નવી પાડોશણ

વાર્તાનુ નામ: નવી પાડોશણ

વિષય : ટુંકી વાર્તા


 

 

રોજ તેનુ મન થતુ હતુ કે તેની કોલોનીમાં આવેલ નવી પાડોશણને મળવા માટે જાય. પરંતુ સમય જ મળતો ન હતો. તેની જોબ જ એવી હતી તેમાં સમય મળવો મુશ્કેલ હતો. તેનો સ્વભાવ પણ એવો હતો કે કોઇ સાથે બહુ હળવુ મળવુ ગમતુ ન હતુ. પરંતુ આજે કોણ જાણે કેમ નવી પાડોશીમાં કોઇ જાણીતો ચહેરો દેખાતો હતો. શું તે એ જ હતી? મનમાં કીડો શાંત થતો જ ન હતો.

         આજે જવાનુ નક્કી કરી લીધુ અને તે તૈયાર થઇને બહાર જવા નીકળતી હતી ત્યાં જ ડોરબેલ વાગી.

         “ઓહ, કોણ હશે અત્યારે?” બબડતી તે દરવાજો ખોલવા ગઇ ત્યાં તેની કોલોનીની સેક્રેટરી વિદ્યા હતી.

         “હેલો મિસ ખ્યાતિ, આજે સાંજે આપણી કોલોનીમાં મિટિગ છે. તો રાત્રે નવ વાગ્યે આવી જજે.”

         “અત્યારે વળી શેની મિટિગ છે?”

         “અરે યાર નવરાત્રિ આવે છે તો તેની પ્લાનિંગ તો કરવી પડશે ને? આજ વખતે પણ આપણી કોલોની જ રોક કરશે.”

         “હા, ડેફિનેટલી આપણી કોલોની છે જ બેસ્ટ.”

         “ઓ.કે. કમ ટુ ધ ટાઇમ.” બોલીને હમેંશાના તેના અંદાજ મુજબ વાળની લટો ઉડાડતી વિદ્યા જતી રહી.

         વિદ્યા ગઇ પછી ખ્યાતિએ ઘડિયાળમાં જોયુ તો સાડા સાત વાગી ગયા હતા. તેને ઘરનુ કામ પણ બાકી હતુ. અત્યારે તે મળવા જશે તો નવ વાગ્યે મિટિગમાં પહોંચવુ અઘરુ પડશે. વિદ્યાનો કડક સ્વભાવ તે જાણતી હતી, આથી મોડુ જવુ શક્ય ન હતુ. આથી તે નવી પાડોશણને મળવાનુ માંડી વાળી ઘરકામમાં વળગી ગઇ. સવારે નવ થી સાંજે છ સુધીની તેની જોબ મોટેભાગે ઘરકામ તેને રાત્રે જ કરવા પડતા. સારું તેને કોઇ પરિવાર મેમ્બરર્સ ન હતા. બાકી સ્ત્રીઓ માટે આવી જોબ ખુબ જ કપરી બને છે.

         ************************

         “લવલી લેડીસ કોલોની” દુનિયાની અજીબ કોલોની હતી. તેમાં માત્ર સ્ત્રીઓ જ રહેતી હતી. દુનિયા અને પરિવારથી અલગ સ્વતંત્ર રહેવા માંગતી સ્ત્રીઓ, આ કોલોનીનો હિસ્સો હતી. હા, પણ કોલોની સ્ત્રી બધી પરિવારનો હિસ્સો બની રહેતી હતી. બધા ફંકશનો સાથે મળીને જોશપુર્વક ઉજવવા અને ધમાલ મસ્તી સાથે એકબીજા સાથે હળીમળીને રહેવુ અને સુખ દુ:ખ સાથે મળીને જીવવુ એ આ કોલોની ખાસિયત હતી.

         કોલોનીની સેક્રેટરી વિદ્યા ખુબ જ ઉત્સાહી અને બાહોશ હતી. તેને આજે નવરાત્રિ માટે મિટિગ આયોજિત કરી હતી. જો કે નવરાત્રિને હજુ પંદર દિવસની વાર હતી. પરંતુ વિદ્યાને બધુ પરફેકટ પ્લાનિંગ જોઇએ એટલે તે બધુ એડવાંસ જ તૈયાર કરવા માંગતી હતી.

         મિટિંગ માટે બધા પોણા નવ વાગ્યે જ કોલોનીના બગીચામાં પહોંચી ગયા હતા. બધાને વિદ્યાના કડક સ્વભાવની ખબર હતી. બગીચામાં મિટિગ માટેની બધી તૈયારી થઇ ચુકી હતી. ચેર પર બધી લેડીસો ગોઠવાય ગઇ.

         ખ્યાતિની નજર નવી પાડોશણને શોધતી હતી. તે હજુ આવી હતી નહિ. તે નવી હતી એટલે તેને વિદ્યાનો અનુભવ ન હતો. “એકવાર અનુભવ થશે પછી ખબર પડ્શે” વિદ્યાએ મનોમન વિચાર્યુ અને તે આગળની હરોળમાં બેસી ગઇ. દસ મિનિટ થઇ એટલે વિદ્યા આવી ગઇ. તેને ફોરમલી બધાને વેલકમ કરીને મિટિગ શરૂ કરી દીધી.

         તે પાંચ મિનિટ મોડી પડી. નવને પાંચ મિનિટે આવી ગઇ અને પાછળની હરોળમાં બેસવા જતી હતી ત્યાં જ સ્વભાવ વશ વિદ્યાએ કહ્યુ,

         “મેઘના બહેન, તમને કોલોની રુલ્સ વિશે માહિતી આપવામાં આવી છે અને તમે નવા છો એટલે એક વખત જવા દઉ છુ. બાકી મોડા આવનારને હું સખત સજા કરું છુ. આગળથી ધ્યાન રાખજો અને બીજા બધા નિયમોનુ સખ્તાયથી પાલન કરજો. આ “લવલી લેડીસ કોલોની” છે તેમાં માફી કયાંય આવતી જ નથી. રુલ્સ બ્રેક કરનારને સખત સજા આપવામાં આવે છે.” વિદ્યાએ કડકાઇ સાથે મેઘનાની ઝાટકળી કાઢી નાખી.

         “પ્લીઝ નાવ હેવ યોર શીટ” કહી વિદ્યાએ મિટિગ આગળ ચલાવતા કહ્યુ,

         “લવલી લેડીસ, તમને ખબર છે કે આપણા બધા ફંકશન યુનિક હોય છે અને એમાં નવરાત્રિ એટલે આપણો તહેવાર આપણે તેમાં જ દર વખતે ન્યુ આઇડિયા લઇ આવીએ છીએ તે જોવા માટે આખુ શહેર પાસ ખરીદીને ઉમટી પડે છે. આ વખતે પણ આપણે સાવ ડિફરન્ટ આઇડિયા પર કામ કરવાનુ છે. મેં અને કમિટી મેમ્બર્સની લેડીસોએ સાથે મળીને એક પ્લાન બનાવ્યો છે. તે વાઇસ સેક્રેટરી મિસ હર્ષા પુસ્કર તમને જણાવશે. હર્ષાજી કેરી ઓન.”

         વિદ્યાથી તદન વિરુધ્ધ હસમુખા સ્વભાવના હર્ષા બહેને માઇક હાથમાં લીધુ. અને કહ્યુ,

         “હેલો લેડીસ મજામાં ને બધા? કાલથી શ્રાધ્ધ ચાલુ થાય છે. જેના નામનુ નાહી લીધુ છે તેને યાદ કરીને લાડવા ખાઇ લેજો. નાઉ કમ ટુ ધ પોઇન્ટ. નવરાત્રિ માટે આ વખતે એક યુનિક પેટન્ટ નક્કી કરી છે. રેઇન ગરબાનુ સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યુ છે.” હર્ષા પુસ્કરે રેઇન ગરબાની માહિતી અને તેના સ્પેશલ ઓરનામેટની ઇન્ફો આપી. ખ્યાતિનો જીવ તો નવી પાડોશણ મેઘનામાં જ હતો. નામ અને ચહેરો સાવ જાણીતા જ હતા. તે જ નથી ને ? વારંવાર પ્રશ્ન તેના મનમાં ઘુમરાયા કરતો હતો. તે વારંવાર પાછળ ફરીને જોયા કરતી હતી. તેનો સાઇડ ફેસ જ દેખાતો હતો. સવા દસ વાગ્યે મિટિગ પુરી થઇ ગઇ. બધી લેડીસો પોતપોતાની સખીઓ સાથે વાતો કરવા લાગી.

         મેઘના ઘરે જવા જતી હતી ત્યાં પાછળથી ખ્યાતિએ કહ્યુ,

         “મેઘના”

         “હા, બોલો”

         “તમે”

         “હા, હું એજ છુ જેના વિશે તમે વિચારી રહ્યા છો. તમારી એક વખતની શોક્ય.”

         “આઇ મીન?”

         “હા, ખ્યાતિ. આઇ એમ રીઅલી સોરી. મેં એક સમયે તારા પતિને છીનવી લીધો હતો. આજે તે મને પણ છોડીને જતો રહ્યો.” મેઘનાની આંખ છલકાય ઉઠી.

         “મેઘના શું થયુ?” ખ્યાતિએ સહાનુભુતિપુર્વક કહ્યુ.

         “જેવુ તારી સાથે કર્યુ તેવુ જ જયે મારી સાથે કર્યું. તમારા દસ વર્ષના લગ્ન જીવન બાદ પણ જય તારા જેવી સરળ, નિખાલસ અને પ્રેમાળ પત્નીને છોડીને મારી સાથે આવી ગયો હતો. હું ત્યારે પ્રેમમાં આંધળી હતી અને ખબર ન હતી કે તે ખાલી છલના જ હતી. પાંચ જ વર્ષમાં તે મને છોડીને લંડનની ગોરી મેમ સાથે દેશ છોડીને જતો રહ્યો.” ફરી આટલુ બોલી મેઘના ભાવુક બની ગઇ.

         “જય મને છોડીને ગયો ત્યારે મને તમારી પીડાનો અહેસાસ થયો. મારી સાથે મારો પરિવાર તો હતો પરંતુ તને તે આ દુનિયામાં એકલી સાવ છોડીને જતો રહ્યો હતો. આઇ એમ રીઅલી સોરી યાર.” કહેતા મેઘના ખ્યાતિને વળગી પડી.

         “મેઘના, જે થયુ તે આપણા કિસ્મત. હવે હું તો બધુ ભુલી ગઇ. તુ પણ ભુલી જા અને હવે જીંદગીને આગળ વધારી દે.”

         “તમે કેટલા સરળ છો. ગુનાહિત ભાવના મારો પીછો છોડતી ન હતી. હું તમને શોધતી શોધતી અહીં તમારી માફી મેળવવા જ આવી છું.”

         “મારા મનમાં કોઇ એવી ભાવના નથી. હવે તે ભુલીને અહીં આવી છો તો અહીં જ વસી જા. આ કોલોનીની દરેક સ્ત્રી કંઇક ગમ છુપાવીને જીંદગીને માણે છે. આપણે પણ સાથે મળીને બાકીની જીંદગી એન્જોય કરવાની છે. જયને જે કરવુ હોય તે કરે.”

         “થેન્ક્યુ સો મચ. હવે મારો ભાર હળવો થયો.”

         “ચાલ હવે ફોર્માલીટી છોડ હવે. તારી પાસે જોબ છે? સર્વાઇવ કરવા માટે પૈસાની પહેલા જરૂર પડશે.”

         “ના, અહીં કોઇ મારી જોબ નથી.”

         “કાલે સવારે વહેલી મારા ઘરે આવી જજે. મારી કંપનીમાં પ્લેસમેન્ટ છે.”

        “થેન્ક્યુ સો મચ.” મેઘનાના કંઠમાં ભીનાશ વ્યાપી ગઇ.

         “અરે યાર આપણે એવા સમદુનિયા છીએ જેને એક જ લાઠીનો માર લાગ્યો છે.”

         બંન્ને પોતાના દુ:ખને યાદ કરતી નિ:શબ્દ પોતાના ઘરે જતી રહી.

           ********************

         બીજે દિવસે મેઘનાને પણ ખ્યાતિએ પોતાની કંપનીમાં જોબ માટે જોઇન કરાવી દીધી.

         બંન્ને કાયમી માટે “લવલી લેડીસ કોલોની”માં રહી ગઇ અને તેના અવનવા કાર્યક્ર્મો એન્જોય કરતી હળીમળીને રહેવા લાગી.

Comments

  1. તદ્દન નવી ઢબ ની સરસ વાર્તા.. હકીકતમાં આવી લેડીઝ કોલોની હોય તો!!!મઝા પડી જાય 😁

    ReplyDelete
  2. ખૂબ જ સરસ વાર્તા. એકદમ નવો વિચાર.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?