લઘુ કથાઓ

 લઘુ કથાઓ 


દસ રૂપિયા

           તને કેટલી વાર સમજાવ્યુ ચોરી કરવી પાપ છે સમજતો જ નથી.”  આઠ વર્ષના રાજેશને તેની માતા વિજ્યાબહેને મારતા મારતા ગુસ્સા પુર્વક કહ્યુ.

           “કેટલો મારવો છે હવે, મુક?” જીતેશભાઇએ (રાજેશના પપ્પા) વિજ્યાબહેનનુ બાવડુ પકડીને દુર કરતા કહ્યુ.

           “સમજતો જ નથી જોવ ને આજે પણ દસ રૂપિયા કોઇક ના લેતો આવ્યો. આપણે ગરીબ ભલે છીએ પણ આપણી ખાનદાની કયાં ઓછી છે? બે માણસ સંભળાવી જાય એ મને જરાય પસંદ નથી.” વિજ્યા બહેનની બડ બડ ચાલુ જ રહી. હળવેકથી નજીક આવીને રાજેશે કહ્યુ,

           “મા, મારી વાત તો સાંભળ. મે કોઇ ચોરી નથી કરી. આજે સાહેબ ઘરે જતા હતા ત્યાં નિશાળના ગેઇટ પાસે તેનુ પાકીટ પડી ગયુ. હું તેની ગાડી પાછળ દોડીને આપવા ગયો. તેને ગાડી ઉભી રાખી અને મને શાબાશી આપતા દસ રૂપિયા ઇનામ આપ્યા. મેં ના પાડી તો પણ આપ્યા. બાકી તે તારા સમ આપ્યા પછી હું કોઇ દિવસ ચોરી નથી કરતો. હું તને ખુબ જ પ્રેમ કરું છુ.” રાજેશની વાત સાંભળી વિજ્યા બહેનની આંખ ભીની થઇ ગઇ અને તેને રાજેશને ગળે વળગાડી લીધો.

મને બચાવો:

           “પપ્પા, પ્લીઝ આને ના કાપો.” વેંદાતે તેના પપ્પા અમરીશભાઇને કહ્યુ.

           “બેટા, ઝાડ કાપ્યા વિના ચુલો કેમ સળગાવીશુ?”

           “છાણા અને કેરોસીન, નકામા કાગળ કોઇ પણ નો ઉપયોગ થઇ શકે છે.”

           “બેટા, એ બધુ કાંઇ એકઠુ કર્યુ નથી. અત્યારે આપણી આસપાસ આટલા ઝાડ છે તેનુ લાકડુ શેના કામનુ છે?”

           “તમારે ચુલો જ પેટાવવો હોય તો મારા હાથ પગ કાપી લો. તેમાં કોઇ નિર્દોષના ઘર તો નથી.”

           “વેંદાત, આ શુ બોલે છે? કાંઇ ખબર પડે છે?” અમરીશભાઇએ ગુસ્સો કરતા કહ્યુ.

           “મને તો બધી જ ખબર પડે છે. તમે જ કાંઇ વિચારતા નથી. ઝાડ કાપીને તમે બિચારા પશુ પંખીના માળા વિખી નાખો છો. વાતાવરણ માટે જરૂરી ઓક્સિજનનો સ્ત્રોત છીનવી લો છો અને બહુમુલ્ય વરસાદનુ પ્રમાણ પણ ઘટાડી રહ્યા છો.”

           “મારો દીકરો બહુ શાણો. આજથી હું વૃક્ષ કાપીશ નહિ પરંતુ રોજ બે નવા ઉગાડીશ.” અમરીશભાઇએ વેંદાતને વહાલથી કહ્યુ.



પડી ગયા



           “તમને કેટલી વાર પૈસાની કિંમત સમજાવી? એમ કેમ પચાસ રૂપિયા પાકીટમાંથી પડી ગયા?” સ્વરૂપે તેના વુધ્ધ પિતા આલોકનાથ પર તાડુકતા કહ્યુ.

           “તમે એને પૈસા જ શા માટે આપો છો? તેમને પૈસાની શી જરૂર છે. ખાવા પીવાનુ બધુ ફ્રીમાં તો મળી જાય છે.” સ્વરૂપની પત્ની દામિનીએ છણકો કરતા કહ્યુ.

           “આવડા મોટા થયા તો ય પૈસા ન સાચવી શકે. દિવસભર મહેનત કરીને પૈસા મળે છે. કાંઇ હવામા લટકતા નથી.” બડબડ કરતો સ્વરૂપ પોતાના રૂમમાં જતો રહ્યો.

           અત્યાર સુધી નીચુ મો કરીને સાંભળતા આલોકનાથ નીચુ મોં કરીને જ પોતાના રૂમમાં જતા રહ્યા. ત્યારે નાનકડાં પ્રથમે દાદા સામે અને તેના કાદવ વાળા કુર્તા સામે જોતા કહ્યુ,

           “દાદા તમે આજે ફરી પડી ગયા?”

           “હા, કાદવમાં પગ લપસ્યો અને મારી સાથે પાકીટ પણ પડ્યુ અને એમાંથી પચાસ રૂપિયા ક્યાંક પડી ગયા.” ભીની આંખે આલોકનાથે કહ્યુ.

 

શીર્ષક: આંસુ



        “તે હજુ હાંફી રહ્યો હતો. હજુ શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. પરસેવાના બિંદુ અને અશ્રુબિંદુ બંન્ને એવા એક સાથે જોડાય ગયા હતા કે કંઇ ખારાશ કોની છે તે સમજવુ મુશ્કેલ હતુ.

        લોકો તેને પાગલ કહેતા હતા. રઘલો પાગલ. હા, તે પાગલ જ હતો. મેઘનાની પાછળ પાગલ. તેની ઉડતી કાળી કેશ કલાપનો પાગલ. તેની આંખોની ઉલાળનો પાગલ.

        મેઘના તેની કોલોનીમાં તેની સામેના મકાનમાં રહેતી હતી. રોજ સવારે જયારે તે ઓફિસે જવા નીકળતો ત્યારે તે કોલેજ જવા માટે તૈયાર થતી હોય અને સાંજે બંન્ને એક જ બસમાં ઘરે આવતા તે ટયુશન કલાસથી આવે અને પોતે ઓફિસેથી.

        તે જરા અમથી સ્માઇલ આપતી ત્યારે હજારો ગુલાબો દિલમાં મહેંકી ઉઠતા. રોજ શબ્દો આવીને ગળા પાસે અટકી જતા. બસ મૌન જ બંન્ને વચ્ચે રહેતુ. મૌન જ તેમના પ્રેમનુ સાક્ષી.

        હૈયામાં રોજ અનેરા સ્પંદનો થઇ આવતા. આ સ્પંદનો તેને રોજ નીત નવીન રીતે તૈયાર થવા અને પરફ્યુમથી મહેંકી ઉઠવા પ્રેરતા. મોટા ભાગની આવક તેમાં જ વપરાય જતી.

        એકવાર ઘરમાં મમ્મી ન હતા ત્યારે તે આવી હતી દુધ લેવા માટે ત્યારે તેનો મીઠો મધુરો અવાજ પહેલીવાર સાંભળ્યો હતો.

        રોજ સવાર સાંજ તેના શબ્દો મનમાં ગુંજ્યા કરતા. એક દિવસ સાંજે તે બસમાં ન દેખાઇ ત્યારે હ્ર્દય બે ધબકારા ચુકી ગયુ. અમંગળ એંધાણ કોણ જાણે કેમ મનમાં ઘુમરાવા લાગ્યા. ચિત્ત કયાંય ચોંટતુ જ ન હતુ. આઁખો દોડી દોડીને તેના દરવાજા તરફ જતી હતી. પરંતુ કોઇ તેના ઘરે હતુ જ નહિ.

        રાત્રે જમતા જમતા મમ્મીએ ગરમા ગરમ રોટલી પીરસતા પીરસતા કહ્યુ,

        “પેલી સામેના મકાનમાં રહેલી મેઘલી નથી! તેને એરુ આભડી ગયો. સવારના દવાખાને લઇ ગયા હતા. હમણાં ખલાસ થઇ ગઇ. બિચારી ભર જુવાનીએ કોડ અધુરા મુકીને જતી રહી.”

        હાથમાં કોળિયો એમ ને એમ રહી ગયો. હૈયુ ફાટ ફાટ થવા લાગ્યુ. પોક મુકીને રડવુ પણ કેમ? આખરે કોણ હતી તે પોતાની? દબાવી દીધેલા આંસુઓ ખખડાટ હાસ્ય રૂપે અડધી રાતે નીકળી પડયા. લોકોએ પાગલ ઠેરાવી દીધો.

        બટકુ રોટલા માટે આજે પણ ભાગી રહ્યો હતો. લોકોના મારના બીકથી આંસુઓ વહી જતા હતા.    

 

કાળો ઓછાયો



         તેણીને રોજ રાતે કાળો ઓછાયો દેખાતો ખુબ જ ડર લાગતો. સંધ્યા ઢળતા જ તે ફફડવા લાગતી. હમણાં રાત જાણે વેરણ બની ગઇ હતી. તે બધા કામ કરીને રાત્રે નવ વાગ્યે કામ કરી પરવારી નવરી થઇ જતી. રાત્રે નવથી સવારે છ વાગ્યે સુરજનુ કિરણ દેખાય ત્યાં સુધી સતત દિલની ધડકન તેજ રહેતી.

                કાળો ઓછાયો ભ્રમ હતો કે હકિકત તે ખબર ન હતી. રાતે બેડરૂમ હોય કે હોલમાં ગમે ત્યાં કાળા રંગનો પડછાયો તેની આસપાસ ઘુમ્યા કરતો. આસપાસના લોકોને તે કહેતા ડરતી કે લોકો તેનો મજાક ઉડાવશે એટલે કોઇને તે કહેતી ન હતી અને પરિવારમાં તો કોઇ હતુ જ નહિ જેની પાસે જઇ તે પોતાનુ મન હળવુ કરી શકે. વર્ષોથી એકલી રહેતી રીટાને આજે પરિવારની કમી મહેસુસ થતી હતી.

                એ રાતે તેના પતિ સાથે એટલો મોટો ઝઘડો ન કર્યો હોત તો તેને હ્રદયનો એટેક ન આવ્યો હોત અને આજે તેનો સાથ તો હોત. તેના તુડ મિજાજ ને કારણે આજે કોઇ જ ન હતુ તેની સાથે જેને પોતાની ભાવના કહી શકે.

 



Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4