ધ્રુજવતો બંગલો
ધ્રુજવતો બંગલો
(1)
વિનય, દિવ્યા, સોનાક્ષી, મયુર અને વૃંદા તથા સમિર આજે વેકેશન પછી પ્રથમ વખત મળ્યા હતા. તેઓ આજે ખુબ જ ખુશ હતા. આજે કોલેજના લેક્ચર બંક કરીને તેઓ કેન્ટિનમાં બેઠા હતા. વેકેશન બાદ મળ્યા હતા તેથી તેઓની વાતો અને ગપશપ આજે ખુટવાની જ નહતી. ઘર, વેકેશનમાં કરેલી પ્રવૃતીઓ અને બીજા ઘણા ટોપિક પર બસ વાતો જ ચાલુ હતી. આમ તો તેઓ આખા વેકેશન દરમિયાન વૉટ્સ અપ અને ફોન કૉલ કરતા જ હતા પણ રૂબરૂ મળીને આજે તેઓને વધારે મજા આવતી હતી. વિનય અને મયુર હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. સોનાક્ષી અને વૃંદા પણ ગર્લ્સ હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. જ્યારે સમીર અને દિવ્યા તો શહેરમા જ રહેતા હતા, તેથી તેઓ તો ઘણીવાર મળતા હતા. વિનય, સોનાક્ષી, મયુર અને વૃંદા એ બધા નજીકના અલગ અલગ ગામડાઓમા રહેતા હતા તેથી તો તો વેકેશન દરમિયાન ક્યારેય મળી શકતા ન હતા. કોલેજમાં તેઓનુ ગ્રુપ બિન્દાસ અને નીડર ગ્રુપ તરીકે જાણીતુ હતુ તેઓનુ છ જણાની મિત્રતા ખુબ જ પાકી હતી. તેઓ મુશ્કેલીમાં મુકાયેલ વ્યકિતઓની મદદ કરતા અચકાતા નહી અને અન્યાય સામે કયારેય ઝુકતા નહી. આજે બધા વાતોના ગપાટા સાથે નાસ્તો લેતા હતા ત્યાં દુર કોલેજનો ગિલિન્ડર અને કજુંસ કશ્યપ આવતો દેખાયો. કશ્યપ મહા ગિલિન્ડર હતો ઇસકી ટોપી ઉસકે સર ફેરવવામાં મહા ઉસ્તાદ હતો અને સાથે મહા કજુંસ પણ. તેના પિતાજીની રાજકોટમાં મોટા વેપારીમાં ગણના થતી હતી અને પોશ એરિયામાં વિશાળ બંગલો હતો તેઓનો છતાંય કશ્યપ તેના પિતા જેવો મહા કંજુસ હતો. બધા સાથે વાતો કરીને ફ્રી માં નાસ્તો કરી લેતો અને ગમે તેની પાસેથી પૈસા પડાવી લેતો બધા તેનાથી દુર ભાગતા હતા પરંતુ પરંતુ મયુરના આ ગ્રુપથી તે ડરતો હતો અને તેનાથી દુર ભાગતો હતો કારણ કે આ લોકો તેની જાહેરમાં મશ્કરી કરતા અને તેની કરતુતનો સબક સારી શિખવાડતા હતા. કશ્યપને દુરથી આવતો જોઇને વૃંદાએ કહ્યુ, “પેલો ફટિચર ચંબુ આવે છે.” “સાલાને પહેલે જ દિવસે મસાલો લેવો હશે તે આપણી પાસે આવે છે. આવવા દે જો કેવી વાટ લગાવુ છુ ફટિચર ચંબુની.” મયુરે કહ્યુ. “રહેવા દે ને યાર. શુ કોલેજના પહેલા જ દિવસે બબાલ ઉભી કરવી.” દિવ્યાએ કહ્યુ. “ચલ તુ કહે તો રહેવા દઉં છુ પણ કાંઇ આડી અવળી વાત કરીને તો સાલાની ખેર નહી. એન્યુઅલ ડે માં બહુ હોશિયારી કરતો હતો મને તો ત્યારનો ગુસ્સો છે તેના પર એકવાર લાગમાં આવવા દે એટલી જ વાર છે.” મયુરે ગુસ્સામાં કહ્યુ. “બસ ચુપ થાઓ બન્ને, જો એ અહી જ આવે છે.” દિવ્યાએ બાજુમા બેઠેલા મયુરને ટપલી મારતા કહ્યુ. “હાય એવરીબડી.” કશ્યપે બાજુમાથી એક ચેર ખેચીને બેસતા બોલ્યો. કોલેજની એવરગ્રીન ટોળકી તો અહી બેઠી છે અને હુ તો તમને આખી કોલેજમા શોધતો હતો. હા મહારાજ તમારી જ રાહ જોતા હતા કે મહારાજ કશ્યપના દર્શન થઇ જાય પછી જ ક્લાસરૂમમા પ્રવેશ કરીએ.” મયુર બોલ્યો. “મસ્તી નહી પ્લીઝ.” કશ્યપે કહ્યુ. અરે કશ્યપ મસ્તી નહી કરતા અમે, પુજાની થાળી અને આરતી પણ સાથે લાવ્યા છીએ.” પર્સમાથી નાનકડી ઘંટડી કાઢીને સોનાક્ષીએ કહ્યુ. અરે યાર. હુ તો ફુલનો હાર પણ લાવવાનો હતો.” મયુર બોલ્યો. “અરે પ્લીઝ દોસ્તો, મજાક બંધ કરોને હવે. હુ તમને એક અગત્યની વાત કહેવા માટે અહી આવ્યો છુ.” કશ્યપે ગંભીર થઇ કહ્યુ. “હા...હા......હા.......તુ અને અગત્યની વાત??? બોલ બોલ ચંબુ તારે કેટલા પૈસાની જરૂર છે?” વિનય બોલ્યો. પ્લીઝ દોસ્તો. હવે મજાક બંધ કરોને હવે અને સાંભળો મારી વાત.” “ઓ.કે ઓ.કે. બોલ બોલ તારી વાત.” સોનાક્ષી બોલી. “હુ વેકેશનમા મારા કાકાને ઘરે ગયો હતો ત્યાં મને એક અજીબોગરીબ વાત જાણવા મળી. મારા કાકાનો દોસ્ત અને તેનો પરિવાર બધા સાથે પિક્નિક પર ગયા હતા. ત્યાં નદીને કિનારે ગાઢ જંગલ છે તે જોવા માટે ગયા હતા. જંગલમા ગયા તો તેમણે જોયુ કે એક સુંદર આલીશાન મકાન હતુ. તેનો પુત્ર બહુ થાકી ગયો હતો તેથી તે મકાનમા જઇ થોડુ પાણી પીવા મળે તે આશાએ તેઓ મકાન તરફ આગળ વધ્યા પણ બન્યુ એવુ કે મકાનમા તેઓ ગયા તે ગયા, સવારે ત્યાંથી તે બધાની લાશના કટકા મળ્યા. ખુબ જ ખરાબ રીતે તેમની હત્યા કરવામા આવી હતી. પાછળથી એવુ જાણવા મળ્યુ કે તે બંગલામા ભૂત પ્રેતનો વાસ છે અને તે બંગલામા કોઇ પણ જાય ત્યાં રાત રોકાઇ શકતુ જ નથી. એક વખત પેરા-વૈજ્ઞાનિકોની ટીમ પણ તે બંગલાની મુલાકાતે આવી હતી અને તેઓની પણ સવાર થયે લાશ મળી હતી તેમ મારા કાકા કહેતા હતા. ત્યાર બાદ એ મકાન બાજુ કોઇ જતુ જ નથી. લોકોમા એવો ભય વ્યાપી ગયો છે કે હવે તો સાંજ થતા તે બાજુ કોઇ જતુ નથી. લોકોનુ કહેવુ એમ છે કે રાત્રે તે મકાનની આજુબાજુમા અજીબ અજીબ અવાજ આવે છે. રાત્રે જંગલની બાજુમાથી જ પસાર થતા રસ્તે પણ કોઇ આવ-જાવ કરતુ નથી. ઘણા લોકોને દૂરથી ઝાડ પર લટકતી પ્રેત આકૃતિઓ દેખાઇ છે. બહુ અજીબ અજીબ અનુભવો લોકોને થયા છે. ઘણા બહાદુર થઇને તે બાજુ માત્ર જોવા ગયા હતા તો તેમાથી અમુક તો પાગલ બની ગયા છે અને કોક તો એવા બિમાર પડી ગયા છે કે તેની વાત જ ન પૂછો. મારા કાકાએ તેના મિત્રને કહ્યુ જ હતુ કે નદીકિનારે ફરવા જઓ ત્યારે એ જંગલમા ન જતા પણ ન જાણે કેમ તેઓ એ બાજુ ગયા અને આવુ બની ગયુ. બહુ ભયાનક છે એ બંગલો. “હા....હા.....હા............ફેકુચંદ. આવુ કાઇ હોય જ નહી. આજના આ ફાસ્ટ અને ઝડપી દુનિયામા આવુ કાઇ હોતુ જ નથી. તને કોઇકે ખોટી ખોટી કહાની કહીને ડરાવ્યો છે, એન્ડ બાય ધ વે તુ આ બધી વાત અમને કેમ કરે છે?” મયુર બોલ્યો. “હું કે અમારા માંથી કોઇ તારી આવી વાતથી ડરી જવાના નથી સમજ્યો??? એ ડર લાગતો હશે તારા જેવા કમજોર મનવાળા મહારાજને, અમને નહી...ચલ ભાગ અહીથી.....” વિનયે તેની વાત ઉડાડતા કહ્યુ અને બધા જોર-જોરથી હસવા લાગ્યા. “અરે મને શું કામ કમજોર મનવાળો કહો છો? મે તો એ જ કહ્યુ જે મે સાંભળ્યુ અને જો એવા જ તમે નિડર અને મજબૂત મનવાળા હોવ તો એક કામ કરો, તમે એ બંગલામા એક રાત રોકાઇ આવો તો તમે બધા સાચા.” કશ્યપે મયુરને ચેલેન્જ આપતા કહ્યુ. “એ ચલ ચલ હવે બંધ થા અને ચાલતો થઇ જા અહીથી,તારી આવી બકવાસ ચેલેન્જ સ્વિકારવાનો કે તારી સાથે આવી આધાર વિનાની વાતો કરવાનો અમને કોઇ શોખ નથી સમજ્યો.” વિનય ગુસ્સે થઇ બોલી ઉઠ્યો. “મને ખબર જ હતી કે તમે બધા ખાલી વાતો જ કરો છો કે તમે બહાદુર છો બાકી મનથી તો તમે બધા પણ બીકણ અને ડરપોક જ છો. તે દિવસે એન્યુઅલ ફંક્શનમા તો બધાની વચ્ચે તો એવી બડાઇ કરતા હતા કે તમે કોઇ પણ ચીજ કે વસ્તુથી ગભરાતા નથી અને આખી કોલેજ સામે એવી ઓપન ચેલેન્જ આપી હતી કે તમારી ટીમ કોઇ પણ મુશ્કેલીભર્યુ કામ હોય તે કરવામા પણ ક્યારેય પિછેહઠ કરતા જ નથી.” કશ્યપ બોલ્યો. “ચલો તો આજે મારી તમને ઓપન ચેલેન્જ છે કે એવા જ બહુ બહાદુર હોવ તો એ મકાનમા જઇ બસ એક રાત રોકાઇ આવો તો તમે ખરા અર્થમા બહાદુર કહેવાઓ.” “અરે તારી તો...................તુ અમને અમારી ટીમને ચેલેન્જ આપે છે? બીકણ હશે તારો કહુ તે............ચુપ થા કંજુસ બીકણ ફેકુચંદ.” મયુર ઉભો થઇ તાડુકી ઉઠ્યો. “આપ તારા એ રહસ્યમય બંગલાનુ એડ્રેસ. અમે બધા ત્યાં જશું અને એક તો શું તુ કહે તો બે રાત ત્યાં રોકાઇ આવીશું અને પાછા સહી સલામત આ જ સ્થળે તને મળશુ. બહુ આવ્યો ચેલેન્જ આપવા વાળો.” વિનયે પણ મયુરની વાતમા સુર પુરાવ્યો અને તેણે બધા વતી કશ્યપની ઓપન ચેલેન્જનો સ્વિકાર કર્યો.
“અરે હા જાઓ જાઓ. હું તમને હમણા જ એડ્રેસ અને પરફેક્ટ લોકેશન મેસેજ કરુ છું” કશ્યપે કહ્યુ. “તુ પણ આવીશ અમારી સાથે? બોલ બીકણ કશ્યપ,” મયુરે પૂછ્યુ. “ના, બાબા ના મારે ક્યાંય આવવુ નહી. મને તો ખુબ જ ડર લાગે.” કશ્યપ બોલ્યો. “અમને બીકણ કહેવા વાળા ચંબુ તુ જ બીકણ છે,અને અમને તુ ચેલેન્જ કરે છે? હવે તો તને એક કે બે દિવસ નહી પણ પૂરા એક વીક ત્યાં રહીને બતાવશું” વિનય બોલ્યો. “ઓ.કે. ફ્રેન્ડ્સ, ઑલ ધ બેસ્ટ તમને બધાને. તમે બધા જાઓ અને સુખરૂપ પરત આવી જાઓ એટલે આ કંજુસ કશ્યપ એક ભવ્ય પાર્ટીનુ આયોજન કરશે તમારી જીતની ખુશીમા.”
“હા...હા.....હા...... તુ અને પાર્ટી? ઇમપોસિબલ. ચલ હવે અમારા લેક્ચરનો સમય થઇ ગયો. બાય, અને હા,એડ્રેસનો મેસેજ કરવાનુ ભુલતો નહી હો મિસ્ટર ફેકુચંદ...” વિનય બોલ્યો અને બધા હસતા હસતા લેક્ચર માટે રવાના થયા.
(2) આજે કોઇનુ મન લેકચર લાગતુ ન હતુ. તેઓ બધા આવી વસ્તુમાં જરાય વિશ્વાસ ન ધરાવતા હતા. છતાંય એકલા ચાલુ કોલેજે કેમ જશે તે મુખ્ય પ્રશ્ન હતો?
કોલેજ પુર્ણ થયા બાદ બધા મિત્રો કેન્ટીનમા બેસી નાસ્તો કરતા હતા ત્યાં સોનાક્ષીએ કહ્યુ, “બોયઝ સાંભળો મારી વાત.આ કશ્યપ તો ગાંડો અને મુર્ખ છે તેની વાતને ગંભીરતાથી ન લેજો. આપણે ક્યાંય બંગલામા જવુ નથી. એ તો કહ્યા કરે બાકી તેની વાત માનવી કે ન માનવી તે આપણે નક્કી કરવાનુ છે. વિનય, “સોનુ તુ કેમ ડરે છે? અરે ભુત જેવુ કાંઇ હોતુ નથી અને તે આપણે સાબિત કરી તેને બતાવવુ છે અને તે ત્યારે જ સાબીત થશે જ્યારે આપણે તેણે કહ્યા મુજબ બંગલામા જશુ અને ત્યાં એક રાત રોકાણ કરશું.” “હા ફ્રેન્ડ્સ, આઇ થીન્ક સોનાક્ષી ઇઝ રાઇટ” વૃન્દાએ કહ્યુ. “અરે ગર્લ્સ મને એમ લાગે છે કે તમે એ ફેકુની વાત સાંભળીને ડરવા લાગી છો એટલે જ આવા બહાના બતાવી ત્યાં જવાનુ ટાળો છો.” સમિરે કહ્યુ. “યસ ગર્લ્સ ,આ બધી માત્ર અફવાઓ અને મનના વિચારો છે બાકી ભુત ક્યાંય હોતા જ નથી અને એ ફીક્સ જ છે કે આપણી ટીમ ત્યાં જશે અને એ સાબીત કરી દેશે કે ત્યાં બંગલામા કોઇ ભુત બુત નથી.” મયુર બોલ્યો.
“તો પછી કશ્યપ કહેતો હતો તે મુજબ બધી હત્યાઓ કઇ રીતે થઇ?” સોનાક્ષીએ કહ્યુ. “અરે સોનુ, હત્યા થઇ છે કે નહી તે આપણે ક્યાં ખબર છે? કદાચ કશ્યપ આપણને ડરાવવા માટે આવા ખયાલી પુલાવ પકાવતો હોય અને આપણને બધુ કહેતો હોય તેવુ પણ બને અને માનો કે હત્યા થઇ પણ હોય તો એવુ પણ બને કે ત્યાં બંગલામા ગયેલા લોકો રાત્રે ફરવા નીકળા હોય અને કોઇ હિંસક પ્રાણીના શિકાર બન્યા હોય તે રીતે પણ તેમની હત્યા થઇ હોય અથવા ક્યારેક એવુ પણ બને કે કોઇ દુશ્મનાવટ કાઢવા માટે ત્યાં લઇ જઇ હત્યા કરી નાખી હોય અને પછી લાશને જંગલમા ફેકી દીધી હોય.એમ આઇ રાઇટ ગાઇઝ?” મયુરે કહ્યુ. “હા તારી વાત સાચી છે મયુર પણ સાચુ કહુ તો મને તો ડર લાગે છે ત્યાં જવાનો.” સોનાક્ષીએ કહ્યુ. “અરે સોનુ, તારે ક્યાં એકલીએ ત્યાં જવાનુ છે, અમે બધા તારી સાથે જ હશું.તો પછી ડર શાનો? અને બહુ ડર લાગતો હોય તો મારી સાથે રૂમમા રહેજે....હા......હા.......હા.... જસ્ટ જોકીંગ.” સમીરે સોનાક્ષીની વાત હવામા ઉડાડતા કહ્યુ. ચલો અત્યારે હવે મોડુ થાય છે,કાલે એક-બે લેક્ચર બંક કરી આ બાબતે આપણે ચર્ચા કરશું. ઓ.કે.ચલો બાય.” મયુરે કહ્યુ.
બપોરે હોસ્ટેલમા લંચ લીધા બાદ સોનાક્ષી અને વૃંદા રૂમમા જતા હતા ત્યાં નીચેથી કહેવામા આવ્યુ કે સોનાક્ષી માટે ફોન છે.સોનાક્ષીને ખબર જ હતી કે ફોન કોનો છે માટે તે દોડતી નીચે ગઇ. “હેલ્લો કેટલી વાર લાગે છે તને આવતા?ચાર વાગ્યે આપણે રેગ્યુલર જે જગ્યાએ મળીએ છીએ ત્યાં આવી જજે જાન.” સમીરે સામા છેડેથી કહ્યુ. “હા શ્યોર આવી જઇશ.” સોનાક્ષીએ કહ્યુ. હોસ્ટેલમા મેડમ સામે વાત કરવાની હોય તેથી વધુ વાત ન કરતા સોનાક્ષી રૂમમા ગઇ.સોનાક્ષી અને સમીર બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા તેની તેના ગૃપમા વૃંદા સિવાય કોઇને ખબર ન હતી.તેઓ કોઇને ખબર ન પડે તે રીતે મળતા અને ક્યારેક સમીર લેડીઝનો અવાજ કરી સોનાક્ષીને ફોન પણ કરતો. સાંજે ચાર વાગ્યે ક્લાસીસનું બહાનુ કરી હોસ્ટેલથી થોડે દુર આવેલા કોફી હાઉસમા સમીરને મળવા ગઇ.જ્યાં સમીર તેની રાહ જોઇ રહ્યો હતો. “હાય સોનુ,કેટલા વખત પછી આપણે મળ્યા.આજે હું ખુબ જ ખુશ છું.” સમીરે તેનો હાથ પકડી કહ્યુ. “યા સમીર આજે હું પણ ખુબ જ ખુશ છું.તને મળે ઘણો સમય થયો.” સોનાક્ષીએ કહ્યુ. તને વેકેશનામાં પણ કહ્યુ હતુ કે એક વાર કોઇ બહાનુ કરી રાજકોટ આવ પણ તું આવી નહી. તારા વિના મને જરા પણ ગમતુ ન હતુ. “સોરી હું ન આવી શકી રાજકોટ.મે તને કહ્યુ જ હતુ કે મારા કાકાની દીકરીના લગ્ન હતા તો હું જરા પણ ફ્રી ન હતી અને વળી તને પપ્પાના ગુસ્સાની તો ખબર જ છે તે મને એકલીને તો કોઇ પણ સંજોગમા આવવા જ ન દે. “હા પરંતુ બરોડાની આ ટ્રીપનો મોકો તુ શું કામ ગુમાવવા માંગે છે? સમીરે કહ્યુ. “મીન્સ? હું સમજી નહી.” સોનાક્ષીએ કહ્યુ. ભુત પ્રેત હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે.હવે તુ આવી રીતે ટ્રીપ માટે આવવાની ના કહેતી નહી.ત્યાં જવાના બહાને આપણે એક અઠવાડીયા સુધી સાથે રહેવા તો મળશે.” સમીરે કહ્યુ. “હા યાર તારી વાત તો સાચી છે પરંતુ મને આવી ભુત પ્રેત વાળી જગ્યાઓથી બહુ ડર લાગે છે.” સોનાક્ષીએ કહ્યુ. “સોનુ ડરે છે શું કામ? એ બધી માત્ર અફવાઓ છે અને આપણે ક્યાં એકલા જવાનુ છે?આવો મોકો આપણે ક્યારેય નહી મળે માટે પ્લીઝ તુ ના કહેતી નહી.” સમીરે તેને કહ્યુ. “ઓ.કે. બાબા ઓ.કે. તુ કહે છે તો ના નહી કહુ.”
બન્ને કોફી પીતા પીતા પ્રેમભરી વાતો કરી પાંચ વાગ્યે છુટા પડ્યા.
(3) બીજે દિવસે કોલેજમા:- “હેય ગાયઝ, આજે આખો દિવસ આપણે આપણી ટ્રીપ વિષે વિચારવાનુ છે માટે આજે આખો દિવસ કોલેજ બંક.”મયુરે કહ્યુ. “અરે યાર, તમે બધા આ બકવાસ પ્લાન પર વિચારવાનુ બંધ કરો અને આપણ સ્ટડી પર ધ્યાન આપો.હમણા આપણી યુથ કોમ્પીટીશન પણ આવવાની છે.” વૃંદાએ કહ્યુ. “વન્દા, તુ પણ ડરી ગઇ?(ગૃપના મેમ્બર્સ તેને મજાકમા વન્દા કહેતા) અરે આપણી ટોળકી તો ચેલેન્જ લેવા માટે અને તેને પાર પાડવા માટે આખી કોલેજમા પ્રખ્યાત છે.અને તમે આ રીતે ડરી જાઓ તે કેમ શક્ય છે? સમીરે કહ્યુ. હા યાર તમે બન્ને કેમ આટલી ડરો છો? મને તો ડર જેવુ કાંઇ લાગતુ નથી.સો જસ્ટ બી ચીલ અને તમારે બન્નેએ સાથે આવવાનુ જ છે નહી તો હું નારાજ થઇ જઇશ અને આપણી ફ્રેન્ડશીપ પણ ખત્મ થઇ જશે.” દિવ્યાએ કહ્યુ. “અરે યાર તુ પણ કયાં આવી વાતમા આવી ને મયુરનો સાથ આપે છે? અને ફ્રેન્ડશીપ પુરી કરવાનુ કેમ કહે છે?” વૃંદાએ કહ્યુ. “તો શું કરુ યાર?આટલી બધી ગંભીરતાથી પેલા ફેકુની વાતમા ધ્યાન ના આપ અને ચલો અમારી સાથે.કશ્યપની ચેલેન્જ પણ આપણે જીતી જશુ અને એ બહાને આપણે નાની ટુરમા પણ એન્જોય કરશું.બહુ મજા આવશે.” દિવ્યાએ કહ્યુ. “હા યાર,વૃન્દા તું એમ જ વિચાર ને કે આપણે ત્યાં માત્ર ફરવા જ જઇએ છીએ.ત્યાં કોઇ ભુત છે તેવુ તમે વિચારવાનુ જ બંધ કરી દો એટલે આપોઆપ તમારા મગજમાંથી ડર નીકળી જશે.” સમીરે કહ્યુ. બધા મિત્રોએ વૃન્દાને ખુબ સમજાવી અને તેમની મિત્રતાની કસમ આપી બંગલે જવા માટે મનાવી. ઠીક છે તમે બધા આટલી જીદ કરો છો તો અમે આવવા માટે રાજી છીએ.પણ ધ્યાન રાખજો ક્યાંક લેવા ના દેવા ન પડી જાય.” વૃંદા બોલી. “યે હુઇ ના બાત.ચલ મયુર બધા માટે કાંઇક નાસ્તો મંગાવ આવ્યા ત્યારથી બસ ભુખ્યા પેટે ચર્ચા જ કરી રહ્યા છીએ.હવે મારાથી ભુખ સહન થાય તેમ નથી.નાસ્તો કરતા કરતા આપણે ત્યાં કઇ રીતે અને ક્યારે જવુ તે બાબતે વિચારીએ.” દિવ્યાએ કહ્યુ. મયુરે બધા માટે તેમની ફેવરીટ આઇટમ પફ અને કોલ્ડ ડ્રીંકસ મંગાવી લીધા.બધા નાસ્તો કરવાનુ શરૂ કર્યુ. “ત્યાં જવાનુ આપણે નક્કી તો કર્યુ છે પણ મારા મનમા એક પ્રશ્ન છે.” વૃંદા બોલી. “એ પ્રશ્નાર્થ ચિહ્ન વન્દા........હજુ શું મનમા કાંઇ પ્રોબ્લેમ છે કે હજુ ડરે જ છે તું એકલી?” વિનયે તેની મજાક કરતા કહ્યુ. “અરે ના એવુ કાંઇ નથી.મારો પ્રશ્ન તો સાંભળ પછી મારી મજાક કરવાનુ શરૂ કરજે.” વૃંદાએ કહ્યુ. “આપણે ત્યાં એક વીક માટે જવાનુ છે,રાઇટ? તો આપણે કાંઇક સ્ટ્રોંગ બહાનુ તો કરવું પડશે ને? એમ કાંઇ આપણે ફરવા જવાનુ કહેશું તો આપણે રજા નહી મળે.” વૃંદાએ કહ્યુ. “હા રાઇટ.તારો પ્રશ્ન તો એકદમ સાચો જ છે.ત્યાં જવા માટે આપણે બહુ સ્ટ્રોંગ અને કોઇને પણ શક ન જાય તેવુ બહાનુ કરવુ પડશે નહી તો આપણા ઘર કે હોસ્ટેલમાથી આપણને એક વીક જવાની પરમિશન નહી મળે.અને ઉપરથી યુથ કોમ્પીટીશન પણ નજીક આવે છે તો કોઇ રીતે આપણે રજા નહી મળે.” વિનયે કહ્યુ. “હા રાઇટ, એ જ તો વાત છે.તમે ઘરે રહો છો તેને તો બહુ વધારે પ્રોબ્લેમ ન થાય બાકી અમારા જેવા હોસ્ટેલમા રહેનારાને તો હજારો પ્રશ્નનો જવાબ આપવો પડે અને એમા પણ જો આપણું જુઠ પકડાઇ ગયુ તો બહુ મોટી આફત આવી પડે.” સોનાક્ષીએ કહ્યુ. “ઓ.કે. પણ જસ્ટ અત્યારે એ વિચારો કે આપણે ક્યારે ત્યાં જવુ.” મયુરે કહ્યુ. “આજે સોમવાર છે.આપણે આવતા રવિવારે સાંજના સમયે બરોડા જવા નીકળીએ અને બરોડાથી સવારે તે બંગલાના સ્થળે પહોંચી જશું” દિવ્યાએ કહ્યુ. “યા રાઇટ અને આ ચાર પાંચ દિવસમા આપણે શું બહાનુ કરી નીકળવુ તેનો પણ ઉપાય મળી રહેશે.” સમીરે કહ્યુ. “ઓ.કે. ડન.પણ બહાનુ જરા સમજી વિચારીને નક્કી કરજો નહી તો અમારે હોસ્ટેલમા પ્રોબ્લેમ થઇ જશે.” વૃંદાએ કહ્યુ. હા ચલો,હવે નીકળીએ નહી તો હોસ્ટેલમા મેડમ ચીક ચીક કરશે.” સોનાક્ષી અને વૃંદાએ કહ્યુ. “હા યાર બહુ લેટ થઇ ગયુ, મારે અને મયુરને પણ કમ્પ્યુટર ક્લાસમા જવાનુ છે.” વિનયે કહ્યુ. “ઓ.કે. બાય એવરીબડી.”
(4) તે દિવસે બધાએ નક્કી તો કરી જ લીધુ કે જવાનુ છે. પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો કે તેઓ મુર્ખામી તો નહી કરી રહ્યાને. બીજે દિવસે કોલેજ બ્રેકમાં બધા એકઠા થયા ત્યારે, “આજે રિસેષ પછીના લેકચર બંક કરી ફાઇનલ ડિસકશન કરી લઇએ” મયુરે કહ્યુ “બસ ગાઇસ હવે બહુ લેક્ચર બંક કર્યા. આમ રોજ રોજ લેકચર બંક કરવાથી નહિ ચાલે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ. અભ્યાસ એ આપણી પ્રાથમિકતા છે અને આમ લેક્ચર બંક કરે રાખ્યા તો પતી ગયુ સમજો. વળી પછી ટ્રીપમા જવા માટે અઠવાડિયુ આખુ બંક જ કરવાનુ છે પહેલા મહેતા સરને આપણા પર શક જશે તો આપણો વારો નીકળી જશે. અધુરામા પુરૂ તેનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરી લીધો છે.” દિવ્યાએ કહ્યુ. “તારી વાત તો સાચી છે પણ જો લેક્ચર બંક ન કરીએ તો ડિસકશન કઇ રીતે કરવુ” વિનયે કહ્યુ. “એક કામ કરીએ કાલે સાંજે આપણે કોલેજ બહાર કોઇ એક જગ્યાએ એકઠા થઇએ અને ત્યાં સુધીમાં બધા વિચારી લઇશુ.પછી નિરાંતે ચર્ચા કરીએ” દિવ્યાએ કહ્યુ. “ઓ.કે. ડન કાલે સાંજે આપણે બધા રેસકોર્સ ગ્રાઉન્ડ પર મળીએ” સોનાક્ષીએ કહ્યુ. “ચાલો અત્યારે લેકચરમાં જઇએ” સમીરે કહ્યુ. બીજે દિવસે બધાએ આજ્ઞાંકિત સ્ટુડન્ટની જેમ કોલેજ ભરી અને સાંજે પાંચ વાગ્યે બધા રેસકોર્સ ગ્રાઉન્ડમાં એકઠા થયા. આવતા સાથે જ મયુરે કહ્યુ, “આપણે બધાએ ત્યાં જવા માટે કોઇ ફુલપ્રુફ પ્લાન બનાવવો પડશે, નહી તો આપણું જવુ મુશ્કેલ છે. આપણા પેરેન્ટસ આપણને આ રીતે નહી જવા દે.”
“સાંભળો ગાઇસ મે એક પ્લાન વિચારી લીધો છે કે ગર્લ્સ એન્ડ બોયસ હોસ્ટેલમાં આપણે કોલેજના નામનો એક લેટર મોકલાવીશુ કે કોલેજ તરફથી રિર્સચ કેમ્પમાં આપણે જવાનુ છે તો ત્યાંથી તો જવાની મંજુરી મળી જ જશે અને આપણે બેનેફીટ છે કે ગર્લ્સ હોસ્ટેલમાંથી વૃંદા અને સોનાક્ષી અને બોયસ હોસ્ટેલમાંથી મયુર અને વિનય સિવાય આપણી કોલેજમાં કોઇ આવતુ નથી તો કોઇને ખબર નહી પડે કે આ લોકો ખોટુ બહાનુ કરે છે.” સમીરે કહ્યુ. “ઓ.કે. ગ્રેટ આઇડિયા પણ જરા સમજી વિચારીને બધુ કરજે. હોસ્ટેલમા જો કોઇને જરા પણ શક જશે તો બહુ મોટો ઇસ્યુ ઉભો થશે.” સોનક્ષીએ કહ્યુ. “હોસ્ટેલ વાળાનુ તો સમજાયુ પણ મારા પેરેન્ટસ મને એમ એકલીને કયાંય જવા દેશે નહિ. તેઓને કેમ સમજાવીશુ તે જરા વિચારો” દિવ્યાએ કહ્યુ. “તારા પેરેન્ટસને સમજાવવાનો એક બેસ્ટ આઇડિયા છે મારી પાસે” સોનાક્ષીએ કહ્યુ. “એ એમ કાંઇ આસાનીથી નહિ માને તુ એને ઓળખતી નથી. તે બધી વાતની પુરતી તપાસ કરશે અને પછી તેને યોગ્ય લાગશે તો જ હા કહેશે નહી તો ના પાડી દેશે.” “યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ કે અમે શું કરીએ છીએ.તારા પપ્પા તને હા જ કહેશે.” સોનાક્ષીએ કહ્યુ. પછી બધાને ઇશારાથી પાસે બોલાવી વર્તુળ કરીને ધીરેથી બધાને સમજાવી દીધા. બધા સોનાક્ષીનો આઇડિયા સાંભળીને એકદમ ખુશ થઇ ગયા. શનિવારે દિવ્યાના ઘરે જવાનુ નક્કી કર્યુ. સમીરે તો કહ્યુ તે પોતાના માતા પિતાને સમજાવી લેશે. હોસ્ટેલ પર મોકલવાના લેટર આજે જ ટાઇપ કરી લેવાનુ નક્કી કર્યુ. મિટિંગ પુરી થઇ એટલે વિનય સીધો જ લેટર ટાઇપ કરવા સાઇબર કાફેમાં ગયો ત્યાંથી તેના મિત્રને અમદાવાદ મેઇલ કરી દીધો અને તે જ અમદાવાદથી હોસ્ટેલમાં લેટર મોકલાવે એવુ કહ્યુ એટલે ડાઇરેકટ કોલેજની હેડ ઓફિસ અમદાવાદ છે અને ત્યાંથી જ લેટર આવ્યો છે એવુ લાગે અને કોઇને કાંઇ શંકા ન જાય. વિનયે મેઇલ કરી દીધો એટલે એકદમ ખુશ થઇ ગયો. બીજે દિવસે કોલેજ બ્રેકમાં બધા એકઠા થયા ત્યારે શું શું વસ્તુઓ સાથે લઇ જવી પડશે તેનુ લિસ્ટ બનાવવા લાગ્યા. હોકાયંત્ર, ટોર્ચ, નવા સેલ, જંગલમાં પહેરવાના ખાસ જુતા, મચ્છરને હટાવવાનો સ્પ્રે, તંબુ, ખાસ અણીદાર ચપ્પુઓ, લાયસન્સ વાળી ગન , મિર્ચી સ્પ્રે!!!!!!!!!!!!!!!!!! “મિર્ચી સ્પ્રે ! કેમ સોનુ મિર્ચી સ્પ્રે લખાવ્યો?” સમીરે પુછ્યુ “કોઇ પ્રાણી ઓંચિતા હુમલો કરવા આવે તો મિર્ચી સ્પ્રે મારી દઇએ તો બચવુ સહેલુ પડે” સોનાક્ષીએ કહ્યુ. “ અરે વાહ સોનુ ક્યા બાત હે વેલ ડન” દિવ્યાએ કહ્યુ. “એ ગાઇસ આ લાયસન્સ વાળી ગનનુ શુ કરશું?” મયુરે પુછ્યુ. “ડોન્ટ વરી ફ્રેન્ડસ મારા અંકલ ફૉજમાં હતા તેની પાસે ઘણી ગન છે. હુ બે-ત્રણ ગનનો એરેન્જ કરી લઇશ” વિનયે કહ્યુ. “ઓ.કે. બધુ નક્કી થઇ ગયુ. બધી વસ્તુની વ્યવસ્થા કરી લઇશુ કોઇને કાંઇ બીજુ યાદ આવે તો કહેજો ચાલો બ્રેક પુરી થઇ ગઇ.” વૃન્દાએ કહ્યુ. બધા લેકચરમાં ગયા ત્યારે સોનાક્ષી સમીરની સામેની બેંચ પર બેઠેલી હતી ત્યાં સમીરે તેને એક ચીઠ્ઠી પાસ કરી. સોનાક્ષીએ ચીઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં સાંજે પાંચ વાગ્યે કાફે હાઉસમાં મળવાનુ લખ્યુ હતુ. સોનાક્ષીએ તેની સામે જોઇને આંખથી સંમતિ આપી દીધી. સાંજે પાંચ વાગ્યે સોનાક્ષી સમીરને મળવા કાફે હાઉસમાં પહોંચી ગઇ. દર વખતની જેમ સમીર તેની રાહ જોતો હતો. બંન્ને એકબીજાને મળવા ખુબ જ આતુર રહેતા હતા. બંન્ને કોલેજમાં તો સાથે અભ્યાસ કરતા હતા પરંતુ ત્યાં કોઇ દિવસ તેઓ એકલા મળતા ન હતા હમેશા તેઓના ગ્રુપ સાથે જ મળતા હતા. આવી રીતે કોઇક વાર બહાર મળતા હતા. બંન્નેને ખબર હતી કે તેઓના પ્રેમ સંબંધની ખબર પડશે તો બંન્નેને સાથે ભણવા પણ નહી દે અને સાથે એક શહેરમાં પણ નહી રહેવા દે. તેથી તેઓ સાવ છુપાઇ છુપાઇને મળતા હતા. સોનાક્ષી આવી એટલે સમીરે કોફીનો ઓર્ડર આપી દીધો અને પછી બોલ્યો, “પેલા કંજુસ ચંબુએ આપણને બહુ મોટો મોકો આપી દીધો છે. એકબીજા સાથે પુરા એક વીક સુધી રહેવાનો મોકો! આઇ એમ વેરી એકસાઇટેડ”
“બટ સમીર મને ખુબ જ ડર લાગે છે. આપણે ત્યાં સાથે રહેશુ તો.................” અધુરૂ વાક્ય મુકીને સોનાક્ષીએ સમીર સામે જોયુ.
“ઓહ માય ડીયર જાન. તને મારા પર હજુ વિશ્વાસ નથી?? હુ તને પ્રેમ કરુ છુ તારા આત્માને. હું અત્યારે તારા શરીરને પામવાનો વિચાર નથી કરતો તારા શરીરનો રોમાંચ તો હુ લગ્ન માટે રિઝર્વ રાખીશ ડોન્ટ વરી. મારે તો બસ તારી સાથે રહેવુ છે. તારી સાથે સમય પસાર કરવો છે. તુ મને બહુ ગમે છે. તારા પર મારો જ અધિકાર છે અને મારા સિવાય તારા અને તારા શરીર પર બીજા કોઇનો હક નથી.” “થેન્કસ અ લોટ જાનુ. તારા પર વિશ્વાસ છે મને,ધેટસ વાઇ આઇ લવ યુ અ લોટ.”
“થેન્કસ એન્ડ આઇ લવ યુ ટુ. આપણે એક પુરા વીક સુધી સાથે રહેવાનુ છે તો હુ વધારેમાં વધારે સમય તારી સાથે વિતાવવા માંગુ છુ પરંતુ કોઇને શંકા ન પડે એ રીતે આપણે ટાઇમ સ્પેન્ડ કરવાનો છે. આપણા ગૃપમા પણ જો કોઇને આપણા સબંધ વિષે શક ગયો અને ભુલથી પણ આ વાત આપણા પરિવાર સુધી પહોંચશે તો આપણું તો આવી જ બનવાનુ છે અને આપણે બન્ને હંમેશા માટે દુર થઇ જ્શુ. “ડોન્ટ વરી, આપણા ફ્રેન્ડસ આપણને અને આપણા સબંધને સમજી શકે તેવા છે. મને તે બધા પર વિશ્વાસ છે કે તેઓ કોઇને પણ આ વાત ન જ કરે પરંતુ આપણે સાવધાની તો રાખવી જ પડશે. આપણા વિષે વધારે લોકોને ખબર ન પડે તે જ સારૂ છે.પરંતુ કેટલો સમય આમ છુપાઇ છુપાઇને મળશુ અને એકબીજાને પ્રેમ કરતા રહેશું? ક્યારેક તો આ બધી વાત આપણા પરિવાર સામે આવવાની જ છે ને?” સમીરે કહ્યુ. “તુ આવુ ન બોલ. મને તો પરિવારની વાત આવતા જ પગ ધ્રુજે છે. હું તો ક્યારેય મારા મમ્મી કે પાપાને આપણા વિષે વાત કરી શકુ તેમ નથી. એક જ ઉપાય છે કે આપણે કોઇને પણ ખબર ન પડે તેમ ઘર છોડીને ભાગી જવુ પડે બાકી બીજો કોઇ વિકલ્પ મને તો સુઝતો નથી. પણ આ બધી વાત અત્યારે જરૂરી નથી. પહેલા સ્ટડી કમ્પ્લીટ થાય અને કેરિયર સેટ થયા બાદ આ બધુ વિચારવાનુ છે.” સોનાક્ષીએ કહ્યુ. “સોનુ તુ કહે છે તેમ આ બધુ સહેલુ નથી, આપણે ભાગી જશુ તો તેઓ સામસામે લડીને એકબીજાના જીવના દુશ્મન બની જશે. તુ માને છે તેટલુ સહેલુ નથી.” સમીરે કહ્યુ. “લીવ ધેટ ટોપિક પ્લીઝ. જે થશે તે થશે પણ અત્યારથી આ બધુ ડીસ્કસ કરવાથી શું ફાયદો છે? કારણ વિના મગજ પર ટેન્શન લેવાનો શું ફાયદો? અત્યારે તો આપણે મળ્યા છીએ તો એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરીએ બાકી આગે આગે દેખા જાયેગા.” સોનાક્ષીએ આંખ મારતા સમીરને કહ્યુ.
બંન્ને ઘણીવાર સુધી સાથે રહ્યા અને અંધારુ થતા છુટા પડયા.
(5) શનિવારે સવારે દિવ્યા કોલેજે ગઇ હતી. પાછળથી તેના ઘરે એક ફોન આવ્યો, “હેલ્લો માધવી બહેન બોલે છે?.’’
‘’હા, હું માધવી જ બોલુ છું, તમે કોણ?’’ ’’માધવી બહેન હું વૃધ્ધાશ્રમ જામનગરથી બોલુ છું. તમે તમારી દિકરીનો આર્ટીકલ મોકલાવ્યો હતો તે ખૂબ જ સરસ છે.તેના અંતર્ગત મારે થોડું કામ છે.’’ “ઓહ, તમે વૃધ્ધાશ્રમથી બોલો છો. સરસ બોલો શું કામ છે?’’
“હું અહી આવી છું રાજકોટ, તો સાંજે તમને મળવા માંગુ છું તમે મળી શકશો?’’ “શ્યોર, બોલો ક્યા મળવાનું છે? એમ કરોને ઘરે જ આવી જાવ ને?’’ “ઓહ નો નો મારે થોડા કામ છે. ઇફ પોસીબલ પ્લીઝ તમે તમારી કોલોનીથી બહાર આવેલા મોલમાં આવી જશો સાંજે સાડા ચારે વાગ્યે?’’
“ઓ.કે. નો પ્રોબલેમ હું જરુરથી પહોચી જઇશ.’’
દિવ્યાના મમ્મી માધવીબહેન એક સોશીયલ વર્કર હતા.અને લેડીસ ચેમ્બર્સના પ્રમુખ હતા. તેઓ દિવ્યાને પણ સોશીયલ વર્ક માટે પ્રેરતા પરંતુ દિવ્યાને આવા બધા કામમાં કંટાળો આવતો હતો, છતાય ઘણી વાર મમ્મી માટે થોડુ કાર્ય કરવું પડતુ. આવો જ એક આર્ટીક્લ વૃધ્ધાશ્રમ માટે બનાવવો પડયો હતો. વૃધ્ધાશ્રમના કાર્ય અને સારા પાસા વિશે આર્ટીકલ દિવ્યા પાસે બનાવડાવી માઘવીબહેને મોકલાવ્યો હતો. તેના સંદર્ભે જ ફોન આવ્યો હતો. માધવીબહેન ખૂબ જ ખુશ હતા. તેની દિકરીએ લખેલા આર્ટીકલને સિલેક્ટ કર્યો હતો. તે સાડા ચાર વાગ્યે નક્કી કરેલા સ્થળે પહોંચી ગયા. રાખીબહેન તેની રાહ જોઇ રહ્યા હતા, “આવો,આવો માધવીબહેન’’ “હા રાખીબહેન તમને અહી જોઇને ખૂબ જ ખુશી થઇ.કેમ છો તમે? તમે ઘરે ન આવ્યા અને મને અહી બોલાવી એ ન ચાલે. આવો અમારા ઘરે ત્યાં જમવાનુ રાખજો અને ત્યાર બાદ આરામ કરી આપણે વાતો કરીશું.’’ માધવીબહેને કહ્યુ.
“હું તો મજામા છું અને રહી વાત તમારા ઘરની તો આજે તો મારે બીજા ઘણા કામ છે તો પછી ક્યારેક વાત. હું ચોક્કસ તમારા ઘરે આવીશ ને જમવાનો પ્રોગ્રામ પણ રાખીશ. બીજુ કહુ તો તમારી દિવ્યાનુ લખાણ ખૂબ જ પરફેક્ટ છે. જો તમારી ઇચ્છા હોય તો દિવ્યાને અમે અમારા વૃધ્ધાશ્રમમાં લઇ જવા માંગીએ છીએ તે થોડા દિવસ ત્યાં રહે તો અમે અમારું કાર્ય અને ત્યાંનુ વાતાવરણ જોઇ લે તેના વિશે સરસ લખી દે તો અમે ટ્રસ્ટી મંડળ અને ફાળા માટે તેનો ઉપયોગ કરી શકીએ.’’ “અરે વાહ તેમા પુછવાની જરૂર જ નથી બહેન, તમારા જેવી સારું કાર્ય કરતી સંસ્થાને અમે કાંઇ ઉપયોગી બની શકીએ એ અમારા માટે ગૌરવની વાત છે. શ્યોર દિવ્યા તમારી સાથે આવશે.”
“થેન્ક્સ અ લોટ માધવીબહેન. મને તમારા આટલા ઝડપી નીર્ણયની અપેક્ષા ન હતી. છતા પણ એક વખત તમારે દિવ્યાને પુછવુ હોય તો પુછી લો અને તેની પણ મરજી જાણી લો. તેની સાથે ચર્ચા વિચારણા બાદ મને કોલ કરજો.” રાખીબહેને પોતાનુ કાર્ડ આપતા કહ્યુ. “ઓ.કે. હું ઘરે જઇ તેની સાથે ચર્ચા કરી લઉ છું પણ એક વાત તો નક્કી જ છે કે તે આવશે જ તમારી સાથે. હું તેને સમજાવીશ અને હા તમારે ક્યારે નીકળવાનુ છે?” માધવીબહેને પુછ્યુ.
“આજે શનિવાર છે, અમે કાલે રાત્રે નીકળવાના છીએ. જો દિવ્યા આવવા માટે રાજી હોય તો તમે મને કોલ કરજો એટલે હું તમને અમે ક્યારે અને કઇ બસમા જવાના છીએ તે તમને કહીશ.” રાખીબહેને કહ્યુ. “ઓ.કે. બહેન હું તમને ફોન કરુ છું અને અહી રોકાવાના હોવ તો આજે રાત્રે ડિનર મારા ઘરે કરવાનુ રાખો. મને અને મારા પરિવારને તમારી સાથે બહુ આનંદ આવશે.” માધવીબહેને કહ્યુ. “તમારા આમંત્રણને હું માન આપુ છું પણ મારે હજુ થોડુ કામ છે અને અહી મારી બહેન પણ રહે છે તો તેને મળવા ત્યાં પણ જવાનુ છે અને ત્યાં જ મારુ રોકાણ ફિક્સ છે. ચલો હું નીકળુ હવે. તમારા ફોનની રાહ જોઇશ.” રાખીબહેન બોલ્યા. “ઓ.કે. રાખીબહેન હું ઘરે પહોંચી દિવ્યા સાથે વાત કરી તમને કોલ કરુ છું.” માધવીબહેન બોલ્યા અને પછી બન્ને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. માધવીબહેને રાખીબહેનને દિવ્યાને સાથે મોકલવાની હા તો કહી દીધી પણ તેમને ખબર જ હતી કે દિવ્યાને આ વાત જરા પણ નહી ગમે અને તેને જામનગર વૃધ્ધાશ્રમમા જવા માટે મનાવવી બહુ મુશ્કેલ છે. તેને કેમ મનાવવી તે વિચારે તે ઘરે પહોચ્યા. ઘરે જઇ દિવ્યાને બોલાવી. તેણે દિવ્યાને બધી વાત કરી અને જામનગર વૃધ્ધાશ્રમમાં એક વીક રોકાવાના નામથી જ દિવ્યા ભડકી ઉઠી અને કહ્યુ, “મમ્મી તને તો ખબર જ છે કે મારે કોલેજ ચાલુ છે અને ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને તને ખબર જ છે કે મને આ બધુ ગમતુ નથી છતા પણ તું કેમ મને આ સોશિયલ કામ માટે કહે છે?”
“બેટા મે રાખીબહેનને પ્રોમિસ આપી દીધુ છે કે તુ જામનગર તેમની સાથે એક વીક માટે જઇશ અને વૃધ્ધાશ્રમમાં રહીને ત્યાંના લોકો સાથે રહી તેની દિનચર્યા અને તેમના રોજબરોજના કાર્યો વિષે લખાણ કરીશ અને હવે જો તુ ના કહે તો મારી શું ઇજ્જત રહેશે તેમની સામે?” માધવીબહેને કહ્યુ. “પણ મમ્મી, તું પણ કેમ સમજતી નથી? મારી પણ કાંઇક લાઇફ હોય ને?” દિવ્યાએ દલીલ કરતા જવાબ આપ્યો. “બેટા,ધીસ ઇઝ લાસ્ટ ટાઇમ. પછી ક્યારેય હું તને પુછ્યા વિના કોઇ સાથે પ્લાન ફિક્સ નહી કરુ પણ આ વખતે મારી ખાતર તું માની જા. ખોટી જીદ ન કર પ્લીઝ.” માધવીબહેને વિનંતી કરતા કહ્યુ. “ઠીક છે મમ્મી તુ કહે છે તો હું માની જાઉ છું પણ આ છેલ્લી વખત ઓ.કે.?” દિવ્યાએ મોઢુ બગાડતા કહ્યુ. “થેન્ક્સ બેટા થેન્ક્સ અ લોટ. હું હમણા જ રાખીબહેનને ફોન કરી કહી દઉ છું તુ તારે જરૂરિયાત મુજબ સામાન પેક કરવાનુ શરૂ કરી દેજે.” માધવીબહેન જતા જતા આનંદમા આવતા બોલ્યા અને રાખીબહેનને ફોન કરવા જતા રહ્યા. આ બાજુ દિવ્યા તેની બેગ પેક કરવા લાગે છે અને જરૂરી બધી વસ્તુઓ યાદ કરીને ભેગી કરવા લાગે છે. “હેલ્લો રાખીબહેન, માધવી બોલુ છું. એક ગુડ ન્યુઝ છે કે દિવ્યા તમારી સાથે આવવા માટે માની ગઇ છે. આવતી કાલનો તમારો પ્લાન શું છે તે મને કહો એટલે તે મુજબ હું દિવ્યાને ત્યાં મુકવા આવી જઉ.” માધવીબહેન બોલ્યા.
“વાહ, સરસ વાત કરી તમે તો માધવીબહેન, કાલે અમે રાત્રે ૧૦ વાગ્યે શ્રીનાથ ટ્રાવેલ્સમા નીકળવાના છીએ તો તમે ૧૦ વાગ્યા પહેલા દિવ્યાને ત્યાં મોકલી દેજો. હું ત્યાં જ હોઇશ.” રાખીબહેને કહ્યુ. “ઓ.કે. પાકુ બહેન, હું ખુદ તેને મુકવા આવીશ.તમને પણ એ બહાને મળી લઇશ.” માધવીબહેને કહ્યુ. “ઠીક છે બહેન તો કાલે આપણે ૯.૩૦ વાગ્યે ટ્રાવેલ્સ ઓફિસે મળીએ.” રાખીબહેને કહ્યુ અને પછી ફોન કટ કરી દીધો. બીજે દિવસે સવારે બધા મિત્રોએ ફોન પર વાત કરી નક્કી કર્યા મુજબ રાત્રે મળવાનુ ડીસાઇડ કરી લીધુ અને જરૂરી તમામ વસ્તુઓ પણ ભુલ્યા વિના સાથે લઇ લેવાનું નક્કી કરી લીધુ. રાત્રે ૯.૦૦ વાગ્યે જ મયુર સમીર વિનય સોનાક્ષી અને વૃંદા બધા ટ્રાવેલ્સ ઓફિસ આવી ગયા.
સોનાક્ષીએ દિવ્યાને વોટ્સ અપમા મેસેજ કરી અપડેટ મેળવી લીધા કે તે રસ્તામા જ છે અને હમણા બસ ૧૦ થી ૧૫ મિનિટમા પહોંચી જશે. “આવો આવો માધવીબહેન, નમસ્તે દિવ્યા બેટા. કેમ છે તને?” રાખીબહેન બોલ્યા.
“આઇ એમ ફાઇન આન્ટી.” દિવ્યાએ જસ્ટ ફોર્માલીટી ખાતર જવાબ આપી દીધો. “માધવીબહેન તમારો આભાર કે તમે તમારી દીકરીને અમારી સાથે મોકલી રહ્યા છો. તમે તેની બીલકુલ ચિંતા ન કરજો. તે મારી જ દીકરી છે તેમ માની હું તેને મારી સાથે રાખીશ.” રાખીબહેને કહ્યુ. “મને તમારા પર વિશ્વાસ છે એટલે જ તમારી સાથે મોકલી રહી છું.” માધવીબહેન બોલ્યા. “ખુબ સરસ. તમારે નીકળવુ હોય તો નીકળો. બસ ૩૦ મિનિટ લેટ છે તો રાહ જોવી પડશે ત્યાં સુધીમા હું અને દિવ્યા બન્ને એકબીજા સાથે વાતો કરી એકબીજાને જાણવાનો પ્રયત્ન કરીશું” રાખીબહેને કહ્યુ. “આ આઇડિયા સારો છે રાખીબહેન. ચલો બેટા હું નીકળું છું. ટેઇક કેર ઓફ યોર સેલ્ફ. બાય બેટા.” માધવીબહેને દિવ્યા અને રાખીબહેનને ગુડ બાય વીશ કર્યુ અને તેઓ નીકળી ગયા.....
માધવીબહેન તો દિવ્યાને મુકીને જતા રહ્યા. શુ બધા વડોદરા પહોંચી શકશે?
“ચલો બેટા, આપણી જામનગર જવાની બસ આવી ચુકી છે. તારો સામાન લઇ લે આપણે બસમા બેસી વાતો કરીએ.” રાખીબહેને કહ્યુ. “હા રાખીઆન્ટી, ચલો.” આટલુ બોલતા તો રાખીબહેન અને દિવ્યા બન્ને ખડખડાટ હસી પડી અને સોનાક્ષી કે જે વીગ પહેરી અને રાખીબહેન બનીને આવી હતી તેણે પોતાની વીગ દૂર કરી નાખી. બન્ને હસતી હોય છે ત્યાં જ બાકીના મિત્રો આવી જાય છે. “કેમ રાખી આન્ટી જવુ છે ને જામનગર?” મયુરે મજાક કરતા કહ્યુ. “હા બેટા, ચલો બસ આપણી જ રાહ જોતી હોય તેમ લાગે છે.” સોનાક્ષીએ હસતા હસતા કહ્યુ. “પણ આ બધુ સાડી પહેરી છે તે તારે ચેન્જ નહી કરવી? કે પછી રાખીબહેનના રોલમા પુરેપુરી સમાઇ ચુકી છે તુ સોનુ?” વૃંદાએ કહ્યુ. “અરે હવે અત્યારે ક્યાં ચેન્જ કરું? બરોડા હોટેલ પહોચીને ચેન્જ કરીશ હું. હવે ચલો બસમા બેસો જલ્દી નહી તો અહી કોઇ ઓળખીતુ આવી જશે તો પ્રોબ્લેમ થઇ જશે.” સમીરે કહ્યુ. “હા ચાલો ચાલો, ફટાફટ બેસો. બસ ઉપડવાનો સમય થઇ રહ્યો છે.” વિનયે કહ્યુ અને બધા સાથે બસમા બેસી ગયા. “સોનુ રીઅલી બહુ ગજબની ડ્રામેબાજ છે તુ. મારા મમ્મી બહુ હોંશીયાર છે. તે કોઇની વાતમા આમ આસાનીથી ફસાઇ જાય તેવા નથી પણ તારી એક્ટીંગ તો ખરેખર કમાલ છે. માની ગઇ હો તને હું.” દિવ્યાએ કહ્યુ. “અરે યાર,મે તને કહ્યુ હતુ ને કે તારા મમ્મી ખુદ તને મુકવા આવશે, અને મે તારી પાસેથી સાંભળ્યુ હતુ કે આન્ટી તારી પાસે આવા સોશિયલ કામો કરાવતા રહે છે તો આ આઇડીયા માર્યો.” સોનાક્ષીએ કહ્યુ. “હે ગાઇઝ,તમે બધા કેમ ચુપચાપ છો? કાંઇ બોલતા નથી?” વૃંદાએ કહ્યુ. “નહી બસ બરોડા પહોંચી હોટેલમા રહેવાનુ છે તો ઓનલાઇન બુકીંગ કરતા હતા અમે. બે રૂમ બુક કરાવ્યા છે હોટેલ શનસાઇન પેલેસમા. હુ મસ્ત હોટેલ છે. આપણે ત્યાં મજા આવશે. કાલે સવારે આપણે હોટેલ પહોંચી જશુ અને હોટેલ જઇ ફ્રેશ થઇ થોડુ હરી ફરી અને પછી આપણે તે બંગલે જવા નીકળશું. બરોબર ને?” મયુરે કહ્યુ. “યા પરફેક્ટ. સારુ થયુ તે હોટેલ બુક કરાવી લીધી. પછી ત્યાં પહોંચી આપણે ક્યાં હેરાન થવું?” સોનાક્ષીએ કહ્યુ. “હેય ફ્રેન્ડસ, હવે બધા આરામ કરવાનુ વિચારો. વાતો કરવા માટે આપણી પાસે એક વીક છે.” સમીરે સુજાવ આપ્યો. “યા રાઇટ, મને પણ ઊંઘ આવે છે” સોનાક્ષીએ કહ્યુ. બસ સ્લીપીંગ હતી તો એક શીટમા મયુર અને વિનય બીજી શીટમા વૃંદા અને સોનાક્ષી અને સિંગલ શીટમા સમીર અને બીજી સિંગલ શીટમા દિવ્યા આ રીતે બધા સુવાની તૈયારી કરવા લાગ્યા. મધરાતે ઓચિંતી જ દિવ્યા સફાળી જાગી ગઇ અને તેને અચાનક ખુબ જ પસીનો વળવા લાગ્યો. આજુબાજુ જોયુ તો કોઇ હતુ નહી. બધા આરામથી સુતા હતા. તે મનોમન વિચારવા લાગી કે બસમા તો કોઇ જાગતુ નથી તો મને એમ કેમ ફીલ થયુ કે કોઇ મને પકડીને મારુ ગળુ દબાવી રહ્યુ હોય? તે બહુ ડરવા લાગી. તેણે તરત જ સોનુ અને વૃંદાને જગાડી બધી વાત કરી. “અરે દિવ્યા તુ શું કામ ડરે છે? કોઇ સપનુ આવ્યુ હશે તને. હવે તુ સુઇ જા. એક તો બસમા ઊંઘ આવતી નથી અને હજુ ઊંઘ આવી ત્યાં તે જગાડી દીધી મને. જસ્ટ ચીલ બેબી.” વૃંદાએ કહ્યુ. “હું ત્યાં શીટ પર એકલી નહી સુવા જઉ. મને પણ અહી સુવા દે તમારી સાથે. મને ત્યાં એકલીને બીક લાગે છે.” દિવ્યાએ કહ્યુ. “ઠીક છે દિવ્યા. એક કામ કર તું અહી આવતી રે સુવા માટે. હું ત્યાં સુઇ જાઉ છું અને મનમાંથી ખોટા વિચાર કાઢીને આરામ કર. ડોન્ટ વરી એટ ઓલ.” સોનાક્ષીએ કહ્યુ.
સોનાક્ષી અને દિવ્યાએ જગ્યા ચેન્જ કરી લીધી અને દિવ્યા ડરતા મને સુવાની કોશિષ કરવા લાગી. થોડી વાર પછી ઓચિંતુ જ સોનાક્ષીની સાડીનો છેડો કોઇકે ખેચ્યો હોય તેમ લાગ્યુ અને તે પણ સફાળી જાગી ગઇ. તેણે આજુબાજુ જોઇ લીધુ પણ કોઇ દેખાયુ નહી એટલે મનનો વહેમ સમજી તે સુઇ ગઇ.
અચાનક જ કોઇકે સોનાક્ષીનો હાથ પકડી લીધો અને સોનાક્ષી ચોંકી ગઇ તે હજુ કાંઇ બોલવા જાય ત્યાં તેના મોઢા પર સમીરે હાથ રાખી દીધો અને બોલ્યો જાનુ હું છું તારો સમીર.” સમીરે કહ્યુ. “બદમાશ મારો જીવ અધ્ધર કરી દીધો. શું કામ મસ્તી કરે છે મારી સાથે અને દિવ્યા સાથે?” સોનાક્ષી બોલી. “તારી સાથે તો સમજાયુ પણ દિવ્યા સાથે મે શું કર્યુ? જરા સમજાવ મને.” સમીરે કહ્યુ.
દિવ્યાએ સમીરને બધી વાત કરી પણ સમીરે કહ્યુ , “મે કાંઇ દિવ્યા સાથે મસ્તી કરી નથી. હું તો બસ તારી સાથે મસ્તી કરવાના મુડમા છું,દિવ્યા સાથે નહી તેમ કહી સોનાક્ષીને બાહોમા લેવા જતો હતો ત્યાં સોનાક્ષીએ તેને ધક્કો માર્યો. “બદમાશ બસમા છીએ આપણે, જરા તો શરમ કર. કોઇ જાગી ગયુ અને જોઇ જશે તો પ્રોબ્લેમ થશે. તને પણ અત્યારે મધરાતે આવા ચેન ચાળા સુજે છે. જરાક તો સમય અને સ્થળનો વિચાર કર.” સોનાક્ષીએ મજાકમા કહ્યુ. “જાનુ સમય અને સ્થળ બન્ને આપણી ફેવરમા જ છે. મૌકા ભી હે ઔર દસ્તુર ભી હૈ, તો ક્યુ ના ઇસ મૌકે કા ફાયદા ઉઠાયા જાયે? એકાંત છે તો તેનો લાભ તો ઉઠાવવો જ જોઇએ ને? અને અત્યારે કોઇ જાગશે નહી. એકવાર હગ તો કરવા દે આટલોતો મને હક છે ને? કાંઇ તને ખાઇ નહી જાંઉ.” સમીરે કહ્યુ. “તુ પણ બહુ તોફાની છો હો.” હસતા હસતા સોનાક્ષી સમીરને ભેટી પડી અને સમીરે તેને આલીંગનમા લઇ લીધી અને સમીરે સોનાક્ષીને ગાલ પર હળવુ ચુંબન કર્યુ અને તેને પોતાના બાહુપાસમા જકડી લીધી. થોડી વાર પછી બન્નેને સમયનો એહસાસ થતા સમીર સોનાક્ષીને ગુડ નાઇટ વીશ કરી તેની જગ્યાએ જતો રહ્યો અને સોનાક્ષીએ તેને ફ્લાઇંગ કીસ આપી ગુડ નાઇટ વીશ કરી એ પણ સુઇ ગઇ.
(6) “હાશ બરોડા પહોંચી ગયા. મયુર હવે જલ્દી હોટેલ જઇએ. મને તો બસમા ઉંઘ જ નથી આવી આખી રાત.” દિવ્યાએ કહ્યુ. “કેમ શું થયુ હતુ દિવ્યા? રાત્રે સપનામાં ભુત મહારાજના દર્શન થઇ ગયા હતા કે શું? વિનયે મજાક કરતા કહ્યુ. “અરે ના એવુ કાંઇ નથી પણ બસમા મને ઉંઘ જ બહુ ન આવે તો જરા થાકી ગઇ છું” દિવ્યાએ કહ્યુ. “હા યાર ચાલો હોટેલ. આખી રાત આ ભારેખમ સાડી પહેરી છે તો હું પણ કંટાળી ગઇ છું. આ દિવ્યાના મમ્મીને મનાવવામા બહુ મહેનત કરવી પડી છે.” સોનાક્ષીએ કહ્યુ. બધા સોનાક્ષીની વાત સાંભળી હસી પડયા. બધા રીક્ષામા બેસી હોટેલ પહોંચે છે અને તેણે અગાઉથી બુક કરાવેલા રૂમમા ચેક ઇન કરે છે. રાત્રીના બસમા મુસાફરીના કારણે બધા થાકી ગયા હતા એટલે આરામ કરી સાંજે નીકળવાનુ નક્કી કર્યુ. કશ્યપે બધાના મોબાઇલ પર બંગલાનુ પરફેક્ટ લોકેશન અને ત્યાં કેવી રીતે પહોંચવુ તે મોકલી આપ્યુ હતુ. સાથે સાથે નીકળતા પહેલા કશ્યપ સાથે એવુ નક્કી થયુ હતુ કે દરરોજ સવારે આ લોકોએ તેને મેસેજ કરી દેવાનો કે તેઓ બધા સુરક્ષીત છે અને તેમને કોઇ ખતરો નથી અને જરા પણ ખતરો કે મુશીબત જેવુ લાગે તો કશ્યપને જાણ કરી દેવાની જેથી તે સુરક્ષા ટીમ સાથે આ લોકોની મદદે આવી શકે. કશ્યપે ટીમને મદદની વાત કરી તો દીધી પણ તે ઇર્ષાળુ હતો અને તે ઇચ્છતો હતો કે આ સમગ્ર ટીમ હેરાન થાય. તેથી જાણી જોઇને તેઓને આ રીતે વાત કરી હતી, કશ્યપ જાણતો હતો કે ટીમનો કોઇ પણ મેમ્બર તેની હેલ્પ લેશે તો તેમનો અહમ ઘવાશે અને તેઓ પોતાના વટ ખાતર કશ્ય્પની હેલ્પ તો ક્યારેય પણ નહી માંગે અને સાચે બન્યુ પણ એવુ જ. બરોડા હોટેલ પર પહોંચી ગયા બાદ મયુરે કહ્યુ, “વિનય મારા ફોનમા તો બેટરી નથી, તારા ફોનમા બેટરી હોય તો જરા પહેલા ચંબુને ફોન કરી દે કે આપણે બધા અહી પહોંચી ગયા છીએ અને સાંજ પડ્યે જંગલના બંગલે પહોંચી જશુ. “એ સાલાને ફોન કરવાની શું જરૂર છે? એક વીક બાદ સીધા કોલેજમા જશુ તેની પાસે પાર્ટી લેવા માટે” સમીરે કહ્યુ. “કરવા દે ને ફોન યાર. તેને પણ ખબર પડે ને કે તેની વાતમા કોઇ દમ નથી અને આપણે બધા અહી મસ્ત એન્જોય કરી રહ્યા છીએ.” દિવ્યાએ કહ્યુ.
“ઓ.કે. હુ ફોન કરુ છું. તમે લોકો આરામ કરો. આપણે સાંજ પડ્યે ત્યાં બંગલે જવા નીકળશું.” વિનય ફોન કરવા બહાર નીકળ્યો અને ગર્લ્સ તેના રૂમમા જતી રહી. બે રૂમ એક વીક માટે જ બુક કરાવ્યા હતા. તેઓએ નક્કી કર્યુ હતુ કે બે ચાર દિવસ બંગલે રહ્યા બાદ બરોડા પરત આવી મસ્ત ટ્રીપ એન્જોય કરશે. રૂમમા એક ડબલ બેડ અને એક એક સિંગલ બેડ હતો અને સોફા પણ હતા. વિનય અને મયુર બન્ને ડબલ બેડ પર સુતા અને સમીર સોફા પર જરા આડો પડ્યો. થોડી વારમા જ વિનય અને મયુર તો થાકને કારણે સુઇ ગયા. સમીરને તો ઉંઘ આવતી ન હતી તો તેણે સોનાક્ષીને મેસેજ કર્યો કે તે બહાર આવે. બન્નેએ રાત્રે બસમા જ નક્કી કરી લીધુ હતુ કે બસમા તેઓ આરામ કરશે અને હોટેલ પહોંચી બધા સુઇ ગયા બાદ બન્ને બહાર મળશે. સોનાક્ષીએ મેસેજ વાંચ્યા બાદ ઓ.કે. નો રીપ્લાય આપી બહાર આવી ત્યાં સામે જ રૂમની બહાર ઉભો સમીર તેની રાહ જોઇ રહ્યો હતો. તેઓ બન્ને એકબીજાને જોઇ હસી પડ્યા કેમ કે બન્ને ઉત્સાહમાં બહાર તો આવી ગયા પણ બન્નેની હાલત જોઇ લાગતુ હતુ કે બે માંથી એકે પણ બ્રશ પણ કર્યુ નથી અને નહાયા પણ નથી અને વીખરાયેલા વાળ સાથે બન્ને એકબીજાને મળવા બહાર દોડી આવ્યા. બન્ને ફરી રૂમમા જઇ ફ્રેશ થઇ બહાર આવ્યા અને નીચે હોટેલમા જઇ કોફી અને નાસ્તો મંગાવ્યા. “આ બધા ઉંઘણશીઓ તો બપોર સુધી ઉંઘતા જ રહેવાના છે તો ચાલને આપણે બન્ને ક્યાંક બહાર ફરવા જઇએ.” સમીરે કહ્યુ. “ના યાર થાકી જઇશુ. વળી રાત્રે પેલા બંગલે પણ પહોંચવાનુ છે અને કોઇ જાગી જશે અને આપણને નહી જુએ તો ફોન કરશે. એક કામ કર આપણે નાસ્તો કરી બાદમા હોટેલમાં પાછળ આવેલા બગિચામા બેસીએ." સોનાક્ષીએ કહ્યુ. “ગુડ આઇડિયા જાનુ. ફરવા તો બધા ફ્રેન્ડ્સ સાથે જવાનુ જ છે તારી સાથે તો મારે નિરાંતે બેસીને મન ભરીને વાતો કરવી છે.” સમીરે કહ્યુ. “થેન્ક્સ આપણે આવો ગોલ્ડન ટાઇમ મળ્યો છે તો મન ભરીને તેને માણીએ ફરી આવો સમય મળશે કે નહી તેની કાંઇ ખબર જ નથી. તેના કરતા આ સમયનો આપણે સદુપયોગ કરીએ.” સોનાક્ષીએ કહ્યુ. “તુ વિશ્વાસ રાખ, આપણે તો લાઇફ ટાઇમ સાથે જ રહેવાનુ છે.” સમીરે કહ્યુ. “યા ડીઅર, આઇ વીશ કે આમ જ બને.” સોનાક્ષીએ કહ્યુ. બન્ને નાસ્તો કરી પાછળ આવેલા પાર્કમા ગયા. પહેલી વખત બન્ને એકબીજાના હાથ પકડી તેઓ પાર્કમા નીકળ્યા. થોડીવાર વાતો કરી ત્યાં સોનાક્ષીનો ફોન વાગ્યો. ફોન રીસીવ કરતા જ વૃંદા બોલી , “ક્યાં છે સોનાક્ષી યાર તું? અમે તો તને શોધી રહ્યા છીએ. આર યુ ઓલ રાઇટ?” “યા આઇ એમ ઓલ રાઇટ. બસ હું રૂમમા જ આવુ છું. ઉંઘ આવતી ન હતી તો જરા બહાર આવી હતી.” સોનાક્ષીએ કહ્યુ. “યા આવી જા. અમે જાગી ગયા છીએ. એન્ડ બાઇ ધ વે મયુરે કહ્યુ કે સમીર પણ રૂમમા નથી. એ તારી સાથે છે કે શું?” વૃંદાએ પુછ્યુ. “હા, તે પણ મને અહી નીચે મળી ગયો હતો. કોફી પીતો હતો તેણે મને આગ્રહ કરી બેસવા કહ્યુ. અમે બન્ને આવીએ જ છીએ.” સોનાક્ષીએ કહ્યુ. “યુ બોથ આર વેરી નૉટી, બન્ને એકલતાનો મોકો શોધી જ લો છો. મને ખબર જ હતી કે તમે બન્ને સાથે જ હશો.” વૃંદાએ ધીરેથી કહ્યુ “બસ કર ચાપલી, હું આવુ જ છું” સોનાક્ષીએ હસતા હસતા ફોન કટ કર્યો આટલી વારમા બધા ઉઠી ગયા. આપણે સાથે રહેવાનો ચાન્સ પણ ન મળ્યો.” સોનાક્ષીએ ઉદાસ સ્વરે કહ્યુ. “આટલી વાર નથી થઇ મેડમ જરા ઘડિયાળમાં જુઓ અગિયાર વાગી ચુક્યા છે.” સમીરે હસતા હસતા કહ્યુ. “તારી સાથે સમયનું ક્યાં ભાન રહે છે મને? આઇ લવ યુ સો મચ સમીર” કહેતા સોનાક્ષીએ સમીરને ગાલ પર ચુંબન કર્યુ અને સમીરનો હાથ પકડી તેને ઉભો કરવા લાગી. સોનાક્ષીના ઓચિંતા ચુંબનથી સમીરને સુખદ આશ્ચર્ય થયુ. તે હોટેલ જવા માટે ઉભો તો થયો પણ જવા માટે તેનુ મન જરા પણ માનતુ ન હતુ. “ચાલ હવે ફટાફટ, બધા રાહ જોતા હશે.” સોનાક્ષીએ તેનો હાથ ખેચ્યો. “તારો સાથ છોડવાનુ મન જરા પણ થતુ નથી.” સમીરે કહ્યુ.
“જવુ તો પડશે જ. હજુ તો એક વીક સાથે જ રહેવાનુ છે આપણે જાનુ." સોનાક્ષીએ કહ્યુ અને બન્ને હોટેલ રૂમ તરફ જવા નીકળ્યા. બન્ને પોતપોતાના રૂમમા ગયા. ગર્લ્સ તો તૈયાર થતી હતી. આ બાજુ બોયઝ રેડી થઇ ગયા હતા ત્યાં સમીર રૂમમા આવ્યો ત્યાં મયુરે કોમેન્ટ મારી , “શું સમીર ક્યાં ચાલ્યો ગયો હતો?” “અરે યાર નીચે ગયો હતો કોફી પીવા માટે. તમે બન્ને ઉંઘતા હતા તો એકલો જતો રહ્યો.” સમીરે જવાબ આપ્યો. “ગયો હતો એકલો અને આવ્યા તમે બન્ને સાથે, એ કાંઇ સમજાયુ નહી મને.” વિનયે કહ્યુ. “અરે યાર અમે બન્ને જસ્ટ અચાનક જ ભેગા થઇ ગયા તો મે સોનાક્ષીને કોફી પીવા બોલાવી હતી.” સમીરે જવાબ આપ્યો. “અરે મે ક્યાં સોનાક્ષીની વાત કરી? મને તો ખબર પણ નથી કે સોનાક્ષી તારી સાથે હતી.” મયુરે હસવા લાગ્યો. “હવે મજાક બંધ કર અને તારુ કામ કર ચાલ. હું રેડી થઇ જાંઉ છુ." સમીરે કહ્યુ અને બાથરૂમમા જતો રહ્યો. “તમે લોકો ફટાફટ રેડી થઇ નીચે આવજો. અમે લંચ માટે ઓર્ડર આપીએ છીએ. દસ મિનિટમા નીચે આવી જાઓ.” મયુરે ગર્લ્સના રૂમને નોક કરતા કહ્યુ. “ઓ.કે. અમે આવીએ છીએ, તમે જાઓ.” દિવ્યાએ જવાબ આપ્યો. વિનય મયુર અને સમીર નીચે જઇ લંચનો ઓર્ડર આપ્યો. ગર્લ્સ આવી ત્યાં સુધીમા લંચ પણ આવી ગયુ. “હે ગાઇઝ, જંગલમા જવાનુ શું નક્કી કર્યુ છે?” વૃંદાએ પુછ્યુ. “રહેવા દો ને જંગલમા જવાનુ. બરોડા આવ્યા છીએ તો અહી હરીએ ફરીએ અને મોજ કરીએ. પેલા ચંબુને ક્યાં ખબર પડવાની છે?” મયુરે કહ્યુ. “અરે યાર, હવે આવ્યા છીએ તો ચેલેન્જ પુરી કરી જ લઇએ.” સમીરે કહ્યુ.
(7) ઓ,કે, તો હવે ક્યારે અને કેવી રીતે નીકળશું તે બાબતે કાંઇ વિચાર્યુ છે કે નહી?” સોનાક્ષીએ પુછ્યુ. “અત્યારે તો બહુ તડકો છે. સાંજ પડ્યે ઓછો તડકો થાય ત્યારે જઇએ. અહીથી આસપાસમાંથી એક ટેક્સી બુક કરાવી આપણે ત્યાં પહોંચી જશુ. બોલો સારો આઇડિયા છે કે નહી?” મયુરે સુજાવ આપતા કહ્યુ. “આઇડિયા તો સારો છે પણ સાંજ સુધી શું કરશું આપણે બધા?” દિવ્યાએ પુછ્યુ. “યાર અહી નજીકમા જ એક મોલ છે, ત્યાં જઇએ અને હરીએ ફરીએ અને જો કોઇ સારુ ફિલ્મ હશે તો ફિલ્મ જોશું.” મયુરે કહ્યુ. “યા ધેટ્સ અ ગ્રેટ આઇડિયા. તો બધા રેડી છો ને?” સમીરે કહ્યુ. “હા પણ ક્યારે નીકળશું આપણે?” સોનાક્ષી બોલી. “ફિલ્મનો શૉ ૧.૩૦ વાગ્યાનો છે. અત્યારે ૧૨.૦૦ વાગવા આવ્યા છે. લંચ કરીને નીકળીએ ત્યાં થોડુ ફરશું પછી ફિલ્મ જોશું” મયુરે કહ્યુ. વેરી ગુડ. તો ડન આપણે બધા લંચ કરીને પછી મોલમા જઇએ.” વૃંદાએ કહ્યુ. “ફિલ્મ ૪.૩૦ વાગ્યે પુરુ થઇ જશે. તો ફરી હોટેલ પર આવીને જરૂરી સામાન લઇ આપણે જંગલ તરફ નીકળી જશું” મયુરે કહ્યુ. જમ્યા બાદ બધા ફટાફટ તૈયાર થઇ મોલમા ગયા અને ફિલ્મની ટીકીટ મળી ગઇ તો બધા ન્યુ અરાઇવલ ફિલ્મ “એર લીફ્ટ” જોવા ગયા. આ બાજુ કશ્યપના મનમાંથી વિચારો જતા જ ન હતા. તેને સતત એ વાતનો ડર હતો કે જો જંગલમા કાંઇ વધુ ગરબડ થઇ જશે અને આ બધા પ્રકરણમા પોતાનુ નામ ખુલશે તો પોલીસના ચક્કરમા ફસાઇ જશે પણ હવે તો તેનાથી કંઇ થઇ શકે તેમ ન હતુ. તીર કમાનમાંથી નીકળી ગયુ હતુ. આખી ટોળકી તો બરોડા પહોંચી ગઇ હતી. હવે તો બસ સમયને પસાર થવા દેવા સિવાય કોઇ છુટકો ન હતો. ફિલ્મ પુરી થયા બાદ બધા થોડી વાર મોલમા હર્યા ફર્યા બાદ મયુરે કશ્યપને ફોન કર્યો કે તેઓ બધા હવે જંગલમા જવા નીકળી રહ્યા છે. કશ્યપે તેને ખુબ મનાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કોઇ કશ્યપનું માને તેમ ન હતા. બીજે દિવસે સવારે બધા સ્વસ્થ છે તેવો મેસેજ કે ફોન આવવાની રાહ કશ્યપ જોવા લાગ્યો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે બધા સહી સલામત રહે અને કોઇ મોટો ઇસ્યુ ન બને. બીજા દિવસે સવારે ન તો કોઇ નો ફોન આવ્યો કે ન મેસેજ આવ્યો માટે કશ્યપને ચિંતા થવા લાગી પરંતુ કોલેજનો સમય થઇ ગયો હતો માટે કશ્યપ કોલેજ જવા રવાના થઇ ગયો. બે લેક્ચર બાદ બ્રેકમા ફોન કરવાનુ નક્કી કર્યુ પણ બ્રેકમા ફોન કરે તે પહેલા જ તેના પપ્પાનો ફોન આવી ગયો કે જલ્દી દુકાન પર આવી જા, બહુ કામ છે. માટે કોલેજ છોડી દુકાને જતો રહ્યો. દુકાન પર ખુબ જ કામ હતુ. કામની ભાગદોડમા કશ્યપ ફોન કરી ન શક્યો અને તેણે બપોરે જમવા જાય ત્યારે ફોન કરવાનુ વિચાર્યુ પણ તેના પપ્પા કે કશ્યપ પોતે કામમા ખુબ જ વ્યસ્ત હોવાને કારણે જમવા જઇ ન શક્યા. મોડી રાત્રે બન્ને દુકાન બંધ કરી ઘરે સાથે જવા નીકળા એટલે રસ્તામા પણ કશ્યપ ફોન ન કરી શક્યો અને ઘરે આવી જમ્યા બાદ તો તે થાકનો માર્યો કયારે સુઇ ગયો તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. સવારે પણ આગલા દિવસના થાકને કારણે તે મોડો ઉઠ્યો અને જોયુ તો બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જલ્દી જલ્દી રેડી થઇ તે પોતાની કાર લઇ કોલેજ જવા નીકળી ગયો. રસ્તામાંથી તેણે મયુર વિનય સમીરને વારા ફરથી ફોન ટ્રાય કર્યા પણ ત્રણેયના ફોન આઉટ ઓફ રીચ આવતા હતા. તેનુ ટેન્શન હવે વધી ગયુ હતુ. સતત તેને તે જ વિચાર સતાવતો હતો કે ક્યાંક ન થવાનુ થઇ ગયુ ન હોય!!! આ ટેન્શનમાં તેણે એક લેક્ચર ભર્યુ. એક લેક્ચર બાદ તે લેક્ચર બંક કરી બહાર નીકળી ગયો અને તરત જે કેન્ટીનમા જઇ તેણે વારાફરથી બધાને ફોન કર્યા તો બોયઝ કે ગર્લ્સ કોઇના ફોન લાગ્યા નહી. કશ્યપને હવે પરસેવો વળવા લાગ્યો હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને તે કેન્ટીનમા બેઠો હતો અને ત્યાં વરસાદમા ભીંજાયા વિના તે પરસેવાથી ભીનો થઇ રહ્યો હતો. શું કરવુ અને શું ન કરવુ તે બાબતે તેને કાંઇ સમજાતુ ન હતુ. તેણે તરત જ તેના મિત્રને ફોન કરી બરોડા જવાની ટ્રાવેલ્સની ટીકીટ બુક કરાવી લીધી. વારે વારે તે બધાને ફોન કરી રહ્યો હતો પણ કોઇનો ફોન લાગતો જ ન હતો. બધાના ફોન આઉટ ઓફ રીચ આવી રહ્યા હતા. કોલેજ પુરી કરી તે સીધો ઘરે ગયો અને તેના મમ્મીને કહ્યુ કે તે યુથ કોમ્પીટીશનની તૈયારી માટે બરોડા જઇ રહ્યો છે અને આજે રાત્રે અગિયાર વાગ્યાની બસમા તે અને તેનો મિત્ર જઇ રહ્યા છે.. રાત્રે તેણે જેમ તેમ જમી ફટાફટ બેગમા બે ત્રણ જોડી કપડા અને બીજી જરૂરી વસ્તુઓ પેક કરી અને અગિયાર વાગ્યાની ટ્રાવેલ્સમા તે બરોડા જવા નીકળી ગયો. અવારનવાર તે બધાને ફોન કરતો હતો પણ હજુ સુધી કોઇના ફોન લાગતા ન હતા. તે બને તેટલુ ઝડપથી બરોડા પહોંચવા માંગતો હતો પણ તેના પિતાજી તેને કાર લઇને તો બરોડા જવાની રજા આપે તેમ જ ન હતા આથી ન છુટકે તેને બસમા નીકળવુ પડ્યુ. વહેલી સવારે બરોડા ઉતરી તે બાજુની હોટેલમા ચા-પાણી પીવા અને ફ્રેશ થવા ઉભો રહ્યો. આખી રાત તેને ટેન્શનમા ઉંઘ જ આવી ન હતી તો જરા ફ્રેશ થવાનુ તેણે વિચાર્યુ. તે ફ્રેશ થઇ ચા અને નાસ્તાનો ઓર્ડર આપી બેઠો હતો ત્યાં તેણે પાછળ બેઠેલા બે વ્યકિતઓ વાત કરી રહ્યા હતા તેના તરફ ધ્યાન આપ્યુ. તેણે સાંભળ્યુ કે જંગલમાંથી બે અજાણ્યા લોકો ઘાયલ અવસ્થામા મળી આવ્યા છે તેની ઉમર ૨૩ કે ૨૪ ની આસપાસ છે અને સાયદ તેઓ તે બંગલે ફરવા આવ્યા હતા અને અત્યારે બન્નેની હાલત બહુ ગંભીર છે. કશ્યપે તો સાંભળ્યુ તો તેના પગ ધ્રુજી ઉઠયા.
(8) આ સાંભળી કશ્યપના પગ નીચેથી જમીન સરકી ગઇ. તેણે ચા નાસ્તો પડતા મુક્યા અને બાજુની હોટેલમા એક રૂમ બુક કરાવી અને બેગ રૂમમા મુકી તે જલ્દી જંગલ તરફ ભાગ્યો. તેને સમજાઇ ગયુ હતુ કે નક્કી આ મારા મિત્રો માંથી બે હશે,તો બાકીના મિત્રોનુ શું થયુ હશે? આ વિચારે તે જંગલમા પહોંચ્યો. ત્યાં તેણે જોયુ તો બહુ બધા લોકોનુ ટોળુ એકઠુ થયુ હતુ અને પોલિસ સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.
ત્યાં જઇ તેણે જોયુ કે સમીર અને સોનાક્ષી બન્ને ઘાયલ અવસ્થામા પડેલા હતા. તે તેની નજીક જઇ જોવા જવા ગયો ત્યાં એક પોલીસકર્મીએ તેને અટકાવ્યો. પોલીસ કોઇને તે બન્નેની પાસે જવા દેતી ન હતી. થોડી જ વારમા એમ્બ્યુલન્સ આવી ગઇ એટલે બન્ને ઘાયલને હોસ્પિટલમા લઇ જવામા આવ્યા. પોલીસની એક ટુકડી તેની સાથે ગઇ અને થોડા પોલીસકર્મીઓ ત્યાં જ રોકાયા.
કશ્યપ પણ હોસ્પિટલમા તેઓની પાછળ નીકળી ગયો. સમીર અને સોનાક્ષીને ટ્રીટમેન્ટ માટે બરોડા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા. પાછળ પાછળ કશ્યપ પણ હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં પહોંચી તો ગયો પણ ત્યાં જઇ તે ગડમથલમા મુકાઇ ગયો કે હવે કરવુ શું? પોલીસને સાચી હકિકત કહેવી કે ન કહેવી? જો તે કહે તો પોતે ફસાઇ જાય અને જો તે ન કહે તો બે મિત્રો તો મળી ગયા પણ બીજા ચાર વ્યકિતઓ પણ હજુ સાથે હતા તેની કોઇને ખબર ન પડે. બન્ને વાતમા તે પ્રોબ્લેમમા ફસાઇ જાય તેવી પરિસ્થિતિ હતી, અંતે તેણે પોલીસ ઓફિસરને બધી સત્ય હકિકત કહેવાનો નિર્ણય લઇ લીધો.
આ નીર્ણય સાથે તે પોલીસ ઇંસપેક્ટર પટેલ સાહેબને મળવા ગયો અને પોતાની ઓળખાણ આપી અને કોઇ પણ ડર વિના તેણે બધી વાત પટેલ સાહેબને કરી દીધી. તેણે સોનાક્ષી અને સમીર બન્નેના એડ્રેસ અને તેના ઘરના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધા અને સાથે એ પણ કહ્યુ કે આ લોકો કુલ છ મિત્રો સાથે અહી આવ્યા હતા. બાકીના ચાર હજુ ગુમ હતા તેના નામ અને ઘરના સરનામા અને કોન્ટેક્ટ નંબર તેણે પટેલ સાહેબને આપી દીધા
પોલીસ ઇન્સપેક્ટર પટેલ સાહેબે તાત્કાલીક સમીર અને સોનાક્ષીના માતા-પિતાને અને સાથે સાથે અન્ય ચાર કે જેઓ ગુમ હતા તેમના માતા-પિતાને પણ બરોડા બોલાવી લીધા. પોલીસની અન્ય ટુકડી કે જે જંગલમા હતી તેનો સંપર્ક કરી પટેલ સાહેબે બાતમી આપી દીધી અને અન્ય ચાર કે જેઓ હજુ લાપતા હતા તેમના ફોટો મોબાઇલથી સેન્ડ કરી અને તપાસ માટે આદેશ આપી દીધા અને પોતે હોસ્પિટલમા સમીર અને સોનાક્ષીના હોંશમા આવવાની રાહ જોવા લાગ્યા.
બધા મિત્રોના પરિવારો બરોડા હોસ્પિટલમા આવવા લાગ્યા હતા.આ જોઇ કશ્યપનું ટેન્શન વધવા લાગ્યુ હતુ. એક વાર તો તેને ત્યાંથી નીકળી જવાની ઇચ્છા થઇ આવી પણ મજબુત મન કરી તે પણ ત્યાં હોસ્પિટલમા એક ખુણે ઉભો રહ્યો.
થોડી વારમા ડોક્ટર શર્મા બહાર આવતા ઇન્સપેક્ટર પટેલે તેને સમીર અને સોનાક્ષીની તબિયત બાબતે ચર્ચા કરતા માલુમ પડ્યુ કે સમીરને માથામા ખુબ ઇજા થતા હાલ તો તે કોમા માં છે. સોનાક્ષીને સાયદ સાંજ સુધીમા હોંશ આવી જાય તેવી શક્યતા છે.
થોડીવારમા સોનાક્ષીના માતા-પિતા,તેના કાકા-કાકી અને તેનો મોટો ભાઇ બધા હોસ્પિટલ આવી પહોચ્યા અને પાછળ જ સમીર ના માતા-પિતા અને તેની નાની બહેન પણ હોસ્પિટલ પહોંચ્યા. બન્ને સાથે જ હોસ્પિટલ પહોંચ્યા અને એકબીજાને જોઇ ચોંકી ગયા. સમીરના પિતા અને સોનાક્ષીના પિતા બન્નેએ એકબીજા સામે ખુબ જ ગુસ્સા અને નફરતથી તાંકી ઉઠ્યા પણ પરિસ્થિતિની ગંભીરતા જોઇ બન્ને રૂમમા જતા રહ્યા.
સમીરને આઇ.સી.યુ. મા ૨૪ કલાક ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામા આવ્યો હતો. સમીરની હાલત જોઇ તેની માતા કુસુમબહેન ધૃસકે ધૃસકે રડી પડ્યા. સમીરને હાથ અને પગમા ફ્રેક્ચર આવ્યુ હતુ અને માથામા ખુબ જ ગંભીર ઇજા પહોંચી હતી. તેના પિતાજીને પણ આવી હાલત જોઇ પરસેવો છુટી ગયો હતો. આકાંક્ષા પણ તેના ભાઇની હાલતથી મુંજાઇ ગઇ હતી. તેના પપ્પા સતત એ જ વિચારમા હતા કે આ બરોડા આવ્યો શું કામ અને આવડી મોટી ગંભીર ઇજા કઇ રીતે પહોંચી તેને અને સૌથી અગત્યની વાત કે તેનો સૌથી મોટો દુશ્મનને તેણે આ જ હોસ્પિટલમા જોયો. આ બધા પ્રશ્નો તેને કોરી ખાતા હતા.
સમીરના પિતા લાલજીભાઇએ તેના પત્ની કુસુમબહેનને કહ્યુ , “જુઓ આ આપણા સાહેબ, શું કહીને ઘરેથી નીકળા હતા અને અહી આવી પહોંચ્યા. સમીરને હોંશમા આવવા દે,આજે તેની ખેર નથી.”
“અરે હવે તમે આમ ગુસ્સે ન થાવ. મારા દીકરાની હાલત ખુબ જ ખરાબ છે અને તમે ઉપરથી આમ બોલો છો? જે થયુ તે થયુ પણ હવે હમણા તમે શાંત થઇ જાઓ અને મહેરબાની કરીને તેને ન તો કાંઇ કહેજો કે ન તેના પર ગુસ્સો કરજો.” કુસુમબહેન બોલ્યા,
આ બાજુ સોનાક્ષીના માતા-પિતા પણ સોનાક્ષીની હાલતથી ગભરાઇ ગયા હતા. થોડીવારમા નર્સ સોનાક્ષી અને સમીર બન્નેના પિતાજીને બોલાવ્યા અને કહ્યુ કે તેમને પોલીસ ઇન્સપેક્ટર પટેલ સાહેબ બોલાવી રહ્યા છે.
બન્ને બહાર નીકળ્યા તો વળી એકબીજાની સામે આવી જતા ખુબ ગુસ્સાથી કતરાતા પટેલ સાહેબ પાસે પહોંચ્યા.
પોલીસ ઇંન્સપેક્ટર પટેલ સાહેબે બન્નેના પિતાજીને બેસાડ્યા અને બધી વાત કરી કે સોનાક્ષી અને સમીર તેમને જંગલમાથી ઘાયલ અવસ્થામા મળી આવ્યા હતા અને તેમને અહી હોસ્પિટલમા લઇ આવવામા આવ્યા હતા.આ સાંભળી સમીર અને સોનાક્ષીના બન્નેના પિતાજી બન્નેના ગુસ્સાનો પાર ન રહ્યો. થોડી વાતચીત કરી પટેલ સાહેબ નીકળ્યા અને બન્નેના પિતાજી રૂમમા પરત ફર્યા.
“તુ બહુ દીકરો દીકરો કરતી હતી ને, તો સાંભળ તારો દીકરો મારા દુશ્મન જગદીશ જાનીની પુત્રી સાથે જંગલમાંથી આવી હાલતમા મળી આવ્યો છે. હવે શું કહેવુ છે તારે તારા દીકરા વિષે???” સમીરના પિતાજી લાલજીભાઇ બોલ્યા.
“તમે ગુસ્સો થુંકી દો. એ અહી શું કરવા આવ્યા હતા અને કઇ રીતે જંગલમા પહોંચ્યા તેના કરતા વધુ મહત્વની તેની તબિયત છે. તમને સમીરની હાલત જોઇ જરા પણ ચિંતા થતી નથી??? મહેરબાની કરી ગુસ્સો થુંકી દો” સમીરના મમ્મી કુસુમબહેન બોલતા હતા ત્યાં નર્સ આવી અને તેમને બધાને બહાર નીકળવા કહ્યુ.
“સમજાવી દેજે તારી દીકરીને તારે જે ભાષામા સમજાવુ હોય તે પણ જો આવા જ કામ કરવા હોય અને બાપને ખોટુ બોલી મારા જ દુશ્મનના દીકરા સાથે જો આમ જંગલમા છાનગપતીયા કરવા હોય તો ભણવાનુ બંધ કરી દે અને બેસી જાય ઘરે. મારે તેને ભણાવવાની કોઇ જરૂર નથી. બહુ થઇ ગયુ ભણવાનુ.” જગદીશભાઇ ગુસ્સાથી તાડુકી બોલી ઉઠ્યા.
“તમે જરા તો શરમ કરો. આ તમારી દીકરી છે અને દીકરી વિષે આમ બોલતા તમારી જીભ કેમ ઉપડે છે?” સોનાક્ષીની માતા ગીતાબેન રડતારડતા બોલ્યા.
“મારે જ બધુ ધ્યાન રાખવાનુ??? તેને કાંઇ ધ્યાન નહી રાખવાનુ? તેને શરમ ન આવી? હોસ્ટેલમા તેને ભણવા મોકલી હતી આમ કોઇ સાથે હરવા ફરવા કે મોજ મસ્તી માટે નહી.” જગદીશભાઇ બોલ્યા.
તમે પણ સાચી વાત જાણ્યા વિના બસ તેના પર શક કરો છો. પહેલા બધી સત્ય હકિકત જાણી લો પછી ગુસ્સો કરજો.”
“સત્ય હકિકત હુ હમણા જ પોલીસ ઇન્સપેક્ટરના મોઢે સાંભળીને આવી રહ્યો છું. તેનુ કહેવુ હતુ કે સોનાક્ષી અને પેલો લાલા નો સમીરયો બન્ને જંગલમા આવી રીતે ગંભીર હાલતમા મળી આવ્યા. મને એ સમજાતુ નથી કે આ બન્ને જંગલમા શું કરવા ગયા હતા.” જગદીશભાઇ બોલ્યા.
“પપ્પા તમે ચિંતા ન કરો અને ગુસ્સો પણ રહેવા દો. અત્યારે દીદીની હાલત સામે તો જુવો.” સોનાક્ષીનો ભાઇ બોલ્યો.
જગદીશભાઇ તેની પત્ની અને પુત્રની વાત સાંભળી રૂમ બહાર નીકળ્યા ત્યાં સામે જ લાલજીભાઇ અને તેનો પરિવાર બેઠા હતા. લાલજીભાઇ અને જગદીશભાઇ બન્ને એક બીજાને જોઇ ભડકી ગયા. હજુ તો લાલજીભાઇ કાંઇ બોલવા જતા હતા ત્યાં તેના પત્નીએ તેને ઇશારો કરી ચુપ કર્યા અને બન્ને લાલજીભાઇ અને જગદીશભાઇ વિરૂધ્ધ દિશામા બહાર જતા રહ્યા.
મોડી સાંજ સુધી પોલીસ ટુકડીએ જંગલમા તપાસ કરી અને આખુ જંગલ ફરી વળ્યા પણ કશ્યપે કહ્યા મુજબ અન્ય ચાર જણા વિનય મયુર દિવ્યા અને વૃંદાનો કોઇ અતોપતો કે સુરાગ ન મળ્યા. જંગલમા રહેતા આદીવાસીઓ ને પુછપરછ કરી લીધી પણ તેમને પણ કાંઇ ખબર ન હતી. બંગલામા પણ બધી તપાસ કરી લીધી પણ પેલા ચાર લોકોનો કોઇ પતો ન મળ્યો.
પોલીસ ઇન્સપેક્ટર પટેલ સાહેબને આ બાબતનો રિપોર્ટ મળ્યો તો તેઓ પણ વિચારે ચડી ગયા કે પેલા ચાર લોકો ગયા ક્યાં?તેને આખી ઘટના પાછળ કોઇ ષડયંત્ર હોય તેવો શક ગયો. તેણે તાત્કાલીક કશ્યપને પુછપરછ માટે બોલાવ્યો.
“હવે તુ ફટાફટ બધી સત્ય હકિકત કહી દે કે તે પેલા ચાર મિત્રોને ક્યાં છુપાવી રાખ્યા છે? મને તારા પર પુરો શક છે કે આ બધી ઘટના પાછળ તારો બહુ મોટો હાથ છે.” પટેલ સાહેબે કશ્યપને ધમકાવતા પુછ્યુ.
“સર મે તેમને ક્યાંય છુપાવ્યા નથી. તે બધા મારા મિત્રો છે. હું તેની સાથે શું કામ આવુ કરુ? મે તેઓની અહીંની જસ્ટ વાત જ કરી હતી ત્યાં તો તેઓ અહી જંગલમાં આવવા તૈયાર થઇ ગયા અને મે તેમને રોજ મેસેજ કરવાનુ કહ્યુ હતુ પરંતુ પ્રથમ દિવસે તેના મેસેજ આવ્યા અને સાંજે પાંચ વાગ્યે સોમવારે ફોન આવ્યો હતો કે તેઓ જંગલ તરફ નીકળે છે. પછી તેઓનો કોઇ સંદેશો મળ્યો નથી. હુ પણ ખુબ જ વ્યસ્ત હતો તેમાં તેઓનો કોન્ટેક કરવાનો ભુલાય ગયો.બુધવારે ખુબ ફોન ટ્રાઇ કર્યો પરંતુ કોઇના સંપર્ક મળતા નથી એટલે હુ ઝડપથી અહીં આવી ગયો અને અહી આવતા જ સમીર અને સોનાક્ષીની ખબર પડી કે બીજુ હુ કશુ જ જાણતો નથી સર?”
“ઓ.કે. તુ અહી જ રહેજે જયાં સુધી કેસની તપાસ પુરી ન થઇ જાય ત્યાં સુધી તારે ક્યાંય જવાનુ નથી”
“પણ સર મારી સ્ટડી?” કશ્યપ બોલતો હતો ત્યાં ઇન્સપેકટર એ કહ્યુ
“સ્ટડી તો થોડા દિવસ ભુલી જ જા આ ગંભીર કેસ છે અને તેમાં મુખ્ય શકમંદ વ્યકિત તુ છો માટે તારે બરોડા છોડીને કયાંય જવાનુ નથી.” પોલીસ સાથે દલીલમાં ઉતારવાનુ યોગ્ય ન લાગતા કશ્યપે કહ્યુ, “ઓ.કે.સર હુ અહીં જ રહીશ અને જયારે જરૂર પડે ત્યારે મને બોલાવજો હુ સપોર્ટ આપીશ.” “ધેટસ લાઇક અ ગુડ બોય. હવે તુ જઇ શકે છે.” “થેન્કયુ યુ સર” કહી કશ્યપ જતો રહ્યો.
(9)
“દિવ્યા આ અંધારી કોટડીમાં મને ખુબ જ ડર લાગે છે. હજુ એ ભયાનક ચહેરો મને ભુલાતો નથી. બહુ પ્રયત્નો કર્યા છતા પણ સતત તેના જ વિચારો મને આવે જાય રાખે છે.” વૃદાએ કહ્યુ “હા વૃદા બીજા બધાનુ તો શું થયુ હશે???? મને પણ ખુબ ડર લાગે છે આપણે મોટી મુસીબતમાં ફસાઇ ગયા છીએ. મને હજુ પહેલા યાદ આવી ખુબ ડર લાગી રહ્યો છે. યાદ છે આપણે પાંચ વાગ્યે પિકચર જોઇને નીકળ્યા હતા ત્યારે...................
ફલેશબેક: બે દિવસ પહેલા બધા પિકચર જોઇંને હોટેલ પરથી બધો સામાન લઇને નીકળી ગયા. નીકળતા પહેલા મયુરે કશ્યપને કોલ કરી દીધો કે તેઓ જંગલમાં જાય છે. તેઓ એ એક કાર ભાડે કરી લીધી અને તે કાર તેમને જંગલ તરફ મુકી ગઇ. રસ્તામાં વૃંદાએ કહ્યુ, : દોસ્તો જંગલ અને ત્યાંના રસ્તા આપણા માટે અજાણ્યા છે. ચાલો ને આપણે એક ગાઇડ કરી લઇએ.” “ વન્દાડી તુ એકદમ ડરપોક છે.આપણે ચેલેન્જ લીધો છે કોઇ પિકનિક માટે આવ્યા નથી. કોઇની પણ મદદ લેવાની નથી આપણે યાદ છે ને? હવે આ ગાઇડનો વિચાર છોડી દે અને આપણી ટીમ પર ભરોસો રાખ.” વિનયે કહ્યુ. “હા વૃંદા આપણે આટલા બધા છીએ પછી ડર શેનો? અને આપણે સાયન્સ સ્ટુડન્ટસ છીએ અને સાઇન્સ પણ એમ જ કહે છે કે ભુત પ્રેત જેવુ કાંઇ હોતુ જ નથી અને આપણી ટીમે એ પ્રુફ કરી બતાવવાનુ છે.” “ઓ.કે.બાબા હુ તો જસ્ટ સજેસ્ટ કરતી હતી, હું કાંઇ ડરતી નથી આ તો જસ્ટ મને મગજમાં આવ્યુ તો મે કહ્યુ અને મને આપણી ટીમ પર પૂરો ભરોસો છે.” “તો પછી ચહેરા પર પસીનો કેમ છુટવા લાગ્યો વૃંદા?” દિવ્યાએ કમેન્ટ કરી એટલે બધા મોટે મોટેથી હસવા લાગ્યા
થોડી જ વારમાં તેઓ જંગલમાં પહોંચી ગયા. બધાએ એક કોલેજ બેગ લીધી હતી જેમાં તેઓનો જરૂરી સામાન હતો સાથે પીવા માટેનુ ઘણુ બધુ પાણી લીધુ હતુ.. બે દિવસ ચાલે તેટલુ પાણી તેઓએ સાથે લઇ લીધુ હતુ. જંગલમાં ક્યાંય પીવાલાયક પાણી ન મળે તો? વળી તેઓ બે દિવસ બાદ તો પરત જવાના હતા. થોડોક નાસ્તો અને રસોઇનો સામાન લીધો હતો. જંગલમાં તો ભરપુર લાકડા મળી રહે આથી ત્યાં જ રસોઇ બનાવી પિકનીક મનાવી શકાય અને કાંઇક ન્યુ અનભવ પણ સાથે મળી રહે તેથી ત્યાં જ લંચ ડિનર બનાવવાનુ નક્કી કર્યુ હતુ. તેઓ જયારે જંગલમાં પહોંચ્યા ત્યારે અંધારુ થવાની તૈયારી હતી. તેઓ સીધા સીધા ચાલ્યા જતા હતા કશ્યપના કહેવા મુજબની દિશામાં તેઓ જતા હતા પરંતુ દુર દુર સુધી કયાંય બંગલા જેવુ કાંઇ દેખાતુ ન હતુ. છતાંય તેઓ થોડે દુર સુધી તપાસ કરવા લાગ્યા. તેઓ બધા બંગલામાં રહેવાનુ હતુ તેથી તંબુ કે કાંઇ પણ લીધુ ન હતુ અને હવે તેઓને બંગલો તો કયાંય દેખાતો જ ન હતો. “મને લાગે છે પેલા ચંબુએ આપણને બનાવી લીધા અને આપણે પણ ચંબુ દ્વારા મુર્ખ બની ગયા” મયુરે કહ્યુ. “હા મને પણ એવુ જ લાગે છે કે દોસ્તો આપણે મુર્ખ બની ગયા છીએ. આવા જંગલમાં બંગલો હોય તેવા અણસાર મને તો દેખાતા નથી.” વિનયે પણ કહ્યુ. “હૈ ગાયઝ મને ખુબ જ ભુખ લાગી રહી છે એન્ડ આઇ એમ સો ટાયર્ડ, આઇ કાન્ટ વોલ્ક એનીમોર નાઉ. ચાલો કયાંય આરામ કરી નાસ્તો કરી લઇએ” દિવ્યાએ કહ્યુ.
“હેય ફ્રેન્ડ્સ બી ક્વાઇટ. મને લાગે પાણીનો અવાજ આવી રહ્યો છે. કશ્યપે કહ્યુ હતુ તે મુજબ પાણીના તળાવ નજીક બંગલો આવેલો છે. આપણે હજુ થોડે દુર તે દિશામાં તપાસ કરવી જોઇએ.” સમીરે કહ્યુ. “હવે બસ અમે ખુબ જ થાકી ગયા. હવે કયાંય જવુ નથી” સોનાક્ષીએ કહ્યુ. “તમે ગર્લ્સ અહીં થોડીવાર રહો. અમે થોડે આગળ તપાસ કરી આવીએ” મયુરે કહ્યુ. “નો નો નો... અમે અહી નહી રહીએ. અમે પણ તમારી સાથે જ આવીએ છીએ.” વૃન્દાએ કહ્યુ. “એ ડરપોક ડોન્ટ વરી. તમને એકલી નહી રાખીએ અમે. સમીરને અહી તમારી સાથે રાખીએ છીએ અને અમે જરા આગળ તપાસ કરી આવીએ, સમજી ડફ્ફર?” મયુરે કહ્યુ.
“ઓ.કે. ડન, હુ અહીં ગર્લ્સ સાથે રહુ છુ તમે બંન્ને તપાસ કરી લાવો.” સમીરે કહ્યુ. “ઓ.કે. યાર તુ તેમનુ ધ્યાન રાખ અમે થોડે દુર તપાસ કરી કરી આવીએ.”
દસેક મિનિટ બાદ મયુર અને વિનય તપાસ કરીને પાછા આવ્યા અને બોલ્યા, “હે ગાઇઝ ગુડ ન્યુઝ. આપણુ ડેસ્ટીનેશન મળી ગયુ છે. અહીથી થોડે દૂર જતા જ બંગલો છે. લેટ્સ ગો ફ્રેન્ડસ.” “હાસ...બંગલો છે તો ખરા નહી તો મને તો એમ જ હતુ કે આપણે મુર્ખ બનાવવાની કશ્યપની ચાલમાં તે સફળ થઇ ગયો..” દિવ્યાએ કહ્યુ બધા ચીઅર અપ કરતા ખુશ થઇ ગયા. પછી બધા સાથે નીકળી ગયા. તળાવથી સાવ નજીક જ એક નાનકડુ જુનવાણી વિશાળ મકાન આવેલુ હતુ જેની પ્રાકૃતિક સુંદરતા ગજબની હતી. આસપાસ ઘનઘોર જંગલ અને વચ્ચે આ બંગલા જેવુ મકાન. તેઓ જંગલમાં કારમાંથી ઉતર્યા બાદ લગભગ દોઢેક કલાક ચાલ્યા બાદ આ બંગલો આવ્યો હતો. તેઓ ત્યાં પહોચ્યા ત્યારે ખાસ્સુ એવુ અંધારુ થઇ ચુક્યુ હતુ. બધાને ખુબ જ ભુખ લાગી હતી પરંતુ તેઓ બંગલો જોવાની ઇચ્છા ટાળી ન શક્યા સાથે રહેલી બેટરીઓ ચાલુ કરીને તેઓ બંગલાની અંદર જોવા ગયા. મેઇન ડોર સડી ગયેલુ હતુ જરાક હાથ અડાડતા જ તે પડી ગયુ અને શાંત વાતાવરણમાં ધડામ અવાજ પડઘા સાથે સંભળાયો. બધા ખુબ જ ગભરાય ગયા. અંદર એકદમ અંધારુ હતુ. જંગલ વચ્ચે આવેલા આવા વેરાન બંગલામાં ઝેરી અને જંગલી જનાવર હોવાની બીક હતી આથી બધા બેટરીના ફુલ પ્રકાશ વચ્ચે સાવચેતીપુર્વક આગળ વધતા હતા. એક મોટો રૂમ હતો જેમાં ચાર મોટી મોટી બારીઓ હતી. પછી બે રૂમ હતા અને પાછળ ખુલ્લો વરંડો હતો. એક જોરદાર વસ્તુ જેવુ કાંઇક વિનયના હાથ સાથે અથડાયુ અને તેના હાથમાંથી બેટરી નીચે પડી ગઇ. તે મોટેથી બુમો પાડી ઉઠયો. સમીરે બેટરી મારીને જોયુ તો જંગલી ગરોળી હતી. થોડી વાર થઇ ત્યાં સોનાક્ષી બુમ પાડતી નીચે પડી ગઇ અને મોટે મોટેથી રડવા લાગી. બધાએ બેટરી તેના તરફ મારી તો તે દર્દથી કણસતી હતી અને મોટે મોટેથી રડતા રડતા બોલી, “મારા પગ મારા પગમાં બહુ જ દર્દ થઇ રહ્યુ છે” સમીરે તેના પગ તરફ બેટરી મારી તો તેના પગમાંથી ખુબ જ લોહી વહી જઇ રહ્યુ હતુ. દિવ્યાએ સોનાક્ષીને પોતાના ખોળામાં સુવડાવી દીધી. મયુર અને વિનય બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. સમીરે પાણી નાખીને સોનાક્ષીનો ઘાવ સાફ કરી નાખ્યો. કોઇક તીક્ષ્ણ વસ્તુ જેવો ઘાવ હતો. તેઓ એંટીસેફ્ટીક થોડી દવાઓ લાવ્યા હતા. વૃંદાએ થેલામાંથી દવા અને પટ્ટી કાઢીને આપી એટલે સમીરે ઘાવ સાફ કરીને દવા તથા પટ્ટી લગાવી દીધી એટલે સોનાક્ષીને થોડી રાહત થઇ.
(10)
બધાને ચાલીને ખુબ જ થાક તથા ભુખ લાગી હતી આથી તેઓએ જમવાનુ નક્કી કર્યું. આખો બંગલો (કહેવાનો, ખરેખર હતો નહિ) ખુબ જ ખરાબ રીતે ગંદો હતો. બારીઓ પણ તુટેલી ફુટેલી હતી. આથી તેઓએ એક ખુણો વ્યવસ્થિત રીતે સાફ કરીને ત્યાં બેસી નાસ્તો કરવાનુ નક્કી કર્યું. સોનાક્ષી હવે બેસી શકતી હતી તેને પગમાં દવાની અસર થતા સારુ લાગતુ હતુ. આથી સમીર, સોનાક્ષી. વૃંદા ત્યાં સફાઇ માટે રહ્યા અને મયુર વિનય અને દિવ્યા આસપાસથી થોડા લાકડાં શોધવા ગયા. લાકડા શોધીને તેઓએ કેમ્પ ફાયર કર્યું અને આસપાસ બધા બેસીને નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા. “ચંબુ ખરેખર મુર્ખ છે દોસ્તો. સાયન્સનો સ્ટુડન્ટ થઇને આ બધા સામાન્ય લોકોની વાતોમાં આવી ગયો અને ભુત પ્રેતના ચક્કરમાં ફસાય ગયો.” સમીરે કહ્યુ. હજુ તે બોલ્યો ત્યાં જ જોરદાર પવન ફુંકાવા લાગ્યો અને બારીઓ એકબીજા સાથે અથડાવા લાગી. પવન અંદર જોરદારથી આવ્યો અને ડમરી ઉડવા લાગી અને આગ ઠરી ગઇ. સર્વત્ર અંધકાર છવાય ગયો અને બધુ શાંત થઇ ગયુ. બધા બેટરી ચાલુ કરવા લાગ્યા પણ ન જાણે કેમ બેટરી ચાલુ થતી ન હતી. દિવ્યાની બેટરી ધીમો ધીમો પ્રકાશ આપતી હતી તેના વડે સામે પ્રકાશ ફેંકયો તો કોઇ ડરામણી આકૃતિ આવીને ઉભી હોય તેવુ લાગ્યુ. તે ગભરાયને ચીસ પાડી ઉઠી તે ડરના મારી કાંઇ બોલી શકતી ન હતી તેના હાથમાંથી બેટરી પડી ગઇ. થોડીવાર થઇ એટલે બધાની બેટરીઓ એકસાથે પ્રકાશિત થઇ ઉઠી અને દિવ્યા ફરી ચીસ પાડી ઉઠી, “ભુત ભુત ભાગો.” એમ કહી ઉભી થઇ ગઇ. બધાએ આખા રૂમમાં બેટરીનો પ્રકાશ ફેંકયો પરંતુ કાંઇ પણ દેખાતુ ન હતુ. કોઇ પણ ત્યાં હતુ જ નહી. બધા દિવ્યા પાસે ગયા તે મોટે મોટેથી રડી રડીને. “ભુત હતુ ત્યાં ભયાનક ડરાવતો ચહેરો.” આટલુ બોલી તે બહાર દોડવા લાગી. બધા તેની પાછળ ગયા. બંગલા(ખાલી કહેવાનો) બહાર ઓટલા પર દિવ્યાને બેસાડી વૃંદાએ પાણી આપ્યુ. “શુ થયુ ડિયર કેમ આટલી બધી ગભરાય ગઇ?” “અંદર ભુત છે આપણે ભાગી જવુ જોઇએ”
“અલ્યા દિવુ તુ કેમ આટલી ગભરાઇ છે. અંધારામાં તને ભ્રમ થયો લાગે છે” સોનાક્ષીએ કહ્યુ. “ના ભ્રમ નથી એ મારો એ ભયાવહ આકૃતિ જોઇ હજુ મારુ શરીર ધ્રુજે છે.”
“દિવ્યા, તુ શાંત થા. તુ એક એજ્યુકેટેડ બહાદુર ગર્લ થઇને આવી વાત કરે છે. સમજવાની કોશિષ કર કે અત્યારે આવા વાતાવરણમાં આપણા મનમાં ભુતપ્રેતની શંકા વિષેના વિચારો વચ્ચે મનના તરંગોમાં ફેરફાર થતા ભ્રમ થાય છે અને જેને આપણે સત્ય માની લઇએ છીએ. જે ખરેખર સત્ય હોતુ જ નથી. તુ થોડી શાંત થઇ જા અને સમજવાની કોશિષ કર.” વિનયે કહ્યુ. “લે દિવુ થોડુ પાણી પી લે.” વૃંદાએ પાણી આપતા કહ્યુ. વિનયની વાત સાંભળી થોડુ પાણી પી ને દિવ્યા શાંત પછી મીણબત્તીઓ અને બેટરીઓનો પ્રકાશ કરીને આખા રૂમમાં પ્રકાશ કરીને રૂમને પ્રકાશિત કરી દીધો. પછી દિવ્યા અંદર આવી. અંદર કશુ જ નહ્તુ વળી જોરદાર પવન ફુંકાયો અને મીણબત્તીઓ બધી બુઝાઇ ગઇ પરંતુ બેટરીઓના પ્રકાશે ધુંધળુ ધુંધળુ થોડુ થોડુ દેખાતુ હતુ. રાત્રિનો અંધકાર વધવા લાગ્યો તેમ ઠંડીનુ પ્રમાણ પણ વધવા લાગ્યુ. મયુર અને સમીરે ફરીથી તાપણુ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો પવન વચ્ચે માંડ તાપણુ સળગ્યુ. સોનાક્ષીએ નાસ્તો બધાનો વ્યસ્થિત ભરી લીધો હવે કોઇ ખાવાના મુડમાં ન હતુ. વૃંદા દિવ્યા પાસે બેઠી અને વિનય પવનથી બચવા બધી જ બારીઓ બંધ કરવા લાગ્યો જેથી ઠંડીથી પણ રાહત મેળવી શકાય. એક મોટુ તાપણુ બનાવી એક સાઇડ બધા બોયસ અને એક સાઇડ ગર્લસ સુઇ જાય એવુ નક્કી કર્યુ. તેઓને કયાં ખબર હતી કે આ રાત્રિ તેઓને સુવા દેવાની નહતી. હજુ બધા ગોઠવાયા પણ ન હતા ત્યાં ઝાંઝરનો મધુર રણકાર ધીમો ધીમો આવવા લાગ્યો. ધ્યાનથી સાંભળતા બાજુના રૂમમાંથી આવતો હોય તેવુ લાગ્યુ. દિવ્યાનો ફફડાટ વધવા લાગ્યો. તેને વૃંદાનો હાથ મજબુતીથી પકડી લીધો. અવાજ સાંભળીને વૃંદા અને સોનાક્ષી પણ ગભરાયા. ત્રણેય એકબીજાનો હાથ પકડીને ઉભા રહ્યા. વિનય, મયુર અને સમીર પણ અંદરથી ગભરાય ઉઠયા. તેઓને લાગ્યુ કે કાંઇક જરૂર છે તો ખરુ? છતાંય તેઓ બહાદુરી બતાવતા બીજા રૂમમાં જોવા માટે જવા લાગ્યા. “હે પ્લીઝ તમે ત્યાં જાઓ નહિ. આપણે બધા જ આ ભુતિયા બંગલાથી દુર જતા રહીએ.” દિવ્યાએ બુમ પાડીને કહ્યુ. “કમ ઓન દિવ્યા કોઇ પણ વાતની સાબિતી વગર માની લેવી તે મુર્ખામી છે. કાંઇ પણ નહિ હોય ત્યા અમે હમણા જોઇ આવીએ છીએ” આટલુ બોલી તેઓ ત્રણેય બીજા રૂમમાં જોવા માટે ગયા. બીજા રૂમમાં તેઓ ગયા ત્યારે અજીબ વસ્તુ જોવા મળી. પાંદડાથી એક રંગોળી બનાવેલી હતી. ત્રણેય દિગ્મુઢ બની ગયા. જંગલમાં રહેલા અવાવરૂ મકાનમાં આટલા પવન વચ્ચે આવી રંગોળી કેમ બનાવી હશે? આટલી વાર સુધી કેમ ટકી રહી હશે? તેઓ પણ અંદરથી એકદમ ગભરાય ઉઠયા. “ગાયસ જયાં સુધી પુરતી ખબર ન પડે ત્યાં સુધી ગર્લ્સને કાંઇ પણ કહેજો નહિ.” મયુરે કહ્યુ. “હા, મયુર સાચી વાત છે. તે નાહક પોતે પણ ડરી જશે અને રાડારાડ કરીને આપણને પણ ગભરાવી મુકશે.” સમીરે પણ કહ્યુ. “પણ મને તો આ રહ્સ્ય કાંઇ સમજાતુ જ નથી.?” “વિનય અત્યારે કોઇ ચર્ચા નહિ આપણે ધીરે ધીરે બધી તપાસ કરી લઇએ છીએ. ચાલ પહેલા ગર્લ્સ પાસે જઇએ નહિ તો ગભરાઇને મરી જશે.”
બધા ધીરે ધીરે હોલમાં ગયા. બધી ગર્લ્સ એકબીજાનો હાથ પકડીને ગભરાયને ઉભી હતી.
“અરે કાંઇ પણ નથી. હવાને કારણે સુકા પાંદડા અને જીવ જંતુઓના અવાજમાં ભ્રમ પેદા થઇ રહ્યો છે.” સમીરે કહ્યુ. બધાએ ત્યારબાદ એક મોટુ તાપણું સળગાવ્યુ અને બારણુ તુટેલુ હતુ તે ઉભુ કરીને દરવાજા આડુ રાખી દીધુ. પછી બધાએ આરામ કરવાનુ નક્કી કર્યુ. તાપણાની એક બાજુ વિનય, મયુર અને સમીર સુઇ ગયા અને બીજી બાજુ સોનાક્ષી અને વૃંદાની વચ્ચે દિવ્યા સુઇ ગઇ. કોઇને જરા પણ ઉંઘ આવતી ન હતી. પરંતુ જરાક આરામ કરવાના વિચાર સાથે તેઓ આડા પડયા. થોડીવાર તેઓએ કોલેજની વાતો કરી પરંતુ ભયના ઓથાર વચ્ચે તેઓ વધારે વખત વાતો ન કરી શક્યા અને સૌ કોઇ વિચારમગ્ન બની વિચારવા લાગ્યા કે આખરે અહીં છે શું? અને તેઓ સલામત છે અહીં? થોડીવાર પછી અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને બધા સફાળા બેઠા થઇ ગયા. તાપણું ઠરી ગયુ હતુ અને સર્વત્ર અંધકાર હતો. રૂમમાં કોઇ જંગલી હિંસક પ્રાણી આવ્યુ હોય તેવુ લાગ્યુ અને ડરામણી ત્રાડ પરથી દીપડો હોય તેવુ લાગ્યુ. રૂમમાં સર્વત્ર અંધારુ હતુ એટલે દીપડો રૂમમાંથી પસાર થઇ બીજી બાજુથી જતો રહ્યો.
અંધારાના કારણે તે કાંઇ જોઇ શક્યો નહિ અને બધા બચી ગયા. બધા સાવધ બનીને શાંત રહ્યા એટલે દીપડાને અંદાજો પણ ન આવ્યો કે રૂમમાં કોઇ છે.
ઓંચિતા દીપડો આવ્યો એટલે બધા એકદમ ગભરાય ગયા. ભુત પ્રેત સિવાય અનેક મુશ્કેલીઓ જંગલમાં હતી.
(11) “હાશ, બચી ગયા નહિતર ભુત તો નહિ આ દીપડાના શિકાર બની જાત.” મયુરે કહ્યુ. “હા, હવે આપણે આડા પડવુ નથી અને તાપણુ પણ સળગાવવુ નથી. જેથી પ્રકાશમાં કોઇ આપણે જોઇ શકે નહિ અને ઉંઘમાં કોઇનો શિકાર પણ ન બનીએ. આપણે હવે બેસીને વાતો કરીશું.” વૃંદાએ કહ્યુ. “હા, વૃંદા તારી વાત સાવ સાચી છે. જંગલમાં સુઇ જવુ એટલે સાવ સુઇ જવુ. સલામતી ખાતર આપણે જાગવુ પડશે. પરંતુ તમે લેડીઝ સુઇ જાઓ અમે જાગીશુ. બધાએ જાગવાની જરૂર નથી.” વિનયે કહ્યુ. “અરે ના, અમે પણ તમારી સાથે જાગીશુ. રાત્રિના પાછલા પહોરમાં જાગવુ ખુબ જ અઘરુ છે. બધા સાથે જાગીશુ તો વાતોમાં સવાર પડી જશે.” સોનાક્ષીએ કહ્યુ. બધા થોડીવાર સુધી અંધારામાં ટાઢના ઠુંઠવાતા વાતો કરવા લાગ્યા. ધીરે ધીરે ઠંડીનુ પ્રમાણ ખુબ જ વધવા લાગ્યુ. તેથી તેઓ સ્વેટર પહેરી માથે સાલ ઓઢીને બેસી ગયા અને હુંફમાં અને હુંફમાં એક પછી એક સુઇ ગયા. અને કોઇને કાંઇ ખબર ન પડી. પક્ષીઓના કલરવ અને હુંફના કારણે તેમની ઉંઘ ઉડી ગઇ ત્યારે જોયુ તો સવારના બદલે બપોર થવાની તૈયારી હતી. સમીરે ઘડિયાળમાં જોયુ તો સવારના દસ વાગી ચુક્યા હતા. જાગવાનુ નક્કી કરીને બધા જ સુઇ ગયા હતા. સમીરે એક પછી એક બધાને ઉઠાડયા. સારું કે બધા જ સલામત હતા. રાત્રે તો તેઓ બચી ગયા પરંતુ તેઓને જરા પણ અંદાજો ન હતો કે તેઓ ભયાનક મુશ્કેલીમાં ફસાય ચુક્યા છે, “વાઉ, વી આર લાઇવ. એંજોય.” ઉઠીને મોટેથી ચીસ પાડીને સોનાક્ષી બોલી. તેના પગના ઘાવમાં પણ હવે સારું થવા લાગ્યુ હતુ. “યા, સોનુ એવરીંથીગ ઇઝ ઓલ રાઇટ. અહીં કાંઇ પણ નથી. ચંબુએ આપણને મુર્ખ બનાવ્યા. આપણે ખોટા ખોટા ડરી ડરીને નાની મુશ્કેલીને મોટી માની ડરી ગયા. પરંતુ હવે ડર્યા વિના આપણે હવે ફોરેસ્ટ ટુર એંજોય કરીશું. આવ્યા છીએ તો મસ્તી કરીને જ જઇશુ.” મયુરે પણ ઉભા થઇને કહ્યુ. “ના, ફ્રેન્ડસ અહીં કાંઇક તો જરૂર છે. મને લાગે છે કે બહુ મોટો ભેદ છે. આપણે અહીંથી હવે જતુ રહેવુ જોઇએ. ઇશ્વરનો આભાર કે આપણે બધા હજુ સુરક્ષિત છીએ.” દિવ્યાએ કહ્યુ. “દિવુ, આ બધો આભાસ છે. આપણે ચંબુએ ભુતપ્રેતની વાતો કરીને અહીં મોક્લ્યા અને આપણે ભુત બુત જેવુ વિચારીને અહીં આવ્યા. વળી, જંગલનુ સુમસાન વાતાવરણ, અવાવરુ જગ્યા અને રાત્રિના અંધકારે આપણા બધાના મનમાં ભ્રમ પેદા કર્યો. બીજુ કાંઇ પણ નથી.” સોનાક્ષીએ દિવ્યાને સમજાવતા કહ્યુ. “હા, દિવ્યા બધુ ભુલી જવાથી સરસ થઇ જશે. આવા કુદરતી વાતાવરણને ચાલો એંજોય કરીએ. બીજી વાર આવો મોકો નહી મળે.” સમીરે પણ સાથે પુરાવતા કહ્યુ.
“ચાલો નદીમાં જઇ ફ્રેશ થઇ સ્વિંમિગનો આનંદ લઇએ.”
બધાએ નદીકાંઠે જઇ પાણીમાં ખુબ જ મસ્તી કરી અને ગઇકાલ રાત્રિના બધા બનાવો ભુલવાનો પ્રયત્ન કર્યો. તેઓને આગળ શુ બનશે તેનો જરા પણ અંદાજો ન હતો. *********************************
સમીર અને સોનાક્ષીની હાલતમાં 24 કલાક થયા હોવા છતાંય કાંઇ ફરક પડયો ન હતો. કશ્યપને ખુબ જ ડર લાગી રહ્યો હતો. જગદીશભાઇ અને લાલજીભાઇને એકબીજા સાથે આ હોસ્પિટલમાં રહેવુ ખુબ જ આકરું બની રહ્યુ હતુ. “આકાંક્ષા, આવડી મોટી આપણા પરિવાર વચ્ચે શેની દુશ્મની છે? તને કાંઇ ખબર છે. હુ ત્યારે ખુબ જ નાનો હતો અને અમારા પરિવારમાં કયારેય આ બાબતની ચર્ચા પણ થઇ નથી.” સોનાક્ષીના ભાઇ સુરજે હોસ્પિટલથી થોડે દુર આવેલી કેન્ટિનમાં બેસતા કહ્યુ. “મને પણ બહુ ખબર નથી. હુ ભી બહુ નાની હતી પરંતુ મારી માતાએ મને થોડી ઘણી વાતો કરી છે.” “કંઇ વાતો?” “આજથી 30 વર્ષ પહેલા ઓઘાવદર ગામે આપણા બંન્નેના પરિવાર એક જ ફળિયામાં સાથે રહેતા હતા. તારા પિતાજીની મોટી પેઢીમાં મારા પિતા મહેતાજી તરીકે કામ કરતા હતા અને બધા સાથે મળીને એક ફળિયામાં રહેતા હતા. બંન્ને અલગ અલગ પરિવાર હોવા છતાંય તેઓ વચ્ચે એક કુટુંબ જેવો પ્રેમ હતો.
બધા એકબીજા સાથે હળી મળીને પ્રેમથી રહેતા હતા. પરંતુ એક દિવસ તારા પિતાજી જગદીશભાઇની પેઢીમાં મોટી ઉચાપત થઇ અને આળ બધો મારા પિતા લાલજીભાઇ પર આવ્યો. ત્યારે આપણો જન્મ પણ થયો ન હતો. વર્ષોથી સાથે હળીમળીને પ્રેમથી રહેતા બે પરિવારોનો સંબંધ પળમાં ટુટી ગયો. બંને વચ્ચે આજીવન ખટરાગના બીજ રોપાય ગયા. ત્યારથી બંન્ને એકબીજાનુ મોઢુ પણ જોવા માંગતા નથી.” “આકાંક્ષા, પણ ઉચાપત કરી હતી કોણે?” “પેઢીના ખાસ વિશ્વાસુ માણસ મહેન્દ્રએ. તેને એવી રીતે બધુ છટકુ ગોઠવ્યુ કે આળ બધો મારા પિતાજી લાલજીભાઇ પર આવ્યો. આજ સુધી તારા પિતાજી જગદીશભાઇ સમક્ષ સત્ય કયારેય આવ્યુ જ નથી.” “મહેન્દ્ર કાકા તો અમારા ખાસ વિશ્વાસુ માણસ છે. તેને આવુ શા માટે કર્યુ?” “ઇર્ષા, દુનિયાનુ મોટામાં મોટુ વિષ. ઇર્ષાને વશ થઇને મહેન્દ્રએ દગો કર્યો અને બધો આરોપ મારા પિતાજી માથે નાખી દીધો અને તેઓ હમેંશા વિશ્વાસ પાત્ર બની રહ્યા અને સત્ય કયારેય સામે આવ્યુ જ નહીં” ********************************* દિવસની મસ્તીમાં રાત્રીનો બધો ડર ભુલાય ગયો. તેઓ બધા ફ્રેશ બની ગયા. મધ્યાહનનો સુરજ તપ્યો ત્યાં સુધી બધાએ નદીમાં સ્નાનનો આનંદ લીધો. “ફ્રેન્ડસ, હવે ખુબ જ ભુખ લાગી છે. કાલનુ કાંઇ ખાધુ નથી. લેટસ ટેઇકસ લંચ નાઉ.” વૃંદાએ નદીકાંઠે ઉભા થતા કહ્યુ. “હા યાર, બિલાડા અને ઉંદર બંન્ને સાથે સાથે પેટમાં દોડી રહ્યાએ છે.” મયુરે પણ હસતા હસતા કહ્યુ. “ચાલો કુંવરો, આલીશાન મહેલમાં રાજાશાહી લંચ લેવા.” દિવ્યાએ મજાક કરતા કહ્યુ. બધા હસતા હસતા મજાક મસ્તી કરતા કરતા અંદર ગયા અને નાસ્તો કરવા લાગ્યા અને અને અચાનક જ..................................... ************************************************* “ડોકટર સાહેબ મારી દીકરીને હોશ આવે છે. પ્લીઝ કમ ફાસ્ટ.” જગદીશભાઇએ દોડતા આવીને ડોકટર બત્રાને કહ્યુ. ડોકટર બત્રા પોતાની ટીમ સાથે સોનાક્ષીના વોર્ડમાં આવ્યા. નર્સ પુજા તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો પ્રયત્ન કરી રહી હતી. સોનાક્ષીને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી. તેની આંખો ખુલી હતી. ડોકટર બત્રાની ટીમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. જગદીશભાઇ અને તેના પુરા પરિવારને નર્સે સોનાક્ષીના વોર્ડમાંથી બહાર જવા કહ્યુ. તે બધા બહાર જતા રહ્યા. બહાર બાંકડા પર બેસી સોનાક્ષીના પિતા જગદીશભાઇ અને માતા ગીતાબહેન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
અડધો કલાક બાદ ડોકટર બત્રા બહાર આવ્યા અને બોલ્યા, “ઇન્ટરનલ બિલ્ડિંગ વધી રહ્યુ છે અને તેના શોકના કારણે જ હોશ આવ્યો છે. હવે જલ્દીથી ઓપરેશન કરવુ પડશે. પ્લીઝ તમે આ કાગળ પર સહીઓ કરી ફોર્માલિર્ટી પુરી કરો. હુ ઓપરેશનની તૈયારી કરુ છુ.” “ડોકટર સાહેબ કોઇ પ્રોબ્લેબ તો નહી થાય ને મારી દીકરીને.” ગળગળા સ્વરે જગદીશભાઇએ કહ્યુ. “અત્યારે કાંઇ કહી શકાય તેમ નથી. વી વિંલ ટ્રાય અવર બેસ્ટ્સ. જલ્દી ફોર્માલિર્ટી પુરી કરો આપણી પાસે સમય જરા પણ નથી.” “હા, હા,...” કહી જગદીશભાઇએ બધા કાગળો પર સહી કરી નાખીને ડોકટર અને તેની ટીમ ઓપરેશન થિયેટરમાં જઇ સોનાક્ષીનો જીવ બચાવવા મહેનત કરવા લાગ્યા.
(12) દિવસના સમયે મોટેભાગે ડર ઓછો લાગે છે. રાત્રિનો કાળો અંધકાર જ ભય પ્રેરક હોય છે. પરંતુ આ તો જંગલ છે. જયાં ભય ચોવીસ કલાસ સાથે જ રહે છે. જરાક સાવધાની ચુકયા એટલે પુરુ. કડકડતી ભુખ બધાને લાગી હતી આથી તેઓ વધારે કાંઇ વિચાર્યા વિના બંગલામાં અંદર બેસીને નાસ્તો કરવા લાગ્યા. થોડી જ વાર થઇ ત્યાં તો ખુબ મોટે મોટેથી અવાજ આવવા લાગ્યો. પંખીઓની મોટે મોટેથી ચીખો અને પશુઓની દર્દેભરી ચીસોથી વાતાવરણ બિહામણુ બની ગયુ. ભય ઓથાર વચ્ચે કોળિયો ગળેથી ઉતારવો શકય નથી. બધા જમવાનુ છોડી એક સાઇડ ખુણામાં આવી ગયા. તેઓ નદીકાંઠે હતા. જયાં શિકાર સૌથી વધારે થાય છે. પાણી પીવા આવેલા નાના પ્રાણીઓને જંગલી હિંસક પ્રાણીઓ શિકાર કરવા આવ્યા હતા. જેમાં એક હરણ વાઘના હાથે ફસાય ગયુ હતુ. હરણનો બચવા માટેનો પ્રયાસ અને વાઘનો શિકાર કરવાનો પ્રયાસ જોવાનો અનોખો નજારો તેઓ બધા જરાય જોવાની સ્થિતિમાં ન હતા. બસ ખુણામાં લપાય અને અવાજ સાંભળી પરિસ્થિતિ મહેસુસ કરી શકતા હતા.
થોડી વાર સુધી આ ખેલ ચાલ્યા કર્યો. વાઘ પોતાની પેટની ભુખ શાંત કરીને ચાલ્યો ગયો. બધા મિત્રો બારીમાંથી જોવા ગયા. વાઘના ગયા બાદ અન્ય માંસ બક્ષીઓ બચેલો શિકાર ખાવા આવી ગયા. થોડી વાર માટે તો બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. હવે બધુ શાંત થઇ ગયુ હતુ. શું ખરેખર? *************************** “ડોકટર સાહેબ મારા દીકરાને હુ બીજી હોસ્પિટલમાં લઇ જઇ શકુ?” લાલજીભાઇએ ડોકટર પંડયાના રૂમમાં જઇને કહ્યુ.
“કેમ તમને અહીંની ટ્રીટમેન્ટ પર શંકા છે? આ વડોદરાનુ ખ્યાતનામ દવાખાનુ છે.” ડોકટર પંડયાએ કહ્યુ. “ના સાહેબ એવુ નથી. ધંધા પાણી ખોટી થાય છે. વડોદરા રાજકોટથી ઘણું દુર પડે છે. રાજકોટ હોસ્પિટલ હોય તો ધંધા પર અને બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકે. સાહેબ ત્યાં પણ ઘણા મોટા દવાખાના છે.” “હા, રાજકોટ પણ ઘણી મોટી હોસ્પિટલો છે. પરંતુ આ પોલીસ કેસ છે એટલે પહેલા તમારે તેની પરમિશન લેવી પડશે. અને મારા મતે તમે અહીં રહો તો પોલીસ કાર્યવાહીમાં સરળતા પડશે. તમે ઇચ્છતા નથી કે તમારા પુત્રને ન્યાય મળે અને ગુનેહગારોને સજા મળે.” “સાહેબ તમારી વાત સાચી છે. જવામાં ઉતાવળ કરવા જેવી નથી. અહીં જ રહીએ છીએ. સાહેબ મારા દીકરાની તબિયત.”
“તેના વિશે અત્યારે કાંઇ કહી શકાય એમ નથી. કોમા પેશંટ વિશે કોઇ પુર્વાનુમાન શક્ય નથી.” “સાહેબ બીજા કોઇ દવાખાને કે ડોકટરની જરુરિયાત હોય તો જરૂર પ્રયાસ કરજો.” “અમે અમારી રીતે પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ.” લાલજીભાઇએ કેબિનમાંથી નીકળીને કહ્યુ, “કુસુમ, અહીં જગદીશ સાથે રહેવુ મુશ્કેલ છે અને બીજો કોઇ રસ્તો પણ નથી.” “હવે અત્યારે બધુ ભુલીને દીકરા વિશે વિચારો.” “કેમ ભુલી જાવ બધુ તને ખબર તો છે બધી.” “તેઓ પણ મુશકેલીમાં છે. અત્યારે જુનુ ભુલીને આપણા સંતાનોના સ્વાસ્થ્ય વિશે વિચારવામાં ભલાઇ છે. સાથે મળીને પ્રયત્નો કરીશુ તો જ ગુનેગારોને સજા મળી શકશે. તમને ખબર છે. સોનાક્ષીને હોંશ આવ્યો હતો અને તેનુ અત્યારે ઓપરેશન ચાલી રહ્યુ છે.” “ઓપરેશન?” “હા, કોઇ ક્રિટિકલ પ્રોબ્લેમ છે.” “ઓહ” *************************** બધાએ થોડી વાર બાદ ફટાફટ નાસ્તો કરી લીધો. ન જાને પછી શુ નવુ બની જાય. જેમ બપોર પડવા લાગી હતી તેમ ગરમી વધવા લાગી હતી. શિકારની ઘટનાનો નજારો માણ્યા બાદ હવે જંગલમાં અનુભવ વગર દુર જવાની કોઇની હિંમ્મત ન હતી. તેઓએ થોડીવાર બહાર ચક્કર મારી, ગપ્પા માર્યા, મોબાઇલમાં ગેઇમ્સ રમી. પછી વાતાવરણની ઘામને કારણે તેઓએ સુવાનુ નક્કી કર્યુ જેથી રાત્રે જાગી શકાય. બધા આરામથી ઉંઘી ગયા. સંધ્યા ઢળવા લાગી એટલે પ્રેમી પંખીડા સમીર અને સોનાક્ષી વોકિંગ માટે નીકળ્યા. અને અચાનક............ ************************* “સર, હવે સોનાક્ષી બેનની તબિયત કેવી છે?” પેઢીના મુખ્ય માણસ મહેન્દ્રએ હોસ્પિટલમાં આવીને જગદીશભાઇને પુછ્યુ. “આ ત્રીજુ ઓપરેશન ચાલુ છે. કાલથી ડોકટર બસ ઓપરેશનો જ કરી રહ્યા છે. ભગવાન જાણે મારી દીકરીને શુ થશે?” “ભગવાન જરૂર સારું કરશે. આપણે કયાં કોઇનુ બુરુ કર્યુ છે. ઇશ્વર પર ભરોસો રાખો. સૌ સારા વાના થઇ જશે.” “હા, મારી ભોળી સોનાક્ષી સાથે ઇશ્વર કયારેય બુરુ ન કરી શકે. શુ થયુ મિટિંગમાં? કાલે હતી તેમાં?” “ખુબ જ સરસ રહી મિટિંગ. આપણને કોંટ્રાકટ મળી ગયો છે. બસ આ ફાઇલમાં સહી કરી દો એટલે કામ ચાલુ થઇ શકે.” “હા, લાઓ” ફાઇલમાં સહી થઇ ગઇ એટલે મહેન્દ્ર હોસ્પિટલની બહાર જવા નીકળ્યો. ત્યાં થોડે આગળ પોર્ચમાં “મહેન્દ્ર અંકલ, પ્લીઝ મારી સાથે બહાર આવશો. મારે થોડુ કામ છે.” “સુરજ બેટા મારે મોડુ થઇ રહ્યુ. જલ્દી જઇને માલનો ઓર્ડર આપવાનો છે અને જરૂરી મિટિંગ લેવાની છે.” “અંકલ થોડુ જ કામ છે. જરાક બહાર આવોને” “ઓ.કે. બેટા” મહેન્દ્રને ખુબ ઉતાવળ હતી પરંતુ સુરજની વાત તે ટાળી ન શક્યો. આખરે મુત્સદી ગીરીમાં તે માસ્ટર હતો. “હા, બેટા બોલો એવુ શુ કામ છે?” બહાર આવતા જ મહેન્દ્રએ કહ્યુ. “અંકલ, મારે તમારી થોડી હેલ્પની જરૂર છે.” “હા, બેટા હુ તારી બધી મદદ કરીશ. પરંતુ અત્યારે મારે બહુ કામ છે. સર અહીં હોસ્પિટલમાં છે. આખી ઓફિસ મારી માથે છે અને અત્યારે નવો કોંટ્રાકટ મળ્યો છે. હુ ખુબ જ વ્યસ્ત છુ. થોડા દિવસ બાદ તમને જરૂરથી મદદ કરીશ. હવે હુ નીકળુ છુ.” ઉતાવળે આટલુ બોલીને મહેન્દ્ર જવા નીકળી ગયો.
**********************
“અરે સાંભળો છો?” કુસુમબહેને હોસ્પિટલની લોબીમાં બેસીને લાલજીભાઇને કહ્યુ. લાલજીભાઇ ચિંતાગ્રસ્ત બેઠેલા હતા અને તેની પાસે આંકાક્ષા કોઇ પુસ્તક વાંચી રહી હતી. માતાની અવાજ સાંભળી તે પણ ધ્યાનથી સાંભળવા લાગી. “દેવી બહેનનો ફોન હતો. તે કહેતી હતી કે પરબ વાળા દેબુ બાબા પાસે આખા લઇ આવ્યા એ તો સમીરની હાલતમાં જરૂર ફાયદો થશે.
“વોટ નોનસેન્સ મમ્મી તુ પણ શુ આવી ફાલતુ વાતોમાં વિશ્વાસ કરે છે.” આકાંક્ષાએ ચીડાઇને કહ્યુ. “બેટા તુ નાનકડી હતી ત્યારે તને એકવાર સાપ કરડી ગયો હતો અને આમ બાબાના આખાથી જ તને ફેર પડયો હતો.” “મમ્મી પ્લીઝ એવો બકવાસ બંધ કર. ડોકટરો તેનો પ્રયાસ કરે છે.” “તમે આ અકુની વાત પર ધ્યાન ન આપો. મારી બહેન દેવી કહેતી હતી કે તેના ચીકુડાના એકસિડંટ પછી પરબના બાબાના આખા પછી ફરક પડી ગયો હતો. તમે જરાક જઇ આવોને.” “કુસુમ, મહેરબાની કરીને અંધશ્રધ્ધાની વાતો રહેવા દે. અકુ નાનકડી હતી ત્યારે પણ તને ના પાડી હતી. પરંતુ તુ તારી મમ્મી સાથે કોઇ ભુવા પાસે ગઇ હતી અને તેને ફરક કોઇ ભુવાથી નહીં. ડોકટરની દવાથી પડયો હતો. હવે આવુ વિચારવાનુ છોડી દઇ. પરમ શક્તિ પાસે પ્રાર્થના કર તો કાંઇક ફાયદો થશે.” “પણ” “બસ હવે હુ જમવાની વ્યવસ્થા કરવા જાઉ છુ. અકુ તુ આ દવા લઇ આવ.”
(13) “મહેન્દ્રકાકા” બસ સ્ટોપ પર બસની વેઇટ કરતા મહેન્દ્રએ અચાનક સુરજને જોતા આશ્ચર્ય પામતા કહ્યુ, “સુરજ બેટા, તુ અહીં” “મારે તમારુ કામ છે.” “એવુ શું કામ છે કે તુ પાછળ જ પડી ગયો છે અને અહીં સુધી પહોંચી ગયો.” *********************** પક્ષીઓના કલરવ સાંભળીને બધા ઉઠી ગયા. ઉઠીને જોયુ કે સમીર અને સોનાક્ષી ત્યાં હતા નહિ. “હે ગાઇસ આ લોકો કયાં ગયા?” મયુરે પુછ્યુ. “કયાંક બહાર ગયા હશે” વૃંદાએ કહ્યુ. “તેઓ સલામત તો હશે ને? આપણે તેઓને શોધવા જોઇએ.” દિવ્યાએ કહ્યુ. “હા, દિવુ સાચુ કહે છે. આપણે તેને શોધવા જવુ જોઇએ.” “ઓ.કે. તમે બંન્ને અહીં બંગલાની આસપાસ રહો. અમે તેઓને શોધી લાવીએ છીએ.” “હા, પણ જલ્દી કરજો. અમને અહીં ખુબ જ ડર લાગી રહ્યો છે.” “અમે હમણાં જ તેઓને શોધીને લાવીએ છે. તમે અહીં હિમ્મતથી રહેજો.” મયુર અને વિનય સમીર અને સોનાક્ષીને શોધવા જતા રહ્યા અને પાછળથી.................................. ****************************** “અંકલ, મારે એક સવાલનો જવાબ જોઇએ છીએ” “હા, જલ્દી બોલ બેટા. મારી બસ હમણાં આવી જશે અને આ છેલ્લી બસ છે.” “અંકલ, જાની પરિવાર અને પંડયા પરિવાર વચ્ચેની દુશ્મનીનુ કારણ શુ છે?” “સુરજ બેટા, અત્યારે આવી ક્રિટિકલ પરિસ્થિતિમાં તમને આવા ફાલતુ સવાલ કેમ યાદ આવે છે. તે બધુ જગ જાહેર છે.”
“પણ શું?” “જગદીશભાઇને સાહેબે પરિવારની જેમ રાખ્યા અને તેને આટલુ સન્માન આપ્યુ તો પણ તેને આપણી પેઢીમાંથી મોટી ઉચાપત કરી. વળી આજ સુધી તેને ગુનો કબુલ પણ નથી કર્યો અને સાહેબ સાથે મોટો ઝઘડો કર્યો.” “ખરેખર તેઓએ જ ઉચાપત કરી કે બીજા કોઇએ તેનુ નામ ચડાવી દીધુ.” “બીજુ કોણ એવુ કરે. આજે જે તેની પાસે જમીન અને દુકાન છે તે કયાંથી આવી?” મહેન્દ્રએ જરા થોથવાતા કહ્યુ. “પણ પિતાજી કે તમે પુરતી તપાસ કરી કે એમ જ કોઇના કહેવાથી તેઓને ગુનેગાર માની લીધા.” “બેટા તપાસ તો કરી જ હોયને. પણ અત્યારે આ પરિસ્થિતિમાં તુ મારી આમ ઉલટ તપાસ કેમ કરે છે? મારે મોડુ થાય છે. તારે જે જાણવુ હોય તે તારા પિતા પાસે જાણી લે જે. મને હવે જવા બસ હમણાં આવે જ છે.” “મારે તમારુ જ કામ છે. તમારો મુંબઇનો બંગલો અને ગાડીને બધુ કયાંથી આવ્યુ?” “બંગલો-ગાડી!” “હા, અંકલ મે બધી તપાસ કરી લીધી છે. તમે હવે આ વાત ફેરવવાની રહેવા દો અને પિતાજી પાસે તમારો ગુનો કબુલી લો.” “કેવો ગુનો?” “મારી પાસે બધા સબુત પણ છે. હુ પિતાજીને બધી વાત કહીશને તો તમારી ખેર નહિ રહે. સારપ તેમાં જ છે તમે ગુનો કબુલી લો અને નોકરી છોડીને જતા રહો.” સુરજનુ અંધારામાં છોડેલુ તીર કામ લાગવા લાગ્યુ. મહેન્દ્ર પાસે કાંઇ કહેવા જેવુ રહ્યુ નહિ. તેની પાસે લાલજીભાઇનો સામનો કરવાની હિંમ્મત પણ ન હતી આથી એક કાગળમાં પોતાનો ગુનો કબુલી તે નોકરી છોડી જતો રહ્યો. ********************* “લાલજીભાઇ તમારી દીકરી સોનાક્ષી હવે ખતરાની બહાર છે.” ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળી ડો. બત્રાએ કહ્યુ. “ખુબ ખુબ આભાર ડોકટર સાહેબ. હુ મારી દીકરીને મળવા જઇ શકુ.” હરખઘેલા થઇ લાલજીભાઇએ કહ્યુ. “ના, હજુ તેને 48 કલાક આરામ અને ફુલ ઓબઝર્વેશનમાં રાખવાની છે. તમે કોઇ તેને મળી નહિ શકો. અમારો સ્ટાફ 24 કલાક તેની સાથે રહેશે.” “સાહેબ, અમે ખાલી અમારી દીકરીને જોઇ શકીએ છીએ?” “ના, અંદર રૂમમાં કોઇને જવા દેવામાં આવશે નહિ. માજી હવે શુ ચિંતા કરો છો. 48 કલાકમાં તે ભાનમાં આવી જશે અને પછી નિરાંતે મળજો.” “તમારે લોકોએ આરામ કરવો હોય કે જવુ હોય તો જઇ શકો છો. સોનાક્ષીનુ પુરુ ધ્યાન અમે રાખીશુ.” ડો. બત્રાએ જતા જતા કહ્યુ. ડોકટર ગમે તે કહે. જયારે આપણુ સ્વજન પીડામાં દવાખાને હોય ત્યારે આરામ ચેન બધુ ભુલાય જાય છે. કોઇને થાકની ખબર પડતી નથી. બધા દવાખાને જ રહ્યા કોઇ કયાંય પણ ગયુ નહિ. ************************* “કુસુમ, મારાથી એક મોટી ભુલ થઇ ગઇ છે.” મહેન્દ્રની ચિઠ્ઠિ વાંચીને લાલજીભાઇએ કહ્યુ. “શું થયુ અને કોની ચિઠ્ઠિ છે?” “મહેન્દ્રની, તેને પોતાનો ગુનો કબુલી લીધો છે. વર્ષો પહેલા તેનો ભોગ મારો મિત્ર જગદીશ બન્યો હતો. ખુબ જ મોટી ભુલ થઇ ગઇ હતી. હુ માફી માંગવા માટે જાઉ છુ.” હાથમાં રહેલી ચિઠ્ઠિ તેની પત્ની કુસુમને આપીને લાલજીભાઇ તેના મિત્ર જગદીશભાઇ પાસે જતા કહ્યુ. *************************
“જગા” વર્ષો પહેલા સાંભળેલુ નામ સાંભળીને જગદીશભાઇ ચમકી ગયા. તેને પીઠ ફેરવીને જોયુ તો લાલજીભાઇને ઉભેલા જોઇ તેનુ મોં બગડી ગયુ. “મારી નજર સામેથી દુર થઇ જાવ નહિતર પરિણામ સારું નહિ આવે.” જગદીશભાઇએ ગુસ્સાથી કરડાઇને કહ્યુ. “જગા, હુ માફી માંગવા આવ્યો છું.” “માફી! હવે બધા નાટક રહેવા દે અને ચાલ્યો જા.” “હુ તારો ગુસ્સો સમજી શકુ છુ મે ખુબ જ મોટી ભુલ કરી છે. તારે મને જે સજા આપવી હોય તે આપી શકે છે. પરંતુ મહેરબાની કરીને મને માફ કરી દે. મે કાંઇ પણ સમજ્યા વિચારીયા વિના તારા પર આરોપ લગાવી દીધો. *******************************
સમીર અને સોનાક્ષી તો જતા રહ્યા અને મયુર અને વિનયને તેને શોધવા ગયેલા પણ ઘણો સમય થઇ ચુકયો હતો. હજુ સુધી તેઓ આવ્યા ન હતા. અંધારુ ખુબ જ વધવા લાગ્યુ હતુ. દિવ્યા અને વૃંદા ભગવાનનુ નામ લેતા લેતા એકબીજાને પકડીને દરવાજા પાસે ઉભા હતા. ત્યાં એક મોટી ચીસ સંભળાયી. બંન્ને ખુબ જ ગભરાઇ ગઇ.
(14) “સુરજ, થેન્ક્યુ સો મચ.” આકાંક્ષાએ સુરજને કોલ કરીને કહ્યુ. “કેમ? મે શુ કર્યુ?” “તારા કારણે આજે બંન્ને પરિવાર એક બની ગયા છે.” “સાચે જ” “હા, તારા પિતા લાલજીભાઇએ માફી માંગીને બધુ ઠીક કરી દીધુ છે.” “વાહ, મારો તુક્કો કામ લાગી ગયો.” “તુક્કો!”
“હા, મને મહેન્દ્ર કાકાના મુબંઇના બંગલા અને ગાડી વિશે ખબર હતી. બીજા થોડા હવામાં તુક્કા લગાવ્યા અને તે ડરી ગયા અને બધુ સત્ય સામે આવી ગયુ.” “થેન્ક ગોડ કે બધુ ઠીક થઇ ગયુ.” *************************** 48 કલાક વિતી ગયા અને ધીરે ધીરે સોનાક્ષીને હોશ આવવા લાગ્યો. તે હવે ખતરાની બહાર હતી. તેને બહુ બોલવાની મનાઇ હતી. તે પોતાના પરિવારને જોઇ શકતી. “બેટા, હવે કેવુ લાગે છે? કોણે તારા પર હુમલો કર્યો? શું થયુ હતુ?” કુસુમબહેને સોનાક્ષીના ખાટલે બેસીને કહ્યુ.
“માજી, તમે તેને વાતો ન કરાવો. હજુ તેની હાલત સાવ સારી બની નથી.” નર્સે કુસુમ બહેનને કહ્યુ. “હવે તમે લોકો બહાર પણ જાવ. સોનાક્ષીના ડ્રેસિંગનો સમય થઇ ચુક્યો છે. ત્યાર બાદ દવા આપી તેને આરામ કરાવવાનો છે.”
થોડી વાર બાદ સોનાક્ષીને ડ્રેસિંગ થઇ ગયુ. તેને કોઇ સાથે વાતચીત કરવાની મનાઇ હતી. આથી તે પોતે વિચાર મગ્ન બની ગઇ.
સમીર અને સોનાક્ષી બંન્ને મોકાનો લાભ લઇ ફરવા નીકળી ગયા. જંગલમાં રાત્રિ ખુબ જ વહેલી પડે છે. તેઓ થોડે દુર ગયા તો અંધારુ ઘેરાવા લાગ્યુ.
“સમીર, આપણે આ રીતે આમ ન આવવુ જોઇએ.” “કેમ તને ડર લાગી રહ્યો છે? કમ ઓન ફરી કયારે આવો મોકો મળશે આવી રીતે એકલા એક્લા ફરવા જવાનો” “આવા ભયાનક જંગલમાં આવી રીતે બધાએ અલગ ફરવા જવુ તે મુશ્કેલીનુ કારણ બની શકે છે.” “સોનુ, ડરવા જેવુ કાંઇ નથી. ખોટી ચિંતા છોડી દે.” “હવે અંધારુ વધવા લાગ્યુ છે. બધા જાગી ગયા હશે અને આપણને શોધતા હશે. આપણે હવે જવુ જોઇએ.” “હા ચાલો” સમીર અને સોનાક્ષી બંન્ને બંગલા તરફ જવા લાગ્યા. અંધારુ અને પ્રાણીઓના બિહામણા અવાજો વાતાવરણને ભયભીત બનાવી રહ્યા હતા. તેઓની બેટરીના સેલ પણ ડીમ પડવા લાગ્યા હતા. તેઓ થોડે જ દુર ગયા હતા. પરંતુ પરત ફરતા બંગલો દેખાતો જ ન હતો. તેઓ ચાલતા જ રહ્યા હતા પરંતુ રસ્તો પુરો થતો જ ન હતો. “સમીર, આપણે રસ્તો ભુલી ગયા લાગીએ છીએ.” “હા, સોનુ મને પણ લાગે છે પરંતુ હવે મને લાગે છે કે આપણે નજીકમાં જ છીએ.” “આ...............આ” એક દર્દેભરીચીસ પાડી સોનાક્ષી નીચે બેસી ગઇ. “સોનુ, શુ થયુ?” હાંફળો ફાંફળો સમીર તેની પાસે આવીને બેસી ગયો. “વીંછી, વીંછીએ દંશ માર્યો. ઓહ્હ માં બહુ જ દુ:ખે છે.” સોનાક્ષીએ રડતા રડતા કહ્યુ. સમીરે પોતાના થેલામાંથી એક શીશીમાંથી થોડી દવા લગાવી દીધી અને સોનાક્ષીને પોતાના ખોળામાં સુવડાવતા કહ્યુ, “મેં આ ઝેર અને પીડાનાશક દવા લગાવી દીધી. ડોન્ટ વરી હમણા પીડા શાંત થઇ જશે.” “બહુ જ દુ:ખી રહ્યુ છે.” તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં કોઇ તેને પાછળથી ખેંચવા લાગ્યુ. “કોણ છે?” સમીરે પોતાની પકડ છોડાવીને કહ્યુ. ડરાવણી આકૃતિ જોઇને સોનાક્ષી એકદમ ઘભરાય ઉઠી. કાળી લાંબી આકૃતિ ખુબ જ બિહામણી હતી. જેની આંખો મોટી હતી અને ચહેરો વિકરાળ અને ડરામણો હતો. તેના નખ ખુબ જ મોટા હતા. અંધારામાં આ વિકરાળ આકૃતિ વાતાવરણને ભયજનક બનાવી રહી હતી. સોનાક્ષી ડરના માર્યી બેભાન બની ગઇ. “કોણ છે?” સમીરને અંદરથી ડર લાગી રહ્યો હતો પરંતુ તે હિમ્મત રાખીને પુછ્યુ. તે વિકરાળ આકૃતિ કાંઇ બોલી નહિ અને સમીર પર હુમલો કરવા લાગી. સમીરે પોતાની બધી હિમ્મત બતાવી લડવાનો પ્રયાસ કર્યો અને સોનાક્ષીને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને ચાકુથી ઉપરાઉપરી ઘાવ કરીને તેને લાગ્યુ કે બંન્ને મરી ગયા છે એટલે જતી રહી. કિસ્મત જોગે તેઓ બચી ગયા. સોનાક્ષી આજે જીવિત હતી. પરંતુ એ વિકરાળ ચહેરો યાદ આવતા તે ખુબ જ મોટેથી ચીસ પાડી ઉઠી. તે સાંભળી નર્સ અને લાલજીભાઇ કુસુમ બહેન બધા દોડીને અંદર આવી ગયા. “શું થયુ? કાંઇ પ્રોબ્લેમ થયો?” નર્સે બધુ ચેક કરતા કહ્યુ. “બચાવો, બચાવો, તે મારી નાખશે અમને. સમીર કયાં છે?” સોનાક્ષી ફરી ચીસ પાડતા કહ્યુ. “કોણ મારી નાખશે? સોનુ અહીં કોઇ નથી.” સુરજે કહ્યુ. “ભુત, તે પ્રેત અમને મારી નાખશે.” સોનાક્ષીએ ગભરાયને સંકોચાતા કહ્યુ. “સોનાક્ષી બેટા, અહીં કોઇ નથી. શાંત થા.” કુસુમબહેને તેનો હાથ પકડતા કહ્યુ.
સોનાક્ષી હજુ કાંપી રહી હતી. નર્સે તેને આરામ કરવાનુ કહ્યુ. તે ખુબ જ ગભરાયેલી હતી. લાલજીભાઇ ડો.બત્રાને બોલાવી લાવ્યા.
“બેટા, પ્લીઝ તુ આરામ કર. અહીં કંઇ નથી?” ડો.બત્રાએ કહ્યુ. “હવે અમે નિવેદન લઇ શકીએ છીએ?” ઇન્સ્પેકટરે પાછળથી આવીને પુછ્યુ. “ઇન્સપેકટર, પ્લીઝ હજુ તેને આરામની જરૂર છે. થોડા સમય બાદ નિવેદન લઇ લેજો. નર્સ પ્લીઝ તેને માઇલ્ડ સ્લિંપિગ ડોઝ આપી દો.” ડો. બત્રાએ કહ્યુ. નર્સે ડોકટર બત્રાની સુચના મુજબ કર્યુ. થોડીવારમાં સોનાક્ષી સુઇ ગઇ. બધા બહાર જતા રહ્યા.
(15) “સર, મારા પુત્રને કયારે હોંશ આવશે” સોનાક્ષીને હોંશ આવતા આશાભેંર ડો. બત્રા સમીરને ચેક કરવા આવ્યા ત્યારે જગદીશભાઇએ પુછ્યુ. “કોમા પેશ્ંટ માટે નો આઇડિયા. હુ અત્યારે કાંઇ ન કહી શકુ.” “સર............”
“જગદીશભાઇ ચિંતા ન કરો ધીરે ધીરે બધુ સારુ થઇ જશે. ઘાવ રુઝાઇ જશે એટલે કદાચ જલ્દી હોંશ આવી જશે.” ડોકટરની વાત સાંભળીને જગદીશભાઇ અને ગીતાબહેનના ચહેરા પર થોડી ખુશી આવી. ******************************** મયુર અને વિનય ઘણાં સમયથી ગયા હતા. દરવાજા પાસે ઉભેલી દિવ્યા અને વૃંદાને કોઇની ચીસ સંભળાઇ. તેઓ બંન્ને ખુબ જ ગભરાય ગઇ. કોણ હશે? દિવ્યાને આખા શરીરમાં પરસેવો વળવા લાગ્યો અને તેને ચક્કર આવી ગયા અને તે બેભાન બની ગઇ.
“દિવુ, ઉઠ જલ્દી ઉઠ.” વૃંદા નીચે બેસીને દિવ્યાને ઢંઢોળવા લાગી. તેને એકલા એકલા ખુબ જ ભય લાગી રહ્યો હતો. દિવ્યાને હોંશ આવે તે પહેલા જ ફરીથી તે ચીસ સંભળાઇ અને તે વિકરાળ આકૃતિ આવીને ઉભી રહી. વૃંદા, “બચાઓ, બચાઓ, મયુર વિનય” તેમ ચીસો પાડવા લાગી. તેને કાંઇ સુઝતુ ન હતુ આથી તે આકૃતિ ધીરે ધીરે અંદર આવતી હતી. તેમ વૃંદા રૂમમાં અંદર જવા લાગી. તે વિકરાળ પ્રેતાકૃતિ દિવ્યાને ઢસડીને લઇ ગઇ. વૃંદાના હોશકોશ ઉડી ગયા. તે પાછળના દરવાજાથી, “બચાઓ, બચાઓ” ચીસો પાડતી ભાગવા લાગી ત્યાં ફરીથી તે વિકરાળ આકૃતિ તેની સામે આવી ગઇ અને વૃંદાના હ્રદયના ધબકારા વધી ગયા અને તે બેભાન થઇ ગઇ અને જયારે તે બંન્ને ભાનમાં આવી ત્યારે અંધારી કોટડીમાં પુરાયેલી હતી. “દિવુ, મને ખુબ જ ડર લાગી રહ્યો છે? આપણે કયાં છીએ? હવે શું થશે આપણી સાથે?” “વંદા, બીજા બધા સાથે શુ બન્યુ હશે? તેઓ બચાવવા નહિ આવે તો આપણે હિમ્મતથી અહીંથી નીકળવુ જોઇશે.” “પરંતુ કેવી રીતે અહીંથી નીકળીશુ?” “કોઇ આપણને ખાવાનુ અને પાણી આપવા આવે છે તેના પર હમલો કરીને અથવા અહીંથી કયાંય બાકોરુ પાડીને નીકળી જઇશુ.” “બાકોરુ!!!!!!!!!!! બહાર કોઇ હશે તો?” “કંઇક તો કરવુ જ જોઇશે.” *********************** “પાણી, પાણી” કોઇનો દર્દભર્યો અવાજ સાંભળીને માંડ માંડ મયુરની આંખ ઉઘડી. ચારે બાજુ સાવ અંધારુ હતુ તેને કાંઇ પણ દેખાતુ ન હતુ. “પાણી, પાણી” કોઇ અવિરત રીતે ઝંખી રહ્યુ હતુ. “કોણ?” મયુરથી માંડ માંડ બોલાયુ. તેને આખુ શરીર દર્દ કરી રહ્યુ હતુ. તે ચત્તો સુતેલો હતો. તેણે ઉઠવાનો પ્રયાસ કર્યો. પરંતુ દર્દના કારણે તેનાથી ઉઠાતુ પણ ન હતુ. તેને ચારેબાજુ હાથ ફેરવીને જોયુ તો કોઇના શરીર પર ભીના ભીનામાં હાથ તેના આવ્યા. અને હાથ અડતા જ તેને કોઇની ચીસ સંભળાયી. “ઓય માં.” અરે આ તો વિનયનો અવાજ છે. આટલો પરિશ્રમ તો તેનાથી માંડ થયો અને તે બેભાન થઇ ગયો. વિનય પણ પાણી પાણી ઝંખતો બેહોશ બની ગયો. બંન્ને લોહી લુહાણ ઘાયલ હાલતમાં એક અંધારી ગુફામાં પડેલા હતા. *******************************
સોનાક્ષીનો ડર જતો ન હતો છતાંય પોલીસના આગ્રહવશ તેનુ નિવેદન લેવાયુ અને પોલીસે તે વિકરાળ વ્યક્તિનો સ્કેચ બનાવ્યો અને તેને જંગલમાં સર્ચ કરતી ટીમને સોંપ્યો અને ખુબ જ ઝડપથી તેની તપાસ આગળ વધારી. *************************** દિવ્યા અને વૃંદાને એક અંધારી ઓરડીમાં પુરવામાં આવી હતી. તેની પાસે તેના મોબાઇલ કે બેટરી કાંઇ ન હતી. દિવસમાં એક વાર કોઇ કાળા કપડાં પહેરેલુ આવતુ અને તેને ખાવાનુ અને પાણી આપી જતુ. તેનો ચહેરો પણ આખો ઢંકાયેલો રહેતો. આથી તે કોણ છે તે ખબર પડતી ન હતી. એટલી વાર દરવાજો ખુલતો બાકી સાવ અંધારામાં તે નીરવ શાંતિમાં રહેતા. આજુબાજુ જંગલી જાનવર સિવાય કોઇનો અવાજ સંભળાતો હતો નહિ. તે બંન્ને એ આખો દિવસ ખુબ જ તપાસ કરી પરંતુ કયાંયથી બાકોરુ પડે તેમ ન હતુ. તેઓ નિરાશ થઇ ગયા. પરંતુ માણસના કિસ્મત કામ કરતા હોય ત્યારે અચાનક ચમત્કારો પણ બની જતા હોય છે. એમ વિશાળ જંગલી પ્રાણી દરવાજા સાથે અથડાયુ હોય કે શું થયુ. દરવાજો ટુટી ગયો. વળી તે પ્રાણી પણ ગભરાયને જતુ રહ્યુ અને વૃંદા અને દિવ્યા ભાગી નીકળી ગાઢ જંગલમાં રાત્રિ ઢળવા લાગી હતી. છતાંય તેઓ હિમ્મત કરીને એક દિશામાં ભાગવા લાગ્યા થોડી વાર બાદ તેને લાગ્યુ કે કોઇ તેનો પીછો કરી રહ્યુ છે. પરંતુ રાતના અંધારામાં તે લપાઇ ગયા આથી તેને કોઇ શોધી શક્યુ નહિ. તેને શોધનાર દુર ગયુ એટલે ફરી તેઓ ભાગવા લાગ્યા અને કિસ્મત જોગ સવાર પડતા પહેલા તે પોલીસને મળી ગયા. પોલીસ ટુકડી તેને શહેરમાં હોસ્પિટલમાં લઇ આવી. તેને શોધનાર વિકરાળ આકૃતિ પણ પોલીસને હાથ આવી ગઇ. તેની પુછતાછ કરીને વિનય અને મયુરનો પત્તો પણ મેળવી લીધો. તેને એક ગુફામાં પુરવામાં આવ્યા હતા. વિકરાળ આકૃતિએ તે બંન્નેને ખુબ જ માર માર્યો હતા. ઇન્સ્પેક્ટરે તે આકૃતિ જે એક જંગલી આદિવાસી હતો તેને ખુબ મારીને તેનુ નિવેદન લીધુ ત્યારે તેણે જે આદિવાસી ભાષામાં કહ્યુ તે સાંભળી બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા. પોલીસ સ્ટેશને છ મિત્રો અને તેના પરિવાર અને કશ્યપ સામે તે આદિવાસી વ્યક્તિનુ નિવેદન લેવામાં આવ્યુ. તેની ભાષા આદિવાસી જેવી હતી આથી પોલીસે ટ્રાંસ્લેટરની મદદ લીધી. “મારુ નામ મારુત છે અને હુ જંગલમાં જ જન્મયો અને ત્યાં જ મોટો થયો. અમે જંગલી લોકો ગુફાઓમાં રહીએ છીએ અને જે મળે તે ખાઇને ભટકતા રહીએ છીએ. જંગલી અને હિંસક પ્રાણીઓના ભય વચ્ચે અમારુ જીવન સલામત નથી. અમે ટોળામાં જ રહીએ છીએ. અમારા ટોળામાં મારા માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો બધા સાથે રહેતા હતા. એક દિવસ પાગલ બનેલા હાથીના ટોળાએ મારા આખા પરિવારનો ભોગ લઇ લીધો. હુ થોડો દુર હતો આથી નસીબ જોગ બચી ગયો. તે આખો સંહાર મે મારી નજરે જોયો. હુ કાંઇ જ ન કરી શક્યો. તે દિવસથી મને જંગલમાં ખુબ જ ડર લાગવા લાગ્યો આથી મેં જંગલ બહાર શહેરની ઘણી વાતો મેં મારા માતા પિતા પાસે સાંભળી હતી. મારી માતા કહેતા કે શહેરમાં લોકો સુરક્ષિત હોય છે. તેથી મેં જંગલમાંથી બહાર શહેરમાં આવીને રહેવાનુ નક્કી કર્યુ. હુ ખુશ થતો શહેરમાં આવી ગયો. પરંતુ હુ તદન જંગલી છુ. શહેરી માણસોએ મારો તિરસ્કાર કર્યો. લોકો મને ઘુત્કારતા અને બાળકો મને પથ્થર મારતા. ફરી હુ જંગલમાં આવી ગયો. વળી પાછો ભય અને જીવવા માટેનો સંઘર્ષથી કંટાળીને શહેરમાં આવ્યો. પરંતુ લોકોના તિરસ્કાર અને મારથી મને શહેરી લોકો પ્રત્યે નફરત અને ઘૃણા પેદા થઇ ગઇ અને પછી હુ બદલો લેવા માટે જંગલમાં આવતા લોકોને મારવા લાગ્યો અને તેના માંસની મિજબાની માણતો.” તેની વાત સાંભળી બધા સડક થઇ ગયા. એક નિર્દોષ આદિવાસીને ભયાનક રાક્ષક બનાવનાર કોણ હતુ? ભલે તે જન્મથી આદીવાસી હતો પણ તેમાં તેનો કાંઇ વાંક ન હતો, શહેરના લોકોએ જ્યારે તેને હુંફ અને પ્રેમ ન આપ્યા ત્યારે તેને શહેરી લોકો પ્રત્યે નફરત જાગી અને તેણે ગુન્હાખોરીનો રસ્તો અપનાવ્યો.
મારૂતે કરેલા ગુના અક્ષમ્ય હતા અને તે બદલ તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી. તેણે કરેલા ગુનાની સજા તેને મળી ગઇ અને કોલેજીયન ટોળકી હેમખેમ તેના પરિવાર સાથે પરત પોતાને ઘરે પહોંચી ગયા.
લેખકનુ નામ : ભાવિષા ગોકાણી
તમને આ નવલકથા કેવી લાગી? આ નવલકથા વિષે તમારા અભિપ્રાય જરૂરથી મોકલાવજો મારા મેઇલ આઇ.ડી. brgokani@gmail.com પર.
Comments
Post a Comment