ફરિયાદોને બદલે સજાવીએ મીઠી યાદો:

 ફરિયાદોને બદલે સજાવીએ મીઠી યાદો:



           જીંદગી ઉતાર ચડાવનુ નામ છે. જીવનમાં મુશ્કેલીઓ અને  તક મળતી જ રહે છે. જીવનમાં મુશ્કેલીનુ દુ:ખ એટલુ વધારે હોય છે કે તેમની સામે સારી બાબતો આપણે દેખાતી નથી. આથી ફરિયાદનો ઢગલો લઇને બેસી જઇએ છીએ. આ ફરિયાદો વચ્ચે જીંદગી ફસાય જાઇ છે. આજે એક સત્ય ઘટના જોઇએ,

                 અરુનિમા સિન્હા જેનો જન્મ 20મી જુલાઇ 1988ના રોજ આંબેડકર નગર યુ.પી. માં થયો હતો. તે એક વોલીબોલ ચેમ્પિયન હતા. 2011માં લખનઉથી દિલ્લી ટ્રેનમાં આવતી વખતે તેની સોનાની ચેઇન માટે લુંટારાઓએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા હતા. બદનસીબે એ જ સમયે બીજી ટ્રેન આવી તેની સામે અથડાઇને તેઓ નીચે પડયા ત્યારે તેનો એક પગ કપાય ગયો અને બીજો ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. આખી રાત તેઓ ચીસો પાડતા રહ્યા. ઉંદરો તેના પગને કોતરતા રહ્યા. વહેલી સવારે ગ્રામવાસીઓએ તેમને બરેલી જીલ્લાની હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં ન તો બ્લડ બેંક હતી કે ન એનેથેસીયા. એનેથેસીયા વિના જીવતી હાલતમાં તેના પગને દુર કરવામાં આવ્યો અને ડોકટર તથા સર્જને પોતાનુ લોહી આપી તેનુ ઓપરેશન કરવામાં આવ્યુ. લોકોને ધીરે ધીરે ખબર પડવા લાગી કે તે વોલીબોલ ચેમ્પિયન છે આથી તેમને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા.

                 તેમનો એક પગ કપાય ચુક્યો હતો. તેના બીજા પગમાં લોખંડના સળિયા નાખવામાં આવ્યા હતાં. તેના સ્પાઇનરમાં ત્રણ ફેકચર હતા. આવી હાલતમાં હોસ્પિટલના બેડમાં તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનુ નક્કી કરી લીધુ તેમની હાલત જોઇને સૌ કોઇએ એમ કહ્યુ કે આ શક્ય જ નથી. તુ રહેવા દે. પરંતુ તેઓએ મનમાં નક્કી કરી લીધુ હતુ. હોસ્પિટલમાંથી રજા મળતા પાટા સાથે તે શ્રી બચેન્દ્રી પાલને મળવા ગયા. તેમની હાલત અને જુસ્સો જોઇને આંખમાં આસુ સાથે શ્રી બચેન્દ્રી પાલે કહ્યુ કે, “આવી હાલતમાં તે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનુ નક્કી કર્યુ એટલે મનથી તો સર કરી જ લીધો છે. હવે તો માત્ર લોકો માટે જ છે.”

                પ્લાનિંગ કરી લીધુ, ટ્રેનર મળી ગયા હવે બસ શિખર સર કરવાનુ હતુ. પરંતુ ઘા હજુ તાજા હતા. લોકો જે બે મિનિટમાં ચાલી શકતા હતા તે અરુનિમાને ત્રણ ત્રણ કલાક લાગતી હતી. ચાલતા ચાલતા પગમાંથી લોહી નીકળવા લાગતુ હતુ. તેમને મનમાં થવા લાગ્યુ કે ખાલી ચાલવામાં મુશ્કેલી પડે ત્યારે એવરેસ્ટ કેવી રીતે સર કરી શકાશે? પરંતુ મનમાં જુસ્સો હજુ અંકબંધ હતો. ફકત આઠ મહિના બાદ પ્રેકટિસ દરમ્યાન લોકો સાથે તે ચાલતા અને થોડી જ મિનિટમાં બધા પાછળ રહી જતા અને તેઓ સૌથી આગળ હોય. તેમનો આ જુસ્સો જોઇને તેમને સ્પોંસરશીપ પણ મળી ગઇ.

                માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે શેરપાએ તેમના પ્લાસ્ટિકના પગ જોઇને ના પાડી દીધી ત્યારે માંડ માંડ તેમને સમજાવ્યો. ધીરે ધીરે એવરેસ્ટ પર ચડવાનુ શરૂ કર્યુ ત્યારે તેનો પ્લાસ્ટિકનો પગ લસરવા લાગ્યો. તેમના માટે બરફના પહાડ પર ચાલવાનુ ખુબ જ મુશ્કેલ હતુ પરંતુ અંદરથી તેમનુ મન ખુબ જ મજબુત હતુ. ધીરે ધીરે તેઓ ઉપર જવા લાગ્યા. હિલેરી સ્ટેપ પહોંચતા તેમને લાશોના ઢગલા જોયા. તેઓ કંપવા લાગ્યા. પરંતુ હિમ્મત  ન હારતા તેઓ આગળ ધપવા લાગ્યા. હિલેરી સ્ટેપથી માઉન્ટ એવરેસ્ટ ફકત થોડુ જ દુર હતુ ત્યારે  તેમના શેરપાએ કહ્યુ, “અરુનિમા તારો ઓકિસજન પુરો થવા ઉપર છે ચાલો પરત જઇએ.” જે મંઝિલ માટે આટલી મહેનત કરી હતી. તે આટલે નજીક હતી હવે તેને છોડવાનુ મન થતુ ન હતુ. તેઓ હિમ્મત કરીને આગળ વધ્યા અને એકાદ કલાકમાં એવેરેસ્ટ શિખર સર કરી લીધુ. અકસ્માતના બે વર્ષ બાદ જ તે ટોચ પર હતા. ટોચ પર જઇને તેમને આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ઓછા ઓક્સિજન સાથે પણ તેમણે દેશનુ ગૌરવ વધાર્યુ.

                પરત આવતા જ થોડી વારમાં તેમનો ઓક્સિજન પુરો થઇ ગયો અને તેઓ નીચે પડી ગયા. મૃત્યુ સાવ સમીપ હતુ ત્યારે તેમને યાદ આવ્યુ કે રેલ્વે ટ્રેક પર તેમની પાસેથી 49 ટ્રેન અપ અને ડાઉન થઇ હતી છતાંય તેઓ આજે જીવિત છે અને એવરેસ્ટ પર છે. ઇશ્વર તેમની સાથે છે તો તેને કંઇ નહિ થાય. થોડી જ વારમાં એક બ્રિટિશ વ્યક્તિ આવ્યો જેમની પાસે બે ઓક્સિજનના માસ્ક હતા. હવામાન ખરાબ હોવાથી એક માસ્ક ફેંકીને તે નીચે જવા લાગ્યો. શેરપાએ તે માસ્ક લઇને અરુનિમાને આપ્યો તેને ઉભા થવા મદદ કરી. માઇન્સ 60 ડિગ્રી તાપમાનમાં તેમનો પ્લાસ્ટિકનો પગ સાવ ટુટી જ ગયો હાથના આંગળા જકડાવા લાગ્યા તેમાંથી લોહી વહેવા લાગ્યુ. હિમ્મત તુટવા લાગી હતી. છતાંય પગ ઢસડીને 16 કલાકનુ અંતર 28 કલાકમાં એક પગે પુરુ કરી તેઓ નીચે હતા. લોકોએ માની લીધુ હતુ કે તે નહિ બચે ત્યાર બાદ તેઓએ માઉન્ટ કિલિમાનજારો, માઉન્ટ એકબર્ટ (રશિયા), માઉન્ટ કોસકિસ્કો(ઓસ્ટ્રેલિયા), માઉન્ટ અકોનકાગુઆ (સાઉથ અમેરિકા) જેવા અનેક શિખરો સર કરી લીધા.

                મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય પરંતુ મનની મજબુતાઇ સામે તેમનુ કંઇ ચાલતુ નથી. દુનિયામાં કિસ્મત પણ તેમનો સાથ આપે છે જે મુશ્કેલીઓ સામે લડવાનુ નક્કી કરે છે. એકવાર આપણે આપણા જીવનની મુશ્કેલીઓ સામે જોવુ જોઇએ. તે આપણી હિમ્મતથી વધારે કયારે હોતી નથી. ફરિયાદો કરવા સિવાય તેમની સામે લડવુ જોઇએ. એકવાર મુશ્કેલીથી આગળ વધવાનુ નક્કી કરીએ ત્યારે જ જીંદગીની બાજી જીતવાનુ શરૂ કરીએ છીએ.

                આવા અનેક દાખલા આપણે નજર સામે જોઇએ છીએ કે સાંભળીએ છીએ કે કંઇક ખામી કે ખોટને ધ્યાનમાં લીધા સિવાય લોકો બસ આગળ ધપતા જાય છે અને એક દિવસ ઉંચાઇને પ્રાપ્ત કરે છે. પરંતુ હજારો કિસ્સા જોયા અને સાંભળ્યાથી પરિવર્તન આવતુ નથી પરંતુ એકવાર જયારે મનમાં આગ લાગે છે ત્યારે અશક્ય પણ શક્ય બની જાય. ગમે તેવી મુશ્કેલી કે તકલીફો હોય તે મજબુત મન પાસે ભાંગીને ચુર થઇ જાય છે. બસ માત્ર એક મક્કમ વિચારની જરૂર છે.

                જીવનમાં આવતી દરેક તકલીફની ફરિયાદ છોડીને સતત આગળ વધતા રહીએ. મુશ્કેલીઓને પહાડ જેવી નહિ પરંતુ સ્પીડ બ્રેકર જેવી માનીને થોડી બ્રેક લગાવી આગળ વધતા જ રહીએ તો દુનિયામાં કોઇની તાકાત નથી કે આપણને રોકી શકે. પવન જેવુ જોમ અને સુરજ જેવી દ્રઢતા લઇને આગળ વધતા વ્યક્તિને કંઇ જ નડતુ નથી. બાકી આ દુનિયામાં કોઇ એવુ નથી જેની જીંદગીમાં મુશ્કેલીઓ આવતી ન હોય. આપણા વિચારો જ આપણને મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે. વિચારો જેટલા મજબુતને મક્કમ તેટલી જ ઇચ્છાપુર્તિ સરળતાથી થવા લાગે છે.

                હિમ્મત હારીને બેસી જનારનુ કિસ્મત પણ બેસી જ જાય છે. પહેલા મનથી જે આગળ ચાલે છે તે જીંદગીમાં ખુબ જ આગળ સુધી પહોંચે છે. આજે જ ફરિયાદોને છોડીને જીવનમાં યાદગાર યાદો બનાવીએ.

                અસ્તુ

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

 

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2