નવું જીવન - 2

 નવું જીવન - 2



નિરંજનના મૃત્યુ પછી કામિની શિવણ ઉપરાંત ભરતગુંથણ અને મજુરીકામે જવાનુ પણ શરૂ કરી દીધુ હતુ. આટલી તનતોડ મહેનત કરવા છતા પણ જે પણ કાંઇ કમાણી થતી તે તેના સાસુની દવા અને ઘરખર્ચમા વપરાઇ જતી. કારમી મોંઘવારી વચ્ચે બે પૈસા ક્યારેય બચતા નહી. ગામડામા શિવણ અને ભરતગુંથણની બહુ ખાસ આવક ન થતી અને જો શહેરમા રહેવા જાય તો તેને બે ટંક ખાવાના પણ ફાંફા મારવા જેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ હતુ.

              આખો દિવસ કામ કરવાને લીધે કામિનીનું શરીર પણ ઘસાવા લાગ્યુ હતુ. પાંત્રીસ વર્ષની ઉંમરે પણ તે પચાસ વર્ષ જેવી લાગતી હતી. ધીમે ધીમે નાના મોટા રોગ પણ તેના શરીરમા ઘર કરવા લાગ્યા હતા. આથી તેના સાસુના અથાક પ્રયત્નો છતા કોઇ યોગ્ય પાત્ર કામિની માટે મળતુ ન હતુ.

              તેની જ્ઞાતિમાં હવે બધાની પરિસ્થિતિ સધ્ધર થવા લાગી હતી તેથી કામિની જેવી ગરીબ અને વિધવા સાથે કોઇ લગ્ન કરવા તૈયાર ન હતુ. જીવતીબેન તો પરજ્ઞાતિમા પણ ઓ યોગ્ય પાત્ર મળે તો કામિનીના લગ્ન માટે રાજી હતા પણ બીજી જ્ઞાતિમા પણ કોઇ યોગ્ય મળે તો ને???

              પ્રિયાના આંસુએ કામિનીના અસ્તિત્વને ઢંઢોળી નાખ્યુ. તેને તે રાત્રે તેની સાસુના શબ્દો યાદ આવી ગયા, “આખી જીંદગી પડી છે કામિની, બીજા લગ્ન કરી લે.”

              તે મનોમન વિચારવા લાગી કે શું બીજા લગ્ન કરવાથી પરિસ્થિતિ સુધરી જશે? હું જ્યારે નાનકડી હતી ત્યારે પિતાજી મહેતાજીનુ કાર્ય કરતા. ટુંકી આવક વચ્ચે માંડ માંડ ઘરનો નિર્વાહ ચાલતો ત્યારે એમ વિચારતી કે લગ્ન બાદ સારૂ થઇ જશે. પરંતુ લગ્ન બાદ પણ એ જ પરિસ્થિતિ સામે આવી. નાણાકિય ભીડ અને અધુરામા પુરુ નિરંજન મને છોડીને....... તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

              તેના સાસુ જીવતીબેન બહાર ઓસરીમા સુતા હતા. તેને પણ ઉંઘ આવતી ન હતી. પ્રિયા ના આંસુએ તેના ચિતને પણ પરેશાન કરી મુક્યુ હતુ. કામિનીના રડવાના ડુંસકાનો અવાજ સાંભળી તેઓ રૂમમા આવ્યા અને કામિનીના માથે હાથ રાખી બોલ્યા

              “બેટા રડીશ નહી. જીંદગીને આમ રડી રડીને કે નીરાશ થઇને અને હતાશ થઇને પસાર કરવાની નથી. જીંદગીમાં તો સુખ દુઃખ આવે રાખે દીકરી. સુખને હરખથી વધાવી આવકારવાના હોય અને દુઃખને તો સામી છાતીએ ચડી પડકાર ફેંકવાનો હોય. ગમે તેટલા દુઃખ કે મુશ્કેલીઓ આવે, તેમાંથી માર્ગ શોધી આગળ વધવું તેનું નામ જ જીવન છે. દીકરી નાની વયે તારા સસરાનું અવસાન થયુ ત્યારે નિરંજન માત્ર પાંચ વર્ષનો હતો. ત્યારે મારી માથે તો જાણે આભ તૂટી પડ્યુ હતુ. એ જમાનામાં વિધવાઓને બીજા લગ્ન કરવાની છુટ ન હતી. મને ખબર હતી કે માતા-પિતા છે ત્યાં સુધી તો વાંધો નથી પણ આજીવન હું ભાઇ-ભાભીને નહી પોષાઉ આથી સાસરે જ રહેવાનુ નક્કી કર્યુ. સાસુ સસરા,જેઠ-જેઠાણીના મહેણા ટોણા અને કટુ વચનો સાંભળી પારકા કામ કરી જેમ તેમ મે નિરંજનને મોટો કર્યો તેમા સતત પડોશમા રહેતી બકુલાએ મને હિમ્મત આપી. તે મને હંમેશા કહેતી ,”જીવતી જીવન સામે હાર ન માનતી. તેને પડકાર ફેકી તેની સામે ઝઝુમવાનુ હોય. ગમે તેવા દુઃખ પડે તું હિમ્મત ન હારતી. બસ થાકયા વિના સતત તેનો સામનો કરતી રહેજે.” તેના એ શબ્દોને આજ સુધી યાદ કરીને જીવન જીવું છું. મારા જીવનનો અંતિમ સહારો નિરંજન પણ ભગવાને મારી પાસેથી છીનવી લીધો છતા પણ હું હિમ્મત હારી નથી.

              “દીકરી હજુ આજે પણ કહુ છું કે તુ મારી ચિંતા ન કર. બીચારી આ ફુલ જેવી પ્રિયા સામે તો જો. હું ગમે તેમ કરીને મારુ જીવન વીતાવી લઇશ પણ તું ફરી લગ્ન કરી લે. મારી વાત નહી માને તો મને આ ભવ તો શું ભવોભવ મારા જીવને શાંતિ નહી મળે. આજના યુગમાં પૈસા જ સર્વોપરી બની ગયા છે. હું ઘરડી આ ઉંમરે ક્યાં કમાવા જાઉ??? તું આટલી તનતોડ મહેનત કરે છે છતા પણ પૈસાની કટૉકટી ક્યાં ઓછી થાય છે? પૈસા કમાવવા પાછળ પ્રિયા ના ભણતર પર ધ્યાન આપી શકાતુ નથી, માટે તુ પુનર્લગ્ન કરી લે.”

              સાસુ જીવતીબેનની વાત સાંભળી કામિની ધૃસકે ધૃસકે રડવા લાગી , “તમે મહાન છો મમ્મી. તમારા મોલ થઇ શકે તેમ નથી. હું તમને છોડીને કેમ જાંઉ? તમે મને દીકરીથી પણ વિશેષ રાખી છે આ ઘરમાં અને હવે જ્યારે નિરંજન નથી ત્યારે હું સ્વાર્થી બની તમને મુકીને કેમ જતી રહું?”

              “દીકરી તું મને ક્યાં હંમેશા માટે છોડીને જતી રહેવાની છે? લગ્ન બાદ આવતી રહેજે મને મળવા અને રહી વાત મારી તો હું અહી ગામડે મારા જેવડા વૃધ્ધ ઘણા છે તેની સાથે રહીને મારુ જીવન પ્રભુ પ્રિયા માં વિતાવીશ.”

              “તમે આટલી જીદ કરો છો તો હું પ્રિયા  માટે તમારી વાત માની જાઉ છું. તમે કહેશો ત્યાં હું લગ્ન કરવા રાજી છું. તમારી ઇચ્છા સર્વોપરી અને શિરોમાન્ય રહેશે મને.”

              કામિનીની વાત સાંભળી જીવતીબેન ખુબ રાજી થઇ ગયા. તેમણે કામિનીને પ્રેમથી સુવાડી દીધી અને પોતે પણ સુઇ ગયા. બીજા જ દિવસે સવારે તેના પડોશી લલીતાબેનને સમાચાર આપ્યા કે “કામિની માની ગઇ છે. આપણે બન્નેએ જે ઠેકાણું જોયુ હતુ ત્યાં ચાલો જઇ આવીએ.”

              જીવતીબેન અને લલીતાબેન તે જ ગામમા રહેતા અજીતભાઇના પિતરાઇ ભાઇ અરવીંદભાઇ કે જે પાસેના શહેરમાં જ રહેતા હતા અને તેમની પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયુ હતુ તેની સાથે કામિનીનું માંગુ નાખ્યુ.

              અજીતભાઇ તો રાજી જ હતા અને અરવીંદભાઇને પણ તેની ચાર વર્ષની પુત્રીને મા નો પ્રેમ આપી શકે તેવી જીવનસાથીની તલાસ હતી, માત્ર કામિનીના જવાબની જ રાહ જોવાની હતી. આજે કામિનીની હા આવતા જીવતીબેન દોડીને અજીતભાઇને ઘરે ગયા અને આ ખુશીના સમાચાર આપ્યા.

              અજીતભાઇ પણ રાજી થઇ ગયા. બે દિવસ બાદ અરવીંદભાઇને ત્યાં ગામડે જ બોલાવી લીધા અને સાદાઇથી કામિની અને અરવીંદભાઇના લગ્ન કરાવી દીધા. જીવતીબેને દુઃખી હ્રદયે કામિની અને પ્રિયા ને વિદાય આપી. અરવીંદભાઇએ જીવતીબેનને ખુબ આગ્રહ કર્યો સાથે  આવવાનો પણ તે માન્યા નહી અને કામિનીની વિદાય બાદ બે-ત્રણ દિવસ બાદ જ પોતાનો સામાન ભરી તે વૃધ્ધાશ્રમમા જતા રહ્યા.

              કામિની નવા ઘરમા આવી. નાનકડી શૈલી અને પ્રિયા  માટે આ બદલાવ થોડો આશ્ચર્યજનક હતો છતા બાળકો તો બાળકો જ હોય છે તેમ થોડા જ દિવસમાં આ બદલાવનો સ્વિકાર કરી લીધો અને એકબીજા સાથે હળીમળી ગયા. કામિની પણ ધીરે ધીરે અરવીંદભાઇ સાથે હળવા-મળવાનો પ્રયત્ન કરવા લાગી. અરવીંદભાઇની પરિસ્થિતિ પણ બહુ સારી ન હતી તેથી કામિનીએ પોતાના સ્વભાવ મુજબ અરવીંદભાઇનો સાથ આપવાનુ શરૂ કરી દીધુ. બન્ને પતિ-પત્ની સાથે મળી ખુબ મહેનત કરતા અને સુખેથી પોતાનુ જીવન વ્યતિત કરવા લાગ્યા.

            કામિની ઘણીવાર તેના માં સમાન સાસુને યાદ કરી રડી લેતી. અને કયારેક અરવિંદભાઇ તેને સામેથી જીવતીબહેનને મળવા તેડી જતા. જીવતીબહેન તેમના સ્વભાવ વશ વૃધ્ધાશ્રમમાં પણ સારી રીતે સેટ થઇ ગયા હતા.

.....સમાપ્ત.....

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4