કયા છે તું ?

 કયા છે તું ?


તુષાર હવે શાંત હતો. તેણે બેડરૂમમાં બેસી ટી.વી. ઓન કર્યુ. આમ તો ઘરમાં મૃત્યુ પછી કોઇ ટી.વી. ચાલુ કરતુ નહી પણૅ તુષારને ડોક્ટરે સલાહ આપી હતી આથી મનની શાંતી માટે થોડીવાર ટી.વી. ચાલુ કર્યુ.સ્ટાર પ્લસ પર આવતી ધારાવાહીક જોતા જ તેને દીક્ષા નો ચહેરો યાદ આવી ગયો. દીક્ષાને આ ધારાવાહીક સીરીયલ્સ બહુ ગમતી હતી. બધુ કામ મુકીને દોડીને તે સીરીયલ્સ જોવા અચુક બેસી જાતી. વળી તેને દીક્ષાના વિચારો આવવા લાગ્યા. તુષારે ટી.વી. ઓફ કરી દીધુ. પરંતુ તેના મનના વિચારો ઓફ થઇ શકે તેવુ રીમોટ કંટ્રોલ તેની પાસે તો હતુ નહી. તે બેડ પર આડો પડી આમથી તેમ પડખા ઘસવા લાગ્યો.

          દીક્ષા તેના જીવનનો આધાર હતી. આખરે તે કેટલો પ્રેમ કરતો હતો દીક્ષ ને? દીક્ષા ખાતર તેણે તેના માતા-પિતા ઘર બાર બધુ છોડી દીધુ હતુ અને બધુ પોતે નવેસરથી વસાવ્યુ હતુ.અને આજે દીક્ષા  તેને અધવચ્ચેથી બીચ મજધારે છોડીને હંમેશા માટે છોડીને જતી રહી હતી અને તે પણ પોતાની જ ભુલને કારણે.

      તુષારને ફરી પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો અને તે પોતાની જાતને ધીક્કારવા લાગ્યો.પરંતુ સમયના વીતેલા વહેણ ક્યાં પાછા આવે છે? તુષાર ધૃસકે ધૃસકે રડવા લાગ્યો, તેનો અવાજ સાંભળી તેના માતા-પિતા અને તેની સાત વર્ષની પુત્રી માધવી દોડીને ત્યાં રૂમમાં આવી પહોંચ્યા. તેના મમ્મીએ તેને પાણી આપી શાંત કર્યો અને ડોક્ટર સાહીલની સુચના મુજબ તેને ઉંઘનુ ઇન્જેક્શન આપી થોડી વાર તેના માથે હાથ પસવાર્યો કે તુષારને ઉંઘ આવી ગઇ. તેના મમ્મી તુષારની આ હાલત જોઇ રડવા લાગ્યા. તુષાર ના પિતાજીએ એને હિમ્મતથી કામ લેવા સલાહ આપી પણ તેઓ ખુદ પણ અંદરથી તૂટી ગયા હતા. નાની માધવી પણ રડતી હતી. તેઓ કોઇથી હવે તુષાર ની આવી હાલત જોઇ શકાય તેમ ન હતી પરંતુ તેઓ લાચાર હતા. આજે સવારે જ તુષારને હોસ્પિટલમાંથી રજા મળી હતી. ડીસ્ચાર્જ આપતી વખતે ડોક્ટરે સલાહ આપી હતી કે તુષાર ને દીક્ષાના વિચારોમાંથી બહાર લાવવો ખુબ જરૂરી છે. જો તે સતત આ જ રીતે ગહન વિચારોમાં ખોવાયેલો રહેશે તો તેના મગજ ઉપર ખુબ ખરાબ અસર થશે. તેના માતા-પિતા હવે તુષારને ગુમાવવા માંગતા ન હતા.

      આખી રાત તેના માતા દેવ્યાનીબહેન અને પિતા અમૃતલાલને ઉંઘ ન આવી. તેઓ પણ મનોમન દીક્ષાના મૃત્યુ અને તુષારની આવી હાલત માટે પોતાને જવાબદાર ગણતા હતા.માધવી  પણ મનોમન મુંજાતી હતી. તેની વહાલસોયો જન્મદાત્રી મા હવે તેની પાસે ક્યારેય પાછી આવવાની ન હતી અને તેના પપ્પાની હાલત પણ બહુ ખરાબ હતી. ભલે માધવી  માત્ર સાત વર્ષની હતી પણ તે બધુ સમજતી હતી. તેણે પોતાના બાળમનથી એક નિર્ણય કરી લીધો હતો કે હવે ગમે તેમ થાય તે પોતાના પપ્પાને તો કાંઇ થવા જ નહી દે.તેના માટે હવે તેણે પોતે જ કાંઇક કરવુ પડશે પણ શું કરે? એવા વિચારે તેની નાની આંખોમાં ઉંઘ આવી ગઇ તેની તેને ખબર જ ન રહી,

      સવારે દાદીએ ઉઠાડી ત્યારે ઉંઘ ઉડતી ન હતી. દરરોજ તેની મમ્મી તેને ઉઠાડવા આવતી ત્યારે અનેક નખરા કરતી પણ આજે તેને ઓચિંતુ યાદ આવી ગયુ કે હવે મમ્મી નથી તો લાડ કોની પાસે કરવા? પોતે જરા નિરાશ તો થઇ ગઇ પણ પછી ફટાફટ તૈયાર થવા લાગી. આજે તેની માતાના અવસાનના આઠ દિવસ બાદ તે પ્રથમ વખત શાળાએ જઇ રહી હતી. તેને પળે પળે અને ડગલે ને પગલે તેની મમ્મીની યાદ આવતા પાંપળો ભીની થઇ જતી હતી. તૈયાર થઇને ડાઇનીંગ ટેબલ પર ભરેલો દૂધનો ગ્લાસ જોઇ તેને વળી મમ્મી યાદ આવી ગઇ.

      “બેટા દૂધ પી લે જલ્દી ચાલ .હમણા તારી સ્કુલ બસ આવી જશે. મારી પરી છે ને તું? હમણા દૂધ ખત્મ કરી જશે.”

      આજે દૂધનો ગ્લાસ તો રોજની જેમ હતો જ પણ દૂધની સાથે તેની માતાની શબ્દોરૂપી મીઠાસ આજે ન હતી. માધવી એ દૂધનો એક ઘુંટ પીધો પણ આગળ દૂધ તે પી ન શકી અને ત્યાં જ દૂધનો ગ્લાસ પડતો મૂકી દીધો.          

      તે સ્કુલબેગની બાજુમા જ પડેલા લંચ બોક્સને પેક કરવા ગઇ. માધવી આજે લંચબોક્સ ખોલવા જતી જ હતી ત્યાં તેના કાને તેની મમ્મીના શબ્દો અથડાયા.

            “બેટા આજે તારી ફેવરીટ આઇટમ લંચ બોક્સમાં આપી છે તને.”

            “મમ્મી મને તો તારા હાથની બધી વસ્તુઓ ભાવે છે. એ બધી મારી ફેવરીટ આઇટમ જ છે. મને કે ને આજે શું નાખ્યુ છે નાસ્તામાં?”

            “ના....ના.....ના.....ઇટ્સ  અ સરપ્રાઇઝ. અત્યારે નહી સ્કુલે જઇને જ લંચબોક્સ ખોલવાનુ છે.”

            “મમ્મી તું મને દરરોજ અલગ અલગ વેરાઇટી બનાવી આપે છે આટલી બધી વસ્તુ બનાવતા તને ..........”

                વાક્ય અધુરુ રહી ગયુ. શબ્દો જાણે ખુટી ગયા અને એકલતાનો ભાસ માધવીને થઇ આવ્યો અને આટલી વારથી મહા મહેનતે અને પરાણે રોકી રાખેલા આંસુઓની ધાર દળ દળ કરતી વહેવા લાગી.

            બસનુ હોર્ન સંભળાતા જ માધવી દફતર લઇને જવા લાગી. તેના દાદીએ તેને લંચ બોક્સ અને વોટરબેગ આપી દીધા તેને હાથમા લઇને જ તે ગેઇટ તરફ ભાગી. બસમાં દોડીને તે બેસી અને ફટાફટ લંચબોક્સ બેગમાં રાખી બસની વીન્ડોમાંથી તેણે તેના ઘરના ગેઇટ તરફ નજર નાખી તો કોઇ હતુ નહી. દરરોજ તેને પ્રેમથી “બાય...બાય....” સાંભળવાની જાણે આદત પડી ગઇ હતી પણ તેના દાદી તો બસ તેને બસમાં ચડતી જોઇ અંદર જતા રહ્યા હતા. વળી એકલતા માધવીની સાથે આવી ગઇ.

            શાળાએ પહોંચતા જ પ્રીન્સીપલ મેડમે તેને ઓફિસમાં બોલાવી વહાલ કરી તેને સમજાવતા કહ્યુ ,”બેટા કુદરતના નિર્ણયને કોઇ બદલી શકતુ નથી. જે થવાનુ હતુ તે થઇ ગયુ પણ તું જરા પણ ચિંતા ન કરજે.તુ અમારા બધાની દીકરી જ છે.”

            માધવી ફરીથી રડવા લાગી એટલે તેના વર્ગશિક્ષીકા સંધ્યાબહેન તેની પાસે આવ્યા અને તેને પાણી આપ્યુ અને તેને પ્રાર્થનામાં જોડાઇ જવા કહ્યુ. પ્રાર્થના બાદ માધવી ની મમ્મી માટે બે મિનિટનુ મૌન પાડવામાં આવ્યુ અને ધોરણ-૭ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મૃત્યુ પાછળની ઇશ્વરની પ્રાર્થના ગવડાવવામા આવી.આમ તો તેની શાળા ખાસ્સી મોટી હતી પણ વિદ્યાર્થીઓના આવા દુઃખમાં હંમેશા ભાગીદાર રહેતી.

            પ્રાર્થના બાદ માધવી અને બીજા બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. માધવી ને ઓચિંતુ યાદ આવી ગયુ કે આજથી તો તેની મંથલી ટેસ્ટ શરૂ થતી હતી. સંધ્યાબહેને વિદ્યાર્થીઓની હાજરી પુરી લીધા બાદ માધવી ને બોલાવે કહ્યુ , “બેટા તારે તૈયારી ન થઇ હૌય અને ટેસ્ટ ન આપવી હોય તો છુટ છે. આ ટેસ્ટ માટે તને માફ કરવામા આવશે. એવું હોય તો તુ નિરાંતે લાયબ્રેરીમા જઇ વાંચન કર.”

            “ના ટીચર મને બધુ આવડે છે. મારી મમ્મીએ મને પહેલેથી જ બધી તૈયારી કરાવી હતી.” એમ કહી તે પોતાની જગ્યાએ ટેસ્ટ આપવા માટે ગઇ. આજે ગુજરાતીનુ પેપર હતુ તેમા પહેલો જ પ્રશ્ન નિબંધ લેખનનો હતો “મારી મા” વિશેનો હતો. નિબંધનુ શીર્ષક વાંચીને જ માધવી ભાંગી પડી. આજે  “માં” શું છે? તેનો અહેસાસ થયો. તેની મમ્મીએ આ નિબંધ પાકો કરાવવા માટે ખુબ જ મહેનત કરી હતી અને ત્યારે માત્ર ગોખણ પટ્ટી કરીને નિબંધ પાકો કર્યો હતો. આજે આખુ પેપર આઁસુ સાથે માં વિશે લખી નાખ્યુ.

            બીજી તરફ ઘરે દસ વાગ્યે તુષાર ની ઉંઘ ઉડી ત્યારે માથુ ભારે લાગતુ હતુ. આથી મોટેથી બૂમ પાડીને તે બોલવા લાગ્યો ,”દીક્ષા  ઓ દીક્ષા  ડાર્લીંગ, જરા બેડ ટી લઇ આવને પ્લીઝ,માથુ બહુ દુખે છે.છેલ્લુ વાક્ય બોલતા તુષારની આંખો આંસુથી છલકાઇ ગઇ. તુષાર  ખુબ જોર જોરથી રડવા લાગ્યો. તેનો રડવાનો અવાજ સાંભળી તેના મમ્મી પપ્પા અને તેની બહેન જે આજે જ સવારે આવી હતી તે બધા દોડતા તેના રૂમમાં દોડી ગયા.

      તુષાર  પાસે બેસી તેના પપ્પાએ તેને કહ્યુ “બસ બેટા હવે બસ કર.તારી આ હાલત મારા કે તારી મમ્મીથી જોઇ શકાતી નથી. હવે તારી જીંદગીને આમ રોકી ન રાખ. હવે તારી જીંદગીને પહેલાની માફક વહેવા દે. સમય બધુ સારૂ કરી દેશે. ઉપરવાળાના દરબારમા આપણું કાંઇ ચાલતુ નથી દીકરા.”

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2