પ્રેમ સંબંધ

 

પ્રેમ સંબંધ

 


              વરસાદનો કોપ પુરેપુરો સૌરાષ્ટ્ર પર ઉતર્યો હતો. ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ હતી. છેલ્લા આઠ દિવસથી વરસાદ રોકાવાનુ નામ લેતો ન હતો. ડેમ, જળાશયો અને નદી નાળા બે કાંઠે વહી રહ્યા હતા.

              તે રેસ્ક્યુ ઓપરેશનમાં સતત રેસ્ક્યુ ટીમ સાથે રહીને પુરગ્રસ્તોની મદદ કરતો હતો. તેની શાળામાં સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી. ઘણાં પશુ-પંખી અને લોકો  પાણીમાં તણાઇ ગયા હતા. વાતાવરણ ગમગીન હતુ. કુદરતના કોપ સામે બધા લાચાર બની ગયા હતા. ગામના રામ મંદિરમાં છેલ્લા બે દિવસથી અખંડ રામધુન ચાલી રહી હતી. આજે વરસાદ તો રોકાયો હતો તેથી લોકોના ચહેરા પર ખુશીની લહેરખી તો આવી પરંતુ બે મિનિટમાં તે દુ:ખમાં ફેરવાઇ ગઇ. નદીમાં બે લાશ રેસ્ક્યુ ટીમ દ્વારા કાઢવામાં આવી ત્યારે સાથે વિશેષ પણ લોકોને બચાવવા નદીમાં ઊતર્યો હતો.


              વિશેષ દોરી પકડીને નદીમાં જતો હતો ત્યાં તેને કોઇ ડુબતુ દેખાતુ હતુ. તે આગળ ગયો અને કોઇ છોકરીને તેના સાથીઓની મદદથી બચાવી લાવ્યો. નદીમાંથી બહાર કાઢી તો તે છોકરીમાં જીવ હોય તેવુ લાગ્યુ પરંતુ તે ખુબ જ પાણી પી ગઇ હતી. બેભાન અવસ્થામાં હતી. પ્રાથમિક સારવાર આપી તેને છાવણીમાં બનાવેલા દવાખાનામાં સારવાર આપી પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન જણાતા વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા. ત્રણ દિવસની સારવાર બાદ તેને ભાન આવ્યુ અને તેની ઓળખાણ થઇ ત્યારે ખબર પડી કે તેનો આખો પરિવાર પાણીમા તણાઇ ગયો હતો. તેના માતા પિતા અને એક નાનો ભાઇ બધા એક સાથે પાણીનું વહેણ આવતા નદીમાં તણાઇ ગયા હતા.

              તે બધાની લાશ રેસ્ક્યુ ટીમને મળી ગઇ હતી. કિસ્મત જોગે તે એક જ બચી ગઇ. ઇશ્વરની લીલા કોઇ સમજી શકતુ નથી. તેની શારીરિક તકલીફ ખુબ જ વધારે હતી. આથી તેને અત્યારે માનસિક ત્રાસ આપી શકાય તેમ ન હતુ તેથી ગામવાસીઓએ જ સાથે મળીને તેના પુરા પરિવારનાં અંતિમ સંસ્કાર કર્યા. તેણીના પરિવારમાં હવે કોઇ બચ્યુ ન હતુ આથી માનસિક સપોર્ટ માટે વિશેષ પણ તેણીની સાથે હોસ્પિટલમાં રહ્યો હતો.


              હવે કેવુ લાગી રહ્યુ છે?”

              હા, ઘણુ સારુ છે. તમે જ મને બચાવી હતી ને? ખુબ ખુબ આભાર આપનો.”

              હા, મે જ તમને બચાવ્યા છે. પરંતુ તેમા આભાર માનવાની જરૂર નથી. માનવતાની ફરજ છે આ.”

              મારા પરિવારના સભ્યો ક્યા છે? તેઓ સલામત તો છે ને ? કોઇ સરખો જવાબ આપતુ નથી.”

              હા, તેઓ સલામત જ છે. તમે તેની જરાય ચિંતા ન કરો અને બસ આરામ કરો.” વિશેષે તેની હાલત સમજતા ખોટુ બોલી દીધુ.

              બાય ધ વે, મને તમારુ નામ તો કહો? અહી દવાખાનામાં પણ ડિસ્ચાર્જ આપતી વખતે જરૂર પડશે ને?” વિશેષે વાતને અલગ દિશામાં વાળતા પુછ્યુ.

              કાવ્યા. મારું નામ કાવ્યા છે.”

              વાહ, ખુબ જ સરસ નામ છે. તમારો પરિચય પણ આપશો, મતલબ તમે શું કરો છો? કેટલો અભ્યાસ છે?”

              મેં હમણા જ કોલેજ પુર્ણ કર્યુ અને નોકરી માટે પ્રયત્ન કરુ છુ અને ત્યાં તો.” બોલતા બોલતા કાવ્યાની આંખમાં પાણી આવી ગયા.

              તે દિવસે સવારે અમે બધા અમારા રુટિન કાર્યમાં મગ્ન હતા. આગલા દિવસે રાત્રે ભયજનક નોટીસ મળી હતી અને અમારો વિસ્તાર ખાલી પણ કરવાનો હતો. અમે અમારો બધો જ સામાન પેક કરી લીધો હતો. પરંતુ સાંજથી જ વરસાદ ઓછો પડી ગયો અને રાત પડતા સાવ બંધ થઇ ગયો એટલે અમે શાંતિથી સુઇ ગયા અને મોડી રાત્રે પાણીનો મોટો શૈલાબ આવ્યો અને અમને બધાને તાણવા લાગ્યો. કેટલી વસ્તુઓ પકડવાની કોશીષ કરી પરંતુ વહેણ એટલુ જોરદાર હતુ કે કોઇ પણ મોટામાં મોટી વસ્તુ અમારા હાથમાં રહેતી ન હતી. થોડીવાર પરિવારના સભ્યો અને આસપાસના લોકો દેખાયા પછી કોણ ક્યા જતુ રહ્યુ કાંઇ ખબર ન પડી. સંઘર્ષ કરતા કરતા મારી તો આંખ જ મિચાય ગઇ હતી. તમારો ખુબ ખુબ આભાર કે તમે મારી જીંદગી બચાવી. મારા પરિવારના સભ્યોને મળવુ છે. ક્યાં છે મમ્મી પપ્પા મારા?” કાવ્યાએ ફરી પુછ્યુ.

              વિશેષ ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયો. તેની પાસે કોઇ જવાબ ન હતો. ત્યાં અચાનક તેના ફોનની રીંગ વાગી અને તે વાત કરવાને બહાને બહાર જતો રહ્યો.

              મારે થોડુ સ્કુલનુ કામ છે તો મારે જવુ પડશે. હવે તમે થોડો આરામ કરો. સાંજે ફરી હું ફ્રુટસ લઇને આવીશ.”

              અરે એવી કોઇ ફોર્માલીટીની જરૂર નથી. આમ પણ મને કાંઇ ભાવતુ જ નથી અને મારા પરિવારના સભ્યોને સલામત જોઇ લઉ પછી જ હું અન્ન લઇશ.”

              ખાધા વિના રીકવરી કેવી રીતે આવશે? તમને ફૃટ્સ ન ભાવે તો કહો હું મિત્રના ઘરેથી ટિફિન પણ લેતો આવીશ.”

              તમારુ ઋણ કેવી રીતે ચુકવીશ?”

              હવે તમે બધી ફોર્માલીટી છોડો અને આરામ કરો, હું જાઉ છું.” કહેતા વિશેષ નીકળી ગયો. કાવ્યા પણ પરાણે પથારીમાં લાંબી થઇ.

****

              કાવ્યા, આમ સુનમુન બેસવાથી હકીકત બદલી તો જવાની નથી, સમયના ચક્રને આપણી ઉલ્ટી દિશામાં ન ફેરવી શકીએ. જે થવાનુ હતુ એ થયુ પણ તેથી તુ આમ ઉદાસ ન રહે તો સારૂ. આજે એ ઘટનાને એક મહિનો થયો અને આ એક મહિનામાં તારા ચહેરા પર ગમગીની સિવાય બીજુ કાંઇ જોવા મળતુ નથી.” વિશેષે કાવ્યાને સમજાવતા કહ્યુ પણ કાવ્યા કાંઇ બોલતી જ નહી.

              વિશેષે પોતાના જ ગામમાં બાજુમાં એક નાનુ મકાન ભાડે લઇ કાવ્યાને ત્યાં જ રહેવા કહ્યુ હતુ અને આમ પણ તેની શારિરીક અને માનસિક હાલત હજુ સંપુર્ણ રીતે સુધરી ન હતી. વિશેષે ખુબ મહેનત કરીને પુરમાં તણાઇ ગયેલા તેના સર્ટીફિકેટ યુનિવર્સિટિમાંથી કઢાવી આપ્યા હતા. પોતાની જ શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી હંગામી ધોરણે તેને નોકરી અપાવી દીધી હતી જેથી તેનુ મન ફ્રેશ રહે અને તેનો ઘર - ખર્ચ નીકળી શકે. સાંજના સમયે કાવ્યા બાળકોને ટયુશન પણ કરાવતી જેથી સમય નીકળી શકે. છતાંય મનથી તે પોતાના પર વીતેલી ત્રાસદી ભૂલી શકતી ન હતી.

              તે ભયાનક આપત્તિએ તેના પુરા પરિવારનો ભોગ લીધો હતો. મોતને તેણે નજર સમક્ષ જોયુ હતુ. તેને હજુ પણ રાતના ઊંઘ આવતી ન હતી. તેને હવે કોઇ વસ્તુમાં રુચિ થતી ન હતી. સ્ટાફના તથા  આડોશ પાડોશના લોકો અને વિશેષનો આખો પરિવાર તેનું  માઇન્ડ ફ્રેશ રહે તે માટે ખુબ જ પ્રયત્ન કરતા છતાંય કોઇ ફરક પડતો ન હતો.

****

              સર, તમે બધા મારું ખુબ જ ધ્યાન રાખો છો. આજનાં સમયમાં તમારા જેવા માણસો મળવા ખુબ જ મુશ્કેલ છે. તમારા માતા પિતા અને ખાસ તો તમે ખુબ જ સારા સ્વભાવના છો.”

              સાચો ધર્મ માનવતાનો છે. આ દેહ ગમે ત્યારે સાથ છોડી દેશે શું સાથે આવવાનુ છે?”

              એક પર્સનલ વાત પૂછું આપને?”

              હા, પુછો ને?”

              તમે આવા સરળ અને સારા સ્વભાવના હોવા છતાંય હજુ સુધી કેમ લગ્ન નથી કર્યા?”

              જેની સાથે લગ્ન કરવા હતા. તે હવે આ દુનિયામાં રહી નથી. હું બીજા કોઇ સાથે મારુ મન જોડી શકતો નથી.” બોલતા બોલતા વિશેષની આંખનાં  ખૂણા  ભીના થઇ ગયા.

              સોરી સર, તમને દુ:ખ પહોંચાડવાનો મારો ઇરાદો ન હતો.”

              ના, એવુ નથી. દુ:ખને યાદ કરવાથી તે હળવુ બને છે. તે મારી સાથે કોલેજમાં ભણતી હતી. હુ અહીંથી રાજકોટ અપડાઉન કરીને કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે હોસ્ટેલમાં રહીને મારી સાથે જ કોલેજ કરતી હતી. અમે બંન્ને કોલેજના સ્કોરર વિદ્યાર્થી હતા. આથી ઘણા પ્રોજેકટસમાં અમે સાથે જ રહેતા. કયારે તેની સાદગી મને સ્પર્શી ગઇ મને ખબર જ ન પડી.

              અમારા બંન્નેના સ્વભાવ ખુબ જ શરમાળ હતા. આથી અમે કામથી કામ રાખતા હતા. એક દિવસ કોલેજે આવવા માટે મારે ખુબ જ મોડુ થઇ ગયુ હતુ. આથી હું ફુલ સ્પીડમાં બાઇક ચલાવીને કોલેજ પર જઇ રહ્યો હતો. અને અચાનક હું તેની સાથે જ અથડાઇ ગયો અને અમે બંન્ને રોડ પર પડી ગયા. મારા થાપાનુ હાડકુ ભાંગી ગયુ અને તેના હાથનુ.

              અમે બંન્ને એક સાથે એક જેવી મુસીબતમાં ફસાઇ ગયા હતા. અમારે બંન્ને એકસાથે ટ્ર્રીટમેન્ટ લેવા જવાનું  થતુ હતુ. ધીરે ધીરે અમે ખાસ મિત્રો બની ગયા હતા. હવે અમેં બંન્ને ખુલાસા સાથે વાત કરી શકતા હતા. અમે બંન્ને નજીક આવવા લાગ્યા હતા. સાથે જીવવા મરવાના સોગંદ ખાઇ લીધા હતા.

              કોલેજ બાદ અમેં એકબીજાના પરિવારને કહેવાનુ નક્કી કર્યુ હતુ. કોલેજ પુર્ણ થયા બાદ મને બી. એડ. માં એડમિશન મળી ગયુ અને જુનાગઢ હોસ્ટેલમાં જતો રહ્યો. પાછળથી તેના માતા પિતા તેના લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા. આથી તેણે અમારી પ્રેમ કથાની વાત ઘરે કરી પરંતુ તેના ઘરના લોકો તેને ખૂબ જ ખીજાયા અને મને ભુલી જવા માટે પ્રેશર કરવા લાગ્યા અને તાત્કાલિક બીજા સાથે લગ્ન કરાવવા માટેની તૈયારી કરવા લાગ્યા.

              તે આ બધુ સહન કરી ન શકી અને તેણે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. હું તેને અંતિમ વખત મળી પણ ન શક્યો. હવે હું તેને ભુલી જ શકતો નથી. આથી હું કોઇની જીંદગી બરબાદ કરવા માંગતો નથી. હવે હું આજીવન લોકોની સેવા કરવામાં વ્યતિત કરવા માંગુ છુ.”

              તે યુવતીનુ નામ તમે ન દીધુ. તેનુ નામ મેઘના હતુ?” કાવ્યાને આ રીતે પ્રશ્ન પુછતી  જોઇ વિશેષ ચોંકી ગયો.

              અરે તમને તેનુ નામ કેમ ખબર પડી? તેનુ નામ મેઘના હતુ એ તમે કેમ જાણો?” વિશેષે ઉત્તાવળથી પુછી લીધુ.

              વિશેષ, એ બીજુ કોઇ નહી મારી સગી મોટી બહેન હતી.” વિશેષની આંખ ફાટી ગઇ.

              હા વિશેષ, મેઘના મારી મોટી બેન હતી. પપ્પાની જીદ્દ અને અહમના કારણે તમે બન્ને એક થઇ શક્યા નહી અને મારી બહેનનો અકાળે જીવ ગયો.”

              જે થવાનુ હતુ તે થઇ ગયુ કાવ્યા, હવે મેઘના ભલે મારી સાથે નથી પણ તેની યાદમાં હું મારુ જીવન વિતાવી ખરા અર્થમાં પ્રેમ શબ્દને સાર્થક કરવા ઇચ્છું છું એટલે જ મે કોઇની જીંદગી બગાડવા કરતા આજીવન કુંવારા રહેવાનુ જ નક્કી કર્યુ છે.”

              પણ હું મારી જીંદગી બગાડવા ઇચ્છું તો?” કાવ્યાએ વેધક પ્રશ્ન પુછ્યો.

              મતલબ? હું કાંઇ સમજ્યો નહી.” વિશેષે આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યુ.

              વિશેષ, જ્યારથી મોતના મુખમાંથી બહાર આવી છું ત્યારથી તમારી સાથે જ છું. તમારી ખુબીઓએ મારુ દિલ જીતી લીધુ છે. હું તમને ચાહવા લાગી છું. મારો સ્વીકાર કરશો?” કાવ્યાએ પોતાની દિલની વાત વર્ણવતા કહ્યુ.

              કાવ્યા એ શક્ય નથી. શું કામ નાહક તુ તારી જીંદગી બરબાદ કરવા ઈચ્છે છે? મારા દિલમાં મેઘનાનું જે સ્થાન છે તે કોઇ લઇ શકે એમ નથી.” વિશેષે દલીલ કરતા કહ્યુ.

              મને કોઇ વાંધો નથી, આખરે એ મારી સગી બેન હતી. હું તો બસ તમને પ્રેમ કરતી રહીશ.”

              કાવ્યા તુ આ બાબતે જીદ્દ ન કરે તો સારુ.”

              તો હું પણ એ જ કરીશ જે મારી બહેને કર્યુ હતુ. તે વખતે મારા પિતાજીનો  અહમ આડે આવ્યો  હતો અને શાયદ આ વખતે તમારો.” બોલતી તે પાછળના રૂમમાં જતી હતી ત્યાં જ વિશેષે તેનો હાથ પકડી લીધો.


              મેઘનાના મોતનો બોજ હજુ મારા દિલ પરથી ગયો નથી અને હવે તુ પણ એમ જ કરવા ઇચ્છે છે?  હું તને કોઇ ખોટુ પગલુ ભરવા નહી દઉ કાવ્યા.” કહેતા બન્ને એકબીજાને ભેટી પડ્યા. બંનેની આંખોમાંથી વહી રહેલા અશ્રુઓ તેમનાં એક અનોખા પ્રેમ – સંબંધનાં મૂક સાક્ષી બની રહ્યાં.....

 લેખકનું નામ : ભાવિશા ગોકાણી 

 

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?