હોસ્ટેલનો રૂમ-1

 

હોસ્ટેલનો રૂમ

ભાગ : 1



        આજે ફરીથી તે હોસ્ટેલમાં આવી ગઇ હતી. તે ખુબ જ ખુશ હતી. ધોરણ 5થી તેની માતાનુ અવસાન થતા તેના પિતા મનસુખભાઇએ બીજા લગ્ન કર્યા ત્યારથી તેને હોસ્ટેલમા મુકી દીધી હતી. શરૂઆતમાં તેને જરાય ગમતુ ન હતુ. રાગિણી એકલા એકલા રડ્યા જ કરતી હતી. તેને સંભાળનાર હોસ્ટેલની સખીઓ સિવાય કોઇ ન હતુ. બધાના માતા પિતા તેના સંતાનોને મળવા આવતા એક પોતે અને તેની ખાસ સખી વિદ્યા જેના માતા પિતા બંન્ને અવસાન પામ્યા હતા. તેના કાકા કાકીએ હોસ્ટેલમાં મુકી હતી તેને કયારેય કોઇ મળવા ન આવતુ. તે સદાય એકબીજાની સાથે જ રહેતી હતી. પરિસ્થિતિએ બંન્ને ને એકબીજાની પુરક બનાવી દીધી હતી.

                વેકેશનમાં બસ ઘરે ફરજિયાત જવાનુ રહેતુ. ઘરે રાગિણીને જરાય ન ગમતુ હતુ. તેની સાવકી માતા તેની પાસે બધા કામ કરાવી લેતી અને બપોરે આરામ કરવાના સમયે બહારે મોકલી દેતી હતી. તેના પિતા સાંજે દુકાનેથી થાક્યા પાક્યા આવતા. તેમનો લાડ તેના સાવકી માતાના પુત્ર સપન માટે રહેતો હતો. માતાના જતા રહેવાથી પપ્પાનો લાડ પણ જાણે જતો રહ્યો. બે વેકેશનમાં આવતી ત્યારે તેને જાણે ઘરમાં કામવાળી હોય તેવો જ અહેસાસ થતો. પરિવાર અને તેના પ્રેમની કોઇ હુંફ જ ન આવતી હતી. તે બીજી કોઇ રજામાં ઘરે આવતી  જ ન હતી. તે અને વિદ્યા વેકેશન સિવાય કયારેય ઘરે ન જતા. શરૂઆતમાં ખુબ જ અઘરુ લાગતુ હવે તેઓને હોસ્ટેલ જીવન ખુબ જ ગમવા લાગ્યુ હતુ.

                અવનવા તોફાન મસ્તી સાથે મિત્રો સાથે અભ્યાસ તેને ખુબ જ ગમતો. હુંફ અને લાગણી જે ઘરમાં ન મળતી તે અહીં હોસ્ટેલમાં જ મળી રહેતી હતી. તેના માટે જીવનમાં આ હોસ્ટેલનો જ પરિવાર હતો. ત્યાં તેને અનેરી હુંફ અનુભવાતી. ધોરણ 12ના અભ્યાસ બાદ ફરજિયાત ઘરે રહેવુ પડ્યુ હતુ. તેને જરાય ગમતુ ન હતુ. તેની સાવકી માતા શોભાબહેનની તો ઇચ્છા હતી કે તેને પરણાવી ફરજ પુરી કરી લે પરંતુ તેના આંસુ આગળ તેના પિતાજી પીગળી ગયા અને છેલ્લી વાર કોલેજના ત્રણ વર્ષ પુરા કરવા માટે હોસ્ટેલમાં આવી હતી.

                કોલેજ શરૂ થયાને એક મહિનો વિતી ગયો હતો આથી માંડ માંડ મોરબીની એક કોલેજમાં એડમિશન મળ્યુ હતુ અને હોસ્ટેલમાં પણ માંડ એક રૂમ મળ્યો હતો. તે રૂમ માટે ભુતિયા હોવાની વાયકા હતી પરંતુ રાગિણીને તેનાથી કોઇ ફરક પડતો ન હતો તે કોઇથી ડરતી ન હતી. તેને પોતાની સખી વિદ્યાને પણ તેની સાથે અહીં કોલેજ આવવા માટે મનાવી લીધી હતી. તેના કાકા કાકી પણ તેને આગળ અભ્યાસ કરવા રાજી ન હતા. રાગિણીના આગ્રહથી તેઓ માની ગયા હતા.

                “વિદ્યા ડર તો નહિ લાગે ને આ ભુતિયા રૂમમાં?” પોતાના રૂમમાં આવતા રાગિણીએ કહ્યુ.

                “અરે ડર શેનો? ભુલી ગઇ આપણાથી બધા ડરે છે. આપણે થોડા કોઇથી ડરી જઇએ.”

                “ધેટસ ગ્રેટ. મારી જુની વિદ્યા જ પાછી આવી છે.”

                વિદ્યાએ જવાબ ન આપતા રૂમનુ નિરીક્ષણ કર્યુ. બીજા બધા રૂમ કરતા આ રૂમની હાલત થોડી સારી હતી. વળી બીજા રૂમમાં છ છોકરીઓ હતી. આ રૂમ તે બંન્ને માટે પર્સનલ હતો. વિદ્યા રૂમ જોઇને ઝુમી ઉઠી. તેને ફટાફટ પોતાનો અને રાગિણીનો સામાન રૂમમાં ગોઠવી લીધો.

                રાત ઢળવા લાગી જમી લીધા બાદ વિદ્યા અને રાગિણી સિવાય બીજી બધી છોકરીઓ વધારે ડરવા લાગી હતી. બધી છોકરીઓએ તેઓને પોતાના રૂમમાં સુઇ જવા જણાવ્યુ પરંતુ વિદ્યા અને રાગિણી તો ડર નામના શબ્દને સમજતી જ નહોતી. તેઓ તો આરામથી પોતાના પર્સનલ રૂમમાં સુઇ ગઇ.

                ***********************************************

                અડધી રાતે હોસ્ટેલમાં રાડા રોળ થઇ પડી. બધા એકઠા થઇ ગયા. વિદ્યા અને રાગિણી ખુબ જ ઘભરાયેલી અને ડરેલી ધ્રુજતી હતી,

                “શુ થયુ કેમ આટલી રાડારોડ થઇ રહી છે?” વોર્ડન જલ્પાબહેને પુછ્યુ.

                “દીદી, આ બંન્નેની ચીસોથી અમે ઉઠી ગયા અને અને આ બધી ડરપોક છોકરીઓ રાડો પાડવા લાગી.” બોલકી છોકરી માધવી બોલી ઉઠી.

                “તમે બંન્ને બોલો કાંઇક શુ થયુ છે?” જલ્પાબહેને કહ્યુ.

                “દીદી, ભુત ભુત અમારા રૂમમાં ભુત છે.” વિદ્યાએ કહ્યુ.

                “અમે બધા તો કહેતા હતા કે તે રૂમમાં ન રહો. તમારે રહેવુ હતુ. તમે તમારો સામાન ભરી લો. કાલે બીજી હોસ્ટેલમાં જગ્યા શોધી લેજો. અહી હવે કોઇ જગ્યા નથી.” હોસ્ટેલ વોડર્ને કહ્યુ.

                “નો નો મેમ. અમે અત્યારે ટેરેસ પર એડજસ્ટ કરી લઇશુ. પછી થોડા સમયમાં બીજે જતા રહીશુ.” રાગિણીએ કહ્યુ. ત્યાં વિદ્યા બોલવા જતી હતી પરંતુ રાગિણીએ ઇશારો કરી તેને ચુપ કરી દીધી.

                “ઓ.કે. તમારી ઇચ્છા પરંતુ કાંઇ નવાજુની થાય તો તમારી જવાબદારી રહેશે.”

                “હા, શ્યોર મેમ” રાગિણી હામી ભરી દીધી એટલે બધા સૌ સૌના રૂમમાં જતા રહ્યા. બધી છોકરીઓના ચહેરા પર હજુ ભય હતો અને વિદ્યા પણ થર થર કાંપી રહી હતી.

                “વિદ્યા યાર આ શુ છે બધુ? મને તો ખુબ જ ડર લાગે છે કે એ પડછાયો.....” અગાશીમાં સુતા સુતા રાગિણીએ કહ્યુ.

                “રાગિણી, આપણી પાસે બીજો કોઇ રસ્તો છે ખરો? ઘરે જઇને શુ થવાનુ છે તે તો ખબર જ છે ને અહીંયા જેટલા દિવસ રહેવા મળે તે સારું જ છે અને મને લાગે છે આ ભુત પાછળ કોઇ ગહેરી ચાલ લાગે છે.”

                “મીન્સ?”

                “મને લાગે છે આ ભુત અને બધુ નકલી છે તેની પાછળ કોઇ ચાલબાજી છે.”

                “ઓહ એવુ કેમ તને લાગે છે?”

                “મને અંદરથી એવુ ફિલ થાય છે. અને એ પડછાયો આપણે દેખાયો હતો તે બધાને આવતા ક્યાં ગાયબ થઇ ગયો? અને મને કાંઇક તો જરુરથી લોચો લાગે છે. હુ તેની ઉંડાઇ જરુરથી માપીશ.”

                “તારે જે કરવુ હોય તે કરજે મને તો ખુબ જ ડર લાગે છે.”

                        *******************************

               

                “મેમ, મેમ “ સવારે બધા કોલેજે જતા રહ્યા બાદ રાગિણીએ દોડતા આવીને હોસ્ટેલ વોર્ડનને કહ્યુ. તે ખુબ જ કંપી રહી હતી. તેના અવાજમાં ખુબ જ ડર હતો. આથી વોર્ડને કાંઇ પુછ્યા વિના તેની સાથે ચાલી નીકળ્યા.

                રૂમમાં લોહી નીકળતી વિદ્યાની લાશ પડી હતી. બિહામણુ દ્રશ્ય જોઇ વોર્ડન પણ ખુબ જ ડરી ગયા. તેના મોં માંથી ચીસ પણ ન નીકળી. વહાલસોયી બહેનપણીની લાશ જોઇ અત્યારે સુધી રાખેલી હિમ્મત ટુટી ગઇ તે ધડામ કરતી પડી ગઇ.

                ******************************************

                બે દિવસમાં પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી ગઇ. ખુન થયેલુ હતુ અને તે પણ ખુબ જ ઘાતકી રીતે કોઇએ ખેંચીને માંસ અને હાડકા બહાર કાઢી લીધા હતા. બધી છોકરીઓ ખુબ જ ડરી ગઇ. રૂમમાં ભુત હોવાની માન્યતા પ્રબળ બની ગઇ. બહાર હાહાકાર મચી ગયો. મિડીયા, પ્રેસમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા. ઘણી છોકરીઓ હોસ્ટેલ છોડીને જતી રહી. ટ્ર્સ્ટી પર હોસ્ટેલનુ બિલ્ડિંગ બદલવાનુ પ્રેસર આવવા લાગ્યુ. ભુતિયો રૂમ સીલ કરી દીધો. અને થોડા જ સમયમાં બીજા બિલ્ડિંગની વ્યવસ્થા થઇ જાય ત્યાં સુધી અહીં રહેવાનુ હતુ ત્યારબાદ છોકરીઓને નવા બિલ્ડિંગમાં શિફટ થવાનુ હતુ.

                રાગિણીને પણ ખુબ જ ડર લાગી રહ્યો હતો. પરંતુ તેને ઘરે જવા મન જ થતુ ન હતુ. તેને પોતાની જીંદગીમાં પ્રિય વ્યક્તિને ગુમાવી હતી. આ દુનિયામાં વિદ્યા સિવાય કોઇ તેનુ ન હતુ. હવે વિદ્યા તેની સાથે ન હતી. બધાએ ભુતે ખુન કર્યુ તેમ માની તપાસ છોડી દીધી હતી. પરંતુ રાગિણી તે માનવા તૈયાર ન હતી. તેને વિદ્યાના મોતનો બદલો લેવો હતો. ભલે ભુતે ખુન કર્યુ હોય તો પણ તે ભુત સામે ભીડવા તૈયાર હતી. રૂમ તો સીલ કરેલો હતો. ખુનીને શોધવો કયાં?

                થોડા દિવસોમાં રજાઓ પડી જતી હતી ત્યારે હોસ્ટેલની બધી છોકરીઓ પોતપોતાની ઘરે જતી રહેવાની હતી. રજાઓમાં ઘણી છોકરીઓ વાંચવા માટે રહેતી પરંતુ વિદ્યાના મોત બાદ આ વખતે કોઇ રહેવા તૈયાર ન હતુ. એક રાગિણીએ માંડ બે દિવસ રોકાવા માટે વોર્ડનને સમજાવી હતી.

                સત્યની શોધ માટે તેની પાસે માત્ર બે જ દિવસ હતા. તેને પહેલી રાત્રે જ વોર્ડનના જમવામાં ઉંઘની ગોળી ભેળવી દીધી. જેથી તે નિરાંતે તપાસ કરી શકે. રૂમ સીલ કરેલો હતો પરંતુ પાછળની બારીમાંથી અંદર જવાય તેમ હતુ. તેને દિવસ આખો વિચારી પુરો પ્લાન બનાવી લીધો હતો અને એક થેલીમાં જરૂરી સામાન ભરી લીધો હતો. અંધારા રૂમમાં જોવા માટે બેટરી, મીણબત્તી, બાકસ, ચાકુ અને એક દુપટ્ટો સ્વરક્ષણ માટે હોસ્ટેલમાં રજા પડી ગઇ હતી. આથી વોર્ડનના રૂમ સિવાય બીજા બધા રૂમની લાઇટોને મીટરમાંથી જ બંધ કરી દેવામાં આવી હતી. આથી સુનકાર અંધારી રાત્રિમાં ભુતિયા રૂમમાં લાઇટ વિના અંધારામાં જ તપાસ કરવાની હતી.

                રાગિણીને સવારથી જ ખુબ જ ડર લાગી રહ્યો હતો પરંતુ તેને હિમ્મત એકઠી કરી લીધી હતી. આખરે તેની ખાસ સખી વિદ્યાના મૃત્યુનો બદલો લેવાનો હતો. વોર્ડનના સુઇ જતા તે થેલી લઇને નીકળી પડી. બારીમાંથી ધીરેથી તે અંદર ગઇ. રાત્રિનો નિબંડ અંધકાર અને તમરાનો અવાજ વાતાવરણને વધારે બિહામણુ બનાવી રહ્યો હતો. તે રૂમમાં અંદર તો ગઇ પરંતુ હૈયુ ખુબ જ કંપી રહ્યુ હતુ. તેના હાથ સખત રીતે ધ્રુજી રહ્યા હતા. ધ્રુજતા ધ્રુજતા તેને માંડ બેટરી બહાર કાઢી. ધ્રુજારીમાં બેટરી ચાલુ જ થતી ન હતી. જોરદારનો ધબાક અવાજ આવ્યો અને રાગિણી ચીસ પાડી ઉઠી અને હાથમાંથી બેટરી પડીને તુટી ગઇ. હ્રદયના ધબકારા એકદમ તેજ થઇ ગયા. તે પરસેવે રેબઝેબ થઇ ઉઠી. વિદ્યાની ખુબ જ યાદ આવી ગઇ. હમેંશા ગમે તેવી પરિસ્થિતિ હોય. વિદ્યા હમેંશા તેના સાથે જ રહેતી હતી. આજે જીંદગીમાં પહેલીવાર આટલી ભયાનક પરિસ્થિતિમાં તે એકલી જ હતી.

                આંખમાં આંસુ લુછીને તેને હિમ્મત એકઠી કરી લીધી અને થેલી શોધીને તેને મીણબત્તી પેટાવી લીધી. ધીમો ચર ચર અવાજ ચાલુ જ હતો. મીણબત્તીના પ્રકાશમાં તેને ખબર પડી કે બાથરૂમના દરવાજામાંથી અવાજ આવતો. કદાચ જોરદાર ધબાક અવાજ દરવાજાનો જ હતો. બારીના પવનના કારણે અવાજ આવી રહ્યો હતો. રાગિણીના પગ ખોડાઇ ગયા હતા. આગળ જવાની હિમ્મત જ થતી ન હતી. પરંતુ મીણબત્તીના આછા અજવાસમાં દુર સુધી જોઇ શકાતુ ન હતુ. તેને મીણબતી ટેબલ પર ગોઠવી દીધી. તે રૂમમાં ભૂત શોધવા નીકળી પડી!!!!! શું રૂમમાં ભૂત હતુ કે બીજી કોઇ વસ્તુ હતી? જાણવા માટે ઇંતજાર કરવાનો જ રહ્યો.                    

               

 

 

 

 

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

 

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?