ગુનેગાર કોણ ? - 12

 ગુનેગાર કોણ ? 

ભાગ : 12 



“તમને જાણીને ખુબ જ ઝટકો લાગશે કે જશપાલનું પણ ખૂન થઈ ચૂક્યું છે.” સુરેશ આવ્યો ત્યારે મોહિતના મોંમાં આ શબ્દો તે સાંભળ્યા બાદ હોલમાં ભયનો માહોલ સર્જાય ગયો. સૌ શૂન્યમસ્તક થઈ ગયા. દૂરથી મેઘનાને જોઈ તેની પાસે જઇ સુરેશ બેસી ગયો.

            “સુરેશ, સાંભળ્યું?” સુરેશ આવ્યો એટલે મેઘનાએ ધીરેથી કાનમાં કહ્યું. 

            “સાંભળ્યું નહીં મે  તો જોયું” સુરેશે કહ્યું  તેની વાત સાંભળીને મેઘનાની  આંખો  પહોળી થઈ ગઈ તે કાઇ  બોલવા જાય ત્યાં મોહિતે ફરીથી વાત શરૂ કરી દીધી.

            “મિત્રો, હું કોઈને ડરાવવા માગતો નથી. હું તો ફકત ચેતવવા માંગુ છું. બધા પર ભય તોળાઇ રહ્યો છે અને બધા જ શંકાના દાયરામાં છે. જો તમે ગુનેગાર છો તમારે બહુ ચેતીને રહેવાનું છે. થોડા જ સમયમાં કાનૂનના પંજા તમને પકડવા તૈયાર જ હશે. અને જો તમે ગુનેગાર નથી તો ફક્ત તમારે હવે ફક્ત થોડો જ સમય સાવચેત રહેવાનું છે. ગુનેગાર હવે સાવ નજીક જ છે.”

            “તમને ગુનેગાર માટે અંદાજો છે તો અમને હિંટ આપો તો ગુનેગાર ઝડપથી સપડાય જાય અને કોઈ નિર્દોષનો જીવ બચી જાય” પારૂલે  ઊભા થઈને કહ્યું.

            “મેમ હજુ કઇ ક્લિયર નથી. આપણી  થોડી ચર્ચાથી ગુનેગાર સાવચેત બની જશે અને બાજી વધારે બગડી જશે.” મોહિતે પારૂલને સમજાવતા કહ્યું.

            “તો હજુ વધારે ખૂન થવાની રાહ જોવાની છે આપણે?” પ્રેરણાએ પુછ્યું

            “ના, એટલે જ આપણે અહી એકઠા થયા છીએ. મારે તમને એક ખાસ વાત જણાવવાની છે. હવે આપણે કોઈનો જીવ જાય તે ઇચ્છનીય નથી.”

            “તમારે માટે ગુનેગાર આપની વચ્ચે છે તો કોઈ પ્લાન બનાવવો એ યોગ્ય છે?” શિલ્પાએ પૂછ્યું.

            “તમારી વાત સાચી  છે પરંતુ બધાના માથે ટોળાતી તલવારથી બચવા માટે થોડું રિસ્ક લેવું જરૂરી છે.” મોહિતે સમજાવતા કહ્યું.

            “આ રિસ્ક નહી મૂર્ખામી  ન ગણી શકાય?” પ્રેરણાએ પુછ્યું.

            “એ તો તમે મારી વાત સાંભળી અને બાદ જ નક્કી કરજો કે આને શું ગણી શકાય.” મોહિતે જવાબ આપ્યો.

            “અમે તમારી વાત સાંભળવા આતુર જ છીએ કે તમે શું કહેવાય માંગો છો?” એનાએ કહ્યું.

            આંખમાંથી એક આંસુનું ટીપું નીચે પડી ગયું. કાવ્યા ઘોષ આજે રડી રહી હતી. તુરત જ પોતાનું મૂળ રૂપ ધારણ કરી લીધું. રિતેશ જવાની તૈયારીમાં મશગુલ હતો. પરંતુ કાવ્યાને જરાય મન ન હતું. તે તો પરત જવા માંગતી હતી. કામ પૂરું ન થયું તેને ખૂબ જ ગુસ્સો હતો. તે અવધેશનું ખૂન કરવા માંગતી હતી. તેના પર હવે જરાય વિશ્વાસ ન હતો. તે કામ પૂરું કરી શકશે? તે મનમાં ધૂંધવાયને બેઠી હતી. ત્યાં જ પાછળથી તેની આંખો પર રીતેશે બે હાથ મૂક્યા.

            “અરે ડીઅર, હવે હું તને ન ઓળખું?” કાવ્યા એ બનાવટી હસી સાથે રીતેશના હાથ પકડીને કહ્યું.

            “હા, યાર પણ આવી નાની નાની ખુશી એકઠી કરવાની મને ખૂબ જ મજા આવે છે.” રીતેશે કાવ્યાને બે હાથથી બાહોમાં લેતા કહ્યું. 

            “નાના દૂ:ખ એકઠા કરવાની પણ બહુ જ મજા આવશે” કાવ્યાએ મનમાં વિચાર્યું.

            “જીવનની સાચી ખુશી જ આ છે. નાના નાના પડાવથી લાંબી સફર પાર કરી લેવી. એ જ જિંદગીની ફિલોસોફી છે.” રીતેશે પોતાના જિંદગી વિશેના વિચાર સમજાવતા કહ્યું.

            “હા, યાર તું એકદમ સાચું કહે છે પરંતુ મને તારી આ વાત પસંદ ન પડી કે આપણે અચાનક કેમ ઈજિપ્ત જઇ રહ્યા છીએ?” કાવ્યા એ પોતાનો અણગમો દર્શાવતા કહ્યું.

            “અરે ડાર્લીંગ, એક આકર્ષક ઓફર છે. બોસ તરફથી અમારી નવી પ્રોડક્ટના લોન્ચની ખુશીમાં ઈજિપ્તની  બે ટિકિટ મોકલી આપી છે. તો આપણે આપણું હનીમૂન બીજા અલગ દેશમાં પણ મનાવી શકીશું. બહુ જ મજા પડશે” ઉતેજના સાથે રીતેશે કહ્યું.

            “મારી સખીના લગ્ન માટે મે ખાસ પ્રોમિસ આપેલું છે. આપણે નક્કી  જ કર્યું હતું કે ૨૦ તારીખ પહેલા પહોંચી જઈશું મે તેને પ્રોમિસ આપ્યું છે યાર.” કાવ્યા એ મુંઝવણ ભરી નજરે તેની સામે જોઈને કહ્યું.

            “તારી સખી તારી પરિસ્થિતિ સમજી જશે યાર આપણાં પણ નવા લગ્ન થયા છે. આવો મોકો બીજી વખત નહીં મળે યાર.” રીતેશે કાવ્યાને સમજાવતા કહ્યું.

        તને ખબર નથી યાર હું અને પ્રીતિ ખાસ સખી છીએ. અમે બંનેએ માતા પિતા વિના  જીવનના ઘણા પડાવ પર અમે સાથે સફર કરી છે આજે તેની જિંદગીના આ ખાસ અવસર વખતે હું આવી શકું તો તેને જિંદગીભર ખટકો મનમાં રહી જાય કાવ્યા એ કહ્યું. તેની આંખમાં પરેશાની દેખાતી હતી. તે એક અનુભવી કલાકાર બની ચૂકી હતી. ઘણી વખત પોલીસ અને કોઈને ફસાવવા માટે તેની આ કળા જ ખૂબ ઉપયોગી બનતી.

            “તારી ખાસ સખી છે એટલે જેમ તું એના ખાસ પળ વિષે વિચારએ છે અને સમજે છે એમ તે પણ તારી જિંદગીના આ ખાસ પળ માટે જરૂરથી સમજી શકશે ઊલટાનું તું તેના માટે આ પળો બગાડીશ તે તેને નહીં ગમે.”  રીતેશે તેને પ્રેમથી સમજાવતા કહ્યું.

            કાવ્યાએ મનમાં વિચાર્યું કે વધારે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી કોઈ ખાસ યુક્તિ વિચારવી પડશે. તેને સ્માઈલ આપીને રીતેશને કહ્યું,

            “ડિયર, યુ આર રાઇટ. પ્રિતી જરૂરથી સમજી શકશે. આપણે ક્યારે નીકળવાનું છે?”

            “એવું લાગે તો તેની સાથે ફોન પર વાત કરી લે. હું પણ તારી ખાસ સખીને વિશ કરી લઉં.” રીતેશે કાવ્યાના બે હાથ પોતાના હાથમાં લઈને પંપાળતા કહ્યું.

            “અરે ના હજુ કાલે તેની સાથે વાત થઈ હતી. આજે તેની પાર્લરની એપોઇમેન્ટ છે તે વાત નહીં કરી શકે સાંજે તેને મેસેજ કરીશ ત્યારે તે ખૂબ જ થાકી નહીં હોય તો વાત કરીશું.” કાવ્યા એ ખૂબ જ સાલુકાયથી વાતને સમજાવી દીધી.   

            “ઑ. કે નિરાંતે વાત કરી લઈશું. આપણે બસ હવે વિઝા અને થોડી તૈયારી બાકી છે ત્યાર બાદ નીકળીએ”

            “ઑ. કે ત્યાં સુધી અહી એન્જોય કરીએ”

            “યસ્સ ડાર્લીંગ”

 ***********

 “ખૂની કોઈ સામાન્ય કે સાયકો કે સીરીયલ કીલર નથી. તેનું રહસ્ય અમુક લોકો જાણી ગયા છે.જે જાણી ગયા છે  તેની સાથે સંકળાયેલા

 તમામ લોકોને તે પતાવી દેવા માંગે છે. તેને પણ હજુ ખબર નથી કે તેના ટાર્ગેટમાં કોણ છે એટલે તે કોઈ રિસ્ક લેવા માંગતો નથી. આથી તે શંકાને આધારે બધાને પતાવી દેવા માંગે છે.”

            “ઓહહ, ખૂબ જ ડરામણું.” પ્રેરણાએ ગભરાયને કહ્યું.

            “હા, મિસીસ પ્રેરણા વાત ડરામણી છે પરંતુ સત્ય છે. તેને રોકવાનો એકમાત્ર માર્ગ એ છે કે તેના મૂળ પર જવામાં આવે.” મોહિતે પ્રેરણા સામે જોઈ તેને સમજાવતા કહ્યું.

            હોલમાં એકદમ નીરવ શાંતિ છવાય ગઈ હતી. બધા મૂંઝવણ અને ભયમાં હતા. કોઈને કાઇ સમજ પડતી ન હતી. અત્યારે તે મોહિતની વાત સાંભળવા અને સમજવા માટે આતુર હતા.

            “તમારી વાત સમજવી ખૂબ જ અઘરી પડે છે. તમે વિસ્તારથી સમજાવી શકશો?” શ્યામે પૂછ્યું.

            “યસ સર, હું વિસ્તારથી સમજાવવા જઇ રહ્યો છું પરંતુ અત્યારે બધા ખુલાસા કરવા યોગ્ય નથી. પરંતુ આપણે સૌ એ ઈજિપ્ત જવાની તૈયારી કરવાની છે.” મોહિતે અચાનક ઈજિપ્ત જવાની વાત કરી એટલે બધાની આંખો પહોળી થઈ ગઈ.

       સૌ એક બીજા સાથે ચર્ચા કરવા લાગ્યા

            “અચાનક, આવું, કેમ?” સૌના મનમાં આવા જ સવાલો રમવા લાગ્યા.

            “પ્લીઝ લીસન ટુ  મી અત્યારે હું વધારે કઇ કહી શકું એમ નથી કે ખૂની આપણામાંથી કોઈ પણ હોય શકે છે એટલે તમારે અમારી વાત પર  વિશ્વાસ રાખી તૈયારી કરવાની છે અને બે દિવસ બાદ આપણે ઈજિપ્ત નીકળવાનું છે.”

            “ઓહ, એમ કઇ અમે ન નીકળી શકીએ મારે મારો બિઝનેશ ખોટી થાય છે. હું એવી રીતે ક્યાંય નીકળી ન શકું મારે મારા બિઝનેશના ઘણા કામ છે મિત્રો તમારે બધાને પણ પોતાની નોકરી અને બિઝનેશના કાર્યો હશે ને. એમ થોડા પ્રવાસો કરી શકાય.” અત્યાર સુધી  સુરેશે કહ્યું.

            “હા, એમ ન નીકળી શકાય” બધાએ પોતાનો મત જણાવ્યો

            “તમે લોકો નીકળવા માંગતા હોય તો જરૂરથી જઇ શકો છો. મારે તો   મારા કામ માટે મુંબઈ જવું પડશે.” શિલ્પાએ કહ્યું.

            “એક મિનિટ સાંભળો. હું તમારા બધાની પરિસ્થિતિ સમજી શકું છું પરંતુ અત્યારે કોઈ નિર્દોષના જીવ બચાવવા માટે તથા તમારા પોતાના જીવનની રક્ષા માટે જરૂરી છે તમે થોડું એડજસ્ટ કરી લો તો એક મોટા ષડયંત્રનો  પર્દાફાસ કરી શકાશે.”

            “હું કોઈ ડિટેકટીવ નથી કે મારી ફરજ બને કે હું ગુનેગારને પકડું અને હું ઈચ્છું તો પણ કોઈ મદદ ન કરી શકું મારા માટે અત્યારે મારુ કામ મહત્વનું છે.” શિલ્પાએ ફરી કહ્યું. તેનો પોતાનો બિઝનેશ તે એકલા હાથે સંભાળતી હતી. આથી તેને ખૂબ જ જવાબદારી હતી.

            “તમારી વાત સાચી છે મિસ શિલ્પા પરંતુ અત્યારે બધા શંકાના દાયરામાં છે આથી જ્યાં સુધી ગુનેગાર ન પકડાય ન જાય ત્યાં સુધી તમે મારી નજરથી દૂર ન જઇ શકો” મોહિતે તેની સામે જોઈને કહ્યું.

            “અમે કોઈ ગુનો કર્યો નથી કોઈ સાબિતી નથી ત્યારે ખાલી શંકાના દાયરા પર તમે અમને નજરકેદ પર ના રાખી શકો. અમારે અમારા કામ ધંધા તો સભાળવા પડે ને” સુરેશે પણ શિલ્પાની વાતમાં સૂર પુરાવતા કહ્યું.

            “વાત તમારી સાચી છે અત્યારે કોઈ અજાણ્યા કે તમારા કોઈ શત્રુ નહીં પરંતુ તમારા મિત્રોનું ખૂબ જ ખરાબ રીતે ખૂન  કરવામાં આવ્યું છે ત્યારે મિત્રતાને ખાતર, માનવતાને ખાતર તમારે થોડો સહયોગ આપવો જોઈએ. આમ સૌ સ્વાર્થના સગા બની જશે તો માનવ જાત પ્રત્યે કુદરતનો વિશ્વાસ ઉઠી જશે. હું તમને સૌને બે હાથ જોડીને વિનતી કરું છું કે એક વખત મને સહયોગ આપો.” મોહિતે પોતાના બે હાથ જોડીને ભાવવહી સ્વરે કહ્યું.

            “ઑ. કે અમે તમને સહયોગ આપવા તૈયાર છીએ તમારો આખો  પ્લાન સમજાવો પ્લીઝ.” પ્રેરણાએ કહ્યું.

            “આજે ૨૨મી ઓગસ્ટ થઈ છે ૨૫મી ઓગસ્ટની બધાની ઈજીપ્તની ટિકિટ છે ત્યાં સુધી તમારે બધાએ તૈયારી કરી લેવાની છે. આવતીકાલથી આપણે  થોડી વધારે સાવધાનીપૂર્વક રહેવાનું છે જ્યાં સુધી ખૂની પકડાય ન જાય ત્યાં સુધી આપણે સૌએ ખૂબ જ ચેતવીને રહેવાનું છે કોઈ વ્યક્તિએ ક્યાંય પણ એકલા રહેવું કે જવું નહીં. બધાએ સાથે રહેવું. એકલી વ્યક્તિ ઝડપથી શિકાર બની શકે છે. બીજી સૂચના, કઇ પણ શંકાસ્પદ જણાય તો તુરત જ મને જાણ  કરજો. હોટેલ ઓથોરીટી સિવાય કોઈના પાસેથી કઇ ખાવું કે લેવું નહીં. ભલે ગમે તેવા જૂના મિત્ર હોય અત્યારે સૌ શંકાના દાયરા હેઠળ છે. જીવનો જોખમ છે ત્યારે લાગણી સાથે થોડું કોમ્પ્રોમાયઝ કરવું જરૂરી છે.” મોહિતે જરૂરી સૂચનાઓ આપી.

            “જી સર તમારી વાત પર અમે અમલ કરીશું અને અમે સૌ આવતીકાલથી જવાની  કરવા લાગીએ છીએ અને જ્યાં સુધી ખૂની પકડાય ન જાય ત્યાં સુધી અમે ચોક્કસ સાવધાની રાખીશું. બધા મિત્રો ખોટા વહેમમાં ન રહેજો અને સાવધાની રાખજો.” સુરેશે જણાવ્યું. તેને હમણાં જ ખૂનીને દૂરથી જોયો હતો. આથી તેને વધારે ડર લાગી રહ્યો હતો. તે અત્યારે જાહેરમાં કોઈને કહેવા માંગતો ન હતો. થોડા સમય બાદ એકાંતમાં તે મોહિતને બધુ જણાવવા માંગતો હતો.

            હા” સુરેશની વાત સાથે બધા સંમત થઈ ગયા.

            “હું પણ તમારો મિત્ર છું તમારો કોલેજ ફ્રેન્ડ છું તમને લાગુ પડતાં નિયમો મને પણ એવા જ લાગુ પડે છે. બની શકે કે આગલો શિકાર હું પણ હોય શકું?” મોહિત થોડીવાર અટકી ગયો. અને ત્યાર બાદ ફરીથી તેને કહ્યું, “ચાલો આજે બધા છૂટા પડીશું. વખતો વખત સૂચનાઓ પર વિચાર અને સાથે મળીને નક્કી કરીશું.”  મોહિતની વાત સાંભળીને હોલમાં સન્નાટો છવાઈ ગયો. બધાના હૈયામાં એક ડર બેસી  ગયો હતો કે આખરે કોણ તેઓની પાછળ પડ્યું છે? હવે તેઓ ફરીથી નોર્મલ જીવન જીવી શકશે કે તેમનો આ અંતિમ સમય છે.

વધુ આવતા અંકે 

લેખકનું નામ : ભાવિષા ગોકાણી 

ભાગ 13 વાંચવા માટે ક્લિક કરો👉Part: 13

           

 

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?