ટેવ પાડવાની છે. આજે જ નાનકડી ડાયરી લો અને તેમાં આખી
જીંદગી દરમિયાન આપણે શુ મેળવવા માંગીએ છીએ તેના વિશે નોંધ કરીએ ત્યાર બાદ તે સપનાઓ
પુર્ણ કરવા માટે માસિક આયોજન બનાવી અને
અઠવાડિક આયોજન બનાવીએ અને દરરોજ રાત્રે સુતી વખતે એક કાગળ પર આગલા દિવસના કરવાના
કાર્યો માટેનુ દૈનિક આયોજન બનાવીએ. વાંચતી વખતે થોડુ અઘરુ અને મુશ્કેલ લાગે પુરતુ
આ ખુબ જ સરળ અને ઉપયોગી રસ્તો છે.
આવી રીતે આયોજન કરવાથી બિનજરૂરી
કાર્યો તરફ વેડફાતો સમય અને એનર્જી બચી શકે છે. દૈનિક આયોજનમાંથી સૌથી ઉપયોગી
લાગતુ કાર્ય સૌ પ્રથમ કરીએ અને બિનજરૂરી લાગતા કાર્યો ટાળીએ આવી રીતે કરવાથી જરૂરી
કાર્યો ફટાફટ પુરા થશે અને તેનુ મહત્ત્વનુ પરિણામ મળશે. વળી, જેમ જેમ આપણે આપણા
સપનાઓ પુરા થવા લાગશે તેમ આપણો આત્મવિશ્વાસ પણ વધવા લાગશે. તે વધેલા આત્મવિશ્વાસથી
બીજા કાર્યો ઝડપથી અને અસરકારક રીતે પુરા થવા લાગશે. જીંદગી ખુબ જ સરળ અને
આનંદદાયક બનવા લાગશે.
જરૂરી કાર્યો શરૂઆતમાં કઠિન અને
અશક્ય લાગશે પરંતુ જેમ કાર્ય કરવાની શરૂઆત કરીશુ એમ આપણે ધાર્યા કરતા સરળતાથી અને
ઝડપથી કાર્ય પુરુ થશે. આપણા મનના વિચારો કોઇ કાર્ય અને અઘરુ બનાવે છે. બાકી દરેક
કાર્ય પુરા દિલ અને મનથી કરવાથી કંઇ અઘરુ છે જ નહિ. દુરથી લાંબો લાગતો રસ્તો ચાલતા
રહેવાથી ફટાફટ પુરો થઇ જાય છે.
હા, વિશ્વલેષણ ખુબ જ મહત્ત્વનુ છે.
આપણા માટે સૌથી મહત્ત્વનુ કાર્ય કયુ છે. જે કરવુ ખુબ જ જરૂરી છે તેને ક્યારેય ટાળવુ
ન જોઇએ અને બિનજરૂરી કાર્યો જે બીજા પાસે પણ કરાવી શકાય અથવા તો ન કરવાથી કોઇ
નુકસાન થવાનુ નથી તેના માટે ખોટો સમય ન બગાડીએ. તેનુ યોગ્ય રીતથી દરરોજ વિશ્લેષ્ણ
કરતા રહેવુ જોઇએ. અને આપણા આયોજનમાં થોડો સમય અચાનક આવી પડતા કાર્યો માટે પણ
ફાળવવો જોઇએ જેથી કરીને અચાનક કોઇ કાર્ય આવી જાય તો બીજા કાર્યોને અસર ન પડે.
એક વખત આયોજનની આદત બની જશે પછી
ધીરે ધીરે બધા સપના પુરા થવા લાગશે જીંદગી પાસે ન માંગેલી ખુશીઓ આવીને ઉભી રહેશે.
પછી સમય નથી એ શબ્દ ભુલીને મારી પાસે પુષ્કળ સમય છે એવી વિચારસરણી બની જશે. ભરપુર
સમય માણવાનો અહેસાસ જીવનમાં અનેરી ખુશી ભરી દે છે.
હા, બીજી મહત્ત્વની વાત એ છે કે
ખાલી આયોજનના કાગળ ભરવાથી કશુ નહિ થાય. તેના માટે કાર્યની શરૂઆત કરવી ખુબ જ જરૂરી
છે. સવારે ઉઠતાવેંત જ આયોજનના વિશલેષ્ણ મુજબ કાર્યની શરૂઆત કરી દેવી જોઇએ. સફળ
વ્યક્તિઓ આયોજન માટે પુરતો સમય ફાળવે છે પછી કાર્યની શરૂઆત બાદ બીજા બિનજરૂરી
વિચારો પાછળ સમય બરબાદ કરતા નથી. આયોજન મુજબ કાર્યો કરતા રહે છે અને તે પોતાની
જીંદગીમાં હમેંશા અગ્રેસર જ રહે છે.
આયોજન મુજબ કાર્યો કરવા અને બિન
જરૂરી વિચાર ન કરવાનુ કારણ આપણુ મન છે. કેમ કે આપણા મનમાં અનેક તરંગો વહેતી રહે
છે. તે દરેક પળે અવનવા વિચારો જન્માવતી રહે છે. એટલે કે કાર્ય કરતી વખતે આ તરંગો ઘણી
વખત કાર્યથી દુર કરવા આળસની ભાવના જગાડે છે, ઘણી વખત મનને બીજી બાજુ ભટકાવીને એક
કાર્ય અધુરુ મુકાવી બીજા કાર્ય તરફ દોડાવે છે. આ તરંગો વહેતી જ રહે છે. આથી એક વાર
આયોજન મુજબ કાર્યો કરવાની આદત પાડી દેવાથી મનમાં કાર્યો પુરા કરવાની જ તરંગો વહેવા
લાગે છે અને જીવનમાં આયોજન મુજબ ચાલવાની આદત બની જાય છે.
કાર્યો પુરા કરવાની સફળતાની આદત
બની જતા બધા જ સપનાઓ ખુબ જ સરળતાથી પુરા થવા લાગે છે. દુનિયાના 1% સફળ લોકોની
સફળતાનુ રહસ્ય આ જ છે. સમયનુ વ્યવસ્થિત આયોજન અને આયોજન મુજબ કાર્ય.
બસ હવે તમે પણ તે સફળ લોકોના
લિસ્ટમાં જોડાય જાઓ તેવી શુભેચ્છાઓ. તો શરૂ કરો છો ને અત્યારથી જ સમયનુ આયોજન.

આજ ની સવાર ફરી ક્યારેય નહી આવે.સમય નું સમજદારી પૂર્વક આયોજન અને પાલન ચોક્કસ સફળતાં અપાવે છે.
ReplyDelete