તાળુ
તાળુ
આજે
ફરીથી તે ઘરે આવી ત્યારે તાળુ હતુ. છેલ્લા બે દિવસથી ઓફિસેથી નીકળતી ત્યારે મનમાં
એક આશા રહેતી કે આજે તાળુ નહિ હોય અને તેનો પતિ ઘરે તેની રાહ જોતો હશે અને પોતે પણ
હરખથી તેને ભેટી પડશે એવા અનેરા ઉત્સાહ સાથે આવતી અને આજે પણ આગળના દિવસોની જેમ જ દરવાજાને
તાળુ કોઇ તે ઉદાસ થઇ ગઇ. તેની આશાઓ પર જાણે નસીબે તાળુ મારી દીધુ હતુ તેમ નાખુશ
મને તેણે બહાર કુંડાની નીચે દબાવેલી ચાવી
લઇને તાળુ ખોલ્યુ.
ઘરના
દરવાજાને તો તાળુ ખોલી નાખ્યુ પણ તે બન્ને વચ્ચે ઊભી થયેલી શંકાના તાળાની ચાવી
ક્યાંથી મળી શકે???” વિચારોના વમળમાં ફસાયેલી દિશાના ચહેરા પર આખા દિવસના કામના
ભારણનો નહી પરંતુ નિરવની આજે પણ ઘરે ગેરહાજરીનો બોજ વધુ દેખાઇ રહ્યો હતો.
એકાંત
માણસને અવનવા અને અનેક ભયંકર વિચારોથી ઘેરી લે છે અને ચક્રવ્યુહમાં ફસાઇ ગયેલા
માણસને જેમ કાંઇ બહાર નીકળવાનો રસ્તો મળતો નથી તેમ એકાંત અને માનસિક વિચારોમાંથી
માણસ જલ્દી બહાર આવી શકતો નથી તેમ અનેક ખરાબ વિચારો વચ્ચે દિશા ફસાઇ હતી ત્યાં
અચાનક ફોનની રીંગ વાગી.
નિરવનો
જ કોલ હશે એ આશાએ તેણે વિચારોને હડસેલી દોડીને ફોન ઉપાડ્યો ત્યાં સામા છેડેથી
પોતાની જનેતાનો અવાજ સંભળાયો ત્યાં તેના ચહેરા પરની ખુશીઓ પર જાણે ગ્રહણ લાગી ગયુ
હોય તેમ ઉદાસ ચહેરે તે બોલી.
“જય
શ્રી કૃષ્ણ મમ્મી.”
“શું
થયુ? તે આવ્યો? કાંઇ સમાચાર?” સામે છેડેથી મમ્મીએ પુછ્યુ.
“ના,
મમ્મી તમે ચિંતા ન કરો. ધીરે ધીરે સારુ થઇ જશે. તેનો ગુસ્સો ઉતરી જશે તો તે આવી
જશે પાછો.”
“બેટા
મને લાગે છે આ વખતે થોડુ વધારે થઇ ગયુ છે. તુ કહે તો અમે....”
“ના
મમ્મી તમે નાહક ચિંતા ન કરો, જે થયુ એ મારો અંગત પ્રોબ્લેમ છે, લગ્ન કરવાનો નિર્ણય
મારો પોતાનો હતો તો આ પ્રોબ્લેમ પણ જાતે સોલ્વ કરીશુ.”
“ઓ.કે.
બેટા ધ્યાન રાખજે અને જરૂર પડે તો ફોન કરજે.”
“હા
મમા થેન્ક્યુ” કહીને ફોન મુકી દીધો પછી તે સોફા પર ફસડાઇ પડી
“મમ્મ્મીને
કહી તો દીધુ કે જાતે બધુ સોલ્વ કરી લેશે પણ કઇ રીતે??? નિરવ છેલ્લા બે દિવસથી ઘરે
નથી આવ્યો અને તે ક્યાં છે તેની જાણ સુધ્ધા દિશાને ન હતી તો કઇ રીતે અને ક્યાંથી
પ્રોબ્લેમ સોલ્વ કરવાની શરૂઆત કરવી તો ક્યાંથી કરવી????” નિરવની ચિંતામાં તેણે ઘરે
આવીને પાણી સુધ્ધા પીધુ ન હતુ અને ખાવાની પણ કાંઇ તેને પડી ન હતી.
મને
કમને ઘરના બીજા પેન્ડિંગ કામ કરવાનુ તેણે શરૂ કર્યુ કે એ બહાને તેને અમંગળ
વિચારોથી દૂર જઇ શકે પણ પડછાયાની જેમ એ વિચારો તો તેનો સાથ છોડવા તૈયાર જ ન હતા.
સવારના નવ થી સાંજના છ વાગ્યા સુધીની તેની જોબ છતા તે થાક તો નિરવની ચિંતા સામે
ઉણી ઉતરી પડી હતી આજે.
*************************
“મારા
આ નાનકડા આશિયાનામાં તારુ દિલોજાનથી હાર્દિક સ્વાગત કરું છું દિશા.” નિરવ અને
દિશાએ પરિવારથી વિરુધ્ધ જઇ લગ્ન કર્યા અને આ ઘરમાં આવી ત્યારે સ્નેહથી તરબતોળ
સ્વાગત કરતા નિરવે દિશાને આવકારી હતી.
“ઘર
નાનુ હોય તેનાથી મને કાંઇ ફર્ક પડતો નથી નિરવ, મારે બસ તારો સાથ જોઇએ છે,
પણ........” દિશાએ નિરવનો હાથ થામતા કહ્યુ,
“પણ????
પણ શું દિશા? તને કઇ વાતનું ટેન્શન થઇ રહ્યુ છે દિશા?” નિરવે તેને પોતાની બાહોમાં
ભરી આશ્વાસન આપતા પુછ્યુ.
“નિરવ
આપણે બન્ને પરિવારથી વિરુધ્ધ જઇને લગ્ન કર્યા છે એ વાતનો મને ખુબ ડર લાગી રહ્યો
છે. તેમની ઇચ્છાઓ અને લાગણીઓને આપણે ઠેંસ પહોચાડી છે.”
“દિશુ,
સમય જતા બધુ સારૂ થઇ જશે. એક ના એક દિવસ બન્ને પરિવાર આપણને સહર્ષ સ્વિકારી લેશે એ
વાતનો મને વિશ્વાસ છે.”
“આઇ
હોપ સો યાર. તારો સાથ છે તો મને કાંઇ ફિકર નથી.” દિશાએ આંખ બંધ કરતા કહ્યુ.
“હા
ધેટસ ધ સ્પિરિટ.” નિરવે દિશાને હુંફ આપતા પોતાની બાહોમાં સમાવી લીધી.
***********************
સમય
જતા કયાં વાર લાગે છે??? એક પછી એક તારીખો જવા લાગી અને સમય જતા ધીમે ધીમે બન્ને
પરિવારોએ દિશા અને નિરવના લગ્નને સ્વિકારી લીધા. નિરવના ઘરે બન્નેના માતાપિતાની
અવરજવર થવા લાગી, આ બધુ બનવાને કારણે દિશાને અનેરી ખુશી થતી.
નિરવે
બહુ ખાસ અભ્યાસ કરેલો ન હતો. કમ્પ્યુટરનો બૈઝીક કોર્ષ તેણે કર્યો હતો જેના કારણે
તેને એક ખાનગી કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે બહુ સામાન્ય પગારથી નોકરી કરવી
પડતી હતી જ્યારે દિશાએ થોડા જ સમયમાં બેન્કની ભરતીની પરીક્ષા પાસ કરી લીધી જેના
કારણે તેને બેંકમાં ઉચ્ચ પગારે નોકરી મળી ગઇ.
દિશા
નિરવના કદમથી કદમ મીલાવી તેનો સાથ આપવા ઇચ્છતી હતી તેથી તેણે નિરવને આર્થિક રીતે
મદદરૂપ થવાના હેતુથી નોકરી સ્વિકારી હતી. બન્ને ખુશખુશાલ જીવન જીવવા લાગ્યા.
જીંદગીની ગાડી સમયના પાટા પર વાયુવેગે દોડવા લાગી હતી.
દિશાનો
પોતાનો પગાર નિરવ કરતા ખાસ્સો વધારે હતો પણ તે ક્યારેય એ વાતનો અહેસાસ નિરવને થવા
દેતી નહી કે પોતે નિરવ કરતા વધુ સારી પોસ્ટ પર છે અને પોતાનો પગાર પણ તેના કરતા
ઘણો વધારે છે. ઓફિસથી ઘરે આવીને તે સંપુર્ણ ગૃહિણી અને નીરવની પત્ની બની જતી. તેણે
પોતાનો પગાર એકાઉન્ટ, એ.ટી.એમ. બધો જ નાણાકિય વહીવટ નીરવને સોપી દીધો હતો.
પણ
મનોમન નિરવને પોતાની જોબ પ્રત્યે સંતોષ ન હતો. દિશાની ખાસ્સી તગડી સેલેરી અને
પોતાનો પગાર માત્ર પાંચ હજાર હતો એ વાત તેને મનોમન ખુંચતી હતી. તેને પણ ઊંચા પગારે
નોકરી કરવાની તમન્ના હતી પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં નિરવ પાસે લાયકાત ન હોવાથી
તે લાચાર થઇ જતો. મનોમન ધુન્ધવાઇને તે પોતાની નોકરી યંત્રવત્ત બની કરે જતો.
દિશાને
નિરવ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેણે બન્નેના સબંધને ક્યારેય પૈસાથી તોળ્યો ન હતો.
તેને મન તો નિરવ ખુશ રહે એ જ સૌથી મોટી કમાણી હતી. ઘણી વખત નિરવ તેને હરવા ફરવા
માટે રજા મુકવા આગ્રહ કરતો પણ દિશા ના કહી દેતી. નિરવના મનની એક ઇચ્છા કે પોતાનુ
પણ એક મોટુ આલીશાન ઘર હોય એ પુર્ણ કરવા દિશા પોતાનાથી બનતી મહેનત કરતી અને ઘરે પણ
બધા કામ જાતે કરી લેતી. બિનજરૂરી કોઇ ખર્ચ તે ક્યારેય ન કરતી. અઠવાડિયામાં એકાદવાર
તો તે ઓવરટાઇમ પણ કરી લેતી.
પણ નિરવને તો મનમાં એમ જ હતુ કે લગ્ન
બાદ દિશાના વર્તનમાં અને તેના પ્રેમમાં ફર્ક પડી ગયો છે. તે મનોમન એમ જ સમજતો કે
પોતાને નીચો બતાવવા દિશા આટલી મહેનત કરે છે અને વધુ પગાર લઇ આવે છે. આવા ખોટા
વિચારોને કારણે નિરવ ક્યારેક દિશા પર વિના કારણે ગુસ્સો કરી બેસતો પણ દિશા જેનુ
નામ,,, દિશાહીન ન બને એ ક્યારેય. ગમે તેવો મિજાજ હોય નિરવનો પણ સુઝબુઝ અને ધિરજથી
વાતને વાળી જ લે તેનુ નામ દિશા.
***************************
“તારે
તો કામનો કેટલો બોજ રહે છે યાર, હદ છે તને તો.” એક દિવસ સાંજે દિશા જોબ પરથી મોડી
આવી અને આવ્યા પછી પણ લેપટોપ પર કામ કરવા બેસી ગઇ ત્યારે નિરવે અમસ્તા જ તેને
કહ્યુ.
“હા
યાર, આ માર્ચ એન્ડિંગ તો થકાવી દે છે ઉપરથી મને મારા ટેબલ ઉપરાંત લોન વિભાગની
જવાબદારી પણ સોંપી છે અને આવતા વીકમાં ઓડિટ છે તો બધા લોન એકાઉન્ટ ચેક કરું છું.
આજે સવારથી એક લાખની ભૂલ આવે છે, ઓફિસમાં તો એ ભૂલ પકડાઇ નહી તો વિચાર્યુ કે ઘરે
શાંતિ હશે તો ત્યાં ભૂલ મળી રહેશે એ વિચારી બધો ડેટા હું સી.ડી. માં લેતી આવી.”
“આજે
તો સવારના આઠ વાગ્યે જ તુ નીકળી ગઇ હતી, સાચુ કે?”
“હા
નિરવ, રાઇટ. સવારથી સતત કમ્પ્યુટર સામે બેસી માનસિક થાકી ગઇ છું યાર આજે તો. એક
કામ કરીએ તો, ચાલ ને આજે ક્યાંક બહાર જમી આવીએ. મારાથી રસોઇ બને એમ છે જ નહી આજે
તો.” દિશાએ લેપટોપમાંથી માથુ ઊંચુ કરી કહ્યુ.”
“ડોન્ટ
વરી, આજે હું ઓફિસથી વહેલો આવી ગયો હતો એટલે મે ડિનર બનાવી દીધુ છે, ચલ હવે આ બધુ
છોડ, આપણે જમી લઇએ.”
“યુ
આર સો સ્વિટ નિરવ.” દિશાએ ખુશ થતા નિરવને કહ્યુ
“હા
આમ પણ અમારે શું વર્કલોડ હોય? રૂટિન પ્રમાણે જ કામ હોય અમારા જેવ ને તો.” નિરવ
બોલ્યો.
“નિરવ,
સૌને પોતપોતાની સેલરી અને પોસ્ટ મુજબ કામ મળે. તમને પણ એ મુજબ જ.................”
દિશાએ વાક્ય ત્યાં જ અધુરૂ છોડી દીધુ.
“તુ
કહેવા શું માંગે છે? મારી હેસિયત નથી કામ કરવાની?” નિરવ આગની જ્વાળા ઓકતો હોય તેમ
બરાડી ઉઠ્યો.
“કાલ્મ
ડાઉન યાર. મારો કહેવાનો મતલબ એ ન હતો.” દિશાએ શાંતિથી તેનો ખભો દબાવતા કહ્યુ.
“શું
કાલ્મ ડાઉન? મારુ અપમાન કરે છે અને કહે છે કે કાલ્મ ડાઉન??? કાલ્મ ડાઉન માય
ફુટ....” નિરવે જોરથી દિશાના હાથને ધક્કો મારતા બબડ્યો.
“નિરવ
પ્લીઝ, આપણા વચ્ચે પૈસાને અને પગારને લઇ ન આવ. આપણો પ્રેમ મારા માટે મહત્વનો છે
અને આપણા વચ્ચે આ મારુ તારુ આવે જ શું કામ? જે કાંઇ પણ આવક છે, પગાર છે એ આપણા
બન્ને નુ સહિયારુ છે. તુ શું કામ નાનપ અનુભવે છે યાર?” દિશાએ પ્રેમથી વાતને ઠંડી
પાડતા કહ્યુ.
“હું
લાવ્યો પગારને વચમાં? તુ જ કહે છે કે સૌને તેના પગાર મુજબ કામ મળે. મારો પગાર પાંચ
હજાર છે તો મને એ મુજબ અને તારો પગાર ચાળીસ હજાર છે તો તને એ મુજબ.”
“સોરી
યાર, મારો ઇરાદો તને નીચો બતાડવાનો ન હતો. છતા તને એમ લાગતુ હોય તો હું બે હાથ
જોડી તારી માફી માંગુ છુ બકા, પણ પ્લીઝ આપણા પ્રેમાળ સબંધને પૈસાથી ન તોળજે. ચલ
આપણે જમી લઇએ. હું પણ જોંઉ આજે કે મારા પતિદેવને કેટલી સારી રસોઇ બનાવતા આવડે છે.”
વાતાવરણને ઠંડુ પાડવા દિશાએ વાતના દોરને મજાકમાં લેતા કહ્યુ.
“મારી
જમવાની કાંઇ ઇચ્છા નથી, તારી કડવી વાતોથી જ મારુ પેટ ભરાઇ ગયુ.” ગુસ્સાથી લાલઘુમ
થતો નિરવ બારણુ પછાડતો ઘરની બહાર નીકળી ગયો. દિશા તેની પાછળ તો ગઇ પણ વ્યર્થ. તે
તો પોતાની બાઇક દોડાવતો ત્યાંથી નીકળી ચુક્યો હતો. ઉપર આવી તેણે નિરવને કોલ કર્યા
પણ નિરવ તેનો કોલ રીસીવ કરે તો ને? અને બન્યુ એવુ કે થોડી વારમાં તેનો ફોન બંધ
આવવા લાગ્યો.
દિશાને
ક્યાંય ચેન ન હતુ. જેમ તેમ તેણે નિરવે બનાવેલી રસોઇ ઢાંકી દીધી. બધી સાફ સફાઇ કરી
તેણે ફરી નિરવને ફોન જોડ્યો પણ પરિણામ શુન્ય.... વિના કારણે નિરવ આટલો ઝઘડો કરી
બેશશે તેની દિશાને સ્વપ્ને સુધ્ધા જાણ ન હતી. નિરવને સાથ આપવા અને આર્થિક ટેકો
આપવા પોતે આ બધુ કરી રહી હતી એ જ જોબ આજે બન્નેના સબંધ વચ્ચે આડખીલીરૂપ બની ચુકી
હતી. પથારીએ આડી પડી બસ નિરવની ચિંતા કરતી હતી પણ આખાદિવસના થાક અને માનસિક તણાવને
કારણે તેને ક્યારે ઊંઘ આવી ગઇ એ દિશાને પણ ખબર ન રહી.
સવારે
પાંચ વાગ્યે દિશા ઊઠી અને જોયુ તો હજુ સુધી તે આવ્યો ન હતો. તેના બે ચાર અંગત
મિત્રોને પણ દિશાએ ફોન કર્યા પણ નિરવ ક્યાંય ન હતો. જેમતેમ કરી બેન્ક જવા તૈયાર
થઇ, બસ એ જ આશાએ કે સાંજે પોતે ઘરે આવશે ત્યારે નિરવ તેની રાહ જોતો હશે. ગુસ્સો
શાંત થતા તે પોતાની પાસે દોડતો આવશે.
બેન્કમાં
કામના સતત ભારણ વચ્ચે દિશાને પારિવારીક ટેન્શન કાંઇ યાદ આવ્યુ નહી. સાંજે છુટતા જ
વિચારોએ તેને ઘેરી લીધી. વળી નિરવની યાદ અને તેની ચિંતામાં તે ગુંચવાઇ ગઇ. અત્યંત
ઉત્સાહથી તે દોડતી આવી પણ એક પળમાં જ તેની બધી ખુશીઓ છીનવાઇ ગઇ જ્યારે તેણે ડોર
ઉપર લટકતુ મસમોટુ તાળુ જોયુ.
એ
જ તાળુ હતુ જેને ખોલવાની ટેવ દિશાને ક્યારેય ન હતી. તે ઘરેથી તાળુ મારીને નીકળતી
પણ જોબ પરથી પાછી આવે ત્યારે હમેંશા ડોર ખુલ્લુ જ રહેતુ અને નિરવ તેની રાહ જોતો
હોય પણ આજે પહેલી વાર તેને આ તાળુ ખોલવુ પડતુ હતુ ત્યારે જાણે બહુ મોટો બોજ તેને
તાળુ ખોલવામાં લાગી રહ્યો હતો.
જેમતેમ
કરીને તાળુ ખોલી અંદર જઇ તેણે તેની મમ્મીને ફોન જોડ્યો અને બધી વાત કરી. વાત કરતા
કરતા દિશા ધૃસકે ધૃસકે રડી પડી. તેની મમ્મીએ તેને સાંત્વના આપ્યુ પણ દિશાને હવે
ટેન્શન થઇ રહ્યુ હતુ.
દિશાએ
તેના સાસુ સસરાને પણ ફોન જોડ્યો પણ નિરવના કાંઇ સમાચાર ત્યાંથી પણ ન મળ્યા. આજનો
દિવસ રાહ જોવાનુ વિચાર્યુ હતુ નહી તો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાનુ તેણે મનમાં
વિચારી લીધુ અને બીજા દિવસના ઓડિટની તૈયારી કરવા તે કમને બેસી ગઇ અને બેઠા બેઠા જ
ફાઇલ્સ અને લેપટોપ વચ્ચે દિશા બેઠા બેઠા જ સુઇ ગઇ.
સવારે
પાંચ વાગ્યે ઉઠી તો તેનુ આખુ શરીર દુખવા લાગ્યુ હતુ. આવુ તો ઘણી વખત બનતુ કે તે આમ
બેઠા બેઠા કામ કરતા જ ઊંઘી જતી પણ નિરવ તેને પ્રેમથી સુવડાવી દેતો પણ આજે નિરવની
કમી હતી. વિચારમાં વમળાતી તે હોલમાં ગઇ. જોયુ તો આઠ વાગી ચુક્યા હતા એટલે બધા
વિચારોને પડતા મૂકી તે તૈયાર થવા લાગી કારણ કે નવ વાગ્યે ઓડિટ શરૂ થઇ જવાનુ હતુ.
સાંજે
છ વાગ્યા સુધી ઓડિટ ચાલ્યુ. દિશાના કામથી બેન્ક મેનેજર ખુબ ખુશ હતા. તેમને મળીને
દિશાએ ઘરે જવા પગ ઉપાડ્યા. બેન્ક મેનેજર ઉપરાંત ઓડિટ ઓફિસર્સ પણ દિશાના કામકાજથી
ખુબ ખુશ હતા પણ દિશાના ચહેરા પર ખુશીનો એક ભાવ સુધ્ધા જણાતો ન હતો. ઘરે જવા પગ
ઉપડતા ન હતા, પરાણે પગ ઘસડાઇ રહ્યા હતા દિશાના. બધુ પાછળ છુટી જવા પામ્યુ હતુ અને
સરતી રેતી બાદ ખાલી હાથ મથતી તે ઘરે આવી રહી હતી. આજે પણ તેને ખબર નહી પણ વિશ્વાસ
જ હતો કે દરવાજે તાળુ લટકતુ જ હશે.
નિરાશ
થતી તે સીડીના પગથીયા ચડવા લાગી. આજે લિફ્ટ પણ તેને યાદ ન આવી. તે બસ એ જ વિચારે
હતી કે આજે દરવાજે લટકતુ તાળુ જેટલુ મોડુ તેની નજરે ચડે એટલુ સારૂ, બસ એ જ વિચારે
કે આજે પણ તેના નસીબનુ તાળુ ખુલ્યુ નહી જ હોય, પણ આ શું????
ફ્લેટના
દરવાજે આજે તાળુ તો લટકતુ હતુ પણ દરવાજો ખુલ્લો હતો અને અંદર હોલમાં નિરવ બેઠો
તેની રાહ જોઇ રહ્યો હતો. તેની ખુશીનો કોઇ પાર ન હતો નિરવને જોઇને. તે હજુ પણ
ફ્લેટના ખુલ્લા દરવાજે નકુચામાં લટકતુ તાળુ તેની અને નિરવની વચ્ચે મોટી દિવાલ બની
ઊભુ હતુ. આંસુઓએ પણ આંખની મર્યાદાનુ બંધન તોડી નાખ્યુ હતુ અને ચોધારે વહી રહ્યા
હતા.
“અંદર
આવી મને માફ નહી કરે દિશા?” નિરવે દરવાજે આવી નકુચે લટકતુ તાળુ ખોલી ફેંકતા દિશાને
બે બાંહ ફેલાવી પુછ્યુ.
દિશા
દોડતી અંદર આવી અને નિરવને ભેટી પડી.
“આઇ એમ સોરી યાર. અકારણ મે તારા મારા
પ્રત્યેના પ્રેમની વચ્ચે પૈસાને લાવ્યા અને તારા પ્રેમને મજાક બનાવ્યો એ બદલ હું
દિલગીર છું યાર, પ્લીઝ માફ નહી કરે મને???”
દિશા
બસ તેને વળગી પડી. કાંઇ બોલી ન શકી. થોડીવારે નિરવે તેને સોફા પર બેસાડી, પાણી
પીવડાવી સ્વસ્થ કરી. અચાનક દિશાએ ઊભી થતા પોતાના પર્સમાંથી કવર કાઢી નિરવના હાથમાં
મૂકી દીધુ અને તે પોતાના રૂમમાં જતી રહી.
નિરવે
પત્ર ખોલી જોયુ તો દિશાનુ રાજીનામુ હતુ. દિશાએ પોતાના પ્રેમને સર્વોપરી સાબિત કરવા
માટે બેન્કના ઉચ્ચ સ્થાન પરથી રાજીનામુ આપી દીધુ હતુ. તેના કામથી ખુશ થઇ તેને બઢતી
મળવાની હતી, તેના બદલે પોતાના પ્રેમ ખાતર દિશા એ બઢતીની સાથે સાથે પોતાના પદનો
ત્યાગ કરીને ઘરે આવી ગઇ હતી.
નિરવને
હવે સમજાઇ ગયુ હતુ કે એક નાની વાત પર ગુસ્સો કરી પોતાના પુરૂષ તરીકેના અહમને વચ્ચે
લાવીને તેણે દિશાના પ્રેમને લાંછન લગાવ્યુ હતુ, તે દિશાને પોતાનો ચહેરો પણ બતાવી
શકે એવી પરિસ્થિતિમાં ન હતો.
આખી રાત તે
પશ્ચાતાપની આગમાં સળગતો રહ્યો. તેની પાસે દિશાની માફી માંગવા માટે શબ્દો ન હતા અને
દિશા પણ શુન્યમનશ્ક બની રૂમમાં જ ભરાઇ રહી હતી.
સવારના
આઠ વાગ્યે અચાનક ફોનની રીંગ વાગવા લાગી ત્યાં દિશાની ઊંઘ ઊડી. તેણે ફોન રીશીવ
કર્યો તો સામા છેડેથી બેન્ક મેનેજરનો ફોન હતો.
“હેલ્લો
દિશા, આજે છેલ્લો દિવસ છે તમારો, થોડી લીગલ ફોર્માલીટી અને આપની સહીની જરૂર છે તો
પ્લીઝ તમે બેંક આવી શકશો?? આજ પછીથી તમને ડીસ્ટર્બ કરવામાં નહી આવે.”
દિશાએ
ઘરમાં જોયુ તો નિરવ હતો નહી એટલે ફટાફટ તૈયાર થઇ બેન્ક પહોંચી.
“મે
આઇ કમ ઇન સર?” મેનેજર સાહેબની ચેમ્બરમાં જતા પહેલા તેણે રજા માંગી.
“યસ,
શ્રીમતી દિશા તમારુ રાજીનામુ નામંજુર કરવામાં આવે છે. બેન્કને હજુ તમારી સેવાની
જરૂર છે, માટે આપને બઢતીની સાથે આપનુ રાજીનામુ નામંજુર કરવામાં આવે છે, આઇ એમ
સોરી.” કહેતા મેનેજર સાહેબે તેના હાથમાં એક કવર સોંપી દીધુ.
કવરની
અંદર રહેલા પત્રને વાંચીને દિશાની આંખમાં આંસુ આવી ગયા. તે બીજુ કાંઇ નહી પરંતુ
નિરવનો માફીપત્ર હતો. વહેતી આંખે તે પત્ર વાંચી રહી હતી.
“બસ
યાર, હવે રડવાનુ નહી, આપણા બન્ને વચ્ચેના તાળાને મે તોડીને ફેંકી દીધુ છે ત્યારે આ
આંસુ શા માટે? પ્લીઝ યાર તારી આ જોબ સ્વિકારી મને દિલથી માફ કરી દે પ્લીઝ.” પાછળથી
નિરવે આવી કહ્યુ.
નિરવનો
અવાજ સાંભળી તે દોડીને તેને ભેટી પડી. નિરવના પ્રેમ અને લાગણીને માન આપી તેણે જોબ
પરત સ્વિકારી લીધી અને બન્ને વચ્ચેના પ્રેમ ઉપર તેણે લાગણીનું સીલબંધ તાળુ લગાવી
દીધુ જેને હવે ક્યારેય અહમ તોડી ન શકે......
લેખકનુ નામ :
રુપેશ ગોકાણી
Nice
ReplyDeleteVery nice and touchy
ReplyDeleteNice
ReplyDelete