હેલ્થ મેનેજમેન્ટ

 

હેલ્થ મેનેજમેન્ટ



            આરોગ્ય, એ જીવનનુ પ્રથમ સોપાન છે. શરીર નથી તો કંઇ નથી. દરેક વસ્તુ સારા સ્વાસ્થય સાથે ખુબ જ સારી લાગે છે. સ્વાસ્થય વિના કોઇ પણ વસ્તુનો સાચો આનંદ માણી શકાતો નથી. કહેવાય છે ને કે પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર સારુ તો બધુ સારુ.

            પરંતુ, આજકાલ દરેક વ્યક્તિને શારિરીક બિમારીની સમસ્યા છે. દરેક વ્યક્તિને એક કોઇ મોટી અથવા તો કાયમીની શારિરીક બિમારી તો હોય જ છે. જેનો ગમે તેટલી દવા કરવા કરતા પણ ઉપાય મળતો નથી. આ આપણા સૌનો અનુભવ છે. આ સિવાય સીઝનલ બિમારીઓ અને અચાનક આવી ટપકતી બિમારી અને ચેપી રોગો પીછો જ છોડતા નથી. થોડા થોડા સમયે નવા નવા વાયરસો આવીને એટેક કરી રહ્યા છે. દવા પાછળ જીંદગી બરબાદ થઇ જાય છે.

            આજકાલ તો આપણે સૌ સ્વાસ્થ્ય બાબતે ઘણા જાગૃત બની ગયા છીએ. છતાંય, બિમારીઓ પણ એટલી જ ઝડપથી વધી રહી છે. શરીરને રોગમુક્ત રાખવા અને સ્વસ્થ રહેવા માટે આખરે શુ કરવુ જોઇએ? આખરે કઇ વસ્તુઓ આપણી દુશ્મન છે? પ્રદુષિત હવા? ફાસ્ટ લાઇફ કે દવાયુક્ત ખોરાક? આજે આપણે હેલ્થી લાઇફ માટેની થોડી ટિપ્સ જાણીએ.

Ø બિમારી માટેના કારણો અને તેના ઉપાયો

1. વિચારો:

            આપણા વિચારો જ આપણુ ઘડતર કરે છે. આપણી સાથે બનતી મોટા ભાગની ઘટનાઓનુ કારણ આપણા વિચારો જ હોય છે. આપણા નકારાત્મક વિચારોની શરીર પર અસર પડે છે.

            આ વિચારોનુ ઘડતર આપણી આસપાસની પરિસ્થિતિ અને આપણા વાંચન પરથી થાય છે. જેમ જેમ નકારાત્મક વિચારો વધતા જાય છે તેમ શરીર પર ખરાબ અસર પડે છે. આપણે સાવ નકારાત્મક વિચારોથી દુર રહી જ શકતા નથી.

            આપણે પરિસ્થિતિ બદલી તો શકતા નથી પરંતુ તેમા થોડોક સુધાર જરૂરથી લાવી શકીએ છીએ. આપણે સારુ સારુ વાંચન કરીને આપણા વિચારોમાં સુધાર જરૂરથી લાવી શકીએ છીએ. નકારાત્મક વિચારોથી દુર રહીને સકારાત્મક વિચારવાની ટેવ પાડવી જોઇએ.

2. ખોરાક:

            બિમારી માટે બીજુ મહત્ત્વનુ કારણ હોય તો ખોરાક છે. જીભનો સ્વાદ પેટને ભારે પડે છે. આપણે ખોરાક બાબતે જાગૃત જરૂરથી બન્યા છીએ પરંતુ પ્રસંગો કે પાર્ટીમાં બહારના મસાલાથી ભરપુર ખોરાક વારંવાર લેવા પડે છે. બહાર ફરવા જતી વખતે પણ કોઇ વિકલ્પ રહેતો નથી. વળી, કયારેય જીભના ચટાકા પર કાબુ રહેતો નથી. આમ, આવી રીતે લેવાતો ખોરાક શરીર પર અસર કર્યા વિના રહેતો નથી.

            શરીરની સ્વસ્થતા માટે જીભ પર કાબુ રાખવો ખુબ જ જરૂરી છે. શરીરને અનુકુળ પડતો ખોરાક જ પસંદ કરવો જોઇએ. શરીરને અનુરૂપ પૌષ્ટિક ખોરાકની આદત પાડવાથી બિમારીથી બચી શકાય છે.

3. કસરત:

            શરીરની અસ્વસ્થતા માટેનુ મોટુ કારણ જો કોઇ હોય તો તે છે બેઠાડુ જીવન. આજકાલની મશીનની દુનિયામાં મહેનતના કાર્યો બધા મશીનોએ સંભાળી લીધા છે. મગજ ચલાવવા માટે જ આપણે મહેનત કરવી છે. કુદરતનો નિયમ છે કુહાડીની ધાર કાઢીએ તો તે તીક્ષ્ણ બને. આમ, મગજનો વધારે પડતો ઉપયોગ કરવાથી તે તેજ બનવા લાગ્યો છે. તેની સામે શરીરને ઓછો ઘસારો લાગતા બિમારી રૂપી ઘસારો તેને લાગી રહ્યો છે.

            બિમારીથી બચવા માટે શરીરને કસવુ ખુબ જ જરૂરી છે. ખાટલામાં પડીને સમય બરબાદીથી બચવુ હોય તો કસરત માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે. સમયનુ વ્યસ્થિત આયોજન કરીને કસરત માટેનુ શીડયુલ બનાવવુ જોઇએ. આ સિવાય કામમાંથી વચ્ચે વચ્ચે ઉઠીને થોડીવાર ચાલવુ જોઇએ. આમ, શરીરને કસવાથી બિમારીથી દુર રહી શકાય છે.

4. નિયમિતતા:

      સ્વસ્થ જીવન માટેનો સિધ્ધાંત કોઇ હોય તો તે છે નિયમિતતા. આરોગ્ય માટે નિયમિતતા ખુબ જ જરૂરી છે. ખોરાક માટે તથા આરામ માટે જેટલુ નિયમિત શેડયુલ હોય તેટલુ શરીરનુ સ્વાસ્થય સારુ રહે છે. જેટલી શક્ય બને તેટલી નિયમિતતા રાખવી જોઇએ. બિનજરૂરી ઉજાગરા ટાળવા જોઇએ અને ખોરાક પણ સમય સર લેવો જોઇએ. નિયમિતતા કેળવવાથી બિમારીથી દુર રહી શકાય છે.

5. ચિંતા:

            ચિંતા ચિતા સમાન છે. આ પ્રાચીન કહેવત ઘણુ કહી જાય છે. ટેન્શન જીવન હણી લે છે. આપણી ફાસ્ટ લાઇફમાં અવનવી ચિંતાઓ આવવા લાગી છે. ચિંતામુક્ત જીવન કેળવવુ લગભગ અશક્ય જેવુ બની ગયુ છે. જીવન સાથે ચિંતાઓ વણાવવા લાગી છે. આ ચિંતાઓ આપણી બિમારીનુ કારણ બને છે.

            બિમારીથી બચવા માટે જેમ બને તેટલી ચિંતાઓ ઓછી કરવી જોઇએ. ચિંતા કરવાથી સમસ્યાનો અંત આવતો નથી આથી, ચિંતા કરીને શરીર બગાડવા કરતા ચિંતાથી દુર રહેવુ સારુ.

6. નકારાત્મકતા:

            જીવનમાં જેટલી નકારાત્મક ભાવના અને લાગણી હોય એટલી બિમારી વધે છે. કોઇનુ સારુ કરવાથી મનમાં સારી લાગણી ઉત્પન્ન થાય છે. આ સારી લાગણી શરીરને રોગમુક્ત કરવા માટે મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. પારિવારીક ઝઘડા, સામાજીક પ્રશ્નો બિમારીને નોતરે છે. આથી બિમારી દુર કરતા પહેલા તેના માટેની પાયાની સમસ્યાઓ કાયમી રીતે દુર કરવી જોઇએ. નકારાત્મક પરિસ્થિતિ દુર થતા બિમારીમાં રાહત મળી જશે. સારા સારા કાર્યો કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે તે શારીરિક તંદુરસ્તી પણ બક્ષે છે.

7. આરોગ્યનો ખ્યાલ:

            આ એક ખુબ જ ઉપયોગી અને જીવનની ચાવીરૂપ બાબત વિશે આપણા જાણતા નથી અથવા તો તેના પર ધ્યાન આપતા નથી. શરીર તથા ઋતુઓ અને વાતાવરણ અનુસાર ખોરાક અને જીવનશૈલીમાં બદલાવ લાવવાથી બિમારીથી બચી શકાય છે. પરંતુ આપણા શરીરની તાસીર આપણે જાણતા નથી અને યોગ્ય ખાન પાનની ટેવ વિશે પણ આપણુ જ્ઞાન ઘણુ ઓછુ છે. આજે માહિતીના વિસ્ફોટના યુગમાં બીજી ઘણી બધી માહિતી એકઠી નહિ કરીએ તો ચાલશે, પરંતુ, શરીર વિશે યોગ્ય નિષ્ણાંત સ્ત્રોત પાસેથી જાણવુ જોઇએ અને તે અનુસાર જીવનશૈલીમાં બદલાવ લાવવો જોઇએ. અધુરા જ્ઞાન વિના આડેધડ ડાયટ અને ખોરાક પસંદ કરવાથી શરીરને મોટુ નુકસાન વેઠવુ પડે છે. આથી સજાગ બનીએ અને શરીર પ્રત્યે વધારે જાગ્રત બનીએ.

8. નૈસર્ગિતા:

            કુદરતના જેટલા વધારે નજીક રહીએ તેટલી વધારે તાજગી આપણે અનુભવીએ છીએ. આજકાલ આપણે કોમ્યુટર, ટી.વી., લેપટોપ તથા મોબાઇલની દુનિયામાં એટલા ખોવાઇ ગયા છીએ કે કુદરતથી દુર થતા જઇએ છીએ. એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટના ખુણામાં ઓછા ઓક્સિજન વચ્ચે અને ઇલેક્ટ્રોનિકસ આઇટમના રેડિયેશન વચ્ચે આપણા શરીરને ભયાનક નુકસાન પહોંચાડી રહ્યા છીએ. બગીચા, તળાવ, પર્વતો આપણાથી દુર દુર છે. કુદરતને ભુલી આપણે માનવ મટી રોબોટ બનવા જઇ રહ્યા છીએ.

            ઘરમાં નાનકડો બગીચો બનાવીને ઓક્સિજનનો સ્ત્રોત વધારીએ, રજાઓના દિવસોમાં કુદરતનુ સાનિધ્ય માણીએ. ઇલેક્ટ્રોનિકસ ગેજેસટનો બની શકે એટલો ઓછો ઉપયોગ કરીએ. આમ, કુદરતની નજીક રહીને આપણે આપણા શરીરને તંદુરસ્ત અને તાજગીસભર બનાવીએ અને બિમારીથી સેંકડો જોજન દુર રહીએ.

લેખકનુ નામ: ભાવિષા ગોકાણી

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

સરનામુ: હરજીવનભાઇ રાયઠ્ઠઠા,

તિરૂપતી સોસાયટી,

રેલ્વે સ્ટેશન રોડ

નરશી ભુવન પાછળ

જામ ખંભાલીયા-361305

જિલ્લો: દેવભુમી દ્રારકા

 

 

 

 

 

 

           

Comments

  1. તંદુરસ્ત શરીર એ હોસ્પિટલમાં સૂતેલા દર્દી ને જોયા પછી ઇશ્વર નો આભાર માનવો

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4