કાલિયા રાક્ષક
વાર્તાનુ નામ: કાલિયા રાક્ષક
પ્રાચી આજે રોજ કરતા ઘણી વહેલી
ઓફિસે આવી ગઇ. આવીને ઘડિયાળમાં જોયુ તો સવારના સાત વાગ્યા હતા. તેની પાસે ત્રણ
કલાકનો ટાઇમ હતો. દસ વાગ્યા સુધીમાં પ્રેઝન્ટેશન તૈયાર કરીને તેની ટીમ સાથે નીકળી
જવાનુ હતુ. બોસ અને બધા સાડા આઠ સુધીમાં આવી જવાના હતા. આ વખતેના પ્રેઝનટેશનમાં તે
પોતે હેડ હતી એટલે વિશેષ જવાબદારી તેના પર હતી. બોસે તેના પર વિશ્વાસ રાખ્યો હતો
અને આટલી મોટી જવાબદારી તેને સોપી હતી. આ વખતે ઓર્ડર મળી જાય તો તેઓની કંપનીને
મોટો ફાયદો થવાનો હતો. ઉત્સાહમાં અને ઉત્સાહમાં તેને રાત્રે ઉંઘ પણ આવી ન હતી.
છેલ્લા આઠ દિવસથી તેની ટીમ મહેનત કરી રહી હતી. સમય સંજોગ જોયા વિના તેઓ બધા મંડ્યા
હતા આજે પરીક્ષણનો દિવસ હતો.
આજે હવે ખાસ કંઇ કામમાં બાકી ન હતુ
પરંતુ પ્રાચી કોઇ રિસ્ક લેવા ન માંગતી હતી તેથી તે ટીમ પહેલા વહેલી આવી ગઇ હતી. તે
કોઇ પર ભરોસો કરવા માંગતી ન હતી. આથી તે પ્રેઝનટેશન અને ફાઇલની ડુપ્લિકેટ કોપી
પોતાની પર્સનલ પેઇન ડ્રાઇવમાં સેવ કરવા માંગતી હતી જેથી લાસ્ટ મોમેન્ટમાં કાંઇ
લોચો ન થાય. તેને કોમ્પ્યુટર ઓન કર્યુ અને પેઇન ડ્રાઇવ ચઢાવી અને બધા ડેટા કોપી
પેસ્ટ કરી લીધા.
શિયાળાની વહેલી સવાર હતી એટલે
વાતાવરણમાં ખાસ્સુ અંધારુ હતુ. તેની કંજુસ બોસે ઓફિસમાં લાઇટો પણ ઓછી રખાવી હતી કારણ કે તેઓનુ કાર્ય
મોટે ભાગે દિવસ દરમિયાન જ રહેતુ આમ પણ અંધારુ થયા બાદ તેની ઓફિસમાં કોઇ રહેવા જ ન
માંગતુ હતુ. આજે ઠંડી પણ ખુબ જ હતી એટલે દરવાજા અને બારી પણ ખોલી શકાય તેમ ન હતા.
આજે પ્રેઝનટેશનમાં જવાનુ હતુ એટલે પ્રાચી સવારથી તૈયાર થઇને જ આવી હતી. સ્વેટર કે
કાંઇ પહેર્યુ ન હતુ. સ્કુટીમાં અહી સુધી પહોંચતા જ થીજી ગઇ હતી આથી બારી દરવાજા
ખોલવાની હિમ્મત જ થતી ન હતી. હવે આછા અજવાળામાં રહેવા સિવાય કોઇ વિક્લ્પ જ ન હતો.
પેસ્ટ થતા વીસ મિનિટ લાગે તેમ હતી ત્યાં
સુધી તેણીએ ફ્રેશ થવાનુ વિચાર્યુ અને ટોઇલેટ તરફ ગઇ. ત્યાં તો સાવ લેમ્પ જ ઉડી ગયો
હતો. તેને બોસ પર ખુબ જ ગુસ્સો આવ્યો અને અંધારામાં તે ગઇ. થોડીવાર થઇ ત્યાં તો કાંઇક
પડવાનો અવાજ આવ્યો. ધડામ અવાજ સાંભળીને તે થડકી ઉઠી.
“મેડમ, આ ઓફિસમાં કાલિયા રાક્ષકનુ
ભુત રહે છે એટલે અહીં દિવસ પુરો થતા કયારેય રોકાવુ નહિ.” ઓફિસમાં હાજર થઇ ત્યારે
પટાવાળા જમને કહેલા શબ્દો યાદ આવી ગયા અને ટોઇલેટના અંધારામાં તેને ફડક બેસી ગઇ.
તે ફટાફટ બહાર આવી ત્યાં તો દરવાજો ખોલતા જ તેની માથે કંઇક પડ્યુ અને તે ચીસ દઇને
સાઇડમાં નીચે પડી ગઇ. તેણીએ જોયુ તો તેને પોતાની મુર્ખામી માટે હસવુ તેના ઓફિસમાં
હમેંશા આંટા મારતી પીંકી બિલાડી હતી.
તેની બોસ રાજવીએ તે બિલાડીનુ નામ
પીકીં પાડ્યુ હતુ. કદાચ બિલાડીએ જ કોઇ વસ્તુ પાડી હશે એટલે જ અવાજ આવ્યો હશે તે
ખાલી ખાલી ગભરાય ગઇ હતી. તે હસીને ઉભી થઇને અને પોતાના કમ્પુટર પાસે ગઇ.
કમ્પ્યુટર શટ ડાઉન હતુ તેનુ હ્રદય
બે ધબકારા ચુકી ગયુ. તેણીએ ફટાફટ કમ્પ્યુટર ઓન કર્યુ. તેને બનાવેલ ફોલ્ડરનો આઇ કોન
જ દેખાતો ન હતો. તેને બધી ડ્રાઇવમાં ચેક કરી લીધુ તેણીએ ભરાવેલ પેઇન ડ્રાઇવ પણ ચેક
કરી લીધી તેમાં પણ ડેટા લોડ થયો ન હતો. તે એકદમ ગભરાય ગઇ.
નવ વાગી ગયા ત્યારે બોસ સાથે ટીમના
અન્ય સભ્યો ઓફિસે પહોંચી ગયા. દરવાજો ખોલીને અંદરનુ દ્રશ્ય જોઇને બધા હતપ્રભ થઇ
ગયા. જમીનમાં નીચે પ્રાચીની લાશ પડેલી હતી તેના કપડાં થોડા ફાટેલા હતા અને હાથમાં
અને શરીર પર ઉઝરડાના નિશાન હતા. બોસે રાજવીએ તાત્કાલિક પોલીસ અને પ્રાચીના
પરિવારને ફોન લગાવી દીધો. થોડીવારમા તો બધા ત્યાં આવી ગયા.
હોશિયાર બાહોશ અને હસમુખી પ્રાચીની
આવી હાલત જોઇ બધો સ્ટાફ ગમગીન બની ગયો.
પ્રાચીના માતા પિતાની હાલત તો ખુબ જ ખરાબ હતી તેની એકની એક લાડકી દીકરી હતી. તેમનુ
આક્રદ સમતુ જ ન હતુ. પોલીસે આવીને ઝીણવટપુર્વક નીરિક્ષણ કર્યુ અને ત્યાર બાદ પોસ્ટ
મોર્ટમ માટે લાશને મોકલી આપી.
એક અઠવાડિયા બાદ બોસ રાજવી
પ્રાચીના ઘરે આવ્યા અને પ્રાચીના માતા પિતાને મળીને કહ્યુ,
“પ્રાચીના મૃત્યુ માટે ખુબ જ દુ:ખ
છે. પોલીસ અને ડોકટર્સના બધા રિપોર્ટ આવી ગયા છે. તેઓના કહેવા અને અમારી તપાસ મુજબ
કોમ્પ્યુટરમાં વાઇરસના કારણે બધા ડેટા ડિલીટ થઇ ગયા અને ઓફિસમાં ફેલાયેલી ખોટી
વાયકાને કારણે તેને એટેક આવી ગયો છે અને તેના શરીર પર પડેલા નિશાન ઓફિસમાં રહેલી
બિલાડી દ્રારા કરેલા છે.”
લેખકનું નામ: ભાવિષા ગોકાણી



👌👌😍
ReplyDelete