નીલમનો પથ્થર
નીલમનો
પથ્થર
“દીદી આ જો તો શું છે?” પંદર વર્ષના
યશે તેની મોટી બહેન રાગિણીને કહ્યુ.
“અરે આ તો કિમતી નીલમ નો પથ્થર લાગે
છે.” ભાઇના હાથમાંથી લઇને રાગિણીએ કહ્યુ.
તેના માતા પિતા દુર બેન્ચ પર બેઠેલા
હતા. દરિયાની ભરતી સાવ ધીમી હતી નહિતર દરિયાકાંઠે આવી વસ્તુઓ રહે નહિ અને હજુ સાંજ
ઢળવાને વાર હતી આથી લોકો પણ બહુ ન હતા આથી કિંમતી નીલમનો પથ્થર આ ભાઇ બહેનના
હાથમાં આવ્યો. જે દરિયાકાંઠે તેના મમ્મી પપ્પા સાથે ફરવા આવ્યા હતા.
“ચાલ આપણે મમ્મી પપ્પાને કહીએ અને
પોલીસ સ્ટેશને જઇને આપી આવીએ તેઓ જેનો હશે તેને સોપી દેશે.”
“શુ પાગલ જેવી વાતો કરે છે દીદી. આવો
કિમતી અને સુંદર પથ્થર આવી જગ્યાએ કોઇ થોડુ ગુમાવી દે. દરિયામાંથી તણાયને આવ્યો
હશે. દરિયાકાંઠે આવા ઘણા અજાયબ મોતીઓ મળે છે.”
“તો તુ શુ કહેવા માંગે છે?”
“કાંઇ નહિ. મને તો આ બહુ ગમે છે. આપણી
કિસ્મતથી આપણને મળ્યો છે. હુ તો આ રાખીશ. કોઇને કહેવુ નથી. જો કોઇનો હશે તો પણ તે
માની જ લેશે કે દરિયાની ભરતીમાં તણાઇ ગયો હશે.”
“હા તારી વાત સાચી છે. મને પણ આ બહુ
ગમે છે.” સ્ત્રીઓને તો ઘરેણાનો બહુ શોખ હોય છે આથી ભાઇની વાત આસાનીથી રાગિણી માની
ગઇ. એટલે યશે પોતાના ખિચ્ચામાં મુકતા કહ્યુ.
“અત્યારે મમ્મી પપ્પાને કાંઇ નથી
કહેવુ. ધીરે ધીરે સમય આવ્યે તેને કહેશુ.”
“ઓ.કે. ડન”
*******************************
“હેલો ઇન્સ્પેકટર સાહેબ, તમે જલ્દી
મારી જવેલરીની દુકાને આવજો. મારો કિમતી નીલમનો પથ્થર ચોરાય ગયો છે.” ફોનમાં
જવેલર્સ સુકેશુભાઇએ આટલુ કહ્યુ ત્યાં થોડી જ વારમાં પોલીસ તેની દુકાને આવી ગઇ.
સુકેશુભાઇની ધેર્ય જવેલર્સની દુકાન આખા સોની બજારમાં જાણીતી અને ખુબ જ મોટી દુકાન
હતી.
તેઓ ભાત ભાતની ડિઝાઇનની જવેલરી રાખતા
હતા અને તેમના કારીગર પણ ખુબ જ કુશળ હતા. આથી ગામના સિવાય દુર દુરના ગામના લોકો
તેની દુકાને ખરીદી કરવા આવતા. આજ સવારે દુકાન ખોલી ત્યારે તેને બધુ ચેક કર્યુ તો
તેની પાસે રહેલો નીલમનો એક પથ્થર ન મળ્યો આખી દુકાન ચેક કરી લીધી ક્યાંય આડા અવળો
મુકાય ગયો હોય તો, પરંતુ કયાંય ન મળતા તેને પોલીસને ફોન કર્યો.
“હા, બોલો શું થયુ છે?” પોલીસ
ઇન્સપેકટર રાજીવે આવતાવેંત પુછ્યુ.
“જી સર મારો કિમતી નીલમનો પથ્થર સવારથી
મળતો નથી.”
“કાલે રાત્રે હતો?”
“હા, સાહેબ કાલે રાત્રે દુકાન બંધ કરવા
વખતે મે મારા હાથેથી ડ્રોઅરના નીચેના ખાનામાં બોક્ષમાં રાખ્યો હતો. આજે સવારે જોયુ
તો ત્યાં ન હતો.”
“બીજી કોઇ ચોરી થઇ છે તમારી દુકાન
માંથી?”
“ના, બાકી બધુ સલામત છે બસ એક નીલમના
પથ્થર સિવાય.”
“આશ્ચર્ય કહેવાય. કોઇ જાણીતુ જ હોય
શકે. તમને કોઇ પર શંકા છે?”
“હા, મને લાગે છે મારી દુકાનમાં કામ
કરતા વિજયે જ આ ચોરી કરી હશે. આજે સવારનો તે કામ પર આવ્યો નથી. તેના ઘરે ફોન કર્યો
તો તે રાતનો ઘરે પહોંચ્યો નથી.”
“તો 100% શંકા વિજય પર જાય છે.”
“વિજય મારી દુકાન પર છેલ્લા પંદર
વર્ષથી કામ કરે છે. આવુ કયારેય બન્યુ નથી પરંતુ માણસની નિયત કયારે બદલી જાય કાંઇ
કહી શકાતુ નથી.”
“ઓ.કે. અમે અમારી રીતે તપાસ કરીએ છે.
વિજયની બધી ડિટેઇલસ અમને આપી દો અને તમને પણ કાંઇ અપડેટસ મળે તો કહેજો.”
“હા, શ્યોર સર.” કહીને સુકેશુભાઇએ
વિજયનુ એડ્રેસ, ફોન નંબર બધી વિગતો ઇન્સ્પેકટર રાજીવને લખાવી દીધી.
**********************************
“લાશ, લાશ જો તો આ અહીં” મંગુએ રાડ પાડી
તો બધા માછીમારો ત્યાં એકઠા થઇ ગયા જયાં એક કોહવાયેલી લાશ મુબંઇના દરિયાના મોજામાં
તણાઇને આવી હતી.
લાશની હાલત ખુબ જ ખરાબ હતી. તે જોઇને ઓળખાઇ
એવી પણ ન હતી. બધાની અરેરાટી છુટી ગઇ. એક માછીમારે પોલીસને ફોન કર્યો એટલે તેની
જીપ આવી ગઇ. થોડી પુછતાછ કરીને તેને ફોરેન્સિક તપાસ માટે લઇ ગયા.
બધી તપાસ કરીને પોલીસે એક સ્કેચ
બનાવ્યો. આસપાસના બધા વિસ્તારમાં તે સ્કેચ મોકલાવ્યો અને ટી.વી પણ તે બતાવ્યો કોઇ
ગુમ થયુ હોય તો સંપર્ક કરવા વિનંતી.
ટી.વીમાં સ્કેચ જોઇ સુકેશુ ભાઇ તરત
ઓળખી ગયા. તે વિજય હતો. તેને તરત પોલીસને ફોન લગાવ્યો. પોલીસે કહ્યુ કે તેના
પરિવારજનો તેની લાશને લઇ ગયા છે. બધી તપાસ કરી પરંતુ તમારા નીલમનો કોઇ પત્તો નથી.
અમે હજુ આગળ તપાસ કરીએ છીએ.
*****************************
“શેઠ વિજય ગુજરી ગયો તે બહુ ખોટુ થયુ.”
એક દિવસ સુકેશુના મિત્ર અને બાજુવાળા જવેલર્સ દામોદરભાઇએ કહ્યુ.
“શુ ખોટુ થયુ? તમને ખબર તો છે તેને
મારી દુકાનમાંથી ચોરી કરી હતી પછી સાગરિતો સાથે વાંધો પડ્યો હશે. આવા કામ કરે તેનુ
આવુ જ થાય. મારો તો નીલમ પણ ગયો.”
“તને ખબર છે તેના સાગરિતો કોણ છે? કોની
સાથે મળીને તેને ચોરી કરી હતી?”
“ના હશે તેના જેવા કોક.”
“તને કશી ખબર જ નથી એમ. હું તારો ખાસ
મિત્ર છુ એટલે તને કહુ છુ. સત્ય શુ છે તે જાણી લેજે.”
“આમ ગોળ ગોળ વાત કર્યા વિના કહે શુ થયુ
છે?”
“તારી પત્ની અને તે વિજય વચ્ચે કાંઇક રંધાતુ
હતુ.”
“હે!!!!!!!!” સુકેશુએ આશ્ચર્ય અને આઘાત
સાથે ચીસ પાડીને કહ્યુ.
“હા આખા માર્કેટને ખબર છે. તારા
સ્વભાવને કારણે કોઇ તને કાંઇ કહેતુ ન હતુ.”
“મને તો કોઇ દિવસ કાંઇ ખબર ન પડી.”
“બપોરે બે કલાકે વિજય દુકાને ન હોય
ત્યારે તે કોઇ દિવસ ઘરે તપાસ કરી છે? અને જયારે તુ બહારગામ જાય ત્યારે તારી પત્ની
દુકાને આવે અને વિજય સાથે ખુલ્લે આમ મજાક મસ્તી કરતા અને સાથે જ આવતા જતા અને
જમતા. તને વિશ્વાસ ન આવે તો કોઇને પણ પુછી શકે છે.”
દામોદરભાઇની વાત સાંભળી સુકેશુ ભાંગી
પડ્યો. તે દુકાનમાં જઇને બેઠો અને તેને ખુબ જ પરસેવો પડવા લાગ્યો. તેની પત્ની
અંજલિને તે ખુબ જ ચાહતો હતો અને તેના માટે તે બધુ જ કરવા તૈયાર હતો.
“અંજલિએ આવુ કર્યુ હતુ? પરંતુ શા માટે?
એક દુકાનના નોકર સાથે?” વિચારતા વિચારતા સુકેશુને ગુસ્સો આવવા લાગ્યો. તેનુ માથુ
ફાટવા લાગ્યુ.
***************************
તેને જીંદગી પરથી રસ ઉડી ગયો. અંજલિ
સિવાય તેના જીવનમાં કાંઇ ન હતુ. તે દુકાનેથી વહેલો નીકળી ગયો અને રસ્તામાં કારમાં
પણ તેને સફોકેશન થવા લાગ્યુ. તે અડધે રસ્તા પર કાર છોડીને ચાલી નીકળ્યો. ચાલતા
ચાલતા મનમાં અનેક વિચારો ઘુમરાવા લાગ્યા. એ વિચાર સાથે તે પણ રસ્તાઓ પર આમતેમ
ભટકવા લાગ્યો. તેને છેલ્લે નક્કી કર્યુ કે એકવાર અંજલિને પુછી લે આમ કેમ કર્યુ? અને
વિચારીને રીક્ષા કરીને ઘરે ગયો.
“અંજલિ” અંજલિએ દરવાજો ખોલ્યો એટલે તરત
તે બોલ્યો.
“આવી ગયા તમે. શું થયુ? કેમ પરસેવે આમ
રેબઝેબ છો?” “હવે કયા સંબંધથી મારી
ચિંતા કરે છે.”
“આમ અચાનક શું થયુ તમને?”
“કેમ ભોળી થઇને પુછે છે? નીલમ ક્યા
છે?”
“નીલમ?”
“તે અને તારા મિત્ર વિજયે થઇને ચોરી
લીધો હતો એ.”
“વિજય?”
“અંજલિ તને કેટલો પ્રેમ કર્યો તારા પર
આટલો વિશ્વાસ કર્યો અને તે મારી સાથે આવો દગો.”
“સુકેશુ મારી ભુલ થઇ ગઇ. વિજયની મીઠી
મીઠી વાતોમાં ફસાય ગઇ. અને તેને મારી સાથે દગો કર્યો.”
“એટલે તે એને મારી નાખ્યો.”
“હા, અમે નીલમ લઇને ભાગી જવાના હતા
ત્યાં તેને મારી સાથે જબરદસ્તી કરવાની કોશિષ કરી એટલે મે તેને ધક્કો માર્યો અને
પથ્થર સાથે અથડાયને ગુજરી ગયો.”
“કાળા કામ કરનારનુ આવુ જ પરિણામ આવે
છે. હવે તુ પણ તૈયાર થઇ જા પોલીસ સ્ટેશને જવા માટે.”
“કાળા કામ? તમને કયારેય મારી માટે સમય
હતો? હું દિવસ રાત તમારા માટે તડપતી રહેતી ત્યારે તમને બિઝનેશ અને સાંજે તમારો
જુગાર અને મોડી રાત્રે આવીને સુઇ જાવ. કોઇ છે મારુ કે જેના સાથે હું પ્રેમભરી વાતો
કરી શકુ અને સમય પસાર કરી શકુ.”
“તો પણ તને મારી સાથે આવો દગો કરવાની શરમ
ન આવી. હું તને કેટલો પ્રેમ કરુ છુ તને ખબર જ છે ને.”
“તમારા મનમાં રહેલા પ્રેમથી જીંદગી
નીકળતી નથી. ક્યારેય તમે જતાવ્યો છે અને મારા માટે સમય ફાળવ્યો છે અને સોરી મે
ખોટો રસ્તો અપનાવ્યો અને તેની સજા મને મળી ગઇ હું માંડ જીવ બચાવીને આવી અને
ત્યારથી નક્કી કર્યુ કે હવે મારા નસીબ હશે તેવી જીંદગી હુ અપનાવી લઇશ પરંતુ આવુ
કયારેય નહિ કરુ.” બોલતા બોલતા અંજલિને આંખમાંથી પાણી નીકળવા લાગ્યુ.
અંજલિને બાથમાં લઇને ગળગળા સ્વરે સુકેશુએ
કહ્યુ,
“અંજલિ આઇ એમ સોરી. મેં તારી લાગણીની
કોઇ દિવસ કદર જ ન કરી. મારી જ ભુલ છે. હું હમેંશ મારા સ્વાર્થમાં જ રચ્યો પચ્યો
રહ્યો. હવે તને કયારેય એવી જીંદગી નહિ મળે. પૈસા જ કંઇ સર્વસ્વ નથી હોતા હું વહેલો
દુકાનેથી આવી જઇશ અને જુગાર અને બીજી બધી કુટેવો ધીરે ધીરે છોડવાનો પ્રયાસ કરીશ.
એમાં મારે તારો સાથે જોઇશે મને સાથ આપીશ ને.”
“હા, જરુર.”
લેખકનું નામ : ભાવિષા ગોકાણી
Comments
Post a Comment