તારા વિના 😔

 તારા વિના 😔

 


         “બેટા ઉભી તો રહે જરા”

         “શુ થયુ મમ્મી. કાંઇ અરજન્ટ કામ છે?”

         “હા કામ તો અરજન્ટ જ છે. પરંતુ હમણાં તુ કેટલી વ્યસ્ત રહે છે કે તને તારા માતા-પિતા માટે પણ સમય નથી.”

         “મમા, હમણાં જો ને માર્ચ એન્ડિંગ ચાલે છે તો ઓફિસે એટલુ બધુ કામ ચાલે છે કે જરાય સમય જ નથી અને પાછુ ઘરે આવીને પણ બધુ પુરુ કરવુ પડે છે. બસ હવે થોડા જ દિવસમાં ફ્રી થઇ જઇશ.”

         “બેટા આ સન્ડે ગેસ્ટ આવે છે. તો તુ જરા ફ્રી હોઇશ.”

         “કોણ, મમા?” ક્રિષ્નાને લાઇટ તો થઇ જ ગઇ હતી. પરંતુ છતાં પણ મમ્મીના મગજની વાત ચકાસવા પુછી લીધુ.

         “તુ તો જાણે જ છે બેટા. રાજકોટવાળા ઠેકાણાની વાત કેટલા દિવસથી ટલ્લે ચડી હતી. વચમાં તેના મમ્મીને વાગ્યુ હતુ અને પછી તારા પિતાજીની બિમારીને કારણે. હવે બધુ માંડ સેટ થયુ છે. તો તે તને જોવા આવવાના છે. તુ ફ્રી હોઇશ ને?”

         “મોમ સન્ડે તો લગભગ વાંધો નહિ આવે. પરંતુ મને વિચારવાની પુરી તક આપજો.”

         “ભલે બેટા. તારે જેટલો સમય લેવો હોય એટલો લઇ લેજે. પરંતુ ધ્યાન રાખજે કે અમે તો આજે છીએ અને કાલે નથી. ભાઇ ભાભીના સહારે તારી કયારેય આખી જીંદગી નહિ નીકળે. હવે બીજી વાર છે તો થોડુ ઘણુ એડજસ્ટ કરવુ જ પડશે.”

         બીજીવાર શબ્દ સાંભળીને ક્રિષ્નાના હૈયામાં કડાકો થયો. જે વાતને ભુલી જવા માટે ક્રિષ્ના એ પોતાની જાતને આખેઆખી કામમાં ડુબાડી દીધી હતી. તે વાત કોઇના કોઇ રીતે તેની સામે આવી જ જતી હતી.

        “ભલે મમ્મા હુ રેડી રઇશ” પરાણે સ્મિત આપીને સોફા પરથી ઉઠતા ક્રિષ્ના એ કહ્યુ.

         “બેટા આજે શુક્રવાર છે. તારે પાર્લરમાં જવુ હોય કે કોઇ તૈયારી કરવી હોય તો કરી લેજે. રવિવારે સાંજે પાંચ વાગ્યે તેઓ આવી જશે.”

         “ઓ.કે. મોમ” બોલીને તે સીધી તેના રૂમમાં જતી રહી.

         રૂમમાં જઇને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હાથમાં રહેલી ફાઇલનો ટેબલ પર ઘા કરીને તે પલંગ પર ફસડાઇ પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ક્રિષ્નને કેટલો પ્રેમ કર્યો હતો? હવે તેના સિવાય તે કોઇ સાથે જોડાવા માટે તે જરાય તૈયાર જ ન હોતી. પરંતુ નિયતિના ચક્રને કોણ સમજી શકે છે?

         બે મિનિટ જ થઇ હશે ત્યાં તો ફોનમાં રિમાઇન્ડર વાગ્યુ. તેને મિટિંગમાં જવાનુ હતુ. તેને રડવા માટે કે આગલુ યાદ કરવા માટે પોતાની જીંદગીમાં સમય જ રાખ્યો ન હતો. તેને પોતાના શરીરને મશીન બનાવી નાખ્યુ હતુ. તે એક ઇન્ટરનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતી હતી અને તેના સિવાય તે ઘરે પણ એ ત્રણ નાની નાની ઓફિસોના હિસાબ લખતી રહેતી. પરિવાર, મિત્રો અને સમાજ જે તેના દુ:ખને ઉઝરડી શકે તે બધા સાથે પોતાનો સંબંધ સિમીત કરીને તે બસ યંત્રની માફક આખો દિવસમાં કામમાં જ ખુપી રહેતી.

         થોડી પણ નવરાશ મળે તો એકાઉન્ટને લગતા પુસ્તકો અને તેને લગતી રિસર્ચ કરવા લાગતી. તે એટલુ બધુ કાર્ય કરતી કે બધા કામ યાદ રાખવા માટે તેને રિમાઇન્ડર રાખવા પડતા અને આટલા બધા કામ કરવાથી મળતા પૈસા તે પોતાના પિતાજીને આપી દેતી તથા ગરીબોને આપી દેતી. તે પૈસા માટે નહિ પરંતુ ભુતકાળને ભુલી જવા માટે કામ કરતી હતી. આજે પણ રિમાઇન્ડર વાગ્યો એટલે ફટાફટ તૈયાર થઇને તે મિટિંગમાં જવા નીકળી ગઇ. જતા જતા પાર્લર માટે રવિવાર સવારનો રિમાઇન્ડર મુકી દીધો.

         રવિવારે પણ ક્રિષ્ના પોતાના કામમાં જ ડુબી રહેતી. આજે મમ્મી પપ્પાના આગ્રહથી રજા લીધી હતી. પરંતુ ઘરે તો તે પોતાનુ કામ ચાલુ જ રાખ્યુ.

         સવારે પાર્લરમાં જઇ આવી એટલે તેના મમ્મી ભારતીબહેને કહ્યુ,

         “બેટા આમ તો તને બધી ખબર જ છે ઠેકાણા વિશે તો પણ આપણે થોડી ચર્ચા કરી લઇએ તો વધારે સારું.”

         “મમા તમે બંન્ને ચર્ચા કરીને વિચારી લો. મને થોડો સમય આપજો. મને યોગ્ય લાગશે તો હુ “હા” પાડીશ પછી તમે જે નિર્ણય લો તે મને માન્ય છે.”

         “બેટા તારી આખી જીંદગીનો સવાલ છે. તારે જે કાંઇ જાણવુ હોય પુછવુ હોય તે જાણીને નિર્ણય લે જે.”

         “જીંદગીની કોને ખબર છે મમા? ક્રિષ્ન સાથે પણ જીંદગીભર માટે જ જોડાઇ હતી ને?”

         “બેટા, પાછલા ચેપ્ટર કલોઝ કરીને આગળનુ વિચારજે. જે થવાનુ હતુ તે થઇ ગયુ.”

         ત્યાં તો ક્રિષ્નાનો ફોન વાગ્યો. “મમા બે મિનિટ પ્લીઝ” બે મિનિટનુ કહીને ક્રિષ્ના ફોન પર વાતો કરવા લાગી એટલે તેને પોતાની ભોળી અને સમજદાર દીકરી ક્રિષ્ના સામે જોઇને આઁખમાંથી એક આંસુ સરી પડયુ.

         “ભારતી ઓ ભારતી. જરા આવ તો અહીં” પ્રકાશભાઇ, ક્રિષ્નાના પપ્પાની બુમ સાંભળી ફટાફટ આઁખ લુછીને તે ગયા.

         “પેંડા અને ચવાણુ નાસ્તા માટે લાવ્યો છુ અને આ પેપ્સી ઠંડા માટે. હવે કાંઇ લાવવુ છે?” નાસ્તાની થેલીઓ નીચે મુકતા પ્રકાશભાઇએ કહ્યુ.

         “ના ના એ લોકો તો સાદા અને સમજુ છે. બહુ કાંઇ કરવુ નથી. બસ અરુણ અને સાધનાને કહી દેજો કે સમયસર આવી જાય”

         “હા હા તારા દીકરા-વહુને હુ કાલે સાંજે જ કહી આવ્યો હતો. તેઓ બપોરે જમીને જ તરત આવી જશે.”

             *******************

         “આવો આવો વેલકમ વેલકમ”

         “અરે મિત્રને વેલકમના કહેવાનુ હોય પ્રકાશ. ક્રિષ્નાને જોવા આવેલા તેના મિત્ર સુરેશભાઇએ કહ્યુ.

         “સુરેશ, અત્યારે તો તુ તારા દીકરા માટે મારી દીકરીને જોવા આવેલો છે. તો કન્યાપક્ષ તરીકે તો મારે તમારુ સ્વાગત તો કરવુ જોઇએ જ ને.”

         “અરે આપણે એવુ રાખવુ જ નથી. ક્રિષ્ના મારી દીકરી જ છે. આ તો બંન્ને છોકરાવ એકબીજાને જોઇને સમજી શકે એટલે આ બધુ કરવુ પડે તો બાકી તો આપણે ઘર જેવુ જ છે ને”

         સુરેશભાઇ અને પ્રકાશભાઇ બંન્ને બાળપણના મિત્ર હતા. તેના એકના એક દીકરા નયનની પત્નીનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયુ હતુ. આથી તેના માટે ક્રિષ્ના ને જોવા આવ્યા હતા.

         નાસ્તો પાણી થઇ ગયા પછી નયન અને ક્રિષ્ના ને ઉપરના રૂમમાં એકલા બેસાડયા. જેમાં બંને એ ઔપચારિક વાતો કરી લીધી પછી તેઓ બધા જતા રહ્યા. સુરેશભાઇ તરફથી તો લગભગ બધુ પાકુ જ હતુ પરંતુ આ બીજીવારનુ હતુ તેથી બંન્ને વડીલ પોતપોતાના સંતાનને વિચારવાની પુરી તક આપવા માંગતા હતા.

         ક્રિષ્નાના ભાઇ ભાભી અરુણ અને સાધના જે બંન્ને નોકરી કરતા હતા અને નોકરીવશ તે દુર અલગ રહેતા હતા. તે પણ સાંજે નીકળી ગયા. જોવાની બધી ઔપચારિક વિધિ તો પુરી થઇ ગઇ. પરંતુ ઘરમાં રહેલા ત્રણેય ત્રણ વ્યક્તિઓ ઉદાસ બની ગયા. ઉદાસી છુપાવવા અને દુર કરવા માટે સૌ સૌના રસ્તા પર જતા રહ્યા. ભારતીબહેન સત્સંગમાં ચાલ્યા ગયા અને પ્રકાશભાઇ વોકિગ માટે અને પોતાના મિત્રમંડળ મળવા જતા રહ્યા.

         ક્રિષ્ના પોતાના રૂમમાં ભરાય ગઇ. દિલમાં રહેલુ દુ:ખ એ વહેતા પાણી જેવુ હોય છે. તેને દબાવી કે કાપી શકાતુ નથી. તે સમય આવ્યે સામે આવી જ જાય છે. ક્રિષ્ન ને ભુલવાનો તે ગમે તેવો પ્રયત્ન કરતી હતી તેમ તે વધારેને વધારે યાદ આવી જતો.

         આજે તેને ક્રિષ્નની પહેલી મુલાકાત આવી ગઇ. પહેલીવાર તે આવી રીતે તે જોવા આવ્યો હતો અને ખાનગી મુલાકાતમાં તેને નિખાલસપણે પુછ્યુ હતુ

         “મારા પરિવારમાં હુ મારા માતા પિતા અને નાની બહેન સાથે રહુ છુ. તમે અમારા સંયુકત પરિવારમાં રહી શકશો ને?”

વધુ આવતા અંકે .......

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2