સંબધોનુ મેનેજમેન્ટ

 

સંબધોનુ મેનેજમેન્ટ:




         એકલા ન ચાલીએ રાહ પર, મુશ્કેલીઓ આવે હજાર.

         સાથીના સાથ સાથે જીંદગી, લાગે હળવી પાર.

         જીંદગીની આ રાહ પર સંબંધો ખુબ જ ઉપયોગી છે. ઇશ્વરે મનુષ્યનુ ઘડતર જ માતાના ઉદરમાં કર્યુ છે. જીવનની શરૂઆતથી જ સંબંધની શરૂઆત થઇ જાય છે.  આસપાસના લોકો વિના જીંદગી સાવ ઉદાસ લાગે છે. આ જીવસૃષ્ટિ ચલાવવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. એકલા બધુ જ નકામુ છે. દરેક વ્યક્તિને કોઇના કોઇની જરૂર પડે છે. જેટલા વધારે અને સારા સંબધો એટલુ જ જીવન સરળ અને સુગમ. લોકોના સાથથી દરેક મુશ્કેલ કાર્ય આસાન બની જાય છે.

         પરંતુ, આજકાલ સ્વાર્થની આ દુનિયામાં કોઇ પણ કોઇની સાથે સંબંધ રાખવા માગતુ નથી. સગા વહાલા પણ સ્વાર્થને પહેલા પસંદ કરે છે. કોઇ પર સરળતા વિશ્વાસ કરી શકાતો નથી. અરે, નિકટના સ્વજનો પણ પળવારમાં દગો આપતા અચકાતા નથી. એવામાં વધારે અને ઘનિષ્ટ સંબંધોની વાત પણ ક્યા કરવી? વળી એટલી વ્યસ્ત લાઇફ બની ગઇ છે કે વધારે સંબંધો નિભાવવા પણ પરવડે તેમ નથી. એવામાં શુ કરવુ? માણસ દિવસે દિવસે એકલો પડતો જાય છે.

જીવનમાં સંબંધોની જરૂરિયાત:

         સૌ પ્રથમ વ્યક્તિને પારિવારિક સંબંધોની જરૂર છે. પરિવારના સભ્યોએ વ્યક્તિની સાચી તાકાત છે. પરિવાર વિના બધી જ વસ્તુ નકામી છે. પરિવારની હુંફ વિના પૈસો, સફળતા, આવડતની સાચી મજા માણી શકાતી નથી. માતા પિતાના આર્શીવાદ, પતિ-પત્નીનો પ્રેમ, બાળકની લાગણી, સગાઓની ટીકા તથા હુંફ જીવનને રળિયામળુ બનાવે છે. પારિવારીક હુંફ વિના જીવન બોજારૂપ બની જાય છે.

         વ્યાવસાયિક સંબંધો જીવનની બીજી જરૂરિયાત છે. જેની સાથે રોજ કાર્ય કરવાનુ છે. જેઓની આપણે રોજ જરૂરિઆત પડી શકે છે, તેવા લોકો સાથે સારા સંબંધો કાર્યને સરળ બનાવે છે. અને નોકરી, ધંધો કે વ્યવસાય કરવાનો આનંદ આવે છે. નોકરી, ધંધામાં આગળ વધવામાં આવા સંબંધો ખુબ જ ઉપયોગી બને છે.

         સામાજિક સંબંધો પણ મનુષ્યની મહત્વની જરૂરિયાત છે. મનુષ્યએ સામાજિક પ્રાણી છે. સમાજના સ્નેહ વિના જીવન અધુરુ લાગે છે.  સામાજિક સંબંધો અનેક રીતે ઉપયોગી બને છે. આવા સંબધો વિકસાવવાથી ઘણી મુશ્કેલીઓમાં લોકોનો સાથ મેળવી શકાય છે. અટવાયેલા તાર સમાજના સાથથી છુટા પડી શકે છે.

         આમ અનેક સંબંધોની જીવનભર જરૂરિયાત પડે છે. મિત્રતાભર્યા સંબંધો જ જીવનમાં હળવાશ લાવે છે. આવા સંબંધો વિકસાવવા અને ટકાવી રાખવા માટે શુ કરવુ જોઇએ તે જોઇએ,

        

સંબંધો બનાવવા અને ટકાવી રાખવા:

1. જાત સાથે પ્રેમ:

         જીવનમાં અન્ય સંબંધોથી આગળ અને વધારે મહત્ત્વનુ કોઇ હોય તો તે છે, જાત સાથેનો સંબંધ. મનુષ્ય પોતાની જાતને પસંદ કરે, તેના પોતાના ગુણોને જાણે, તો જ આત્મવિશ્વાસ કેળવી શકે અને બીજા સાથે સ્નેહપુર્વક સંબંધ કેળવી શકે.

         બીજા સાથે સંબંધ રાખવા માટે જાતનો પ્રેમ કે આત્મવિશ્વાસની શી જરૂર છે?

         આવો પ્રશ્ર સહજ મનમાં ઉદ્ભભવે છે. પરંતુ ક્યારેક આપણે આપણી જાત પ્રત્યેની નબળી કે નકારાત્મક્તા વિચારસરણીને કારણે આપણે સમાજ અને આસપાસના લોકોથી દુર ભાગતા રહીએ છીએ. કયારેક આપણે આપણા દેખાવ પ્રત્યે અણગમો હોય કે ક્યારેક આત્મવિશ્વાસના અભાવના કારણે લોકો સાથે સંબંધ કેળવી શકતા નથી. આપણામાં અપાર શક્તિ ભરેલી છે અને આપણે ઇશ્વરની એક અદ્રભુત રચના છીએ. આપણા જેટલી શક્તિ કે આવડત ધરાવનાર અન્ય માણસ શોધવો મુશ્કેલ છે એટલે દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રેષ્ટ અને અલગ છે. આ બાબત જાણી લેવાથી જાત પ્રત્યે પ્રેમ થવા લાગે છે. જાત સાથે લાગણી કેળવ્યા બાદ જ અન્ય સંબંધોમાં આગળ વધી શકાય છે.

2. સમયનો અભાવ કેમ દુર કરવો:

         આજની વ્યસ્ત લાઇફમાં સંબંધો બનાવવા અને ટકાવી રાખવા માટે સમય જ નથી. પરંતુ સંબંધો બનાવવા કે ટકાવી રાખવા માટે સમયની જરૂર જ નથી. હે, આશ્ચર્ય થાય છે ને! હા, આપણે પરિવારમાં સાથે રહેતા રહેતા અને સાથે કામ કરતા કરતા પારિવારીક સુમેળભર્યા સંબંધો કેળવવાના છે. નોકરી કે વ્યવસાયના સ્થળે જે લોકો સાથે કામ કરીએ છીએ તેઓ સાથે કામની સાથે જ સુમેળ કેળવવાનો છે. આમ, કોઇ વધારાના સમયની જરૂર જ નથી. તેથી સમયની ચિંતા કરવાનુ કોઇ કારણ જ નથી.

3. હમેંશા ખુશ રહો:

         એક બગાસુ આવતા આસપાસના લોકોને ચેપ લાગે છે એમ ખુશી પણ ચેપી રોગ છે. હમેંશા ખુશ રહેવાથી આપણી અંદર અને આસપાસના વાતાવરણમાં એક પોઝીટીવ એર્નજી ક્રિએટ થાય છે. આ હકારાત્મક ઉર્જા આસપાસના લોકોને પણ આપણી તરફ આક્રર્ષે છે. ખુશમિજાજી લોકો સૌ ને ગમે છે. બધાના જીવનમાં પોતાના પ્રોબ્લેમ અને મુશ્કેલીઓ રહેલી છે. પરંતુ જેઓ પોતાની મુશ્કેલીઓને ભુલીને બીજા સાથે હસતા બોલતા રહે છે એવા લોકો સૌને ગમે છે. હસમુખા લોકોનુ મિત્ર વર્તુળ ખુબ જ વધારે હોય છે. ખુશી પળો જેમ વિતી જાય છે તેમ દુ:ખ અને મુશ્કેલીની પળો પણ જતી રહેશે. એક કાળી રાત્રિ બાદ હમેંશા નવી સવાર આવે જ છે. આથી, બધી પરેશાની છોડીને હસતા રહેવુ જોઇએ. જેથી મુશ્કેલીઓ સામે લડવા માટે પણ બળ મળી રહે છે. અને આસપાસ હકારાત્મકતા આવરણ સદાય આપણી સાથે જ રહે.

4. લોકો જેવા છે તેઓ તેમનો સ્વીકાર કરો:

         સંબંધ જાળવી રાખવા માટે આ મુદ્દો ખુબ જ ઉપયોગી છે કે બીજાને બદલવાની કોશિષ ન કરો. મા-બાપ પોતાના સંતાનને પોતાની ઇચ્છા પ્રમાણે વાળવાની કોશિષ કરે છે. પતિ કે પત્ની પોતાના લાઇફ પાર્ટ્નરને પોતાને અનુકુળ બનાવવાની ઇચ્છા રાખે છે. આ જ વસ્તુ દુ:ખનુ કારણ બને છે. જેમ આપણે બધુ ઇચ્છતા હોઇએ તેમ સામેવાળી વ્યક્તિ પણ એમ જ ઇચ્છતી હોય છે અને આ પરિસ્થિતિ ટકરાવનુ કારણ બને છે. દરરોજ ઘણા સંબંધો આવી ટકરાવને કારણે તુટીને ચુર ચુર બની જાય છે. ઘણા લોકો આવી ટકરાવને કારણે માનસિક સંતુલન ગુમાવી બેસે છે અથવા તો મૃત્યુને પસંદ કરે છે. મહામુલી જીંદગી ખોટી વિચારસરણી અને જીદના કારણે નાશ પામે છે. શા માટે બીજા પાસે બદલાવની અપેક્ષા રાખવી? ઇશ્વરે તેમની આવડત અને તેના કર્મો મુજબ તેનુ ઘડતર કર્યુ છે. આપણે આપણી અનુકુળતા માટે તેઓ પાસે બદલાવની અપેક્ષા રાખવી એ એક પ્રકારની મુર્ખામી છે.

         લોકો જેવા છે તેવા તેમને પસંદ કરો. તેમના રહેલા નકારાત્મક ગુણોને પ્રેમથી તેઓને જણાવો પરંતુ તેઓને આપણા માટે બદલવા માટે મજબુર ન કરો. તેમની લાગણી અને તેમના વ્યક્તિત્ત્વનો સ્વીકાર કરો. આપણામાં આટલો બદલાવ લાવવાની કોશિષ જરૂરથી કરીએ, જેથી આપણા સંબંધો બધા સાથે ઘનિષ્ટ બની શકે.

5.લોકોને પ્રેમ આપો ટીકા નહિ:

         આ દુનિયામાં કોઇ સર્વગુણ સંપન્ન નથી. બધામાં હકારાત્મક તથા નકારાત્મક ગુણો રહેલા છે. પરંતુ આપણે આપણા પોતાના કરતા સામેની વ્યક્તિના દુર્ગુણૉ વધારે દેખાય છે. આપણે આપણી સાથેના લોકોના દુર્ગુણો જોવા કરતા તેની સારી બાબતો પર ધ્યાન દેવુ જોઇએ. બાકી થોડી ઘણી ખામી તો દરેકમાં રહેવાની જ છે. આપણે આસપાસના લોકોની ચિંતા થતી હોય અને દિલથી તેમના દુર્ગુણો દુર કરવા ઇચ્છતા હોઇએ તો પ્રેમથી તેઓને સમજાવવા જોઇએ કારણ કે આ દુનિયામાં ટીકા કોઇને ગમતી નથી. પ્રેમથી સૌ કોઇને વશ કરી શકાય છે.

         આમ થોડીક સમજદારી, થોડો પ્રેમ અને સૌના સ્વીકાર દ્રારા આપણે આપણી આસપાસના લોકો સાથે વધુ સારા અને મજબુત સંબંધ કેળવી શકીશુ, અને આ જીંદગીની લાંબી અને મુશ્કેલ સફર સરળતાથી પાર કરી શકીશુ.

         :અસ્તુ:

લેખકનુ નામ: ભાવિષા ગોકાણી

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com


Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2