શુ બદલવાની જરૂર છે?

 શુ બદલવાની જરૂર છે?




                સમય ધીરે ધીરે બદલાય છે. સદીઓ બદલાતા સમાજમાં અનેરુ પરિવર્તન આવતુ જાય છે. જે લોકો સમય સાથે બદ્લાતા નથી તે પાછળ રહી જાય છે અને સર્જાય છે જનરેશન ગેપ. જનરેશન ગેપ ફ્ક્ત ઘરમાં જ નહિ પરંતુ ઓફિસમાં, સમાજમાં બધે જ નડે છે. આ વૈચારિક ભેદ વ્યક્તિને આગળ વધવામાં કયારેક બાધારૂપ નીવડે છે. જે વ્યક્તિ બદલાતો નથી તેને તો સૌથી વધારે પ્રશ્નો નડે છે પરંતુ સમાજને પણ તેના વિચારો આડા આવે છે. સમાજમાં આવતા બદલાવને કારણે આપણે પાછળ રહી જઇએ છીએ.

                આ બદલાવ ખરેખર શુ છે? તે કયાંથી આવે છે? અને આપણે તે અપનાવવો શા માટે જરૂરી છે? આ બધા મુદ્દા આપણે ધીરે ધીરે સમજીએ..

                સમય સાથે અનેક બદલાવો આવતા રહે છે. સૌંદર્ય લક્ષી બદલાવ, જીવનશૈલીમાં બદલાવ, ખાન પાનમાં બદલાવ, શિક્ષણમાં બદલાવ, જરૂરિઆતમાં બદલાવ, વૈચારિક બદલાવ આવા અનેક બદલાવો આપણા જીવનમાં આવતા રહે છે. આપણે આ બદલાવ અપનાવીશુ નહિ તો સમાજથી કોષો દુર પાછળ રહી જશુ અને પછી આપણી જીંદગી બોજ લાગવા લાગશે.

                આવુ શા માટે? એક રીતે જોઇએ તો જીંદગી ખરેખર લાંબી મંઝિલ છે. બાળપણથી યુવાનીમાં આવતા આપણે સમયનો બદલાવ અનુભવી શકીએ છીએ અને મોટે ભાગે તેને અપનાવી પણ લઇએ છીએ એટલે યુવાનીના સમય સાથે જીવવા લાગીએ છીએ. પરંતુ પ્રશ્નો ત્યાર બાદ જ શરૂ થાય છે. આપણે યુવાનીના આપણા સમયમાં ઠપ્પ થઇ જઇએ છીએ. મનમાં એક મજબુત વિચાર શૃંખલા જડની જેમ બેસાડી લઇએ છીએ કે આટલુ જ સાચુ ત્યારબાદનુ પરિવર્તન આપણને નકામુ અને ખોટુ લાગવા લાગે છે. આપણે આપણી જાતને અને વિચારોને સાચા પુરવાર કરવા એટલુ જોર લગાવીએ છીએ કે એક દિવસ થાકી હારી ખુણામાં બેસી મોતની રાહ જોવા લાગીએ છીએ. છતાંય પરિવર્તનને અપનાવી શકતા નથી. શા માટે? હવે કેમ બદલાવુ નથી? એવુ શુ છે જે આપણને બદલવા દેતુ નથી?

                કોઇ જ જવાબ નથી ને? જેનો કોઇ જવાબ ન હોય તે પ્રશ્ન હમેંશા ખોટો હોય છે. જીવનની આ પાઠશાળામાં આવા ખોટા પ્રશ્નો પાછળ મહામુલી જીંદગી ના કિંમતી પળો વેડફી નાખીએ છીએ. કરોડો યોનિઓ બાદ મળતો આ અવતાર ખોઇ નાખીએ છીએ. છેવટે હાથમાં કાંઇ રહેતુ નથી. બુધ્ધિશાળી, શિક્ષિત હોવા છતાંય શા માટે આપણે આવુ કરીએ છીએ? કયારેક સમાજમાં એવુ પણ જોવા મળે છે કે અભણ / નિરીક્ષર વર્ગ બદલાવને અપનાવી આપણાથી વધુ સારી જીંદગી જીવે છે.

શા માટે આપણે બદલાવને ઇચ્છતા નથી?

                યુવાનીના સમય બાદ આપણે સામાજિક જવાબદારી અને પારિવારીક સંબંધોમાં એવા ગુંચવાઇ જઇએ છીએ કે આપણે આસપાસ થતા બદલાવને અનુભવી શકતા નથી. વળી, માણસનો સ્વભાવ એટલે હ્યુમન નેચર મુજબ આપણે જલ્દી બદલવા માટે આપણો માનસ તૈયાર હોતો નથી. બદલાવને સમજ્યા સિવાય આપણે તે અપનાવી શકતા નથી અને જવાબદારીના બોજ હેઠળ ઝાઝુ સમજવા માટે સમય પણ ઓતો નથી. આ બધા વચ્ચે આપણે પાણીના બંધની જેમ એક જગ્યાએ રોકાઇ જઇએ છીએ. જીવન ઠપ્પ થઇ જાય છે. જયારે જવાબદારીના બોજથી મુક્ત બનવા લાગીએ છીએ ત્યારે આસપાસનુ પરિસર સાવ બદલાઇ ગયુ હોય છે. જેની સાથે આપણે એડજસ્ટ થઇ શકતા નથી અને આપણા વિચારોને જ સાચા પુરવાર કરવામાં સર્વ શક્તિઓ વેડફી નાખીએ છીએ.

તો પછી કેમ બદલાવ લાવવો?

                આપણે આપણામાં અને આપણા વિચારોમાં પરિવર્તન નહિ લાવીએ તો પારિવારિક પ્રશ્નો તો ઉભા થશે જ સાથે સાથે આપણે પણ સમાજમાં એડજસ્ટ નહિ થઇ શકીએ અને જીંદગીએ એક ખુણામાં સંકોચાઇને રહી જાય છે. પરિવર્તન લાવનાર જ આગળ વધી શકે છે. ઉંમરની ગણતરી છોડી દઇને દરેક પળે હમેંશા આગળ વધતા રહેવુ જોઇએ. જીંદગીના દરેક પડાવમાં કંઇક નવુ નવુ શીખતા રહેવુ જોઇએ તો આ મહામુલી જીંદગીનો સાચો આનંદ લઇ શકીશુ. આ માટે પરિવર્તન આવશ્ક્ય જ છે.

                પરિવર્તન માટે દરેક પળે માનસિક રીતે તૈયાર જ રહેવુ જોઇએ અને દરેક વસ્તુ શરૂઆતમાં અઘરી લાગે છે પરંતુ તેમાં વણાઇ જતા તે વસ્તુ નેચરલ લાગવા માંડે છે. આથી આવુ હતુ કે આવુ હોવુ જોઇએ તે વિચારો છોડીને પરિવર્તનને દિલથી અપનાવી લેવુ જોઇએ. બદલાવ અપનાવી લેતા જીંદગી ખરેખર સુંદર લાગવા લાગે છે.

ખરેખર શુ બદલવાની જરૂર છે?

                પરિવર્તન સારા અને ખરાબ આવતા જ રહે છે. ખરાબ પરિવર્તનમાં તણાવાથી સમાજ અધોપતનની ખાઇમાં ગરકાવ થવા લાગે છે. આથી શુ બદલવુ? કેવુ બદલવુ? કેટલુ બદલવુ? વગેરેની યોગ્ય સમજ કેળવીને જ પરિવર્તનને અપનાવવુ જોઇએ. જાહેરાતો, સોશિયલ મિડિયાના એટેકો આ બધુ એટલુ બધુ વધવા લાગ્યુ છે કે તેમાં જે વારંવાર બતાવવામાં આવે છે તેને આપણે અપનાવતા જઇએ છીએ. મોટા ભાગે ફેશન અને ખાનપાનમાં બદલાવ માટે આ જ સ્ત્રોતો જવાબદાર છે. આપણી પરિસ્થિતિ, વાતાવરણ કે શરીરની તાસીર વિષે વિચાર્યા વિના જ જાહેરાતના ઓવરડોઝમાં ફસાઇ જઇને ફેશન અને ખાનપાનની ટેવમાં બદલાવ લાવીએ છીએ. જે સમય જતા શરીર અને સમાજ માટે ઘાતક નીવડે છે.

                દેખાદેખી કે જાહેરાતોમાં ફસાયા વિના શરીરને સમજીને ખાનપાનમાં બદલાવ લાવવો જોઇએ. જ્ઞાનના સીમાડા વિસ્તારીને સમજદારીમાં પરિવર્તન લાવવુ જોઇએ. જુના અને આજના જમાનાને અનુકુળ નથી તેવા રિવાજોને બદલાવીને પરિવર્તન લાવવુ જોઇએ. નવુ નવુ શીખી, નવુ નવુ જ્ઞાન મેળવતા રહીને આપણામાં સતત પરિવર્તન લાવવુ જોઇએ. અને હા, જે ફેશન સારી છે તેને જરૂરથી અપનાવવી જોઇએ. સતત વિકસતા જતા આધુનિક ઉપકરણોનો ઉપયોગ શીખી અને આપણા જીવનમાં તેનો ફાયદો લેતા જવુ જોઇએ.

                આવા બદલાવો આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી બને છે અને તે આપણને સમાજથી બે કદમ આગળ રાખે છે. જે જરૂરી છે તે જરૂરથી અપનાવીએ અને બિનજરૂરી બદલાવો ને રોકવા માટે પણ તૈયાર રહીએ. બસ, આજે આટલુ જ. જીંદગીમાં હમેંશા અપડેટ રહીએ અને આપણા જીવનના ડેટાનો મહત્ત્મ ઉપયોગ કરીએ અને છેલ્લા પળ સુધી જીંદગીને માણીએ.

                                  અસ્તુ

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

 

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4