સોમ
વાર્તાનુ
નામ: સોમ ભાગ-૧
“માં, મારે ઊડતા નથી શીખવુ. મારે તો
બસ મસ્ત થઇને જીવવુ છે. મને ઊડવુ જરા પણ ગમતુ નથી.”
“બેટા
ઊડવુ એ દરેક પક્ષીની જરૂરિયાત છે. આપણુ નાનુ અને હલકુ કદ ઇશ્વરે બનાવ્યુ છે ત્યારે
બીજા પ્રાણીઓ અને મનુષ્યોથી બચવા માટે આપણી પાંખો જ આપણું એક માત્ર હથિયાર છે. જો
આપણે ઊડતા આવડતુ હશે તો જ આપણે તેનાથી બચી શકશું અન્યથા આપણે પીંજરામાં કેદ બની
માણસ ઇચ્છે તેમ જીવન જીવવું પડશે, વળી ઇશ્વરે આપણે પક્ષીઓને જ આ વરદાન આપ્યુ છે કે
આપણે ઊંચે આકાશમાં ઊડીને કુદરતનો અસીમ નજારો માણી શકીએ અને માઇલો સુધી ઝડપથી સફર
કરી શકીએ માટે બેટા ઊડતા શીખવુ આવશ્યક છે આપણા માટે.”
“પણ
માં તેના માટે આપણે કેટલી મહેનત કરવી પડે છે? માણસોને તો કેટલુ સારુ છે? એક
જગ્યાએથી બીજી જગ્યાએ જવા તેની પાસે વાહનો છે અને હવામાં ઊડવા માટે તેની પાસે
હવાઇજહાજ પણ છે અને તરવા માટે બોટ પણ છે. આપણે માણસ જેવા ન બની શકીએ?” રેવા ચકલી
પોતાના મોટા દીકરા સોમ સાથે વાત કરતી હતી ત્યાં તેની નાની દીકરી પુલકિત બોલી ઉઠી.
“ના
બેટા આપણે માણસો જેવા બની પણ ના શકીએ અને બનવુ પણ નથી. હવે વાતો બધી પછી કરીશુ
પહેલા ઊડતા શીખો. ઊડવાનુ શીખ્યા બાદ આપણો માળો તૂટી ગયો છે તેને સુધારવામાં મારી
મદદ કરજો તમે. હવે ચાલો માળાની બહાર નીકળો અને ઊડવાનુ શરૂ કરો.” કહેતી રેવા તેના
બન્ને બચ્ચા સોમ અને પુલકિતને લઇ માળાની બહાર નીકળી.
રેવા
પોતાના બંન્ને સંતાનને ઊડતા શીખવવા લાગી. સોમ તો ફટાફટ શીખવા લાગ્યો. પુલકિત
વારંવાર પડી જતી હતી અને પછી થોડીવારમાં થાકીને ચી ચી ચી કરવા લાગી. પુલકિતનું
ધ્યાન ઊડવાનું શીખવામાં હતુ જ નહી.
“પુલકિત
એમ થાકી ન જવાય હજુ તો આપણે દુર ગગનમાં ઊડવાનુ છે અને ચાંદામામાને મળી દોસ્તી
કરવાની છે. દૂર ઉંચે રહેલા રૂ સમાન વાદળા સાથે આપણે હાથ મીલાવવાના છે.” પુલકિત જે
ડાળી પર બેઠેલી હતી ત્યાં બાજુમાં આવીને બેસીને સોમે કહ્યુ.
“ના
ભાઇ એ બધુ હુ ધીરે ધીરે શીખીશ અત્યારે તો હુ બહુ જ થાકી ગઇ છુ.” હાંફતા હાંફતા
પુલકિતે કહ્યુ. ત્યાં બાજુમાં તેની માતા રેવાએ આવીને કહ્યુ,
“બેટા
તમે બંન્ને અહીં હવે આરામ કરો હુ તમારા માટે દાણા લઇ આવુ છું.” બોલતા તે ઊડવા
લાગી.
“માં
થોડા વધારે દાણા લઇ આવજે, બે દાણાથી ભુખ નથી સમતી.” ઊડતી જતી માં ની પાછળ ચીસ
પાડીને સોમે કહ્યુ.
સોમની
વાત સાંભળી રેવાની આઁખમાંથી એક આંસુ સરી પડ્યુ. “બેટા આ ઝડપી દુનિયામાં માણસ
માણસની પણ મદદ કરવા રાજી નથી, તેને બસ પોતાની જીંદગી સુખ સુવિધાથી સમૃધ્ધ બનાવવી
છે. પોતાના જીવનને સુખ સુવિધાથી સભર બનાવવા માણસ કુદરતના ખોળે ઉછરી રહેલા આપણા
જેવા જીવને નામશેષ બનાવી દીધા છે. પોતાના સુખ ખાતર વૃક્ષો કે જેના પર આપણે રહેવા
માટે માળો બનાવીએ છીએ તે કાપી નાખ્યા છે. તળાવો નદીઓ અને ઝરણા કે જેમાથી આપણે પીવા
માટે પાણી મળે છે તેને પ્રદુષિત..........” આવા વિચારોથી ઘુંટાતી રેવા રીક્ષા સામે
અથડાતા અથડાતા માંડ બચી. તેનુ હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યુ. બીજા બધા વિચારોને
પડતા મુકી તે દાણાની શોધમાં ઊડવા લાગી.
શાળાના
મેદાનમાં બાળકોને રમતા જોઇને પુલકિત ઉત્સાહથી બોલી ઉઠી, “હે હાલોને ભાઇ આપણે પણ આ
બાળકો સાથે રમીએ, કેવી મજા આવશે એ નાના ભુલકાઓ સાથે રમવાની?.”
“પુલકિત,
આપણે તેની સાથે ન રમી શકીએ. તે તેના સમુદાય સાથે રમે છે અને આપણે આપણા મિત્રો સાથે
રમવાનુ હોય. મને તો ખુબ જ ભુખ લાગી છે તારે રમવુ હોય તો જા પહેલા ખુણામાં શુભા,
રામને એ બધા રમે છે.”
પુલકિત
તો ભાઇની વાત સાંભળીને રમવા માટે ગઇ અને જતા જતા બોલતી ગઇ,
“ભાઇ
મમ્મી દાણા લઇ આવે તો મને પણ બોલાવજો એકલા એકલા ખાઇ ન જજો મને પણ ખુબ જ ભુખ લાગી
છે.”
“હા
હા તુ જા” બોલી સોમ આઁખો બંધ કરીને બેસી ગયો. થોડીવારમાં રેવા મેદાનમાંથી થોડા બીજ
અને જે મળ્યુ તે લઇને સોમને ખવડાવા લાગી.
“માં
આ બધુ રોજ રોજ ભાવતુ નથી પેલા સરસ દાણા લઇ આવને તો મજા પડી જાય. મા મને દાણા ખાવા
છે.”
“બેટા
જે ઇશ્વર આપે તેનાથી સંતોષ માની લેવો જોઇએ. જીવન ચલાવવા માટે જે મળી જાય છે એ ઘણું
છે.” રેવા આટલુ બોલીને ફરીથી જે મળ્યુ તે લઇને પુલકિતને પણ ખવડાવા લાગી અને પછી
પોતે પણ થોડુક જે બચ્યુ હતુ તે ખાઇ લીધુ અને પછી બંને બાળકોને પાણીયારે લઇ જઇને
ત્યાં પડેલુ ટીપુ ટીપુ પાણી પીવડાવી દીધુ.
“મમી
બસ આટલુ જ પાણી??? મારે હજુ વધુ પાણી પીવુ છે.”
રેવા
બચ્ચાઓની પાણી પીવાની જીદ્દ પર કાંઇ કરી શકે તેમ ન હતી.
“બેટા આ રીતે પાણી માટે જીદ્દ કરો એ
સારુ ન કહેવાય. હમણા થોડીવારમાં જ બાળકો પાણી પીશે અને ઢોળાશે તેમાંથી આપણે ફરીથી
પી લેશુ. હવે ચાલો તમે બન્ને મને માળો સરખો કરવામાં મદદ કરો.”
*****************
“માં
માં જુવો આ લોકો આપણું ઝાડ કાપવા આવ્યા લાગે છે.” અચાનક વૃક્ષનુ થડ હચમચવા લાગતા
જાગી ગયેલા સોમે કહ્યુ.
“હા
બેટા આ મેદાનમાં નવી બિલ્ડિંગ બનાવવાની વાત મે સાંભળી હતી. ચાલો બચ્ચાઓ હવે આપણે
આપણું આ ઘર છોડવુ પડશે. પુલકિત ચાલ દીકરી જલ્દી ચાલ.”
“હા
માં મારાથી ઝડપથી નહી ઊડી શકાય. તને તો ખબર છે કે હજુ મને ઝડપથી ઊડતા પણ આવડતુ નથી
અને આ રસ્તામાં આવતા વાહનોથી મને ખુબ બીક લાગે છે.”
“પુલકિત
તુ ડર નહિ. હુ અને મમ્મી છીએ ને તારી સાથે. આ લોકો અહીંથી બધા ઝાડ કાપી નાખશે પછી
આપણા માટે અહીં રહેવુ શક્ય નથી તુ ધીમે ધીમે વાહનોથી થોડે ઊંચે ઊડજે અમે તારી
આજુબાજુ રહેશુ.” સોમે પુલકિતને સમજાવતા કહ્યુ.
પુલકિત
અને સોમ તો હજુ માંડ ઊડતા શીખ્યા હતા એમાં આ શહેરની ભીડ અને વાહનો તથા મકાનની
ગીચતા વચ્ચેથી દુર લઇને જવામાં રેવાના દીલમાં ફફડાટ હતો પરંતુ તેમાં તે કાંઇ કરી
શકે તેમ પણ ન હતી.
શાળાના
સંકુલની બહાર ખુબ જ ટ્રાફિક હતો. પુલકિત વચ્ચે ઊડતી હતી. સોમ અને રેવા તેની આસપાસ
ઊડી રહ્યા હતા. બંન્ને બાળકો માટે ચિંતા કરતી રેવા ઉચ્ચક જીવે ઉડી રહી હતી.
“માં
બહુ જ થાક લાગી રહ્યો છે આ ઊંચે ઊંચે ઊડીને અને વાહનોના ઘોંઘાટથી મારા કાન ફાટી
રહ્યા છે અને એના આ ઝેરી ધુમાડાથી મારી ચામડી બળી રહી છે.”
“હા
માં આ અતિશય ઘોંઘાટથી મારુ પણ ચિત્તભ્રમ થઇ રહ્યુ છે.” સોમે પણ પુલકિતની જેમ
પોતાની ફરિયાદ કરી.
“બેટા
જીંદગી બચાવવી હશે તો થોડો સંઘર્ષ કરવો પડશે. જે છે તેમાં આપણે કાંઇ પણ કરી શકવાના
નથી તો વધારે બોલશો તો વધારે થાક લાગશે. ચર્ચા કર્યા વિના જલ્દી ચાલો.”
“માં
પણ હજુ કેટલુ ઊડવાનુ બાકી છે.”
“શહેરથી
બહાર દૂર થોડાક વૃક્ષો છે ત્યાં આપણે રહીશુ બેટા.”
“મા
હુ થાકી ગઇ મારાથી ઊડાતુ નથી.’
“પુલકિત
તુ નીચે ના ઊડીશ......................... પુલકિત..................પુલકિત” રેવાએ
અચાનક બૂમ પાડી...
પુલકિત જરા નીચે ઊડી ત્યાં તો બસ સાથે
અથડાઇને નીચે પડી થોડીવાર કોઇ વાહન ન આવ્યુ ત્યાં તો સોમે અને રેવાએ તેને ચાંચો
મારીને ઉઠાડી અને રોડની સાઇડમાં રહેલા ઠુંઠા પર બેસાડીને રેવા તેના માટે થોડા દાણા
લઇ આવી અને થોડીવાર પછી સોમ અને પુલકિતને રસ્તા પર રહેલા ખાબોચિયામાંથી પાણી પીવડાવ્યુ.
પુલકિતને બહુ લાગ્યુ ન હતુ આથી થોડી વાર આરામ કર્યા બાદ તેઓએ ફરીથી પોતાની સફર ચાલુ
કરી દીધી. સાંજ પહેલા તો તેઓ પહોંચી ગયા. થોડી જ વારમાં તેઓએ રાત્રે સુવા માટે તણખલા
અને કચરો એકઠો કરીને સૌ સૌનો નાનકડો એવો માળો બનાવી લીધો.
શાળાના
મેદાનમાં તો રોજ રોજ નાના બાળકોને રમતા જોવા મળતા અને તેના નાસ્તા બોક્ષમાં વધેલો
નાસ્તો તેઓ ખાઇ શકતા હતા અને પાણીયારા પર પાણી પણ પી શકતા હતા. અહીં તો હાઇ વે પર
જીવન જાણે એક સંઘર્ષ હતુ. સતત અહીંથી પસાર થતા વાહનોનો ઘોંઘાટ અને ખુબ જ દુર એક
નાનકડુ તળાવ હતુ જેમાંથી પાણી પી શકાતુ હતુ. કચરાના ઢગલામાંથી થોડુ ઘણુ ખાવા મળતુ
હતુ અને થોડાક બી વૃક્ષ પરથી મળી જતા હતા.
“મા
મારે પણ શાળાએ ભણવા જવુ છે. પેલા નાના બાળકોની જેમ.” પુલકિતે એક દિવસ પોતાની
રોજિંદી જીંદગીથી કંટાળીને કહ્યુ.
“બેટા
આપણે ભણવા જવાનુ ન હોય આપણી જીંદગી તો આમ સંઘર્ષ માં જ વિતી જાય, રોજ પેટ ભરવા માટે
દાણા શોધવા જવાનુ પાણીની તરસ લાગે ત્યારે પાણે શોધવા જવાનુ અને આપણુ ઘર બનાવવુ અને
જીવતા રહેવા માટે આપણે સતત સંઘર્ષ કરવો પડે છે. આપણે સાક્ષરતાની કોઇ જરુરત નથી.”
“માં
આપણે શા માટે આમ જ જીંદગી વિતાવવી જોઇએ જીવવા માટે આ સુંદર જીવન મળ્યુ છે અને એક
વિશાળ તક મળી છે તો શા માટે તેને વેડફવુ જોઇએ?” સોમે કહ્યુ.
“બેટા,
આ જીવન આપણે સુંદર ગીતો ગાવા માટે અને આપણો નિર્વાહ ચલાવવા માટે મળ્યુ છે. બાકી
જ્ઞાનની વાતો તો મનુષ્યો કરે.”
“માં
એક ઊંચુ વિશાળ આકાશ છે અને નીચે અફાટ ધરતી છે. આપણી આ બે પાંખો દ્રારા આપણે ઘણુ
આંબી શકીએ છીએ. આ મહામુલો જીવન વેડફવા માટે આ તક આપણે મળી નથી.”
“બેટા,
તારી આ બધી વાતો મને ન સમજાય. હુ હમણા થોડા દાણા લઇ આવુ. તુ જરા થોડા વધારે તણખલા
ભેગા કરી લે તો માળો હુંફાળો થઇ જાય. આ ઠંડી દિવસે દિવસે વધતી જાય છે.”
“હા,
માં હુ અને પુલકિત આપણા માળા વ્યવસ્થિત કરી લઇએ છીએ. અને હવે તુ મોટી ડાળ પર
બેસીને સુંદર ગીતો ગા અમે હમણાં દાણા પણ શોધી લાવીશુ.”
“ઓહ,
મારા દીકરાવ ખુબ જ ડાહ્યા અને સમજદાર થઇ ચુક્યા છો. લાગે છે હવે મારે ચિંતા કરવાની
હવે કાંઇ જરૂર નથી.”
**************************
“માં, આજે મને મોરલા દાદા મળ્યા હતા. હુ દુર
મેદાનમાં ગયો હતો અને ત્યાં ઘણાં મોરલા હતા. તેણે મારી સાથે ઘણી વાતો કરી. તેમની
વાતો સાંભળવાની અને સમજવાની મને ખુબ મજા પડી.”
“બેટા,
બહુ દુર જવુ નહિ આપણી સુરક્ષા આપણી ઘરની આસપાસ જ રહેલી છે. બાકી અજાણ્યા વિસ્તાર
નો ભરોસો કરવો નહિ. આપણે રહ્યા નાના પંખી. કદાચને કોઇ તને પકડી પાડે અને પીંજરમાં
પુરી દે અથવા કોઇ હિંસક પ્રાણી તને દબોચી લે તો મારી તો દુનિયા લુટાઇ જાય. મારા
માટે તમે બે જ મારી દુનિયા છો.”
“માં,
હુ કોચલામાં રહેવા માંગતો નથી. વિશાળ દુનિયા અને વિપુલ તકો રહેલી છે આ દુનિયામાં.
સાંભળ ને મારી વાત.”
“હા
બોલ મારા જ્ઞાની દીકરા.”
“મોરલા
દાદા કહેતા હતા કે સાચી ખુશી બધા વિચારો છોડીને મન મુકીને ઝુમવામાં છે. આ જીવન
એકવાર મળે છે અને તેમાં ઘણી બધી પ્રતિકુળતા રહેલી છે તે ડગલે અને પગલે આપણી સાથે
આવતી રહે છે અને તેનુ નામ જ જીંદગી છે. બસ આપણે તે બધાને ભુલીને તેના પર ધ્યાન
દીધા સિવાય સદા મન મુકીને ઝુમતા રહેવાનુ છે. માં આ જીવન કેટલુ સુંદર છે તેમાં
કડવાશ ભરપુર છે પરંતુ તેના વચ્ચે થોડી મીઠાશ પણ ખુબ જ સરસ લાગે છે.”
“મારા
દીકરા તુ ખરેખર બહુ મોટો થઇ ગયો છે. મોટો અને બહુ જ સમજદાર થઇ ગયો છે. ચાલ હવે
સુરજ આથમી ગયો આપણે હવે સુવાની તૈયારી કરી લઇએ.”
“માં,
માં આપણે કેમ અત્યારમાં સુઇ જઇએ વહેલા વહેલા? માણસો તો અંધારુ થઇ જાય પછી પણ જાગતા
જ હોય છે. આખી આખી રાત આ રસ્તે ચાલતા વાહનોનો અવાજ આવતો જ રહે છે. તો શું એ માણસો
ક્યારેય સુતા જ નહી હોય?” પુલકિત દાણા ચણી આવીને બોલી ઉઠી.
“બેટા,
આપણે સદીઓથી કુદરતી ક્રમ પ્રમાણે જ જીવતા આવીએ છીએ. ઇશ્વરે દરેક સજીવના શરીરની રચના
સુરજ ચંદ્રના ક્રમ પ્રમાણે કરી છે અને તે આપણે પ્રાણી પશુઓએ હમેંશા જાળવી રાખ્યો
છે એટલે જ આપણે તંદુરસ્તીપુર્વક જીવી રહ્યા છે અને માણસ તે ક્રમ ભુલીને બેફામ જીવન
જીવવા લાગ્યો છે અને તેના કારણે જ તે ગંભીર શારીરિક માનસિક પરેશાનીમાં ફસાવા
લાગ્યો છે.” રેવાએ પુલકિતને સમજાવતા કહ્યુ.
“પુલકિત
આપણે મનુષ્યો જેવુ બનવાનુ નથી આપણે જેવા ઇશ્વરે બનાવ્યા છે તેવા જ રહીએ તેમા જ
આપણી ભલાઇ છે. ઇશ્વર સાથે બાથ ભીડવામાં કોઇ ફાયદો નથી. ઇશ્વરે જે નક્કી કરેલુ છે
તે પ્રમાણે જીવવામાં જ આપણી ભલાઇ છે”
**********************
“માં
બહુ જ તરસ લાગી છે. મારે પાણી પીવુ છે. કયાંય પાણી જ નથી. પેલુ તળાવ પણ સુકાઇ ગયુ
છે. મા મને જલ્દી પાણી પીવડાવ.” પુલકિતે તરસના માર્યા બેહાલ થઇને કહ્યુ.
“બેટા
જો આગળ થોડા મકાન છે તેના ફરિયા કે વાસણમા પાણી હોય તો ચાટી આવ.”
“માં
પેલા દુર ઘરમાં ફળિયુ ધોયુ છે ત્યાં ઘણુ પાણી ઢોળાયેલુ છે હુ પીતો આવ્યો. જલ્દી ચાલ
પુલકિત મારી સાથે નહિ તો સુકાઇ જશે.”
પુલકિતને
પાણીનું નામ સાંભળતા જ સોમ સાથે દોડીને જતી રહી. રેવાને પણ પાણીની ખુબ તરસ લાગી
હતી. બચ્ચાઓને પાણી પીવડાવવા માટે રેવાએ ગઇકાલથી પાણી પીધુ જ ન હતુ. તેનું શરીર
પાણી વિના તરફડતુ હતુ. તે તેના બચ્ચાઓને કહેવા જતી જ હતી કે થોડુ પાણી લાવે પણ હવે
તેનાથી ઊંચા અવાજે બોલે પણ શકાય તેમ ન હતુ અને ત્યાં તો બચ્ચાઓ ઊડીને તેની આંખથી
ઓઝલ થઇ ગયા. રેવા બચ્ચાઓની આવવાની રાહ જોવા લાગી. તેના માટે એક એક પળ કાઢવી બહુ
વસમી હતી. તેનો જીવ જવું જવું થઇ રહ્યો હતો પણ હજુ તેનો જીવ તેના બાળકોમાં અટવાયો
હતો કે જઇ જ રહ્યો ન હતો.
થોડીવાર
બાદ બન્ને બચ્ચાઓને આવતા જોઇ રેવા ખુશ થઇ ઉઠી. તેણે પોતાની પિડાને હાસ્ય પાછળ
દબાવી દીધી અને બન્ને બચ્ચાઓને પોતાની નજીક લઇ તેના પર હેતનો હિલોળ વરસાવવા લાગી.
સોમ અને પુલકિત પણ માતાની ગોદમાં આવી આનંદ અનુભવવા લાગ્યા. અચાનક રેવાની આંખમાથી
સરી પડેલુ આંસુ સોમ પર પડ્યુ અને તે સ્તબ્ધ બની ગયો. મા નો વિહવળ ચહેરો જોઇ તેના
ચહેરા પર પણ ગંભીર ભાવો અંકાઇ ગયા.....
વાર્તાનું
નામ : સોમ ભાગ-૩
“માં
એ માં, શું થાય છે તને? કેમ રડે છે તું? માં કાંઇક બોલ તો ખરી. આમ કેમ તડપે છે?”
“કાંઇ
નહી થયુ દીકરા મને. હવે મારે પણ તારા પિતા પાસે જવું છે. એ મને બોલાવે છે હવે. જતા
જતા તમને મારે થોડી વાત કહેવી છે તો સાંભળો મારી વાત.
“માં
તારાથી બોલી શકાતુ પણ નથી તો એક કામ કર તું આરામ કર. હું હમણા જ તારા માટે થોડા
દાણા અને પાણી લાવુ છું. તેને ખાવાથી તને સારૂ મહેસુસ થશે.”
“બેટા
તું કે પુલકિત બન્ને માંથી કોઇ હવે મારી આંખથી દૂર ન થશો. મારી પાસે સમય બહુ ઓછો
છે. તું હંમેશા પુલકિતનું ધ્યાન રાખજે અને તેને હંમેશા આ નિષ્ઠુર માણસજાતથી
બચાવીને રાખજે. આજે માણસે આપણી ચકલીઓની પ્રજાતિને નામશેષ કરી મુકી છે તેમા આપણા
જેવી અમુક ચકલીઓ જ આ દુનિયા પર બચી છે. માટે હરહંમેશ તુ પુલકિતની સાથે જ રહેજે અને
તેને બધી ખુશી આપજે, જે તેને મારી પાસેથી ન મળી હોય.”
“પુલકિત,
તુ પણ હંમેશા મોટાભાઇની સાથે જ રહેજે અને તેના કહ્યા મુજબ જ વર્તન રાખજે. આ દુનિયા
બહુ ક્રુર છે. તમારે હજુ ઘણુ આ દુનિયા સામે ઝઝુમવાનુ છે તો ખભે ખભો મીલાવીને રહેજો
અને સુખ હોય કે દુઃખ ઇશ્વરને ભુલજો નહી અને હંમેશા તેણે ચીંધ્યા માર્ગે જ ચાલજો,
તેમા જ તમારી ભલાઇ છે બચ્ચાઓ. કુદરતના બતાવેલા રસ્તાથી જરા પણ આઘા પાછા થશો તો
તમારુ પતન જ છે એમ સમજજો.” રેવાના શ્વાસ ઉંચા થવા લાગ્યા.
“પુલકિત,
તું મા નું ધ્યાન રાખજે. હું હમણા જ આવ્યો.” કહેતો સોમ હવાને ચીરતો દૂર આકાશમાં ઊડી
ગયો.
“માં,
મને છોડીને ક્યાંય ન જતી તું. હું હવે ઊડવાનુ પણ શીખી ગઇ છું ને? હું તને ખોરાક
અને પાણી લાવી આપીશ અને તારી સેવા કરીશ પણ તુ ક્યાંય ન જતી. આ દુનિયા તારા વિના
નકામી છે મારા માટે મા.” કહેતી પુલકિત રડવા લાગી અને માની પાંખમાં છુપાઇ ગઇ.
સોમ
મોરલા દાદા પાસે જઇ તેની માતાની સમસ્યા બતાવી અને દવા લઇ ઝડપથી ઉડતો પાછો માળામાં
આવી પહોચ્યો. ત્યાં તેણે જોયુ કે પુલકિત માની પાંખમાં ચહેરો છુપાવી રડતી હતી.
“માં
એ માં, જો હું તારા માટે મોરલા દાદા પાસેથી દવા લાવ્યો છું અને થોડા દાણા પણ
લાવ્યો છું. તુ આ દાણા અને દવા ખાઇ લે ત્યાં સુધીમાં હું પાણી લાવી આપુ. માં એ માં.............
બોલ તો ખરી કાંઇક માં........” કહેતો સોમ તેની માતાને હચમચાવા લાગ્યો પણ રેવા હવે
આ દુનિયામાં ન હતી. તેનુ પ્રાણપંખેરુ ઉડી ગયુ હતુ. સોમ અને પુલકિત બન્ને તેની
માતાની ગોદમાં માથુ રાખી ખુબ રડ્યા પણ તેના આંસુ કોઇ સમજી શકે તેવુ આસપાસ હતુ જ
નહી....
આખી
રાત્રી બન્ને બચ્ચાઓ માતાના મૃત્યુના દુઃખમાં રડતા ત્યાં માળામાં જ બેસી
રહ્યા.વહેલી સવારે બન્ને બાળકો દુઃખી હ્રદયે તેની માતાને ત્યાં માળામાં જ સુવાડી
હંમેશાને માટે માળો છોડી ત્યાંથી જતા રહ્યા. જ્યારે માતાપિતાનો સાથ અને હાથ આપણા
પરથી ઊઠી જાય છે ત્યારે નાની નાની પરિસ્થિતિમાં પણ આપણે મુંઝાઇ જઇએ છીએ. આપણે
એકાએક બેસહારા અને બેસહાય બની જઇએ છીએ તેવી જ હાલત અત્યારે પુલકિત અને સોમની હતી.
બન્ને
ઊડતા ઊડતા મોરલા દાદા પાસે આવ્યા અને તેમને બધી વાત કરી. મોરલાદાદાએ તે બન્નેને
તેમની પાસેના વૃક્ષ પર નાનો માળો બનાવી રહેવા કહ્યુ. પુલકિત ખુબ થાકી ગઇ હતી એટલે
સોમે તેને આરામ કરવા કહ્યુ અને પોતે આજુબાજુમાંથી નાના સળેકડા અને પાંદડા શોધવા
લાગ્યો. આજે તેને ખબર પડી કે માળો બનાવવા માટે વસ્તુઓ શોધવી કેટલી અઘરી છે. જેમ
તેમ કરીને તેણે નાનો માળો બનાવ્યો અને પુલકિતને આરામથી સુવાડી દીધી અને પોતે
પોતાના માટે અને પુલકિત માટે દાણા શોધવા નીકળી ગયો. એક કલાકની મહેનત બાદ થોડા દાણા
અને બીજ શોધી તે માળામાં પહોચ્યો ત્યાં પુલકિત હજુ ઉંઘતી હતી. તેને જગાડી થોડુ
ખવડાવ્યુ ત્યાં મોરલાદાદા બન્નેની ખબર પુછવા આવી ગયા.
“કેમ
બાળકો બન્ને જમ્યા કે નહી? ચાલો મારા માળામાં હું તમારા માટે પણ દાણા લાવ્યો છું
આજે.”
“દાદા
અમે દાણા ચણી લીધા હમણા જ. ખુબ આભાર આપનો કે તમે અમારી ધ્યાન રાખવા અને ખબર લેવા
માટે આવ્યા.” બોલતા પુલકિતને તેની માતાની યાદ આવતા તે રડી પડી.
“બેટા
રડવાનુ નહી. આ દુનિયામાં કોઇ કાયમી રહેવાનુ નથી એ સનાતન સત્ય છે. આપણે જોઇએ છીએ કે
માણસ અત્યારે ખુબ શક્તિશાળી બની ગયો છે. તેણે પોતાની સુખ સુવિધા માટે ઘણી વસ્તુઓ
બનાવી લીધી છે. અરે મે તો ત્યાં સુધી સાંભળ્યુ છે કે માણસે પોતાના જેવા જ અને
પોતાની જેમ જ કામ કરી શકે તેવા યંત્રમાનવ પણ બનાવી રાખ્યા છે પણ એ માણસને પણ હજુ
સુધી ખબર નથી કે માતાના ગર્ભમાં બાળક ક્યાંથી આવે છે અને મૃત્યુ બાદ માણસનો જીવ
ક્યાં જાય છે?”
“દાદા
એ માણસ આટલો શક્તિશાળી બની ગયો છે તો તેણે એ સમજવુ ન જોઇએ કે આપણા રહેઠાણ સમાન
વૃક્ષોને કાપે નહી અને જંગલો અને પાણીના સ્ત્રોતને બગાડે નહી?” સોમે પુછ્યુ.
“બેટા,
માણસ જ્યારે સર્વ સત્તાધીશ બની જાય છે ત્યારે તેને નાના જીવોની સુવિધાની કોઇ દરકાર
રહેતી નથી. આ માણસ પહેલા આવો ન હતો. જુના જમાનામાં માણસો વૃક્ષોની કત્લેઆમ કરતા ન
હતા. અરે માણસ એટલો દયાળુ હતો કે આપણા માટે વહેલી સવારે દાણા વેરતો હતો. ઘરની
આંગણે આપણે નિર્ભયતાથી ચણવા જતા હતા. એટલુ જ નહી પાણીના નાના નાના કુંડા પણ ભરી
રાખતો હતો માનવ જેમાથી આપણે ધરાઇને પાણી પી શકતા હતા.
“દાદા
આટલો દયાળુ માણસ આમ ક્રુર કઇ રીતે બની ગયો?” પુલકિતે નિર્દોષતાથી પુછ્યુ.
“બેટા
જેમ જેમ માણસની જરુરિયાતો વધવા લાગી તેમ તેમ તેણે વિશાળ જંગલોને કાપવાનુ શરૂ કરી
દીધુ. ધીમે ધીમે જંગલોનુ સ્થાન વિશાળ મકાનોએ લઇ લીધુ અને આપણું નિવાસસ્થાન છીનવાઇ
ગયુ. પહેલા આપણે માણસોના આંગણે આરામથી ચણવા જઇ શકતા હતા પણ ધીમે ધીમે માણસે પોતાના
ઘરની સજાવટ માટે આપણને કેદ કરવાનુ શરૂ કરી દીધુ. બીક ભય અને ડરને કારણે આપણે
લોકોથી દૂર રહેવાનુ જ શરૂ કરી દીધુ. આપણે તેના આંગણે ચણવા જતા તો ખરા પણ મનમાં સતત
ડર રહેતો કે ક્યાંક તેઓ આપણને કેદ ન કરી લે.
ઘણી
વખત નાના ચકલીના બચ્ચાઓ કે પોપટના બચ્ચાઓ આ રીતે કેદ પુરાયેલા અમે જોયા છે. તેમનુ
જીવન પછી એ પાંજરૂ જ બની જાય છે. માણસ તેને ખુબ સારૂ ખાવાનુ આપે છે પણ મુક્ત બની
વિહરવુ એ આપણો સ્વભાવ છે તે રીતે માણસ આપણને બત્રીસ ભાતના ભોજન જમાડે તેના કરતા
જાતે ઊડાન ભરીને શોધીને ખાધેલા અનાજના બે દાણા આપણને વધુ સંતોષ આપે છે.
“દાદા,
શું માણસ પહેલા જેવો ન બની શકે? તેના હ્રદયમાં હવે જરા પણ આપણા માટે દયાભાવ રહ્યો
નથી? શું તે એ ન સમજી શકે કે આપણામાં પણ જીવ છે અને આપણે પણ ભગવાને સંવેદના લાગણી
આપી છે?” સોમે પુછ્યુ.
“બેટા
આજે આ ઝડપી યુગમાં પણ ઘણા મનુષ્યો એવા છે કે જે આપણને સમજે છે. હજુ આજે પણ ઘણી
જગ્યાઓએ પાણી પીવા માટેના કુંડા રાખે છે, ચણિયારા બનાવે છે અને નિયમિત ચણ નાખે પણ
છે. અરે, માણસ તો તમારા જેવા નાના પક્ષીઓને રહેવા માટે તેના ઘરના રવેશમાં માળા પણ
રાખે છે. પણ બાળકો એક વાત યાદ રાખજો કે માણસને સમજવો ખુબ અઘરો છે, દરેક માણસ પર
આંખ બંધ કરીને ભરોસો ન કરજો. હંમેશા આગળ પાછળ ધ્યાન આપીને અને સાવચેત બનીને રહેજો.
હું જ્યાં સુધી જીવીત છું ત્યાર સુધી તમારી સાથે જ છું. ભલે તમે ચકલી અને હું મોર
છું પણ આપણી વચ્ચે માણસ માણસ વચ્ચે જે કાપાકાપી અને મારામારી છે તેવો વ્યવહાર
ક્યારેય નહી આવે સમજયા દીકરાઓ.????”
“ખુબ
આભાર દાદા. આજે તમારી સાથે વાત કરીને એ મેહસુસ થાય છે કે આ દુનિયામાં અમે એકલા
નથી. એક અનુભવી અને જાંબાઝ મોરદાદા અમારી સાથે હંમેશા છે.” સોમે કહ્યુ.
“હા
દાદા, આજે એક સમજદારીની વાત તો હું પણ તમને કહેશ કે સારૂ છે પરમકૃપાળુ પરમાત્માએ
મને માણસ બનાવી નથી. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે ભગવાન હરએક જ્ન્મમાં
પક્ષી બનાવે અને હું આ કુદરતના ખોળે મુક્ત રીતે અને મીઠા ગીત ગાઇ તેનો આભાર વ્યક્ત
કરુ.”
“હા
દીકરાઓ. ચલો હવે સુઇ જાઓ. કાલે વહેલા ઉઠવાનુ પણ છે ને???” કહેતા સોમ અને પુલકિત
મોરલાદાદાને પ્રણામ કરી માળામાં લપાઇ ગયા.
**********
સમાપ્ત
WRITTEN BY –
RUPESH GOKANI
CONTACT NO. –
80000 21640

Comments
Post a Comment