એક વિચાર બદલો અને જીંદગી બદલો:
એક વિચાર બદલો અને જીંદગી બદલો:
જીંદગીનુ
ઘડતર વિચારોની હારમાળાથી થાય છે. આપણા જેવા વિચારો હોય તેવુ આચરણ બનતુ જાય છે.
પરંતુ આપણે ક્યારેય વિચાર્યુ છે કે આ વિચારોની શરૂઆત ક્યાંથી થાય છે?
વિચારોની શરૂઆત:
માતા પિતા જેને આપણે જન્મ આપ્યો
છે. તેની વિચારસરણીનો આપણા પર પ્રભાવ પડે છે. જિનેટીકલ કારણો સિવાય તેઓ બાળપણથી
સતત આપણી સૌથી નજીક રહેલા છે. આથી તેના વિચારો જેવા જ આપણા વિચારો ઘડાય છે. તેના
સિવાય આપણી આસપાસ રહેલો, આપણા મિત્રો, આપણા શિક્ષકો અને આપણા વાંચનની અસર આપણા
વિચારો પર પડે છે. આપણી આસપાસની પરિસ્થિતિ આપણા વિચારો પર અસર કરે છે. જેવુ આપણુ
શિક્ષણ અને વાંચન તેવા આપણા વિચારો ઘડાય છે.
ટુંકમાં કહીએ તો આપણી આસપાસનુ
સમગ્ર વાતાવરણ આપણી વિચાર ક્ષમતા પર અસરકર્તા છે. આપણી આસપાસની જેવી પરિસ્થિતિ
તેવા આપણા વિચારો.
વિચારોની જીવન પર પડતી અસર:
જેવા આપણા વિચારો તેવી આપણી
જીંદગી. આવુ કેવી રીતે શક્ય છે? ઉદાહરણ દ્રારા સમજીએ તો આપણે ધનવાન થવાના વિચારો
કરતા હોઇએ તો તેવા જ રસ્તા હમેંશા શોધતા રહીએ છીએ જેના પર ચાલીને અઢળક ધન મેળવી
શકાય. એટલે કે આપણુ પુરતુ ફોકસ ધનવાન થવાના વિચારો પર હોય તો ચોક્કસ ધન આપણી સામે
આવીને ઉભુ રહે છે.
વિશાલ નામનો વિદ્યાર્થી જેમને ધોરણ
12માં 90% મેળવીને ડોક્ટર થવાનુ સ્વપ્ન સેવ્યુ. તેના પિતાજી જેંતીલાલ એક સરકારી
શાળામાં શિક્ષક હતા. તેની માતા જ્યોત્સનાબેન એક ગુહિણી હતા. તેના કુટુંબ પરિવારમાં
કોઇ ડોક્ટર ન હતુ. તેના માતા પિતા પુત્રના વિચારથી ખુબ જ ખુશ હતા. ગમે તેમ પૈસાની
વ્યવસ્થા કરીને વિશાલને મેડીકલમાં પ્રવેશ આપી દીધો. ખુબ જ મહેનત કરવાની છે વિશાલને
એટલી જ ખબર હતી બાકી તેને કંઇ જ ખબર ન હતી. ભણવા પર પુરતુ ધ્યાન આપીને મેડીકલ
ક્ષેત્રને પાર કરીને વિશાલમાંથી ડો.વિશાલ બની ગયો. માતા પિતા પરિવાર જનો સૌ કોઇ
ખુશ થયા. આખરે વિશાલનુ સ્વપ્ન સાકાર બન્યુ.
થોડા જ સમય તેના લગ્ન સુંદર, સુશીલ
અને બી.એસ.સી કરેલ યુવતી સાથે થયા. લગ્નના થોડા જ સમય બાદ ઇશ્વરની કૃપાથી એક
પુત્રનો જન્મ થયો. દેખીતી રીતે આપણે વિશાલનુ જીવન સુખમય લાગે છે. પરંતુ માત્ર
બત્રીસ વર્ષની નાનકડી વયે આ સુખી જીવન છતાંય આપઘાત કરી લીધો. જાતે જ મોંતને વહાલુ
કરી લીધુ. નાનુ બાળક અને યુવાન પત્નીને એકલા છોડીને અનંતની વાટ પકડી લીધી. વાંચીને
આઘાત લાગ્યો ને?
આપણામાંથી 100માંથી 80 લોકો
આત્મહત્યાનુ વિચારે છે. અમુકને બાળકો નો ચહેરો નજર આવે છે. અમુકને જવાબદારીનુ ભાન
તો અમુકને સમાજનો ભય રોકી છે. તો શુ આપણે બધા દુ:ખી છીએ?
વિશાલની જેમ આપણે બધા પણ આપણી
ઇચ્છાઓ મુજબનુ જીવન મેળવીએ છીએ. તો શુ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ વિચારોનો છે.
ભુખ્યા લોકો માટે રોટલી સ્વર્ગ
સમાન છે. એમ તવંગરના ઘરમાં રોટલીનો ઢગલો છે. છતાંય અનેક પીડાઓ મનમાં સમાયેલી છે.
દરેક પાસે જે છે તેના કરતા જે નથી તેની પીડા વધુ થાય છે.
વિચાર બદલો અને જીંદગી બદલો:
આપણી આસપાસ અનેક પરિસ્થિતિ વચ્ચે
આપણે જીવતા હોઇએ છીએ. દેખીતી રીતે તો આપણે બધા સુખી જ છીએ. પરંતુ સૌ કોઇ જાણે છે
કે કેવા ફંદામાં ફસાયેલા છે? ચારેબાજુની પરિસ્થિતિમાં ઘેરાયેલા છીએ. નોકરી, ધંધાનુ
ટેન્શન, પરિવારનુ ટેન્શન, બાળકોના અભ્યાસનુ ટેન્શન, શરીરની બિમારીનુ ટેન્શન,
મોંઘાઇમાં તેર ખુણા પુરા કરવાનુ ટેન્શન આ બધા વચ્ચે આપણે સાચી ખુશી માણી શકતા નથી.
ખુશીના નાનકડા ઢગલો દુ:ખ અને પરેશાનીના ડુંગર વચ્ચે દેખાતો નથી. તો કરવુ શુ? એક
મુશ્કેલીનો માંડ અંત આવ્યો જ હોય ત્યાં બીજી ત્રણ ચાર દરવાજે ઉભી જ હોય. સુખી
પરિવાર, નાણાકીય સ્થિરતા તે બધુ કાયમ એકસરખુ રહેતુ નથી. હમેંશા તેમા ઉતાર ચડાવ
આવતા જ રહે. ક્યારેક એમ લાગે છે કે દુનિયામાં બધી જ પરેશાની મને જ શોધીને ઇશ્વરે
આપી દીધી. દુર આકાશમાં ઉડવુ છે. પરિવાર સાથે રજાઓ માણવી છે. સમાજને ઉપયોગી ઘણા
કાર્યો કરવા છે. પરંતુ મોકો મળે ત્યાં તો જીંદગી ખુટવા લાગે. ગણતરીના શ્વાસ વચ્ચે બહુ
બધી જવાબદારીઓ આપી દીધી છે ઇશ્વરે આપણે સૌને.
આપણે સૌ એવા પંખી છીએ જેને ઉડવાની
તો છુટ છે પરંતુ એક મોટા પિંજરાની અંદર જ. બંધનમાં આપેલી સ્વંત્રતાનુ મુલ્ય નથી.
તે માત્ર નિ:સાસા જ આપે છે. બહુમૂલ્ય જીવન શુ આમ જ પસાર કરવાનુ છે?
ના, મિત્રો જીવન પસાર કરવાનુ નથી.
તેને માણવાનુ છે. પિંજરામાં રહેલા નાનકડા કાણાને મોટુ કરીને તેમાંથી બહાર નીકળી
વિશાળ આકાશ પર ઉડવાનુ છે. હા, આ બધુ જ શક્ય છે. માત્ર એક વિચારની બદલવાની જરૂર છે.
કેવી રીતે?
સંતોષએ મોટુ સુખ છે. વર્ષોથી આપણે
આ વાત જાણીએ જ છીએ. બસ આજે તેને માત્ર સમજવાની છે. જીંદગીના પળે પળને માણતા શીખી
જતા જીંદગી વધારે રંગીન બનતી જશે અને એ રંગો ખુશીના ફુવારા રૂપે આપણી આસપાસ સદાય ઉડતા
રહેશે.
જમતી વખતે સ્વાદિષ્ટ ભોજનમાં મગ્ન
બની જાઓ. દુનિયા બધા દુ:ખ ટેન્શન ભુલીને માત્ર જમવાનો જ આનંદ લો. તમે ઇશ્વરના એવા
પ્રિય પાત્ર છો જેને મનપસંદ સ્વાદિષ્ટ અને ઘરનુ ગરમાગરમ જમવા મળે છે. સેકડો લોકોના
નસીબમાં આ સુખ નથી. એક એક અનાજના ટુકડા માટે નાના નાના બાળકો પણ તરસે છે. ઘર
પરિવારથી દુર દેશની રક્ષા કરતા સૈનિકો પરિવારના સભ્યોના હાથના ભોજનને તરસે છે. પરિવાર
સાથે જેટલો સમય મળે તે પુરા દિલથી માણો. ઘણા લોકો એકલા અટુલા જીંદગી પસાર કરે છે.
પરિવાર નામે તેઓ પાસે નિ:સાસા જ છે.
ઓફિસના તથા ઘરના કામને માણતા શીખો.
જેટલા પ્રેમ અને દિલથી કાર્ય કરીશુ. તેટલુ ઝડપથી અને પરફેકટ કાર્ય બની જાય છે.
બિમારી વખતે આરામને માણીએ અને સારા પુસ્તકો વાંચી. જીંદગીમાં આવતા દુ:ખોએ
સ્પીડબ્રેકર જેવા હોય છે. જે ગાડીની સ્પીડ થોડો સમય ઘટાડે છે જરૂર પરંતુ તેના માટે
કંઇ ગાડી બંધ કરીને બેસી જવાનુ ન હોય. દરેક નવા બદલાવને દિલથી અપનાવતા શીખીએ. દુનિયામાં
પળે પળે બદલાવો આવતા રહે છે. જો આપણે અપનાવતા નહિ જઇએ તો થોડા સમય આપણે દુનિયાથી
સેંકડો જોજન દુર રહી જઇશુ અને જીવનનો ભાર લાગવા લાગશે.
જે મળે છે તેને માણીએ કેમ કે બીજા
લાખો કરોડો લોકો તે વસ્તુ મેળવવા માટે તરસી રહ્યા છે. છતાંય તેને પામી શકતા નથી.
જે નથી મળ્યુ તેની બહુ ચિંતા ન કરીએ કારણ કે લાખો લોકો પાસે તે વસ્તુ છે છતાંય તેઓ
દુ:ખી જ છે. કોઇ વસ્તુ કે પરિસ્થિતિ સુખ કે દુ:ખનુ નિર્માણ કરી શકતી નથી. બસ આપણી
અંદર રહેલા વિચારો અને આપણી પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિ જ સુખ કે દુ:ખનુ કારણ છે.
જેની પાસે પુષ્કળ જમવાનુ છે તે ઉપવાસ કરીને ઇશ્વરને રીઝવાનો પ્રયાસ કરે છે અને જેઓ
પાસે અનાજ નથી તેને ફક્ત અનાજની જ ફિકર છે પ્રાર્થના માટે સમય જ નથી. ભુખ્યા ભજન
કરવુ અઘરુ છે પરંતુ આપણી પાસે ભરપેંટ જમવાનુ છે ત્યારે બીજી ફિકરમાં આ જીવન ન
વેડફવામાં જ સાર છે. બસ જીવન પ્રત્યેના આપણા વિચારો બદલીને બધુ જ પામી શકીએ છે.
કારણ કે આપણી પાસે ઘણુ જ છે.
અસ્તુ
લેખકનું નામ: ભાવિષા ગોકાણી
ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments
Post a Comment