નકશો - 1

 

વાર્તાનું નામ : નકશો

લેખકનું નામ: ભાવિષા ગોકાણી







પ્રકરણ: 1

              સમય કયાં પસાર કરવો તે અક્ષયને ખબર પડતી ન હતી. પિતાના મૃત્યુને 1 મહિનો થઇ ગયો હતો. હવે ઓસ્ટ્રેલિયા પરત જવાનુ મન થતુ ન હતુ. હવે અહીં જ કોઇ જોબ કરવાનો પાકો નિર્ણય કરી લીધો હતો. પરિવારના બધા સભ્યો પોત પોતાની દિનચર્યામાં ગોઠવાઇ ગયા હતા. તેનુ મન જરાય લાગતુ ન હતુ. પિતાજીથી આટલા વર્ષ દુર રહ્યા બાદ થોડા જ સમયમાં સાથે રહેવાનુ ત્યાં જ કુદરતે દગો દીધો અને અધવચ્ચેથી પિતાજી તેનો સાથ છોડીને જતા રહ્યા. બધાથી વિશેષ તેને પિતાજીની યાદ આવતી હતી. જેમ જેમ સમય વિતી રહ્યો હતો એમ યાદ ગહેરી બનતી જતી હતી. કયાંય ગમતુ જ ન હતુ. તે રોજ પિતાજીની વસ્તુની આસપાસ જ રહેતો હતો. સમય પસાર થતો જ ન હતો અને કાંઇ નવીન કરવુ ગમતુ જ ન હતુ. પરિવારના સભ્યો તેની લાગણી સમજી રહ્યા હતા. પરંતુ થોડો સમય તેને પોતાની હાલત પર છોડી દેવા તેને પોતાની રીતે રહેવા દઇ રહ્યા હતા.

            


  

આજે તે પોતાની જાતને સંભાળવા માટે પિતાજીની લાયબ્રેરીમાં આવ્યો હતો. સારા સારા પુસ્તકો વાંચીને મન ડાયવર્ટ કરવાનુ વિચાર્યુ હતુ. ભાગવત ગીતાનુ પુસ્તક વાંચવાનુ શરૂ કર્યુ વાંચતા વાંચતા મન વિચારના હિલોળે ચડી ગયુ. નાનપણમાં રોજ પિતાજી ભાગવત ગીતાનો એક અધ્યાય જરુરથી સંભળાવતા તેને ઘણાં શ્લોકો કંઠસ્થ થઇ ગયા હતા. પિતાજી ગીતાજીનો મર્મ બહુ સારી રીતે સમજાવતા તે યાદ આવી ગયુ. યાદો તો પીછો છોડી જ ન હોતી રહી પરંતુ ભાગવત ગીતાના પઠનથી બપોર થતા તેનુ મન શાંત થવા લાગ્યુ બપોર થયા એટલે નિશા ભાભી આવ્યા.,

              “અક્ષય ભાઇ, ચાલો જમવા મમ્મી તમારી રાહ જુએ છે. આપણે સાથે જમીએ. ઘણા સમયથી કોઇ વ્યવસ્થિત જમ્યુ નથી આજે બધા સાથે જમીએ તો કાંઇક માહોલ બદલે.”

              “મને ભુખ નથી. તમે જમી લો. હું મોડેથી ઇચ્છા થશે એટલે કહીશ.”

              “અક્ષય ભાઇ, બસ હવે કેટલા દિવસ હોય? બનવાનુ હતુ તે બની ગયુ. દુ:ખ અમને સૌ ને છે. આમ ઉદાસ રહેવાથી પિતાજીના જીવને પણ કેમ શાંતિ મળે? હવે ધીરે ધીરે જીંદગીને આગળ વધારો એ જ જીવની ગતિ છે. હવે દુ:ખને ભુલવાની કોશિષ કરો. ચાલો હવે જમવા માટે, કેટલા દિવસે ઘરે આવ્યા છો. અમને બધાને તમારી કંપનીથી આનંદ આવશે. મમ્મી પણ પોતાનુ દુ:ખ હળવુ કરી શકશે.”

              “ભાભી ઓ.કે. તમે જાઓ. હું આ પુસ્તક ગોઠવીને આવુ છુ.”

              “વી આર વેઇટિંગ”

              “હા હા હુ આવુ જ છુ” નિશા ભાભી જતા રહ્યા. અક્ષયે ભાગવત ગીતાના પુસ્તકને આંખો પર અડાડીને ઉંચે બુકશેલ્ફમાં મુકવા ગયો. પરંતુ બધા પુસ્તકો ખસી ગયા હતા એટલે પુસ્તક એડજસ્ટ થતુ જ ન હતુ. તેને એક પુસ્તક બહાર કાઢ્યુ અને ભાગવત ગીતા મુકી દીધી પછી બાજુમાં તે પુસ્તક રાખવા ગયો ત્યાં તેમાંથી એક કાગળ નીચે પડી ગયો. તે નીચે ઉઠાવવા ગયો ત્યાં જ ભાભીની બુમ સંભળાઇ,

              “અક્ષય ભાઇ કયાં રહી ગયા?”

              “એ આવુ જ છુ.” કાગળ ફટાફટ ભાગવત ગીતા નીચે દબાવીને જમવા માટે ગયો.

              *****************************************

             



“દીકરા, તારી ઉદાસી હુ સમજી શકુ છુ. તારા પિતાજીની મરજી હતી કે તુ વિદેશમાં ભણીને ખુબ જ આગળ વધે. તેના માટે તારે ઘરથી આટલો સમય દુર રહેવુ પડ્યુ અને અચાનક.....” અડધા શબ્દો અક્ષયના મમ્મી જયા બહેનના આંસુમાં સરી ગયા.

              “મમ્મી, હવે બસ જમવા વખતે શાંત થઇ જાવ” નિશાભાભી પાણીનો ગ્લાસ આપતા કહ્યુ.

              “હા, મમ્મી હવે આપણે ઇશ્વરે આપેલા દુ:ખ સાથે જ આગળ વધવાનુ છે. આપણો સાથ હવે પિતાજી સાથે પુરો થઇ ગયો. જેવી પ્રભુની મરજી. ” અક્ષયે દિલાસો આપતા કહ્યુ.

              “હા બેટા જ્ઞાનની વાતો સાંભળવામા તો સારી લાગે છે પણ.” જયાબહેન નીચુ જોઇ રડવા લાગ્યા. થોડી વાર તેને હળવા થવા દઇને વાત બદલતા અક્ષયે કહ્યુ,

              “હુ વિચારુ છુ કે કાલથી ભાઇ સાથે શોપ જોઇન કરી લઉ.”

              “અક્ષયભાઇ, તમારે ઓસ્ટ્ર્લિયા પરત જવુ હોય તો જઇ શકો છો. તમારા ભાઇ કેટલા દિવસથી કહેવા માંગતા હતા પરંતુ તમારી હાલત જોઇ વાત ટાળતા હતા. આજે તમે વાત મુકી છો તો હું જ તમને કહી દઉ. તમે અહીંની કોઇ ચિંતા કરતા નહિ. અહીંનુ અમે બધા સંભાળી લઇશુ.”

              “હા, દીકરા દુકાનની ચિંતા ન કર. હવે નિશા પણ શોપ સંભાળી શકે છે. તું તારે મન થાઇ તો અહીં રહે ફરવા જા અને ઇચ્છા હોય તો ઓસ્ટ્રેલિયા કે બીજે ગમે ત્યાં જઇ શકે છે.” જયા બહેને પોતાનો હાથ અક્ષયના હાથ પર હળવેકથી દબાવતા લાગણીસભર રીતે કહ્યુ.

              “મોમ, ભાભી હવે મને ઓસ્ટ્રેલિયા જવાનુ મન થતુ નથી. હવે હું અહી જ રહેવા માંગુ છુ. શોપ ભાઇને ભાભી સંભાળી લેતા હોય તો હું કોઇ કંપનીમાં જોબ માટે એપ્લાઇ કરું.”

              “અક્ષયભાઇ તમે તમારી રીતે ટ્રાય કરો અને બિઝનેશ કરવા માંગતા હોવ તો પણ આપણી બે શોપ મોલમાં ચાલે જ છે.”

              “ઓ.કે. ભાભી. થેન્ક્યુ”

              *******************************************

              જમવાનુ પુરુ કરીને આજે પહેલીવાર હોલમાં બેસીને મમ્મી સાથે બે કલાક ટી.વી. જોયુ. મન ધીરે ધીરે શાંત થવા લાગ્યુ હતુ.  બપોરની વેળાએ બધા સુઇ ગયા હતા ત્યારે અક્ષય ફરીથી લાયબ્રેરીમાં આવ્યો અને અચાનક યાદ આવ્યુ કે એક કાગળ તેને રાખ્યો હતો. ભાગવત ગીતાના પુસ્તક નીચે રાખેલ કાગળની ચબરખી હળવેકથી લઇને તેને ધીરે ધીરે ખોલવા લાગ્યો. બહુ જુનવાણી કાગળ હતો આથી સાચવીને ખોલવા જતા પણ જરાક ગડીમાંથી તો ફાટી જ ગયો.

              અક્ષયએ કાગળને સાચવીને ટેબલ પર ગોઠવ્યો અને અંદર એક ચિત્ર હતુ તેને જોઇને અક્ષય શોક પામી ગયો. પપ્પાની લાયબ્રેરીમાં આવુ ચિત્ર ? તે ખુબ જ વિચિત્ર અને રહસ્યમય લાગી રહ્યુ હતુ. પપ્પાએ કયારેય આના વિશે વાત તો કરી જ ન હતી. આ શેનુ ચિત્ર હશે? અક્ષય તો વિચારમાં ચડી ગયો.


              વર્ષો જુનો હાથથી બનાવેલો નકશો જોઇને અક્ષય આશ્ચર્ય ચકિત બની ગયો. પહેલી નજરે જોનારા કોઇને ખબર પણ ન પડે કે આ નકશો છે. વિવિધ સંકેતોને જોડીને કોઇ દિશા સુચન કરેલુ હતુ. પરંતુ અંદર કયાંય પણ કોઇ જાતનુ લખાણ ન હતુ. અક્ષય ઘણી વાર સુધી તે નકશાને નીરખતો રહ્યો પરંતુ તેને કાંઇ ખબર ન પડતી હતી કે કઇ જગ્યાનો અને શા માટે બનાવેલો નકશો છે? તે એટલો બધો મગ્ન બની ગયો કે આસપાસનુ ભાન ભુલી ગયો.

             



વાદળા ગગડવાના અવાજથી તે વાસ્તવિકતા પર પરત આવ્યો. થોડી વારમાં ધોધમાર વરસાદ પડવા લાગ્યો. વરસાદમાં નહાવુ અક્ષયને ખુબ જ ગમતુ હતુ. તેને વરસાદના અવાજથી ફરીથી પપ્પાની યાદ આવી ગઇ. પપ્પા તેની સાથે નાચી કુદીને વરસાદમાં નહાવા માટે આવતા તે દ્રશ્યો ફરીથી આંખમાં તરવરવા લાગ્યા. વરસાદ ધરતીને ભીંજવી રહ્યો હતો અને પિતાની યાદ અક્ષયના મનને પણ વરસાદમાં ભીંજાવાથી ધરતીમાતા સોળે કળાએ ખીલી આનંદમાં હિલોળા લઇ રહ્યા હતા જ્યારે પિતાજીની યાદોમાં તરબતોળ અક્ષય દુઃખમાં ગરકાવ થઇ રહ્યો હતો.

              “અક્ષયભાઇ જરા મદદ કરો તો.” ભાભીને બુમે અક્ષયને ફરી વર્તમાનમાં લાવી દીધો.

              “હા ભાભી.” દોડીને ભાભીને વરસાદથી પલળતા કપડાં લેવામાં મદદ કરવા લાગ્યો ત્યાં તો બે નાનકડા તોફાની બારકસો પ્રેય અને દિવ્ય વરસાદમાં નહાવા માટે આવી ગયા. તેની સાથે અક્ષય પણ વરસાદની મોજ લેવા લાગ્યો. પોતાના બેય નાના ભત્રીજાઓને વરસાદના પાણીમાં છબકીયા કરતા જોઇ અક્ષય તેની બધી દુઃખભરી યાદોને વીસરી ગયો અને પોતે પણ જાણે નાનુ બાળક બની ગયો હોય તેમ પ્રેય અને દિવ્ય સાથે વરસાદમાં નહાવાની મોજ માણવા લાગ્યો. કાકા ભત્રીજાઓએ બે કલાક સુધી વરસાદમાં પલળવાની ફળિયા તથા અગાસીમાં મોજ લીધી. તે બધાની મોજને દૂરથી બે આંખોએ પણ રસભરીને માણી.


              **********************************************

              “તમે આટલા વહેલા આવી ગયા ?” નિશાભાભીનો અવાજ સાંભળી બધા હો હો કરતા ઘરમાં આવી ગયા.

              “વાહ, અક્ષુ તને આમ હસતા રમતા જોઇને આજે હું ખુબ જ ખુશ છુ. ઘણા દિવસો બાદ આજે આનંદની કીકીયારીઓએ ઘરમાં પ્રવેશ કર્યો છે. હવે હંમેશા આમ જ હસતો ખેલતો રહેજે.” નિશાંતે માથુ લુછીને ટુવાલ આપતા કહ્યા.

              “હા, ભાઇ દુ:ખ ગમે તેટલુ ગહેરુ હોય , તેને ભુલી જવુ એ જ એક માત્ર ઉપાય છે.”

              “યોર ગુજરાતી ઇઝ સો વેલ બ્રો.”

              “ઓસ્ટ્રેલિયા રહીને પણ ગુજરાતી પુસ્તકોનો સાથ મને હમેંશા માતૃભાષાની મહેંક સાથે જોડી રાખ્યો છે.દેશ ચાહે કોઇ પણ હોય આપણી માતૃભાષા પ્રત્યે આપણે હંમેશા ગર્વ જ હોવો જોઇએ અને મને ત્યાં રહીને પણ ગુજરાતી પ્રત્યે ભારોભાર માન અને અદબની લાગણી હતી.”

              વરસાદમાં ન્હાયા બાદ ભાભીના હાથના ગરમા ગરમ ભજિયાનો સ્વાદ માણીને અક્ષય ખુબ જ ખુશ થઇ ગયો. આટલા સમય બાદ પરિવારને હસતા રમતા અને હળી મળીને સાથે જમતા જોઇને જયા બહેનની આંખો ઠરી.

              મમ્મી ભાઇ-ભાભી ચલો મારે તમને એક ખાસ વસ્તુ બતાવવી છે.” કહેતો અક્ષય બધાને લાઇબ્રેરીમાં લઇ જવા લાગ્યો.

              “શું છે અક્ષય ત્યાં લાઇબ્રેરીમાં તે અત્યારે અમને બધાને લાઇબ્રેરીમાં ઘસેડી જાય છે?” જયાબેને પુછ્યુ.

            “મમ્મી તમે ચાલો તો ખરા, મારે તમને એક અદભુત વસ્તુ બતાવવી છે.” બધા વાતો કરતા કરતા અચરજ સાથે લાઇબ્રેરીમાં આવી પહોંચ્યા.

            “બધા બેઓ. હું હમણા જ આવ્યો.”  કહેતો અક્ષય ભાગવત ગીતામાં રાખેલો પેલો નકશો લેવા દોડ્યો. બધાની નજર અક્ષયનો પીંછો કરતી હતી.

            “હાથમાં પેલો નક્શો લઇ આવ્યો અને બધા બેઠા હતા ત્યાં ટેબલ વચ્ચે આખો નક્શો ખોલી અને પાથરી દીધો.


            

         “અક્ષુ આ શું છે? આવુ વિચિત્ર ડ્રોઇંગ તને ક્યાંથી મળી આવ્યુ?” નિશાંતે  તેને પુછ્યુ.

            “નિશાંતભાઇ,આ તો મારે પુછવાનુ છે તમને બધાને કે આ શુ છે? આ ડ્રોઇંગનો શું અર્થ થાય છે?”

            નિશાંતે હાથમાં લઇને નકશાને નીરખવા લાગ્યો અને નિશા પણ પતિની બાજુમાં આવીને નક્શાને જોવા લાગી.બન્નેએ ચારે બાજુ નક્શાને ફેરવી ફેરવીને જોઇ સમજવાનો પ્રયત્ન કરવાની કોશીષ કરી પણ કાંઇ સમજાય તેવો ક્લ્યુ મળ્યો જ નહી.

            “આ તને ક્યાંથી મળ્યો? લાગે છે તો કાંઇક નક્શા જેવુ, બાકી બીજો મને તો આના વિશે કોઇ આઇડિયા નથી.”

            “આ મને એક પુસ્તકમાંથી મળ્યો. ગઇ કાલે હું પુસ્તક ગોઠવી રહ્યો હતો ત્યાં અચાનક જ એક પુસ્તકમાંથી નીકળીને નીચે પડ્યો. મમ્મી તને આના વિશે કાંઇ ખબર છે?” જયાબહેનને નક્શો આપતા અક્ષયે કહ્યુ. જયા બહેને ચશ્મા ચડાવીને નીરખીને જોયુ.

            “મને આના વિશે કાંઇ ખબર નથી. તારા પપ્પાએ કયારેય આના વિશે મને કાંઇ કહ્યુ જ નથી.”

            “ઓહ માય ગોડ. તો આનુ રહસ્ય કેમ ખબર પડશે ?”

            “તારા પપ્પાના ખાસ મિત્ર મહેશભાઇને કદાચ..............”

            “મેઘના આંટી તમે” પ્રેયનો અવાજ સાંભળી બધાની નજર બહાર પાડી. જયાબહેન અને નિશાભાભી બહાર ગયા.

            “આવો આવો મેઘનાભાભી બેસો” નિશાએ વિવેક કરતા કહ્યુ.

            “ના ના સોરી હું દરવાજો ખુલ્લો હતો એટલે અંદર આવી ગઇ. હું ખાલી આ પકોડા આપવા માટે આવી હતી.” હાથમાં રહેલી પકોડાની ડીશ નિશાને આપતા મેઘનાએ કહ્યુ.

            “મેઘના ભાભી થેન્ક્યુ સો મચ. તમે બેસો તો ખરા ઠંડુ બનાવી લાવુ.”

            “ના,ના હજુ ઘણુ કામ બાકી છે. ફરી કયારેક આવીશ.” મેઘના બહેન ગયા એટલે પાછળથી દિવ્ય અને પ્રેયે ટી.વી જોતા જોતા પકોડાની ડીશ લઇ લીધી.

                   *****************************

            “હા, બેટા આ નકશા વિશે મને બધી ખબર છે.” મહેશભાઇએ નકશો હાથમાં લઇને જોતા જ કહ્યુ.

            આગલી રાત્રે જ નિશાંતે મહેશભાઇને ફોન કરીને બીજે દિવસે આવવા માટે કહી દીધુ હતુ. મહેશભાઇ કોલેજ વખતથી અક્ષયના પપ્પા અજીતભાઇના ખાસ મિત્ર હતા. તેમની આ મિત્રતા મૃત્યુ પર્યંત હજુ ટકી રહી હતી. આજે રવિવાર હતો એટલે નિશાંતને પણ શોપ બંધ હતી. તેથી તે પણ બધુ જાણવા માટે ઉત્સુક હતો.

            “વાહ, મહેશ અંકલ અમને જણાવો કે આ નકશો કઇ જગ્યાનો છે અને પપ્પા પાસે કયાંથી આવ્યો?” અક્ષયે ઉત્સુકતાથી પુછ્યુ.

            “પંચાવન વર્ષ પહેલાની વાત છે. હું અને અજીત વડોદરાની સયાજીરાવ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. એ જમાનામાં બહુ ઓછા વિદ્યાર્થીઓ કોલેજ સુધીનો અભ્યાસ કરતા અને પ્રવાસ પર્યટનનો બહુ દુરની વાત હતી. પરંતુ અમે બધાએ સાથે મળીને પિકનિકનુ નક્કી કર્યુ અને અમે દસ મિત્રોએ કોલેજનુ છેલ્લુ વર્ષ યાદગાર બનાવવા માટે એક સાહસભરી પિકનિકનુ આયોજન કર્યુ. મધ્યપ્રદેશમાં રહેલ અત્યારનો કાન્હા નેશનલ પાર્ક. એ જમાનામાં તે વધારેલ ડેવલપ થયેલ ન હતો. અમે બધાએ પણ ઘરમાં ખોટુ બોલીને જંગલમાં જવાના હતા કારણ કે સત્ય જાણે તો કોઇનો પરિવાર જવા દે તેમ ન હતો. અને અમે બધા પણ ખુબ બહાદુર ન હતા એટલે નજીક જંગલમાં બે દિવસ આનંદ માણીને આવી જવાના હતા. અમે વડોદરાથી ટ્રેનમાં બેસીને મધ્યપ્રદેશ જવા નીકળી ગયા હતા ગયા ત્યારે કયાં ખબર હતી કે નસીબ અમને એક અનોખી જગ્યાએ લઇ જવા માંગે છે.”

            “મહેશ અંકલ આ નકશો તે જંગલનો છે.”

            “હા, પણ તેમા રહેલ ખાસ જગ્યાનો. એ જમાનામાં આજની જેમ સુરક્ષાની સુવિધા પણ ન હતી. બસ એમ જ ચારે તરફ જંગલ ફેલાયેલ હતુ. શિકારના શોખીનો ત્યાં શિકાર માટે આવતા રહેતા હતા. અમે બધા ત્યાં ગયા. તેમા કોઇનો ઇરાદો શિકારનો ન હતો ફકત નૈસર્ગિક સૌદર્યમાં માનસિક શાંતિ માણવાનો હતો. અમે મોડી રાતે જંગલ વિસ્તારમાં પહોચ્યા અમે અમારાનુ ખાવા પીવાનુ બધુ સાથે લીધુ હતુ પરંતુ પ્રથમ દિવસે જ શિકારી ટોળીનો સાથ મળી ગયો. બધાએ સાથે મળીને વેજ અને નોન વેજનો આનંદ લીધો. હા, કોલેજના દિવસોમાં નોન વેજનો એક શોખ હતો પરંતુ અજીતને તો નોન વેજની સુગ હતી આથી તે અમારાથી દુર રહીને ઘરનો નાસ્તો અને ફળ લેતો. શિકારી ટોળી દિવસે ગાઢ જંગલમાં શિકાર કરવા માટે જતી ત્યારે અમને બધાને સાથે આવવા રોજ કહેતી પરંતુ અમે ડરના હિસાબે આજુબાજુની હરિયાળીને માણતા રહેતા. બે દિવસ જંગલમાં ખુબ આનંદથી વિતી ગયા. હવે બસ સવારની ટ્રેનમાં નીકળવાનુ જ્ હતુ. સાંજે અમે ઝરણા કિનારે ટહેલતા હતા ત્યારે તેમાં રહેલા મગરને જોતા જોતા અમે આગળ નીકળી ગયા અને અંધારુ ઢળી ગયુ તે ખબર જ ન પડી. વાઘની ત્રાડે અમને ડરાવી મુક્યા અમે દોડીને ભાગવા લાગ્યા અને અમે રસ્તો ભુલી ગયા. રાત્રે થોડુ આમ તેમ ચાલીને એક ગુફામાં આરામ કરવા રોકાયા કેમ કે અંધારામાં કાંઇ પણ જોવુ શક્ય ન હતુ. અમે સુરક્ષિત રીતે તેમાં રાત રોકાઇ ગયા.”

            બીજે દિવસે સવારે અમને અંદાજો આવ્યો કે અમે ગાઢ જંગલમાં ખોવાઇ ગયા હતા. લીલા લીલા મોટા મોટા ઝાડ અને એક જ સરખો રસ્તો કયાં જવુ કાંઇ ખબર જ ન પડતી હતી. અમે ઝરણુ શોધવાનો પ્રયાસ કર્યો. એક ઝરણુ મળ્યુ તો ખરું પરંતુ તેના સહારે જતા બહારનો રસ્તો ન મળ્યો અમે ઉંડા જંગલમાં ફસાવા લાગ્યા. અજીતે અમેં જેમ આગળ જતા હતા તેમ ઝાડ પર અને મોટા મોટા પથ્થર પર નિશાનીઓ કરી લીધી. ફરી સાંજ પડી ગઇ ભયાનક પ્રાણીઓના અવાજથી અમે ખુબ જ ગભરાય ગયા હતા. ફરી સુરક્ષિત જગ્યા શોધવાની હતી. કિસ્મત જોગ અમને નજીકમાં જ એક ગુફા મળી ગઇ. જેમાં અત્યારે કોઇ ન હતુ. અમે ગુફાની અંદર ગયા નિરાંતે હળવે હળવે અંદર તપાસ કરી ત્યાં કોઇ ન હતુ. અંદર જઇ અને બહાર પથ્થરનો દરવાજો હતો તે બંધ કરી લીધો અને અંદર સુવા તો ગયા પરંતુ પુષ્કળ વરસાદ ચાલુ થઇ ગયો. ધોધમાર વરસાદનુ પાણી અંદર પણ આવી રહ્યુ હતુ અને મચ્છર અમને તોડી રહ્યા હતા. અમે ભીના ભીના કયાંય સુધી બેસી રહ્યા અને રાત્રે કયારે વરસાદ રોકાઇ ગયો અને અમેં ભીના ભીના કયારે સુઇ ગયા કાંઇ ખબર જ ન પડી.

            સવારે પક્ષીઓના અવાજે અમને જગાડી મુક્યા ત્યારે અમારી આંખ ઉઘડી. હવે ખુબ જ ઠંડી લાગી રહી હતી. ફળના સહારે એક દિવસ તો કાઢી લીધો હતો પરંતુ હવે ખુબ જ ભુખ પણ લાગી હતી. મારી આંખમાં તો ડર અને લાચાર પરિસ્થિતિ વિશે વિચારી આંસુ આવી ગયા. અચાનક સવારના અજવાળામાં અમારી નજર સામે પડી અને અમારી આંખો આશ્ચર્યથી પહોળી બની ગઇ.

TO BE CONTINUED

 બીજો ભાગ વાંચવા અહી ક્લિક કરો. part 2

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2