ફરી તેને ગુમાવી

 

વાર્તાનુ નામ – ફરી તેને ગુમાવી



          

 

              આઠ વર્ષની નાનકડી કવિતાની માતાનું અવસાન થઇ ગયુ.તેની માતા તેને ખુબ જ વહાલ કરતી હતી.તેની માતા તેને ઓચિંતા જ છોડીને ચાલી ગઇ.કવિતાને કોઇ ભાઇ-બહેન પણ ન હતા અને દાદા દાદી પણ ન હતા.

              તેના પિતા અરવિંદકુમાર કવિતાની દેખરેખ રાખવા લાગ્યા.પિતાની પણ તે ખુબ જ લાડકી હતી.તેના પિતા તેને માતા-પિતા બન્નેનો પ્રેમ આપવા માટે ખુબ જ પ્રયત્ન કરતા પરંતુ ઘરની અને નોકરીની સંયુક્ત જવાબદારી સાથે તે કવિતાને પુરતો સમય આપી સકતા નહી.

              તેઓ ખુબ જ શ્રીમંત હતા અને જી.ઇ.બી. કચેરીમાં ખુબ ઉંચા હોદા પર તે જોબ કરતા હતા.તેનું મકાન પણ ખુબ મોટુ અને આલીશાન હતુ અને ઘરમાં નોકર ચાકર પણ હતા.છતા પણ માં ની ખોટ કવિતાને હંમેશા સાલતી.અરવિંદકુમારને કોઇ ભાઇ-બહેન ન હતા,તેથી બીજા કુટુંબીજનોના આગ્રહ અને કવિતાની હાલત જોઇને અરવિંદકુમારે બીજા લગ્ન કરવાનુ નક્કી કર્યુ.

              તેના બીજા સગા-વહાલા,કુટુંબીજનો અને મિત્ર વર્તુળ બધા અરવિંદકુમાર માટે યોગ્ય પાત્ર શોધતા હતા,એક દિવસ રવિવારે સાંજે કવિતાને લઇને અરવિંદકુમાર બગિચામાં ગયા હતા ત્યાં તેને પોતાની કૉલેજની મિત્ર શ્યામા મળી.શ્યામા પોતાના વ્રુધ્ધ માતા-પિતા સાથે બગિચામાં આવી હતી.

              શ્યામા સાથે  જુની કૉલેજકાળની વાતો કરીને અરવિંદકુમારને ખુબ જ સારૂ લાગ્યુ.પછી તો તેઓ અવાર-નવાર બગિચામાં મળતા,ધીમે ધીમે ફોન પર વાત કરવાનું શરૂ થયુ.

              એક દિવસ રવિવારે શ્યામાના પિતા જેંતીલાલે અરવિંદકુમારને શ્યામા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.શ્યામાના માતા-પિતા એકલા જ રહેતા અને તેથી શયામાએ આજ સુધી લગ્ન ન કરવાનો નિર્ણય અકબંધ રાખ્યો હતો,પરંતુ અરવિંદ સાથે શ્યામાને હળીમળી ગયેલી જોઇ તેના પિતાજીએ અરવિંદને કહ્યુ , “બેટા હવે અમારી જીંદગીનું કાંઇ નક્કી નથી.તુ અને શ્યામા બન્ને એકબીજાને પહેલેથી જ ઓળખો છોઅને જો તમે બન્ને લગ્નગંથી માં જોડાઇ જાઓ તો અમને બન્નેને શાંતી નો અનુભવ થાય અને અમારુ મોત સુધરી જાય.

              અરવિંદકુમારે શ્યામાના પિતાજીને તેની બધી વાત કહી અને એ બધી વાત માનવા અને કવિતાની જવાબદારી માટે શ્યામા તૈયાર જ હતી.તેથી બન્ને લગ્નગ્રંથીમાં જોડાયા.અરવિંદકુમારે શ્યામાના માતા-પિતાને પણ જવાબદારી પોતાના શિરે લીધી,પણ શ્યામાના પિતાજીએ કહ્યુ , “બેટા,અમારે તો હવે આ ઘર છોડી ક્યાંય જવુ નહી,તમે બન્ને અહી આવતા રહેજો અને અમે પણ ત્યાં તમારા ઘરે આવતા રહેશું,બાકી જુના પાડોશી મિત્રો છે જ,અને આમ પણ અમે હવે કેટલુ જીવવાના બેટા??

              લગ્ન બાદ કવિતાને શ્યામાના રૂપમાં ફરીથી મા મળી.કવિતા ખુબ આનંદમાં આવી ગઇ.તે તો હર હંમેશા શ્યામાની આસપાસ જ રહેવા લાગી.મા...મા... કહીને તેની સાથે જ રહેતી.પરંતુ કહેવાય છે ને કે નવી મા તે નવી મા.....શ્યામા કવિતાની જુની માતા જીજ્ઞા જેવી ન હતી.જીજ્ઞા તો ખુબ જ કોમળ સ્વભાવ અને હ્રદયની હતી.તેણે કવિતાને ખુબ લાડકોડથી ઉછેરી હતી.આઠ વર્ષની થઇ ત્યાં સુધી હાથ ઉપાડવો તો દૂર જીજ્ઞાએ તેને ઉંચા અવાજે વાત પણ કરી ન હતી.

              જ્યારે શ્યામા જીજ્ઞાથી વિરૂધ્ધ સ્વભાવ વાળી હતી.તે ખુબ ગુસ્સાવાળા સ્વભાવની હતી.તેના મતે બાળકોને વધુ પડતા લાડકોડ કરવાથી બાળકો બગડી જાય છે,બાળકોને તો કાબુમાં રાખવા જરૂરી જ છે તેમ તેનુ માનવુ હતુ.તેથી તે વારંવાર કવિતા પર ગુસ્સો કરતી.અને તેની નાની નાની ભુલો પર ટોક્યા કરતી,અરે..ક્યારેક તો તેના પર હાથ પણ ઉપાડી લેતી.કવિતા તો એકાંતમાં જઇ છાની છાની રડી લેતી.હવે તેને પહેલા કરતા પણ વધુ તેની માતાની યાદ આવતી હતી.એક બે વખત તેણે તેના પિતાજીને કહેવાની કોશિષ કરી પણ તેના પિતાજીએ તેની વાત પર બહુ ધ્યાન ન આપ્યુ.કવિતા હવે મનમાં ને મનમાં મુંજાવા લાગી હતી.

              થોડા સમય બાદ તેના પરિવારમાં એક નાના સભ્ય,કવિતાના નાના ભાઇ દિશાંતનુ આગમન થયુ.ઘરમાં બધા ખુબ ખુશ થયા.કવિતા પણ ખુબ રાજી થઇ,પરંતુ તેની ખુશી બહુ વધુ સમય સુધી ટકી નહી.શ્યામા કવિતાને ઘરકામ અને લેશનમાં આખો દિવસ વ્યસ્ત રાખતી જેથી તેને દિશાંતને રમાડવાનો સમય જ ન મળતો.

              કવિતા હવે મોટી થઇ ગઇ હતી.શ્યામા કવિતાની જેમ જ દિશાંત પર પણ કડક વલણ રાખતી ત્યારે કવિતા દિશાંતને સાથ આપતી અને તેને હુંફ આપતી.કવિતા અને દિશાંત ભાઇ બહેનથી વધુ મિત્ર બની રહેતા પરંતુ શ્યામાના કડક વલણને કારણે વધુ સમય સાથે રહી ન શકતા.

              કવિતાને આખો દિવસ ઘરકામ અને લેશનમાંથી ફુરસત જ ન મળતી.અને દિશાંત માટે પણ કડક નિયમો જ ઘરમાં હતા,તો પણ બન્ને ભાઇ બહેન એકબીજાને સહારો આપતા.કવિતાનો સ્વભાવ પણ શ્યામા સાથે રહીને બગડી ગયો હતો.આથી અરવિંદકુમારે કવિતા માટે પોતાની જ નાતના અને ખુબ ધનાઢ્ય પરિવાર અને વ્યવસાયે સિવિલ એન્જીનીયર તેવો ક્રુતેશ સાથે તેના લગ્ન નક્કી કરી દીધા.

              કવિતા અને ક્રુતેશના લગ્ન બાદ કવિતા હમેશા માટે તેના ઘરને છોડી ક્રુતેશના ઘરે આવી ગઇ.બાળપણમાં ખેલવા રમવાના દિવસોમાં જ માતાના રૂક્ષ સ્વભાવને કારણે કવિતા પણ લાગણીહિન બની ગઇ હતી.સામે પક્ષે ક્રુતેશ અને તેનો પરિવાર પણ તેવો જ હતો.ગમે તે ભોગે,અને ગમે ત્યાંથી પૈસા કમાવવા અને ગમે તે ભોગે પોતાનો સ્વાર્થ પુર્ણ કરવો તે જ તેનુ એક માત્ર ધ્યેય હતુ.

              લગ્નના બે વર્ષ બાદ કવિતાને સારા દિવસો રહ્યા,ત્યારે ત્રીજા મહિને ક્રુતેશ અને તેના પરિવારે તેને ચેક અપ કરાવવા માટે કહ્યુ.ક્રુતેશે પોતાના મિત્રના ક્લીનીક જઇ કવિતાનુ ચેક અપ કરાવ્યુ.ચેક અપ બાદ ક્રુતેશને ડૉ. શાહ,તેના મિત્રએ કવિતાના ગર્ભમાં દિકરી છે તેમ કહ્યુ. એ સાંભળી જ ક્રુતેશને ગુસ્સો આવી ગયો અને તેણે એક પળનો પણ વિચાર કર્યા વિના ગર્ભપાત કરાવવાનુ નક્કી કરી લીધુ.ડૉ.શાહે તેને બાર હજાર ફીસ આપવા અને આવતી કાલે સવારે આવવાનુ કહ્યુ.

              ઘરે આવીને ક્રુતેશે કહ્યુ , “દીકરી છે,માય ફુટ.દીકરી તો જોઇએ જ નહી.ક્રુતેશના ઘરે તો કુળદિપક જ જોઇએ,આવી માંગણા લઇને આવે તેવી દીકરી તો જોઇએ જ નહી.”કવિતાને થોડી વાર તકલિફ તો થઇ પણ તેના લાગણીહિન સ્વભાવને કારણે આવુ ઘોર,અક્ષમ્ય પાપ કરવા માટે રાજી થઇ ગઇ.બીજે દિવસે વહેલી સવારે ડૉક્ટરના કહ્યા સમયે બન્ને દવાખાને ગયા.

              ડૉક્ટરે પૈસા લઇને થોડા પેપર પર સહી કરાવી કવિતાને ઓ.પી.ડી. માં લઇ ગયા.અને ગર્ભપાત કરાવી નાખ્યો.ડૉક્ટરે ઓપરેશન બાદ થોડા સમય બાદ સુચનાઓ આપી રજા આપી દીધી.કવિતાને બે દિવસ આરામ કરવા કહ્યુ.ઘરે જઇ કવિતા તેના રૂમમાં આરામ કરવા ગઇ અને ક્રુતેશ ઓફિસ જતો રહ્યો.

              ક્રુતેશના માતા પિતા બહારગામ ગયા હતા જેથી ઘરમાં કોઇ ન હતુ.કવિતા રૂમમાં આરામ કરવા ગઇ અને આરામ કરવા સુતી ત્યાં તેને ઉંઘ આવી ગઇ.થોડા જ સમય બાદ તેને એક આહટ સંભળાઇ.કોઇ બહુ જોરથી દરવાજો ખખડાવતુ હોય તેવો તેને આભાસ થયો.તે ઉભી થઇ દરવાજ હોલ્યો તો ત્યાંનુ દ્રશ્ય જોઇ તે કંપી ઉઠી.

              તેની જન્મદાત્રી માતા જીજ્ઞાના શરીરના કટકા લોહીથી ખરડાયેલા હતા.કવિતા ભયથી ધ્રુજી ઉઠી.શરીરના કટકામાંથી એક પડછાયો ઉભો થયો અને તે કવિતા સામે આવીને ઉભો રહ્યો,કવિતા ખુબ જ ડરી ગઇ અને ભયથી પોતાના રૂમનો દરવાજો બંધ કરી બેસી ગઇ.પરંતુ આ શું???પેલો પડછયો તો દરવાજાની આરપાર નીકળી અને કવિતાના રૂમમાં પ્રવેશ્યો.કવિતા ભયથી કંપવા લાગી અને તેની માતાનો પડછાયો તેની સામે આવી ઉભો રહ્યો.

              કવિતાની સામે આવી પડછાયાએ બોલવાનુ શરૂ કર્યુ , “હવે શું કામ ડરે છે તુ?ગર્ભપાત વખતે તો તને જરા પણ ડર ના લાગ્યો અને ગભરાટ પણ ન થયો.તારા માટે,અને તારા સ્નેહ માટે,અને જે સ્નેહ માટે તું બાળપણથી તડપતી હતી તે પ્રેમ અને હુંફ આપવા માટે મે તારા કુખે જન્મ લેવાનુ નક્કી કર્યુ હતુ.હુ માતા તરિકે તને જે વહાલ અને પ્રેમ ન આપી શકી તે દીકરી રૂપે આપવા માટે તારો અંશ બનવા તૈયાર થઇ હતી.તારી પારકી માતા થકી તંને જે આંસુ અને દુઃખ મળ્યા હતા તે જોઇ મને પણ દુઃખ જ થતુ હતુ દીકરી.મારી આત્માને પણ ક્યારેય શાંતિ મળી ન હતી દીકરી.હંમેશા ઇશ્વરને એક જ પ્રાર્થના કરતી કે હુ કોઇ પણ ભોગે તારી પાસે આવી શકુ.આજે ઇશ્વરે મને એ મોકો આપ્યો તે પણ તે ગુમાવી નાખ્યો.આજે વર્ષો બાદ તને અને મને મળવાનો મોકો મળ્યો પણ તારી મુર્ખામીને કારણે ફરી તું મને પામવાનું ચુકી ગઇ.બેટા,,,,દીકરી તો વહાલનો દરિયો હોય છે,કુદરતનો એક આશિર્વાદ છે,કુદરત ખુદ દીકરીના રૂપમાં આપણે ત્યાં અવતરે છે.ઇશ્વરે વર્ષોથી તને જે માતાના પ્રેમથી વંચિત રાખી હતી તેનો બદલો આપવા માટે મને તારા ગર્ભમાં મુકી હતી.

              મારી પુત્રી તરિકે જ્યારે તારો જન્મ થયો હતો ત્યારે તને પામીને હુ ખુબ જ ખુશ થઇ હતી.મારા કુખે પ્રથમ પુત્રીનો જન્મ થતા મે કુદરતનો ખુબ ખુબ આભાર માન્યો હતો.તારા ઉછેરમાં કોઇ કમી ન રહે અને તને સંપુર્ણ પ્રેમ મળી રહે તે માટે મે બીજા બાળક માટે પણ ક્યારેય વિચાર કર્યો ન હતો.પરંતુ કુદરત પાસે કોઇનું ચાલે નહી તેમ મારા જીવના શ્વાસ બહુ ઓછા હતા તેથી મારે તમને બધાને અને ખાસ તો તને છોડી આ દુનિયા છોડવી પડી બેટા.....

              ઇશ્વરના દરબારમાં પણ મને ચેન ન હતુ બેટા.....તને દુઃખી  જોઇ મને પણ ક્યારેય શાંતિ મળી નથી.જ્યારે તુ તારી નવી માતાના ત્રાસને કારણે દુઃખી થઇ રડતી ત્યારે તારા એક એક આંસુએ મારી આત્માને વલોવી નાખી હતી,બેટા....આજે જ્યારે આટલા વર્ષો બાદ મને તારી પાસે આવવાનો મોકો કુદરતે આપ્યો ત્યારે હુ ખુબ જ ખુશ હતી.ઘણા બધા સ્વપ્નો અને આશાઓ સાથે અને તારા અને ક્રુતેશના જીવનમાં ખુશીઓના ઇન્દ્રધનુષી રંગો ભરવા માટે હુ બહુ આતુર હતી.પણ સાચુ કહુ , તારા નશીબમાં એ પ્રેમ કદાચ લખેલો જ નથી.અને તે અને ક્રુતેશે બન્ને એ સાથે મળી એક વાર ફરીથી મારી હત્યા કરી નાખી.

              બેટા તારી માતાના રૂપમાં જ્યારે મારુ મૃત્યુ થયુ તે તો કુદરતી હતુ.તેમા આપણે ધારીએ તો પણ આપણું કાઇ ન ચાલે,પણ આ વખતે તો તે અને ક્રુતેશે સાથે મળી મારી હત્યા કરી છે.તને તો કદાચ યાદ પણ નહી હોય પણ તુ જ્યારે નાની હતી ત્યારે ભુલથી તારા પપ્પા તારા પર ગુસ્સે થતા કે તને ખીજાતા ત્યારે તેની સામે પણ હું લડી લેતી,પણ તને કાંઇ તારા ઉછેરમાં ખામી આવે તેમ હું ન થવા દેતી.

              એક નાના અંશરૂપે જ્યારે હું તારા દેહમાં આવી ત્યારે મને મારા અસ્તિત્વનું સંપુર્ણ ભાન હતુ.હું થનગનતી હતી તારા કુખેથી જન્મ લેવા માટે,તારી સાથે રહેવા માટે.પણ તે આવો ક્રુર નિર્ણય લઇને મારા અસ્તિત્વને છીન્નભિન્ન કરી નાખ્યુ છે.તારા હાથ ન કાંપ્યા એ રાક્ષસી ડૉક્ટૅરના હાથે મારુ ખુન કરાવતા???તેણે જ્યારે મને તારા ગર્ભમાંથી અલગ કરી ત્યારે હું કેટલી છટપટતી હતી તેનો તને તો શું ખ્યાલ પણ હોય બેટા????

              “મા....ઓ....મા........મને માફ કરી દે.મારી પારકી માતાએ મને ખુબ જ દુઃખ આપ્યા છે.હુ નાની હતી ત્યારથી કરી લગ્ન સુધી તેણે મને ક્યારેય પ્રેમ આપ્યો જ નહી.અધુરા માં પૂરુ હોય તેમ જ્યારે દિશાંતનો જન્મ થયો ત્યારે તેણે નાના એવા દિશાંત સાથે પણ ખુબ અમાનવિય વર્તન કર્યું.મને તો એ ખબર જ નથી કે એક મા તેના સંતાનો પર કેવી રીતે તેની મમતા ન્યોચ્છાવર કરે છે???લગ્ન બાદ પણ મારો પતિ અને સાસરા પક્ષ વાળા પણ એવા જ મળ્યા.તેઓ પણ લાગણીશુન્ય અને નિર્દયી હતા.કદાચ મે તેની સાથે આ બાબતે બળવો કર્યો હોત તો પણ તેઓ મારી ઇચ્છા વિરૂધ્ધ જઇને પણ આ કામ કરત જ.”કવિતા રડતા રડતા જવાબ આપ્યો.

              “ભ્રુણ હત્યા જેવા અક્ષમ્ય ગુના માટે કોઇ માફી નથી બેટા.ઇશ્વરે આપણને એક અંતરાત્મા આપેલી છે અને તે અંતરાત્મા એટલી મજબૂત છે કે દુનિયાની કોઇ તાકાત સામે લડી શકે છે.તું કદાચ એઅ વખત તારા પતિ અને સાસુ સસરા સામે બળવો કર્યો હોત તો જરૂર ઇશ્વર ના અસંખ્ય હાથ તારી સાથે આવી તને મદદ કરત જ , માત્ર તારે પરમ ક્રુપાળુ ઇશ્વર પર થોડી શ્રધ્ધા રાખવાની જરૂર હતી.આવા બહાના ન બતાવ અને તુ,તને અને તારા પતિ ને તો કુદરત જ સજા આપશે.

              આટલુ કહી તે પડછાયો જતો રહ્યો.કવિતા બેબાકળી બની ચારે બાજુ શોધવા લાગી.અને બૂમો પાડવા લાગી. પણ તેને કોઇ ન મળ્યુ કે ન કોઇએ તેની વાત સાંભળી. ફરી તેને એકવાર માતાને ગુમાવી દીધી...........................

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2