એક વિચાર માત્રના બદલાવથી તંદુરસ્ત બની શકાય છે.

 

એક વિચાર માત્રના બદલાવથી તંદુરસ્ત બની શકાય છે.



            આજે આપણે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજી અને જ્ઞાન તેની ચરમસીમા પર છે. આજે જ્ઞાનના વિસ્ફોટનો યુગ છે. દુનિયાથી આપણે નજીક આવી રહ્યા છીએ. આજે આપણે વૈશ્વિક માનવ બની રહ્યા છીએ ત્યારે વિશ્વમાં રહેલા અનેક રોગો પણ આપણી પાસે ઝડપથી પહોંચી રહ્યા છે.

                આજે આપણા નિયમિત શરદી, તાવ, ઝાડા, ઉલટી  જેવા નાના નાના રોગો સાથે થોડા થોડા સમયે મોટા મોટા રોગો આપણા જીવનમાં પ્રવેશી રહ્યા છે. બર્ડ ફલુ, સ્વાઇલ ફલુ, એઇડસ, કોરોના જેવા અનેક જીવલેણ રોગો વચ્ચે આપણી જાતને બચાવીને જીવી રહ્યા છીએ એટલે કે ડરતા ડરતા જીવન પસાર કરી રહ્યા છીએ. એક રોગની સાથે માંડ એડજેસ્ટ થઇએ ત્યાં બીજા રોગનુ ધમાકાભેર આગમનથી આપણુ જીવન અસ્તવ્યસ્ત બની જાય છે. આ રોગચાળામાં જાતની ચિંતા, બાળકોની ચિંતા, વડીલોની ચિંતા, સ્નેહીઓની ચિંતા વચ્ચે બીજુ વધારે કંઇ વિચારવાનો સમય જ મળતો નથી. ચિંતામાં અને ચિંતામાં સ્વાસ્થય આપણે ખોઇ રહ્યા છીએ.

                ખરેખર આ બધા રોગચાળાનુ કારણ શુ છે? વસ્તી વધારો, ટેકનોલોજી તરફની આંધળી દોટ કે ખાન પાન કે વાતાવરણમાં બદલાવ. જે હોઇ તે પરંતુ આજે આપણે સિક્કાની બીજી બાજુ તરફ વિચારીએ. એક નવા એંગલથી આ સમસ્યા તરફ નજર નાખીએ.

મનનો શરીર પર પડતો પ્રભાવ:

                આપણી આસપાસ રહેલા અનેક વિધ રોગો એટલા બધા પ્રભાવશાળી બની રહ્યા છે કે તેનાથી આપણી આસપાસનુ કોઇને કોઇ સંકજામાં આવી જ જાય છે અને કયારેક આપણે પણ ફસાય જાય છે. આથી તેના વિશે સતત ચિંતિત રહીએ છીએ અને સુરક્ષા માટેના તમામ ઉપાયો અપનાવીએ છીએ.

                પરંતુ જરૂરી બાબત વિશે આપણે કંઇ જાણતા જ નથી. તે બાબત છે મનનો એટલે કે આપણા વિચારોનો આપણા શરીર પર પડતો પ્રભાવ. હા, દુનિયાના મોટા ભાગના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધુ છે કે વિચારનો તંદુરસ્તી પર પ્રભાવ પડે છે. મનમાં સતત ચાલતા રહેતા વિચારોની શરીરના સ્વાસ્થય પર અસર પડે છે.

                આપણા દિવસ દરમિયાન જાણતા અજાણતા કેટલાય નકારાત્મક વિચારો કરતા રહેતા હોય છે. આપણુ જીવન જ એવુ બની ગયુ છે કે આપણે પરિસ્થિતિ સામે હમેંશા હકારાત્મક રહી શકતા નથી. આજના યુગમાં અનેક વિધ સમસ્યાઓથી આપણે હમેંશા ઘેરાયેલા જ રહીએ છીએ તેના કારણે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા જ રહીએ છીએ.

                સવારે છાપાથી માંડીને ટી.વી. મોબાઇલ બધે હકારાત્મકતા કરતા નકારાત્મક વિચારો વધારે જોવા મળે છે અને લોકોને વાતો પણ તેવી જ વધારે કરવી ગમે છે. પરંતુ આપણે જાણતા નથી કે આ બધી નકારાત્મકતાની આપણા શરીર પર ગંભીર અસર પડે છે.

                નકારાત્મક વિચારો, ક્રોધ, ચિંતા જેવી લાગણીઓને કારણે આપણા શરીરમાં અનેકવિધ ગંભીર બિમારીઓ ઘેરી લે છે. તેને દુર કરવાનો ફટાક ઉપાય હોય છે પરંતુ આપણે મનને વિશુધ્ધ કરવાને બદલે નકામી દવાઓ પાછળ દોડાદોડી કરીને સમય અને પૈસાની બરબાદી કરીએ છીએ.

                તમારી આસપાસ નિરીક્ષણ કરજો જે જેટલા વધુ નકારાત્મક વિચાર કરે છે તેની આસપાસ જ ઘણી બધી બિમારીઓ રહેતી હોય છે. જે લોકો હસમુખ અને હકારાત્મક હોય છે તેનાથી બિમારીઓ કોશો દુર રહેતી હોય છે. આ બધા ટાઢા પહોરના ગપ્પા નથી. અનેક દેશ વિદેશના નિષ્ણાંતોએ મન પર અનેક પરીક્ષણો કરીને તારણ કાઢ્યુ છે કે વિચારોની શરીર પર ખુબ જ ઉંડી અસર પડે છે.

                સ્વભાવ બદલવો ખુબ જ કઠિન છે એટલે ખાલી થોડુ વાંચન કરવાથી નકારાત્મક વિચારોથી દુર રહેવુ શક્ય નથી. શરીરની તંદુરસ્તી અને રોગ મુક્તિની ઇચ્છા હોય તો થોડી મહેનત કરવી તો જરુરી જ છે.

                નિયમિત ધ્યાન કરવાથી મન શાંત બને છે. તેના સિવાય અત્યારે અનેકવિધ પોઝિટીવ વિચારો માટેની એપ્સ અને ઓડિયો સી.ડી મળે છે તેનો ઉપયોગ કરવાથી મનની વિચાર શૈલી બદલાય શકે છે. નકારાત્મક વાતોથી બની શકે તેટલુ દુર રહેવુ જોઇએ. સતત પ્રયાસો કરતા રહેવાથી હકારાત્મક વિચારો કરવાની આદત બનતી જાય છે. આથી સદાય હકારાત્મક વિચારો કરવા માટેના વાતાવરણનુ સર્જન કરવુ જોઇએ.

                આપણુ વાંચન અને ટી.વી.ના પ્રોગ્રામ બની શકે એટલા પોઝીટીવ જ હોવા જોઇએ. ખોટી ચિંતા અને રોગના ભયથી દુર જ રહેવુ જોઇએ. હકારાત્મક રહેવાથી ગમે તેવી મુશ્કેલીમાં રસ્તો મળી જાય છે. આથી હસમુખા જ રહેવુ જોઇએ એથી જીંદગી જીવવાની મજા પણ વધી જાય છે.

                આજે વિશ્વના અનેક ડોકટરોએ તથા વૈજ્ઞાનિકોએ એ સાબિત કરી દીધુ છે. આપણા વિચારોની આપણા શરીર પર ખુબ જ જબરદસ્ત અસર પડે છે. ગંભીર બિમારીમાંથી મુક્ત થયેલા લોકોના વિચારો 100% હકારાત્મક જ હોય છે. આથી રોગપ્રતિકારક શક્તિ વધારાવા માટેનો કારગત ઉપાય જો કોઇ હોય તો તે છે હકારાત્મક વિચારસરણી.

ઉર્જામાં બદલાવ:



                આ સિવાય બીજી પણ મહત્ત્વની વસ્તુ સાબિત થઇ ચુકી છે. સતત જે વસ્તુ બાબતે વિચાર અને વાતચીત કરવાથી આપણે તે વસ્તુને આપણા તરફ આકર્ષીએ છીએ. કુદરત પાસે જે વસ્તુ મેળવવા માટે ઉર્જા આપીએ તે વસ્તુ આપણા તરફ ફોર્સની આવે છે. આજકાલ સોશિયલ મિડીયાના વ્યાપના કારણે આપણે રોગો વિશે સતત ચર્ચા અને વાતચીત કરતા જ રહીએ છીએ. તેના પરિણામ સ્વરૂપ તે રોગમાં વધારો થતો રહે છે. આપણે જે વસ્તુ ઇચ્છતા નથી. જેને આપણે નફરત કરીએ છીએ તેના વિશે વધુ પડતી ચર્ચાઓ શા માટે કરવી જોઇએ? બિન જરૂરી ચર્ચાઓ ને બદલે સદા હકારાત્મક રહીએ અને શરીરની તંદુરસ્તી વધારીએ.



                અવનવા આવી પડતા રોગોથી બચવા માટે જરૂરી બાબત છે પોઝિટિવ થિંકિગ. હકારાત્મક વિચારસરણી આવા અનેક રોગોથી આપણને દુર રાખે છે અને શરીરની આંતરિક શક્તિમાં વધારો કરે છે. રોગો તો એક પછી એક આવતા જ રહેવાના છે. તેની અનેક વિધ સાવધાનીઓ રાખવાની સાથે હકારાત્મક અને સારા વિચારો સતત વધારતા રહીએ. આવા વિચારોને કારણે રોગોનો ડર કે ચિંતા તો દુર થશે જ સાથે રોગોને આપણાથી સરળતાથી દુર પણ રાખી શકીશુ. કદાચ, કોઇ ગંભીર બિમારીના સંકાજામાં આપણે સપડાય જઇએ તો પણ સતત તેની ચિંતા કર્યા વિના હકારાત્મક વિચારો કરતા રહેવુ જોઇએ જેનાથી રોગ દુર કરવાના સ્ત્રાવો આપણા શરીરમાં આપોઆપ ઉત્પન્ન થઇ જાય છે અને ગમે તેવા રોગને આપણે પછાડી શકીશુ. તો આજે વિચારોમાં બદલાવની શરૂઆત કરીએ અને તંદુરસ્તી વધારીએ અને સાથે સાથે આપણા પરિવારને આપણી આસપાસ રહેતા લોકોને હકારાત્મક વિચાર કરવા માટે પ્રેરવા જોઇએ.

                હમેંશા આપણા બદલાવ લાવ્યા બાદ સમાજમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. આમ, ધીરે ધીરે આખુ જગત આવી બિમારીઓ સામે લડવા માટે તૈયાર થઇ જશે અને બિમારીઓ ભય અને તેની પકડ નાબુદ થવા લાગશે. તો જીવનમાં આજે જ એક સુત્ર અપનાવી લઇએ થીંક પોઝિંટિવ એન્ડ બી હેલ્ધી. બેસ્ટ ઓફ લક ફોર હેલ્ધીઅર લાઇફ.

                અસ્તુ

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે.

ઢળતી સંધ્યાએ ભાગ : 5