પૈસાનુ આયોજન

 

પૈસાનુ આયોજન



        આજના યુગમાં સૌથી મહત્ત્વની કોઇ વસ્તુ હોય તો તે પૈસા છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ આજની પ્રચલિત કહેવત મુજબ પૈસા સર્વસ્વ બનવા લાગ્યા છે. નાણાની શોધ વિનિમય વ્યવહાર સરળ કરવા માટે થઇ હતી પરંતુ આજના જમાનાની તે જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. જેની પાસે નાણા છે તે બધી જ જરૂરિયાતો સરળતાથી પુરી કરી શકે છે અને નાણા વિના જીવન ખુબ જ કપરુ છે.

                 દુનિયામાં બનતા આત્મહત્યાના કિસ્સાઓમાં મોટા ભાગે નાણાના અભાવનુ કારણ હોય છે. આપણા જીવનનુ દરેક ડગલુ આગળ નાણા થકી જ ચાલે છે. જીવનની દરેક જરૂરિયાત માટે નાણાની જરૂર પડે છે. રોજિંદી જરૂરિયાત પુરી કરવા માટે કમ્મર તુટી જાય છે. માંડ માંડ બે છેડા ભેગા થાય છે કયારેક છેડા ભેગા થતા પહેલા જ તુટી જાય છે. આજના જમાનાની વિકટ સમસ્યા હોય તો તે છે નાણાની બચત. ગમે તેટલી આવક હોય તે જાવક સામે ટુંકી જ પડે છે. રોજિંદી જરૂરિયાતો અને સામાજિક જવાબદારી નિભાવવામાં મોટા ભાગના પૈસા ખર્ચાય જાય છે. હાથમાં કંઇ ટકતુ નથી. આવી પરિસ્થિતિમાં કરવુ શુ? શુ આમ જ ઢસરડા કરીને આ મહામુલી જીંદગી ખર્ચી નાખવાની છે? શુ આપણે આપણા મોજ શોખ કે જરૂરિયાત પુરા કરવાનો અધિકાર નથી? છે ને શુ કરવુ જોઇએ તે આગળ જોઇએ.

પૈસાની બચત ન થવાના કે ઓછી થવાના કારણો:

                અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો પૈસાની બચત ન થવા પાછળના ઘણા કારણો છે. જેમ કે, મોંઘવારી વધારો સામે રોજગારીમા ઘટાડો અને ઘરેલુ ઉપયોગમાં લેવામાં આવતા મશીનોની કાર્યક્ષમતામાં ઘટાડો. આવા અનેક કારણૉ ટેકનિકલ દ્ર્ષ્ટિએ આપણે તારવી શકીએ પરંતુ અત્યારે આપણે આખા સમાજને અનુલક્ષીને ચિંતા કરવાની નથી. પરંતુ આપણા પોતાના જીવન વિશે વિચારવાનુ છે. એક મધ્યમ વર્ગીય કે તેનાથી થોડા ઉપર કે નીચે રહેલા આપણા પરિવારમાં નાણાની તંગી ઓછી કેમ કરી શકીએ? અને આરામથી ચિંતા વિના સરળતાથી જીવન કેમ પસાર કરી શકીએ?

                નાણાની ઓછી બચત કે બિલકુલ બચત ન થવાના કારણો જોઇએ તો ક્યાંક આધુનિક ટેકનોલોજી ચોરી છુપે આપણા ખિસ્સામાંથી પૈસા ચોરી લે છે તો ક્યાંય સામાજીક મોભો આપણુ ખિસ્સુ ખાલી કરી દે છે. થોડી આપણી માન્યાતાઓ આપણને નડે છે. તો થોડુક જીવનશૈલીમાં બદલાવ ભાગ ભજવે છે. આપણી ખબર વગર અનેક પરિબળો આપણા પૈસા છિનવી રહ્યા છે.               

 

                પૈસાની આવકનુ વ્યવસ્થિત આયોજન કરવાથી પૈસાની બચત તો વધારી શકાય છે, પરંતુ આવક પણ વધારી શકાય છે. પૈસો પૈસાને ખેંચે છે એ કહેવત મુજબ જેમ બચત વધે છે એમ પૈસાની આવક પણ વધારી શકાય છે. તો આ આયોજન આજે જ શરૂ કરી દેવુ જોઇએ.

 નાણાનુ વ્યવસ્થિત આયોજન:



                પૈસાની આવકથી પણ વધારે મહત્વની વસ્તુ હોય તો તે છે આયોજન. દરેક કામનુ મુળ આયોજન છે. આયોજનએ અડધી સફળતા બક્ષે છે. વ્યસ્થિત આયોજન કરવાથી ગમે તેવા મુશ્કેલ કાર્યો સરળતાથી પાર પાડી શકાય છે.

નાણા માટે આ આયોજન કેવી રીતે કરવુ તે જાણીએ:

                 સૌ પ્રથમ આપણે આપણી માસિક આવકનો હિસાબ નોંધીએ ત્યાર બાદ એક ડાયરી નિભાવીએ તેમાં રોજિંદા ખર્ચાઓ નોંધતા જઇએ. આવી રીતે લેખિત નોંધ દ્રારા બિન જરૂરી ખર્ચા પર નજર રાખી શકાય છે. તેને ટાળી પણ શકાય છે. આવી રીતે ધીરે ધીરે બિન જરૂરી ખર્ચા પર કાપ મુકી શકાય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરવો જોઇએ. આવી રીતે ઉધારની આવકથી નાણાનુ બેલેન્સ ખોરવાઇ જાય છે.

                તેના સિવાય માસિક આવકમાંથી 10% જેટલુ ભવિષ્ય નિધિ માટે રોકાણ કરવુ જોઇએ. બચત માટે ખુબ જ ધ્યાન રાખીને કે અથવા નિષ્ણાંતની સલાહ મુજબ જ રોકાણ કરવુ જોઇએ. આપણી મહામુલી બચત ડુબી જાય અથવા તો તેનુ ખુબ જ ઓછુ વળતર મળે તે યોગ્ય નથી. આથી આયોજન પુર્વક કરેલી આજની બચત આવતીકાલનો સહારો બની શકે છે.

                તેના સિવાય 10% કોઇ નવુ રોકાણમાં રોકવા જોઇએ એટલે કે આપણો શોખ આપણી આવડત કે જેનો ઉપયોગ કરીને સાઇડમાં નવી આવક ઉભી કરી શકીએ. આવી રીતે ધીરે ધીરે નાણામાં વધારો શક્ય બનશે.

                મનોરંજન કે મોજશોખ પાછળ આવકના 30%થી વધુ પૈસાના ન ખર્ચવા જોઇએ. આજના યુગમાં આપણા સૌથી વધુ પૈસા મોજશોખ પાછળ જ ખર્ચાય જાય છે. જે ક્ષણિક સુખ આપે છે અને પૈસાની બરબાદી ઉભી થાય છે. આથી ખાસ ધ્યાન રાખીને મર્યાદાથી વધારે પૈસા મનોરંજન માટે વાપરવા ન જોઇએ.

                આ ઉપરાંત ઘરના દરેક નાના મોટા સભ્યોને પૈસાનુ મહત્ત્વ સમજાવુ જોઇએ. દિવસના છ, સાત કે આઠ કલાક મહેનત કરીને આપણે હજારથી પંદરસો રૂપિયા કમાતા હોઇએ ત્યારે બિનજરૂરી ફાલતુ વસ્તુ માટે ક્ષણવારમાં વેડફી નાખવા જોઇએ નહિ. વાપરવા માટે કરોડો રૂપિયા પણ ઓછા પડે છે. માટે આપણા પર આધારિત તમામ લોકો સમજીને રહે, તો પૈસા નો સાચો ઉપયોગ થઇ શકે.

ખાલી બચત જ ન કરવી જોઇએ:

                મોટા ભાગના લોકો આવકના 50% કે વધુ પૈસાની બચત કરી દેતા હોય છે. જુદા જુદા વ્યાજ આપતી સંસ્થાઓમાં આપણે બચતમાં વધારો કરતા રહેતા હોઇએ છીએ. તેના કારણે અમુક વર્ષોમાં આપણા એકાઉન્ટસ છલકાતા રહે છે. પરંતુ,

                ખાલી બચત કરતા નાણાને વધારો કરતા સ્ત્રોતોમાં રોકાણ કરવુ જોઇએ. એટલે કે આપણી પાસે રહેલી કોઇ ખાસ આવડત કે કોઇ એક તક જે માત્ર આપણી પાસે જ હોય છે. તેનો યોગ્ય ઉપયોગ કરતા શીખવો જોઇએ. તેની પાછળ રોકેલા નાણા બહોળુ વળતર આપે છે. ડેઇલી લાઇફમાં આવડત પર કાર્ય કરવા માટે સમય ઘટતો હોય તો સમયનુ વ્યવસ્થિત આયોજન શીખી લેવુ જોઇએ. અને વ્યવસ્થિત સમયનુ આયોજન કરીને સ્કીલ ડેવલોપ કરીને નાણામાં વધારો કરવા પ્રયાસ કરવા જોઇએ. ધીરે ધીરે આપણી આવડત આપણને મબલક કમાણી કરી આપે છે.

                દુનિયામાં શ્રીમંત વ્યક્તિઓ પોતાના જીવનમાં આ રીતે જ આગળ આવે છે. બાકી, બચત તો આપણા દાદા અને સમાજના અન્ય લોકો વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ છતાંય આપણે સૌ ત્યાં જ છીએ. આથી ખાલી બચત જ ન કરવી જોઇએ. બચતને આવકમાં ફેરવવી જોઇએ.

                આપણે આપણા પૈસાનુ યોગ્ય આયોજન કરીને આ જ જન્મમાં આપણા સર્વે સપના પુર્ણ કરી લેવા જોઇએ. નાણાનુ વ્યવસ્થિત આયોજન જીવનમાં નવો બદલાવ લાવે છે. બાકી મૃત્યુ બાદ તો શુ થશે કોને ખબર છે? તો બેસ્ટ ઓફ્ફ લક તમારી જીંદગીમાં બદલાવની તૈયારી માટે.

લેખકનુ નામ: ભાવિષા ગોકાણી

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com


 

 

 

 

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2