મુક્ત ગગન

 

મુક્ત ગગન




                શરીર તુટી રહ્યુ હતુ. ઘણા દિવસ બાદ ગાઢ ઉંઘ આવી હતી છતાંય તેને ચેન ન હતુ.  ખુબ જ ભુખ લાગી હતી. કાલે આખો દિવસ કાંઇ પણ ખાધુ ન હતુ. શરીરમાં નબળાઇ ફીલ થતી હતી. ઘરમાં કાંઇ ખાવાનુ પણ નહોતુ. કોઇ અનાજ જ ઘરમાં ન હતુ. અચાનક યાદ આવ્યુ કે બાજુ વાળા સવિતા માસી રાત્રે થોડુ જમવાનુ આપી ગયા હતા. રસોડામાં જઇને તપેલીમાં બધુ મિક્ષ કરીને હાથમાં તપેલી લઇને લુસલુસ જમવા લાગી. અચાનક તેની નજર સામે રહેલા તુટેલા ફુટેલા અરીસા પર પડી અને નજર ચોંટી ગઇ. કેવી થઇ ગઇ હતી તે આંખો સાવ ઉંડી ઉતરી ગઇ હતી. શરીરમાં ખાલી હાડકા જ દેખાતા હતા. વાળ સાવ ડલ અને રુક્ષ થઇ ગયા હતા. સાવ ડોસી જેવી લાગી રહી હતી. એમ.બી.એ કરેલી હાઇર કોલીફાઇડ અને કોલેજ ટોપર. સુરતના હીરા ઉઘોગના ખ્યાતનામ બિઝનેશમેન વાલજી શેઠની એકની એક લાડકી દીકરી સ્નેહાના હાલ કેવા થઇ ગયા હતા. પિતાના ઘરે હમેંશા બ્રાન્ડેડ કપડાં અને અવનવી હેરસ્ટાઇલની શોખીન તેને આજ ફાટેલી અનેક જગ્યાએથી સાંધેલી સાડી અને તેલથી ચપચપ સાદો ચોટલો વાળેલો હતો.

                પોતાનો ચહેરો આજે દસ વર્ષ બાદ નિરખીને જોઇ રહી હતી. તેના હાથમાં તપેલુ એમ જ રહી ગયુ. તે અચાનક શોક પામી ગઇ. આટલા વર્ષો બાદ તેને ફીલ થઇ રહ્યુ હતુ કે કેટલુ ખોટુ તેની સાથે થઇ રહ્યુ હતુ. બે દિવસથી જે દુ:ખ થઇ રહ્યુ હતુ તે એકાએક દુર થઇ ગયુ. તે મનોમન તેની ખાસ સખી વિશ્વાનો આભાર માનવા લાગી. તે ફરીથી તેની જીંદગીમાં ન આવી હોત તો તેનુ મૃત્યુ નિશ્ચિત જ હતુ. તેના ગયા બાદ બંન્ને બાળકોના શુ હાલ થાત તે વિચારે તે કંપી ઉઠી. તેને હાથમાં રાખેલ તપેલુ નીચે મુકી દીધુ. ભુખ ફરીથી મરી ગઇ. આટલા વર્ષો સુધી ભુખ તરસ પોતાની કોઇ ફિલીંગ વિશે વિચાર્યુ જ ન હતુ. એટલે તેના એવા હાલ થઇ ગયા હતા. હાથ ધોઇને તે બેડરૂમમા (ખાલી કહેવાનો બાકી જુનવાણી તુટેલા ફુટેલા તેના મકાનમાં એક ખાટલો રાખ્યો હતો જેને બેડરૂમ કહી શકાય) ગઇ. તેને નજર સામે બંન્ને બાળકોનો ફોટો આવ્યો. નિર્દોષ બાળકોનુ બાળપણ ખોરવાઇ ગયુ હતુ.

                તેનો પોતાનો જ દોષ હતો. નિર્ણય લેવામાં તેની મોટી ભુલનુ પરિણામ બિચારા બાળકોએ ભોગવવુ પડયુ હતુ. વહેલો તો નહિ પણ છુટકારો તો મળ્યો હતો. ખરેખર તે છુટી ગઇ હતી. હવે શુ કરવુ? વિચારવા માટે આંખો મિચી ત્યાં તો ફિલ્મ ચાલવા લાગી. કોલેજની અલ્લડ બોલ્ડ સ્નેહા ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતી. તે ખુબ જ બોલ્ડ હતી પરંતુ કોલેજકાળ દરમિયાન કયારેય લવ સવ ના ચક્કરમાં ફસાય ન હતી. અનેક યુવાનો તેના પર મરતા હતા. કેટલાય યુવાનોએ અનેકરીતે તેને પ્રપોઝ કરતા હતા. છતાંય તેને કોઇને મચક ન આપી હતી. ન જાણે કેમ આ વિદ્યુતના ચક્કરમાં ફસાઇ ગઇ.

                જોબનો પહેલો દિવસ, એમ.બી.એ કર્યા બાદ તુરત જ ટોરેન્ટ પાવરની બ્રાંચમાં જોબ મળી ગઇ હતી. આંખોમાં હજારો સપના લઇને તે ઓફિસમાં હાજર થઇ. તેના માતા પિતા છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન તેના લગ્ન માટે તૈયારી કરી રહ્યા હતા. તેને પોતાના માતા પિતાને કહી જ દીધુ હતુ કે તે લાઇફ સેટ ન થાય ત્યાં સુધી લગ્નના ચક્કરમાં ફસાવા માંગતી ન હતી. કાશ તે પોતાના શબ્દો પર ઉભી રહી હોત તો !!!

                “મે આઇ કમ ઇન મેમ?” હજુ તો તે પોતાની કેબિનમાં ગઇ જ હતી ત્યાં ફુટડો હેંડસમ યુવાન દરવાજા પાસે આવીને બોલ્યો.

                “હા, શ્યોર કમ ઇન.”

                “મેમ, તમે આજે ન્યુ જોઇન થયા છો તો બોસે મને થોડુ કામ સમજાવવા કહ્યુ છે. હુ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ઓફિસમાં કામ કરુ છુ એંડ માય સેલ્ફ વિદ્યુત.” કહીને વિદ્યુતે હાથ લંબાવ્યો. સ્નેહાએ સેક હેંડ કરતા કહ્યુ,

                “નાઇસ ટુ મીટ યુ.”

                વિદ્યુત તેના કરતા નાની પોસ્ટ પર હતો. પરંતુ બોસ જરુરી કામ માટે બહાર ગયા હતા એટલે જનરલ વર્ક સમજાવવાનુ કામ તેને સોપ્યુ હતુ. તેની છટા અને સ્ટાઇલથી ખબર નહિ પરંતુ પહેલી મુલાકાતમાં જ તે અંજાય ગઇ હતી. દિવસે દિવસે ઓફિસે આવવુ તેને ખુબ જ ગમવા લાગ્યુ. વિદ્યુતને ખુબ જ ઓછુ બોલવાની ટેવ હતી. પરંતુ રોજ ગુડ મોર્નિગ સાથે તે અચુક કહેતો કે મેમ યુ લુકિગ ગોર્જિયસ. તે હવે પહેલા કરતા વધારે તૈયાર થઇને ઓફિસે આવવા લાગી.

                “મેમ, તમે મારી સાથે કોફી પીવા માટે આવશો?” એક દિવસ કામ ખુબ જ ઓછુ હતુ ત્યારે વિદ્યુતે આવીને કહ્યુ.

                “કમ ઓન યાર તને કેટલી વાર કહ્યુ છે કે આ ફોર્માલીટી મને પસંદ નથી. આ મેમ મેમ નહિ કરવાનુ જ્સ્ટ સ્નેહા યાર.”

                “ઓ.કે.” કહેતા વિદ્યુત હસી પડયો. કોફી મિટીંગ બાદ દોસ્તી આગળ વધવા લાગી અને માતા પિતાની મરજી વિરુધ્ધ જઇને છ માસમાં વિદ્યુત સાથે લગ્ન કરી લીધા. માણસની જયારે પડતી આવે છે ત્યારે તે આંખો બંધ કરીને નિર્ણય લે છે. તેના માતા પિતા વિદ્યુત સાથે લગ્ન કરવાની ના પાડતા હતા અને સ્ટાફ પણ વિદ્યુત સાથે ખાસ ખુશ ન હતો. વિદ્યુતને મીઠુ બોલવાની આદત હતી તેમા તે ફસાય ગઇ. બાકી બહુ એજ્યુકેશન પણ ન હતુ અને તેના મિત્રો પણ એવા જ હતા.

                લગ્ન બાદ એક નાનકડા ઘરમાં નવજીવનની શરૂઆત કરી. સ્નેહાને એ દિવસ આંખ સમક્ષ આવી ગયો જયારે તેને નોકરી કરવા માટે ખુબ મનાવ્યો પરંતુ વિદ્યુતનો તો એ જ આગ્રહ રહ્યો કે તે ઘર સંભાળે ખોટા પ્રેમના આવેશમાં આવીને સ્નેહાએ જોબ છોડી દીધી. થોડા જ વખતમાં તેને વિદ્યુતની દારૂની લતની ખબર પડી. તેને ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ધીરે ધીરે તે લત વધવા લાગી. દારૂના નશામાં એ ભાન ભુલીને બેફામ ગાળો અને માર કુટ કરવા લાગ્યો. આ જ પરિસ્થિતિમાં બે બાળકો પણ થઇ ગયા. સ્નેહાને લાગતુ હતુ કે પ્રેમથી પરિસ્થિતિ સુધરી જશે. તેના પિતા જીવતા હતા ત્યાં સુધી તેને કદી પોતાના માતા પિતાને પણ આ વાત ન કરી હતી.

                દારૂની ટેવમાં વિદ્યુતની નોકરી પણ જતી રહી. ઘરની હાલત બિસ્માર બનવા લાગી. હવે ઘરમાં ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. બિચારા બાળકો પણ નશા ચુર પિતાનો માર ખાવા લાગ્યા. સ્નેહા બધુ સહન કર્યે જતી હતી. બાળકો માટે તેને બીજો કોઇ રસ્તો સુઝતો ન હતો. પૈસાની કમીથી કોઇ ફ્રીમાં પીવા પણ આપતુ ન હતુ. સ્નેહા ઘરે નાના મોટા તોરણ બનાવી ઘર ચલાવતી હતી. હવે વિદ્યુત તેને વેશ્યાગીરીનુ કામ કરી પૈસા કમાવવા માટે મજબુર કરવા લાગ્યો. ઝઘડીને માર ખાઇને વિરોધ કરતી હતી ત્યાં જ અચાનક તેની જુની સખી વિશ્વા તેને મળી.

                “અરેરે, સ્નેહા તારા આવા હાલ કેમ થયા?” વિશ્વાએ આવતાની સાથે કહ્યુ.

                સ્નેહાએ રડતા રડતા બધી જ વાત કરી.

                “ઓહ્હ માય ગોડ આટલી વેલ એજ્યુકેટેડ થઇને તુ આવુ શા માટે સહન કરે છે?”

                “તો શુ કરુ હવે? બાળકોની જીંદગીનુ શુ?”

                “તુ આવુ વિચારે છે? લાઇફમાં ઘણા રસ્તા છે ખાલી આવા દારૂડિયા સાથે અને માર ખાવા કરતા.”

                “રસ્તા?”

                “તુ તને યોગ્ય લાગે તે વિચાર કર. બાકી આવુ સહન કરવુ બેવકુફી જ છે.”

                વિશ્વાની વાતે તેને વિચારતી કરી મુકી અને રસ્તો શોધી લીધો. બે દિવસ પહેલા જ નશામાં ચકચુર આવીને વિદ્યુતે ગાળાગાળી અને મારા મારી કરવાની ચાલુ કરી ત્યારે તેને ધક્કો મારીને પથ્થર પર માથુ અફળાવ્યુ એટલે થોડી જ વારમાં વિદ્યુતના પ્રાણ પંખેરુ ઉડી ગયા. રાત્રે જ રાડારાડી કરીને પાડોશીને બોલાવીને કુદરતી મોતમાં ખપાવી દીધુ. તે હવે મુક્ત હતી. ફટાફટ થેલો ભરી લીધો. બંન્ને બાળકો તો તેની માતા પાસે હતા. તે પણ મુક્ત ગગનમાં વિહરવા ચાલી નીકળી.


ભાવિષા ગોકાણી 

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2