ઝટકો

 ઝટકો

 

 


 

 


 

            “તમને ના પાડી છે ને બેડ પરથી ઉભા થવાની છતો પણ એક વાતમાં સમજતા જ સમજતા નથી” વાસણ સાફ કરતી ક્રિષ્નાને જ્યારે અંદર રૂમમાંથી ધડામ એવો અવાજ આવતા બબડાટ કરતી ફટાફટ નળ બંધ કરીને તે ઉપરના રૂમ તરફ દોડી.

            “અરે, હું તો જસ્ટ દવા લેવા ઉભો........”

            “દવા લેવા ઉભા થવાની શકિત છે નહી અને આટલો મોંઘો ફ્લાવર વાસ તોડીને રાખી દીધો. શું કરું હું તમારું? એક વાત તો માનો મારી.” બકવાટ કરતી ક્રિષ્ના કેયુરનો હાથ પકડી તેને પરાણે પથારી પર બેસાડી દીધો.

            “આ દવા પી લ્યો.,તમને અશક્તિ છે તો શા માટે ઉભા થાવ છો? હુ આવતી જ હતી” ક્રિષ્નાએ દવા આપતા કઠોર સ્વરે કહ્યુ. આજે પરાણે તેના સ્વરમાં કૃત્રિમતા આવી ગઇ.

            “તને કેટલો સમય હેરાન કરવી. હુ સાવ પરવશ બની ગયો છુ.”

            “બસ હવે વધારે વાત કરવાની ડોકટરે મનાઇ કરી છે ને?. ચુપચાપ તમે આરામ કરો.”

            કેયુર પાસે વધારે ચર્ચા કરવા માટે શક્તિ કે મુદો ન હતો. આથી તે દવા પી અને પથારીમાં આડો પડ્યો કે નજીવા સમયમાં તેને ઊંઘ આવી ગઇ. ક્રિષ્નાએ તેને બ્લેન્કેટ ઓઢાડી દીધુ અને રૂમમાંથી કાચના ટુકડા સાફ કરવા લાગી. કાચની કણી હાથમાં ખૂંપી ગઇ અને હ્રદયમાં દર્દની કંપારી ઉઠી ગઇ પણ આજે તેને આ દર્દ બહુ નાનુસુનુ લાગ્યુ.

            જ્યારથી કેયુરના નિદાનની તેને ખબર પડી હતી ત્યારથી તેનુ સુખ-ચેન બધુ છીનવાઇ ગયુ હતુ. ન ચાહવા છતા તેનો ગુસ્સો વાતવાતમાં નજરે ચડી જતો હતો. આજે પણ કેયુરને જમાડી પોતે જમ્યા વિના જ કામે ચડી ગઇ હતી. રૂમમાંથી કાચ સાફ કરી નીચે આવી ગહન વિચારમાં જ ડાઇનીંગ ટેબલ પર ઢાંકી રાખેલી થાળી સામે બેસી ગઇ. છેલ્લી ચોવીસ કલાકથી અન્નનો એકપણ દાનો તેના શરીરમાં પડ્યો ન હતો છતા ઢાંકી રાખેલી થાળી જોઇ તેને જમાવનુ મન થતુ ન હતુ.

            મનમાં ઉચાટ અને એક અલગ જ પ્રકારની વેદના હતી કે જે ભારે અસહ્ય હોવા છતા પણ કોઇને કહી ન શકાય તેમ હોવાથી તે દોડીને વાસણ માંજવા બેસી ગઇ. તે મનોમન તૂટવા લાગી હતી. જેમતેમ ફટાફટ વાસણ સાફ કરી ગેસ્ટરૂમમાં જઇ બે ઊંઘની ગોળીઓ ગળી જઇ ઊંઘવાનો પ્રય્ત્ન કરવા લાગી. કેયુરની બિમારી વિષે જાણ્યા બાદ એવો એક પણ દિવસ ન હતો કે જ્યારે તેને કુદરતી રીતે ચેનની ઊંઘ આવી હોય.  

            આખો દિવસ તે કોઇ ને કોઇ કામમાં વ્યસ્ત જ રહેવા લાગી. પોતાના ગજા બહારનુ અને બીનજરૂરી એવુ ઘરકામ તે કરવામાં વ્યસ્ત રહેવા લાગી. છતાં પણ ટેન્શનના કારણે તેના સુખ ચેન છીનવાઇ ગયા હતા. આજે તો હવે હદ્દ થઇ ગઇ હતી. પાણી નાકની ઉપર જવા લાગ્યુ હતુ અને ક્રિષ્નાને લાગતુ હતુ કે હવે તે આ બધુ દુઃખ અને ટેન્શન જીરવી શકે તેવી પરિસ્થિતિમાં છે જ નહી. આજે ઊંઘની બે ગોળીઓ ગળી જવા છતા અને પારાવાર થાક હોવા છતા પણ ઊંઘનું નામોનિશાન તેની આંખમાં ન હતુ. બસ તે આમથી તેમ પડખા ઘસતી પથારીમાં પડી હતી.

            ડોરબેલનો અવાજ સંભળાતા જ તે દોડીને દરવાજો ખોલવા નીચે જતી રહી. દરવાજો ખોલતા જ તેણે જોયુ કે સામે તેની નાની બહેન મમતા ઉભી હતી.

            “વેલકમ મમતા. કમ ઇન.” બસ આટલુ જ બોલી તે ઉપર ગેસ્ટરૂમમાં પરત જતી રહી. ન કોઇ વિવેક, ન આગતા-સ્વાગતા. બસ ચહેરા પર થોડી ક્ષણના કૃત્રીમ હાસ્યને વેરી તે નીકળી ગઇ. આમ તો મમતા અને તેને ખુબ જ બનતુ હતુ. બંને બહેનો એકબીજાનો સહિયારો હતી. અવાર નવાર મમતા દસ પંદર દિવસ તેના ઘરે આવી રોકાઇ જતી. ક્યારેક મમતા એકાદ મહીનામાં ચહેરો ન બતાવે તો ક્રિષ્ના સામેથી તેને કોલ કરીને તેડાવી લેતી પરંતુ આ વખતે ક્રિષ્નાના હાવભાવ જોઇને તેને પણ બધુ સમજાઇ ગયુ હતુ.

            પોતાને બેગ એકબાજુએ મુકી જરા ફ્ર્શ થયા બાદ તેના પગ બેડરૂમ બાજુ ઉપડ્યા પણ અજાણી જંજીરોએ જાણે તેના પગ જકડી લીધા હોય તેમ તે થંભી ગઇ અને તેના પગ ગેસ્ટરૂમ તરફ વળી ગયા.

            “દીદી હું જાણું છું જીજુની તબિયત દિન પ્રતિદિન લથડતી જાય છે. હું તમારુ ટેન્શન સમજુ છું.” બોલતા તેણે ક્રિષ્નાના હાથને થામવાનો પ્રયાસ કર્યો ત્યાં ક્રિષ્ના ગુસ્સાથી લાલઘુમ થઇ ઉઠી. તેણે પરાણે પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો નહી તો આજે મમતા પર તેનો હાથ ઉપડી જ જવાનો હતો. તેણે મમતાની કોઇપણ વાતનો સારો કે નરસો પ્રતિકાર કર્યા વિના મુર્તિમંત બની બસ તેને સાંભળતી ગઇ.

            મમતા લાંબી મુસાફરી કરીને આવી હતી છતાંય થાક ભુલીને તે ફ્રેશ થઇને ઘરકામ કરવા લાગી ગઇ.

            ક્રિષ્નાને હવે શુ કરવુ કાંઇ સુઝતુ ન હતુ. તેનુ મગજ બ્લેન્ક થઇ ગયુ હતુ. સુખની કલ્પના છલના નીકળી તેને છેતરવામાં આવી હતી કે તેને જ પોતાની આંખો બંધ રાખી હતી. કયારેય ઉંડે ન ઉતરી તેનુ ભયંકર પરિણામ આવીને ઉભી ગયુ હતુ. તે એકાદ કલાક આમને આમ પથારીમાં બેસી રહી.

            “દીદી કોમ્બીફલામ ગોળી છે? માથુ ભયંકર રીતે દુ:ખી રહ્યુ છે” નાની બહેન મમતાએ આવીને કહ્યુ. ક્રિષ્ના જોરદાર ગુસ્સો આવ્યો તેને ઓશીકુ જોરથી નીચે પછાડયુ. મમતા દોડીને ક્રિષ્ના પાસે આવીને બેસી ગઇ. માથે ફેરવીને બોલી,

            “દીદી, તમારુ ટેન્શન હુ સમજુ છુ. તમે આરામ કરો.                                                                                                                                                                                                                                                          


                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     સોરી હુ બે દિવસ તમને છોડીને જતી રહી હતી. તમે હવે સુઇ જાવ હુ બધુ સંભાળી લઇશ.” ક્રિષ્ના પોતાનો હાથ ભીડીને બેસી રહી હતી. તેનામાં અત્યારે ચર્ચા કરવાની કે પ્રતિકાર કરવાની શક્તિ રહી ન હતી. બસ તે આડે પડખે પડી રહી અને પોતાની જુની યાદોમાં સરી પડી.

            વાપી શહેરમાં પંચાયત વિભાગમાં ફરજ બજાવતા શ્રીયુત્ત રાજેશ મહેતાની બે દિકરીઓમાં ક્રિષ્ના મોટી પુત્રી હતી અને મમતા નાની હતી. રાજેશભાઇની બન્ને પુત્રીઓ એટલી હોંશિયાર અને ગુણવાન હતી કે પોતાનો વંશવારસ ન હોવાનુ તેમને જરા પણ દુઃખ ન હતુ. બન્ને પુત્રીઓને રાજેશભાઇએ ઉચ્ચ શિક્ષણ અપાવ્યુ હતુ.

            “ક્રિષ્નાની મા, ઓ’ ક્રિષ્નાની મા, જલ્દી અહી આવ. બહુ સારા સમાચાર છે. ક્રિષ્ના માટે મુંબઇથી બહુ સારુ ઠેકાણું આવ્યુ છે.” રાજેશભાઇએ ઘરમાં આવતા જ કહ્યુ.

            “પપ્પા, હજુ તો મે મારુ સ્ટડી પુરુ કર્યુ છે. મારે જોબ કરવાની ઇચ્છા છે અને મારો ભાવી પતિ પણ નોકરીયાત હોય તેવી મારી ઇચ્છા છે. હમણા મારી લગ્ન કરવાની કોઇ ઇચ્છા જ નથી.” ક્રિષ્નાએ પોતાની મનની વાત જતાવતા કહ્યુ.

            “બેટા, તુ મારા માટે ભારરૂપ નથી કે હું તને આટલી ઉન્મરે સાસરે વળાવવાના સપ્ના સેવવા લાગ્યો છું પરંતુ બેટા આ ઠેકાણું બહુ સારુ છે. બેટા કરોડોપતિ ઘર અને સંસ્કારી એકનો એક દીકરાનુ ઠેકાણુ નસીબદારને જ મળે. કેયુરના માતા પિતા ગામડે રહે છે અને મુબંઇમાં કેયુર એકલો રહીને બિઝનેશ કરે છે. બેટા જે નિર્ણય લે તે વિચારીને લે જે."

            પિતાની વાત યોગ્ય લાગતા ક્રિષ્નાએ હા પાડી દીધી. કેયુરને પણ ક્રિષ્ના પસન્દ આવી જતા સગાઇ નક્કી કરી દીધી અને સગાઇના બે માસ બાદ લગ્ન કરી ક્રિષ્ના મુબંઇ આવી ગઇ. મુંબઇ આવ્યા બાદ તે રાજ રાણી બની ગઇ. કેયુરનો સ્વભાવ ખુબ જ હસમુખો અને શાંત હતો. તે ક્રિષ્નાનું ખુબ જ ધ્યાન રાખતો અને તેને પોતાનુ દરેક મનપસંદ કાર્ય કરવાની સ્વતંત્રતા આપતો અને તેમાં બનતી મદદ પણ કરતો. ક્રિષ્ના પોતાના નસીબ પર ખુબ જ ગર્વ અનુભવતી હતી.

            કેયુરે ક્રિષ્નાને જોબ કરવાની પણ છુટ આપી હતી પણ ક્રિષ્નાને જોબ કરવાની હવે કોઇ મહેચ્છા રહી ન હતી. તે તો બસ કેયુરને ખુશ રાખવામાં જ પોતાનુ ભાગ્ય માનતી હતી. તેણે ક્યારેય સ્વપ્નેય પણ વિચાર્યુ ન હતુ કે તેને આટલો અનહદ્દ પ્રેમ કરનાર જીવનસાથી મળશે પણ તેને ક્યાં ખબર હતી કે પ્રેમાળ અને હસમુખ ચહેરા પાછળનું રહસ્ય કાંઇક અલગ જ છે જેની ક્રિષ્નાને કાનોકાન ખબર પણ ન હતી.

            લગ્ન બાદ ચારેક માસ બાદ મમતા ક્રિષ્નાના ઘરે આવી. મમતાનો સ્વભાવ પણ ખુબ હસમુખો અને મળતાવડો હતો. તે કેયુર સાથે એકાદ બે દિવસમાં જ હળીમળી ગઇ. ક્રિષ્ના તો ખુશ હતી તે બન્નેની દોસ્તી જોઇને પણ તેને ક્યાં ખબર હતી કે આ દોસ્તીના રંગ કાંઇક અલગ જ ભાંત ઉપસાવી કાઢશે. કેયુર ધીમે ધીમે મમતાની નજીક આવવા લાગ્યો અને મમતાની ઉંમર પણ એ મોડ પર હતી કે તેને પણ ખબર ન પડી કે તે ક્યારે પોતાની જ બહેનના સુખી સંસારમાં તિરાડ પાડવા સુધી પહોંચી ગઇ અને મમતા ક્યારે મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગી ગઇ તેની ખબર સુધ્ધા તેને ન રહી..

            “જીજુ, આજે જે થયુ તે બહુ ખોટુ થયુ છે આપણા બન્ને વચ્ચે. આ વાતની જ્યારે દીદીને ખબર પડશે ત્યારે તેના પર આભ તૂટી પડશે.”

            “ઓહ કમ ઓન સાલી સાહેબા, જરા મસ્તી શું કરી જાણી તમારી સાથે, તમે તો દુઃખના સાગરમાં ડુબી ગયા.”

            આ બાજુ ક્રિષ્ના તો એ જ વિશ્વાસમાં હતી કે તેને દેવ જેવો પતિ મળ્યો છે અને  તે પોતાને ખુબ જ પ્રેમ કરે છે. કેયુર પણ ઘરે હોય ત્યારે ક્રિષ્નાને સારિરીક અને માનસિક બન્ને રીતે સંતોષ આપતો હતો જેથી કરીને ક્રિષ્નાને ક્યારેય  તેના પર શક ન જાય.

            “કેયુર આટલો મોંઘો ડાઇમન્ડ સેટ લાવવાની શું જરૂર હતી? મારા માટે બસ તારો પ્રેમ જ કાફી છે.” પ્રથમ એન્ગેજમેન્ટ એનિવર્સરી પર એક લાખનો સેટ જોઇ ક્રિષ્નાએ કેયુરને મીઠો ઠપકો આપતા કહ્યુ.

            “જાનુ, તારા માટે તો મારી જાન આપુ તો પણ ઓછુ છે માય લવ. આ ડાઇમન્ડ સેટ તો કાંઇ નથી. જો, આ રહી સીંગાપોરની ટીકીટ, ફક્ત તુ અને હું અને આપણા બન્નેનો પ્રેમ.”

            “કેયુર આટલા ખર્ચ નહી કરવાના.”

            “બસ હવે સલાહ આપવા કરતા થોડાચુંબનોની વર્ષા વરસાવી  દે તો મજા આવે મને.” કહેતા જ કેયુર તેને ગોદમાં ઉઠાવી બેડરૂમમાં લઇ ગયો અને પગથી દરવાજો બંધ કરી દીધો.

              સિંગાપોરથી પરત આવ્યા બાદ કેયુરની તબિયત લથડી. થોડી વીકનેશ હોવાથી જનરલ દવાઓ ખાઇ કામ ચલાવી લીધુ અને તેણે ક્રિષ્નાને પણ આ વાત ન જણાવી અને બસ તે રોજ નવી નવી છોકરીઓ સાથે તેની રાત રંગીન કરવામાં મશગુલ બની ગયો. ઘણી વખત તો તે રૂપલલનાઓ સાથે પણ કોઇપણ જાતની સલામતી વિના સંભોગ માણતો. ગર્લ્સ તેની નબળી કડી બની ચુકી હતી. ઘરે તો તે સત્યવાન બનીને જ રહેતો અને ક્રિષ્ના સાથે પણ તે શહશયન માણતો. ક્રિષ્ના અને મમતા બન્નેને તે પોતાની હવસનો શિકાર બનાવવા લાગ્યો. બીજી બાજુ હવે તેની તબિયત વધુ કથળી ત્યારે તે પોતે અપોલો હોસ્પિટલમાં ચેક અપ માટે એકલો આવી ગયો. ત્યાં ફરજ પર હાજર ડોક્ટર મિશ્રાએ કેયુરના અસ્તિત્વને હચમચાવી નાખે તેવુ નિદાન કર્યુ અને કેયુરને તે વાત કહી કે હી ઇઝ સફરીંગ ફ્રોમ એઇડ્સ.

            પોતાના કર્યા પોતાના જ જીવન આડે આડખીલીરૂપ બનીને આવી જશે તેની તેને કલ્પના પણ ન હતી. પોતાના કર્યાની ભૂલ તેને સમજાઇ પણ બહુ મોડેથી. ઘરે આવી તે સુઇ ગયો. રાત્રે ક્રિષ્નાએ જોયુ કે કેયુર જમ્યા વિના સુઇ ગયો છે તો તેણે તેને જગાવવા પ્રયાસ કર્યો પણ કેયુર ઉઠ્યો નહી. થાકના કારણે આવુ બન્યુ હશે તેમ વિચારી તે પણ બધુ કામ આટોપી તેની બાહોમાં સુઇ ગઇ.

            હવે બનતુ એવુ કે કેયુર દિન-પ્રતિદિન ક્રિષ્નાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો પણ ક્રિષ્ના છે તે તો કેયુરના પ્રેમમાં પાગલ હતી. આ બાજુ મમતા પણ કેયુરના શરિરને પામવા ઉત્સુક જ રહેતી અને ઘણીવાર તો જબરદસ્તી મમતા તેને આઉટ ઓફ મુંબઇ મળતી અને તેની સાથે સમાગમ માણતી. કેયુર પોતે કાંઇ કહી શકવા સમર્થ જ ન રહેતો. તેને ખબર જ હતી કે તે મમતાને પણ મોતના મોંમા નાખવા જઇ રહ્યો છે પણ તે કાંઇ કહી શકતો નહી.

            એક રાત્રે કેયુરની એપોલો હોસ્પિટલની ફાઇલ તેના ડ્રોઅરમાંથી ક્રિષ્નાને હાથ ચડી ગઇ. કેયુરની ફાઇલ જોતા જ તે ભમી ગઇ. ઢગલાબંધ દવાઓના નામ અને મેડિકલના આટલા ભારે બીલ તથા અનેક જાતના રિપોર્ટ્સ આ બધુ જોઇ ક્રિષ્ના સમજી ગઇ કે કેયુર તેનાથી કાંઇક છુપાવે છે. છેલ્લા છ માસથી કેયુરની હાલત સુધરવાને બદલે બગડતી હતી, પોતે ઘણું પુછવા છતા શું તકલિફ છે તે વિષે કેયુર કાંઇ ફોડ પાડતો નહી, બસ વીકનેશ અને બીજી ચીલાચાલુ બિમારીઓના નામ બતાવી ક્રિષ્નાને સમજાવી દેતો.

            ક્રિષ્ના કેયુરની જાણ બહાર ફાઇલ લઇ તેમના ફેમિલી ડોક્ટર શિલ્પા જૈન પાસે ગઇ. તેને આશા હતી કે ત્યાંથી તેને બધી સાચી વાતની ખબર જરૂર પડશે જ અને તે કેયુરના રોગ વિષે જાણી તેનો વિશેષ ઉપચાર કરાવી શકશે પણ બન્યુ તેનાથી ઉલ્ટુ.

            શિલ્પા જૈને જ્યારે ફાઇલ જોઇ ત્યાર બાદ મનના સંતોષ માટે તેણે ક્રિષ્નાના પણ અમુક રિપોર્ટ્સ કરાવ્યા. ક્રિષ્ના તો કાંઇ સમજી જાણી શકતી જ ન હતી પરંતુ ડો. શિલ્પાના કહેવા મુજબ કરતી ગઇ. બે દિવસ બાદ જ્યારે તેને ખબર પડી કે કેયુરની સાથે સાથે આ એઇડ્સ નામનો જીવલેણ રોગ તેને પણ અંદરથી ખાઇ રહ્યો છે ત્યારે તેનુ અસ્તિત્વ હચમચી ગયુ. આજે તેનો ભ્રમ ભાંગીને ભુક્કો થઇ ચુક્યો હતો.

            ડો.શિલ્પાએ તેને પણ કેયુર સાથે જ ડૉ. મિશ્રા પાસે સારવાર માટે કહ્યુ પરંતુ ક્રિષ્ના તો કાંઇ સાંભળવા જેવી હતી જ નહી. ફાઇલને હાથમાં લેતી તે ઘર ભણી ચાલી નીકળી. હવે તેની સામે બધુ હિલોળા લઇ રહ્યુ હતુ. લગ્નના પ્રથમ દિવસથી લઇ આજ દિન સુધીનુ કેયુરનુ સરવૈયુ તેની આંખ સામે હતુ. અવાર નવાર બિઝનેશ ટુર પર જતુ રહેવુ, વીકમાં બે થી ત્રણ દિવસ મોડી રાત સુધી બિઝનેશ મીટીંગ ચાલવી, કપડામાંથી લેડિઝ પરફ્યુમ્સની સુગંધ આવવી, તેના ફોનમાં અનેક છોકરીઓના નામ સેવ હોવા તથા તેની સાથે થયેલી વાતોના કોલ રજીસ્ટર્સ, આ બધુ તેની નજરે આવ્યુ હતુ પરંતુ કેયુર કોઇ ના કોઇ બહાનુ કરીને પ્રેમ અને મીઠી ભાષા વાપરી તેના ગળે ઘુંટડૉ ઉતારી  દેતો અને પોતે પણ ભોળી કે કેયુર જે અને જેટલુ કહેતો તે બધુ સાચુ માની જતી.

            આભ તો તેના પર ત્યારે તૂટ્યુ જ્યારે વાપીથી તેના પિતાજીનો ફોન આવ્યો અને ફોન પરની વાત સાંભળી બસ તેને મરી જવાનુ અથવા તો કેયુરને મારી નાખવાનુ સુઝી આવ્યુ. મમતાને પણ આ જ રોગ છે એ સાંભળતા જ ક્રિષ્ના સમજી ગઇ કે મમતા પણ તેની શૌતન જ હતી. અવારનવાર મુંબઇ આવવુ, કેયુર સાથે વાતવાતમાં ગપ્પા લડાવવા અને બીજા ઘણા લક્ષણો તેની નજરે આવ્યા હતા પણ ભોળી ક્રિષ્ના કાંઇ સમજી જ ન હતી અને વારેવારે સામેથી કોલ કરીને તે મમતાને અહી મુંબઇ તેડાવતી. હવે તેને મરવુ હતુ પણ આ તે થોડી કાંઇ કાચી દોરી છે તે હાથેથી તોડી નાખીએ. બસ તે મરણ અને અધમરણની વક્ચે ઝોલા ખાઇ રહી હતી.

*********

 

            “દીદી, આજે હું છેલ્લી વખત તને મળવા આવી છું. હું જાણું છું કે તારા સુખી સંસારમાં આગ લગાડનારી એક ચિંગારી હું પણ છું પણ ભગવાને તેની મોટી સજા મને આપી દીધી છે. ધીમે ધીમે આ રોગ મને ભરખી જ જવાનો છે પરંતુ તુ જીજુની સારવાર મોટામાં મોટી હોસ્પિટલમાં કરાવજે. જીજુનો અઢળક પૈસો છે તેનાથી મને વિશ્વાસ છે જીજુ જરૂર ઠીક થઇ જશે.” મમતા આવી તેને દિલાસો આપતા બોલી ત્યાં અચાનક તે ભૂતકાળમાંથી બહાર આવી ગઇ.

            “મમતા, જે થયુ તે સારૂ થયુ નથી. મારા અને કેયુરની વચ્ચે તુ આવી તેનુ મને દુઃખ તો પારાવાર છે કે મારી સગી બહેને મારી સાથે આટલો ભારે દગો કર્યો પણ તેનાથી પણ વધુ દુઃખ એ બાબતનુ છે કે મારા પ્રેમનો કેયુરે આ રીતે બદલો વાળ્યો. મારા જ પ્રેમમાં કાંઇક કમી હતી કે જેના કારણે કેયુરને શારિરીક સુખની લાલસામાં બહાર ભટકવુ પડ્યુ અને તેના જ કારણે આજે તે તો આ જીવલેણ રોગમાં પિડાઇ રહ્યો છે અને સાથે સાથે મને પણ................”

            મમતા બધુ સમજી ગઇ કે ક્રિષ્ના તેને શું કહી ગઇ. તે કાંઇ બોલી શકે તેમ હતી નહી. એક ભૂલને કારણે આજે ક્રિષ્ના કેયુર અને મમતા ત્રણેયની જીંદગી પર પ્રશ્નાર્થ લગાવી દીધા હતા. મમતા બસ પાછા પગલે નીકળી ગઇ અને ક્રિષ્ના તેના હાલ પર રડતી બેસી રહી ગઇ.

 

**********

લેખક – રૂપેશ ગોકાણી


                                         

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2