નવું જીવન

 નવું જીવન


      દસ વર્ષની પ્રિયા ઘરે આવીને ખુબ જોરથી રડવા લાગી. તેના માતા-તો કામે ગયા હતા. તેના દાદીએ તેને રડવાનુ કારણ પુછ્યુ પણ પ્રિયા કાઇ ન બોલી. તે રડવા લાગી અને થોડીવાર બાદ પાણી પી ઘરલેશન કરવા લાગી.

              સાંજે તેની માતા ઘરે આવી એટલે તેના દાદીએ તેને બધી વાત કરી. તેની માતાને પણ પ્રિયાનું રડવું વિચિત્ર લાગ્યુ. તે પ્રિયા પાસે ગઇ અને માથે હાથ ફેરવી પ્રેમથી તેણે પ્રિયાને પુછ્યુ , “બેટા શું થયુ? કેમ રડતી હતી?

              પ્રિયા જોરજોરથી રડવા લાગી અને પોતાની ભાષામા તેણે તેની માતાને કહ્યુ “મા આજે બુધવાર હતો આજે ફરીથી શાળાના આચાર્ય મને પ્રાર્થનામા ઉભી કરીને ખીજાયા કે પ્રિયા સારા કપડા પહેરીને આવજે. ક્લાસમાં ટીચર પણ મને વઢ્યા કે પ્રિયા નોટબુક લઇને આવજે, પાટીમા લેશન નહી ચલાવું. મા મને પણ બીજા છોકરાઓની જેમ નવા કપડા અને સરસ નોટબુક અને પેન્સિલ એ બધુ લઇ દે ને.”

              “બેટા તને પણ હું બધુ લઇ દઇશ પણ હમણા નહી પછી. આપણી પાસે પૈસા આવશે એટલે એ બધુ હું તને લઇ આપીશ.”

              “મા હું જયારે તને કહુ છું ત્યારે તુ આ જ બહાનુ કાઢે છે કે હમણા નહી પછી. આપણી પાસે પૈસા નથી એમ કહી તુ ટાળી દે છે. મા આપણી પાસે પૈસા કેમ નથી? આપણી પાસે પૈસા ક્યારે આવશે?? મારી શાળામા ભણતા બીજા બધા છોકરાઓના માતા-પિતા પાસેપૈસા છે  તો આપણી પાસે કેમ નથી???”

              પ્રિયાની વાત સાંભળી તેની માતા કામિની સમસમી ગઇ પણ તે પ્રિયા ને શું સમજાવે? તેણે પ્રિયાને ફોસલાવી પટાવી જમાડી દીધી અને પછી તેને સુવડાવી દીધી. પ્રિયા તો સુઇ ગઇ પણ તેના સવાલો કામિનીને ઘેરી વળ્યા. પ્રિયા ના સવાલોએ કામિનીના મનને બેચેન કરી મુક્યુ. પૈસા..... પૈસા.... પૈસા......  તેને આજે એ મેહસુસ થતુ હતુ કે પૈસા વિનાની જીંદગી કાંઇ છે જ નહી. આજે આ પૈસાએ જ નાનકડી દસ વર્ષની ફુલ જેવી બાળકીની જીંદગી નર્ક જેવી બનાવી દીધી. દુનિયામા બસ પૈસા જ બધુ છે. કામિનીએ પ્રિયાને તો સુવડાવી દીધી પણ હવે તેને ઉંઘ આવે તેમ ન હતી. તે ઘરનુ બધુ કામ પતાવી અને પલંગ પર પ્રિયા ની બાજુમા આડી પડી પરંતુ તેની આંખમા ઉંઘ ન હતી. અનેક પ્રશ્નો તેની આંખમાં હતા. તેને પોતાનો ભુતકાળ નજર સમક્ષ દેખાવા લાગ્યો.

              કામિનીના લગ્ન બાર વર્ષ પહેલા નિરંજન સાથે થયા હતા. કામિની તેના માતા-પિતાનુ એક માત્ર સંતાન હતી. તેના પિતાજીની આર્થિક હાલત બહુ સારી ન હતી. આથી નિરંજન કે જે પ્રાઇવેટ કંપનીમા કામ કરતો હોવા છતા પણ કામિનીના લગ્ન તેની સાથે ગોઠવી દીધા. નિરંજનના પિતા પણ તેને નાની ઉંમરે છોડીને અવસાન પામ્યા હતા. આથી નિરંજનની માતા જીવતીબેને તેને જેમ તેમ કરીને ભણાવ્યો. પૈસા અને લાગવગના અભાવે તેને કોઇ સારી નોકરી મળી નહી તેથી તે એક ખાનગી કંપનીમા નોકરીએ લાગી ગયો. કામિનીના લગ્ન બાદ તેણે પોતાના ઘરની આર્થિક કટોકટી પહોંચી વળવા શિવણકામ શરૂ કર્યુ. થોડા સમયમાં કામિનીને સારા દિવસો દેખાયા તેથી તેના સાસુ જીવતીબેનની સલાહ થી તેણે શિવણકામ મુકી દીધુ. પ્રિયા ના જન્મ બાદ નિરંજનના ટુંકા પગારમાંથી ચાર જણાનો ખર્ચ કાઢવો મુશ્કેલ થતો જતો હતો આથી તેઓ બધા નજીકના ગામડે રહેવા ચાલ્યા ગયા. થોડા સમય બાદ તેના સાસુ જીવતીબેનને બ્લડ પ્રેસર અને શ્વાસની બિમારી ઘર કરી ગઇ આથી દવાઓના ખર્ચને પહોંચી વળવા પ્રિયા  નાનકડી હતી છતા ગામડે જઇ કામિનીએ શિવણકામ ફરી શરૂ કરી દીધુ. ઘરનો ખર્ચ અને તેના સાસુના દવાના ખર્ચને પહોંચતા માંડ માંડ મહિનો પુરો થતો હતો. પ્રિયા ને પણ પાંચ વર્ષની થતા ગામડાની સરકારી શાળામા જ અભ્યાસ માટે બેસાડી હતી છતા પણ પ્રિયા ના અભ્યાસનો થોડો ખર્ચ ટુંકી આવકમાં બહુ ભારે પડતો હતો. તેઓ માંડ માંડ કરીને દિવસો ગુજારતા હતા. તેમના માટે જીવનનો અર્થ એટલે જ કઠોર મહેનત થતો હતો.

              આટલુ દુઃખ ઓછુ હોય તેમ એક દિવસ અચાનક નિરંજનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ. કામિની માથે તો જાણે આભ તૂટી પડ્યુ. નાનકડી પ્રિયા  અને બિમાર સાસુની જવાબદારી તેની એકલીના શિરે આવી પડી. તેના માતા-પિતા પણ ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. કામિની રોજ ઇશ્વર પાસે જઇ રડતી કે “ હે ભગવાન દુનિયાના બધા દુઃખ મારા નસિબમાં જ લખ્યા છે કે શું? એક દુઃખને પહોંચી વળવા જઉ ત્યાં બીજુ દુઃખ સામે જ ઉભુ હોય છે. કેમ આટલી કૃરતા વરસાવે છે ભગવાન? જ્યાં કાંઇક સુખનુ મૃગ જળ દેખાય ત્યાં દુ;ખનો પહાડ સાથે જ હોય.”

              ભગવાન પણ ક્યારેક આંખ આડા કાન કરી દે છે તેમ કામિનીના જીવનમાં સુખનો સુરજ ઉગતો જ ન હતો. રોજ રોજ બસ થોડા પૈસા માટે ખુબ મહેનત કરવી પડતી હતી. તે રોજ સવારે વહેલા ઉઠીને ઘરનુ કામકાજ પુરૂ કરી મજુરીએ જતી. સાંજે ઘરે આવીને શિવણ કામ કરવા લાગતી જયાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી મહેનત કરીને રાત્રે સુઇ જતી. આમને આમ સખત મહેનત વચ્ચે નાનકડી પ્રિયા ના અભ્યાસ પર પણ ધ્યાન અપાતુ ન હતુ. તેના સાસુ પણ પોતાનાથી બનતી મદદ કરતા અને બે પૈસા કમાતા. કયારેક બિચારા દવાના અભાવે પણ ચલાવી લેતા. પ્રિયા  પણ સમજુ હતી કયારેય કોઇ વસ્તુ માટે જીદ ન કરતી પણ શાળામાં તેને ટીચર ખીજાતા ત્યારે તેને બહુ દુ:ખ થતુ.           

              નિરંજનના મૃત્યુ બાદ કામિનીને તેના સાસુ જીવતીબહેને કહ્યુ , “બેટા હજુ તારી ઉંમર બહુ નાની છે. આખુ જીવન તારી સામે પડ્યુ છે. આ દુનિયામા સ્ત્રી તરીકે એકલુ રહેવુ અને આખી જીંદગી પસાર કરવી ખુબ મુશ્કેલ છે. મે એકલીએ આખી જીંદગી પસાર કરી છે તે મને ખબર છે. નિરંજનના બાપુ તે બહુ નાનો હતો ત્યારે અમને બન્નેને એકલા છોડી જતા રહ્યા હતા. પણ ત્યારે જમાનો સારો હતો તે મે જેમ તેમ કરીને નિરંજનના સહારે દિવસો કાઢી નાખ્યા પણ આજે તો યુગ બદલાઇ ગયો છે દીકરી અને તારે તો સંતાનમાં પણ એક દીકરી છે. તેના ભવિષ્ય અને તારા સારા માટે તુ પુન:ર્લગ્ન કરી લે. તારા લગ્ન થશે તો પ્રિયા ને એક પિતાનો પ્રેમ પણ મળી રહેશે.”

 

              “ના મા. આ વિચાર હું સ્વપ્ને પણ ન કરું. તમને એકલા મુકીને હું ફરી લગ્ન કરુ તો મારા સંસ્કાર લજવાય. જેમ પ્રિયા  મારી જવાબદારી છે તેમ તમે પણ મારી જવાબદારી છો. તમને એકલા મુકીને હું લગ્ન કરીને જતી રહુ તો નિરંજનની આત્માને પણ દુઃખ થાય.”

 

              “દીકરી મારી ચિંતા તુ ન કર.હું તો કોઇ વૃધ્ધાશ્રમમાં જઇ જીવનના અંતિમ વર્ષો કાઢી નાખીશ પણ તારી પાસે તો આખી દુનિયા પડી છે, માટે બેટા જીદ ન કર અને મારુ માનીને કોઇ સારુ પાત્ર મળે તો તુ લગ્ન કરી લે. આપણા ઘરની પરિસ્થિતિ તો તને ખબર છે. નિરંજનનો પગાર અને તારી શિવણની આવકથી માંડ આ ઘર ચાલતુ હતુ. હવે તો નિરંજનનો પગાર પણ બંધ થઇ ગયો છે માટે પ્રિયા ના સારા ભવિષ્ય માટે લગ્ન કરી લે દીકરી. તમને બન્નેને ખુશ થતા જોઇ મારુ પણ કાળજુ ઠરે દીકરી માટે મારી વાત માની લે.”

 

              “ના મમ્મી,મહેરબાની કરીને મારા પર દબાણ ન કરો. આટલુ બોલતા જ કામિની રડવા લાગી એટલે જીવતીબહેને તેના લગ્નની વાત છોડી દીધી પણ છાનામાના તે કામિની માટે તેને યોગ્ય પાત્રની શોધ ચાલુ જ રાખી હતી. તેના સગા સબંધીઓ મારફત પણ તે કામિનીને સમજાવવાનો પ્રયત્ન કરતી પણ કામિની એક ની બે ન થતી.

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4