એક અધૂરી પ્રેમ કહાની

 વાર્તા નું નામ :-એક અધૂરી પ્રેમ કહાની  

ભાગ: 1


 

       નિકુંજે પોતાની નવી શોપના ઉદઘાટનમાં પોતાના બધા મિત્રો સાથે જાણીતા અજાણ્યા અનેક લોકોને આમંત્ર્યા હતા. તે બહુ જ ખુશ હતો. આજે કેટલી પેઢીની મજુરી બાદ પોતાનો સ્વાતંત્ર ધંધો શરૂ કરી શક્યો હતો. તેને તનતોડ મહેનત કરીને આ શોપ બનાવી હતી. નાનકડી હતી તેની શોપ પરંતુ તેના આંખનુ સપનુ હતુ.

            નિકુંજ મૂળ આસામનો રહેવાસી પરંતુ તેના બાપ દાદાની પેઢીથી તેઓ ગુજરાત આવીને વસ્યા હતા. આથી નિકુંજ તો પ્યોર ગુજરાતી જ બની ગયો હતો. ગુજરાતમાં રહીને ગુજરાતી શાળામાં ભણીને તેને આસામી બોલી અને રીતભાતમાં તકલીફ પડતી હતી પરંતુ ગુજરાતી તો તે શુધ્ધ બોલી શકતો હતો.

            સમજણો થયો ત્યારથી તેને ખબર જ હતી કે ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી તેથી ભણવાની સાથે ટ્યુશન પણ કરાવતો અને બાજુવાળા કાકાની દુકાને મદદ કરાવી થોડા પૈસા એકઠા કરતો અને આજે વર્ષો બાદ એક એક પાય બચાવીને આજે એક નાનકડી દુકાન બનાવી હતી તેથી તે બહુ જ ખુશ હતો. એક સામાન્ય માણસની આંખમાં હોય તેવા સપના તે સજાવવા લાગ્યો હતો કે હવે તેનુ પણ ઝુપડાંમાંથી પાકુ મકાન બનશે અને તે પણ ધનવાન થઇ ફરશે. સાઇકલના સ્થાને હવે તે સ્કુટર લઇ ફરશે.

                  આમ તો તે અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયો હતો પરંતુ અબજોની વસ્તી ધરાવતા ભારત દેશમાં તે લાખો બેકારની લાઇનમાં હતો. નોકરી મેળવવાની આશમાં ભુખ્યા રહેવા કરતા ધંધો કરી ધનવાન બનવાના સપના સજાવવાનુ તેણે વધારે પસંદ કર્યુ હતુ.  રોજ તે ઘણા યુવાનોને બેકારીને કારણે તેનુ અમુલ્ય જીવન ટુંકાવી લેવાના કિસ્સા વાંચતો હતો.

            તેને ચોકમાં વચ્ચે જ સસ્તા ભાવની દુકાન મળી ગઇ હતી. દુકાન સાવ નાનકડી અમથી જ હતી પરંતુ તેના માટે તો સપનું હતુ. દુકાનમાં તેને ઓલ ઇન વન બધી વસ્તુ રાખવાનુ નક્કી કર્યું પરંતુ જગ્યા અને નાણાના અભાવે બધુ જ લિમિટમાં કરવાનુ હતુ.

            ધંધાની સ્થાપના તો થઇ ગઇ અને જોતજોતામાં ધંધો સારો એવો પણ ચાલવા લાગ્યો તેમ છતા પણ તે વિહવળ રહેતો હતો. એક ચહેરો વારંવાર તેની નજર સમક્ષ આવી જતો હતો. જેના માટે તેણે આ બધુ કર્યુ હતુ તે વારંવાર તેની નજર સમક્ષ આવી જતી હતી. રાત્રે ઉંઘમાં પણ જયારે સ્નેહાનુ નામ ઝંખતો ત્યારે માથા પર ટપલી મારી ખીજાતી કે ઘેલો ન થા નીક. દરિયાના બે કાંઠા કયારેય ભેગા ન થઇ શકે. આવુ કહેનારી સ્નેહા અને નિકુંજ  બન્ને ક્યારે અતૂટ પ્રેમના તાંતણે બંધાઇ ગયા તેમની તે બન્નેને પણ ખબર ન રહી,

            સ્નેહા એક અલ્લડ, બદમાશ છોકરી. પોતાની ધુનમાં રહેનારી એવી સ્નેહા ભુપત મહેતા નામના ધનાઢ્ય પિતાની વ્હાલસોયી પુત્રી હતી. નિકુંજની માતા પરચુરણ પૈસા માટે થોડા ઘરે કામ કરવા જતી. તેમાં શેઠ ભુપત મહેતાનુ ઘર પણ હતુ. રજાના દિવસો અને રવિવારે નિકુંજ પણ તેની માં સાથે જતો. કોઇક તેને ચોકલેટ આપતુ તો કોઇક નાસ્તો કરાવતુ. આ બધુ મેળવી તે બહુ રાજી થતો.

            સ્નેહા તેને હમેંશા હેરાન પરેશાન જ કરતી સ્નેહા તેના કરતા વયમાં એકાદ વર્ષ મોટી હતી ભુપત મહેતાની એકની એક લાડકી દીકરી હતી. સ્નેહાના મમ્મી ભુપત શેઠના પત્ની રેવતી બહેન સ્વભાવે ઋજુ અને માયાળુ હ્તા. તે સ્નેહા ને કામવાળીના દીકરા નિકુંજ સાથે મોકળા મને રમવા દેતા હતા. તેના માટે બાળકો બધા સરખા જ હતા પછી તે પોતાની પુત્રી હોય કે પછી કામવાળાનો દિકરો નિકુંજ .

            સ્નેહા ખુબ જ તોફાની અને ચંચળ હતી. બાળપણમાં નિકુંજ  તેનાથી ખુબ જ ચીડતો અને કયારેક રમતા રમતા ટપલી પણ મારી લેતો ત્યારે શેઠાણી તો બાળકો છે તેમ સમજી કાંઇ ન બોલતા પરંતુ નિકુંજ ની માં તેને ખુબ ખીજાતી અને માર મારતી. શેઠના સંતાનો પર હાથના ઉગામાય અને આપણે નાના માણસો.......... એવુ લાંબુ લચક લેકચર આપતી. પરંતુ બાળપણ જેનુ નામ, નિકુંજ  થોડી જ વારમાં બધુ વિસરી જતો અને હતુ એમ જ ફરી બન્નેની રકઝક શરૂ થઇ જતી, પણ બન્નેની રકઝક માત્ર નામની હતી, થોડીવાર માટે એકબીજાથી રીસાઇ જતા તો ઘડીભર બાદ ફરી બન્ને એકબીજા સાથે મસ્તી મજાકમાં લાગી જતા.

            રમતા રમતા બંને મોટા થવા લાગ્યા. હવે નિકુંજ  પણ વધારે પૈસા માટે રજાના દિવસે મજુરીકામે જતો પરંતુ સ્નેહા સાથેની તેની બાળપણની મિત્રતા તૂટી ન હતી. તે તેના ઘરની નજીક જ રહેતી હતી. આથી સાંજે ઘણીવાર બંને સાથે રમતા અને લેશન પણ કરતા. બન્ને વચ્ચે જમીન આસમાનનું અંતર હતુ. નિકુંજ  ભાંગીતૂટી પેન્શિલથી લખતો જ્યારે સ્નેહા પાસે શાહીવાળી પેન હોય. નિકુંજ કાળા પાનવાળી નોટમાં તો ક્યારેક પસ્તીમાં લખતો જ્યારે સ્નેહા પાસે ભારે સફેદ પાનવાળી નોટ રહેતી, પણ બન્નેના મનમાં એક નાનુ અને એક ધનવાન છે એવો ભાવ ક્યારેય ન આવતો.

            નાના હતા ત્યારે સાથે રમતા તેમાંથી કયાંથી નિકુંજના દિલમાં પ્રેમની વેલ ફુટી નીક્ળી તેની તેને ખબર રહી નહી. હવે તેને સ્નેહાની દરેક  અદા ગમવા લાગી હતી. તેના લાંબા વાળમાંથી તેલ નાંખીને ઓળેલા બે ચોટલા. રવિવારે લટ કાઢીને રાખેલા છુટા વાળ રમતા રમતા અંચાઇ કરવી અને ઓઢણી બાંધીને બિન્દાસ છોકરાવ સાથે કબડ્ડી અને ક્રિકેટ રમવુ આ બધુ નિકુંજ ને તેની નજીક ખેંચતુ હતુ.

            કયારેય ચોકલેટની લાલચ આપી નિકુંજ અને તેના મિત્ર પાસે લેશન કરાવી લેવુ તો ક્યારેક કાંઇ ન થયુ હોય છતા નાટકિય અંદાજમાં રમતા રમતા વાગી જવાનો ઢોંગ કરવો, આ બધી ટીખળ નિકુંજના મનને ભાવી ગઇ હતી. આખો દિવસ સ્નેહાનો જ ચહેરો તેની નજર સમક્ષ આવતો અને ઘણી વાર તો તે ઉંઘમાં પણ તેનુ નામ ઝંખતો.

            નિકુંજને માતાની અનુભવી આંખોએ બન્નેની વચ્ચે દોસ્તી કરતા કાંઇક વધુ છે એ બધુ જાણી લીધુ હતુ. આ ડરને કારણે જ નિકુંજના મનમાંથી સ્નેહા નુ વળગણ છોડાવવા તેની માતાએ બે ત્રણ વખત તેનુ સગપણ કરાવવા ગોઠવ્યુ. પરંતુ નિકુંજ તો તેના પિતાજીના ખોળામાં માથુ નાખીને રડી પડતો આથી તેના પિતાજી બધુ અટકાવી દેતા.

            દુકાનના ઉદઘાટનમાં પણ નિકુંજે સ્નેહાને અને તેના પરિવારને નોતર્યા હતા પણ ત્યાંથી કોઇ ન આવ્યુ આથી તે થોડો હતાશ થયો પરંતુ બીજે જ દિવસે તેની હતાશા ખુશીમાં પરિવર્તિત થઇ ગઇ. બીજે જ દિવસે સવારે સ્નેહા અચાનક દુકાનમાં ટપકી પડી.

            “ચાલ એ’ય આઇસક્રીમ ખવડાવ.”

            “કેમ? કાલે અવાય ને આઇસક્રીમ ખાવુ હોય તો?”

નિકુંજે મસ્તી કરતાં કહ્યું.

            “તુ મારી કઝીનની સગાઇના દિવસે જ ઉદઘાટન રાખ તો હુ કયાંથી આવી શકુ? ચાલ હવે ખવડાવ બે આઇસક્રીમ.”

 

            “બે! જાડી”

 

            જાડી કોને બોલે છે કરતી સ્નેહા દોડી પાછળ અને સામાન વેરવિખેર કરતી શેરીમાં ભાગવા લાગી. નિકુંજને બે ત્રણ લપડાક લગાવી પછી હાથ પકડીને દુકાનમાં લાવી.

 

            “ચાલ હવે બધુ ગોઠવી લઇએ.” કહીને બધુ વ્યવસ્થિત ગોઠવીને બોલી.

 

            “હવે તો તુ શેઠિયો બની ગયો ને? મારા પપ્પા પાસે માંગુ નાખ ને.”

 

            “હં”

 

            “હા નીક તુ કેમ મારા દિલની વાત સમજી નથી શકતો. એક છોકરી જયારે એક છોકરા પર આટલો બધો વિશ્વાસ કરે છે ત્યારે તેના દિલમાં કુણી લાગણી હોય જ છે. જેમ તારી આઁખોમાં હુ મારા પ્રત્યે અગાધ પ્રેમ જોવ છુ તેમ હુ પણ તને ખુબ જ પ્રેમ કરુ છુ અને તારી સાથે આખી જીંદગી વિતાવવા માંગુ છુ. મારા માતા પિતા પાસે મારો હાથ માંગી આવ ને.”
વધુ આવતા અંકે 

લેખકનું નામ : ભાવિષા ગોકાણી 

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે.

ઢળતી સંધ્યાએ ભાગ : 5